ચાંદનીના હંસ/૩૬ સમુદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સમુદ્ર|}} <poem> સમુદ્રમાં સળ વળતી લિપિ અકળ, પદ્મ ઊઘડતું અમેય છે કે છે આ જલધિના જળ? હું ઉકેલી નહીં શકીશ ક્યારેય આ જળમાં થરકતી પળ કે પળમાં સરકતા જળ, તે છતાં પણ આંખ માંડીને સતત જોયા ક...")
(No difference)

Revision as of 09:57, 16 February 2023


સમુદ્ર

સમુદ્રમાં સળ
વળતી લિપિ અકળ,
પદ્મ ઊઘડતું અમેય છે
કે છે આ જલધિના જળ?

હું ઉકેલી નહીં શકીશ ક્યારેય આ
જળમાં થરકતી પળ
કે પળમાં સરકતા જળ,
તે છતાં પણ
આંખ માંડીને સતત જોયા કરું છું.

ઘૂઘવતા ઊભરાય છે રવ.
રવના સમુદ્રો ઉછળતા
આવી ચડે અંગાંગ ઉપર.
બળપૂર્વક કાય ફોડી ઊંડે પ્રવેશે રક્તમાં.
હાડકે બાઝી રહેલું માસ આખું લવણભીના નાદ સામે હચમચે.
ને હાડના પોલાણમાં ઝરપે સમુદ્રો નીલ.
ઉછળતા અફળાય ચારેકોર પાછા કાય ફોડી બ્હાર...
જ્યાં બદનના તલ જેવડો
ઝીણો બચેલો હું
નાવ લઈ નીકળી પડે પેટાળમાં.

હર હલેસે આળખે લિપિ અકળ,
આંખ માંડીને સતત જોયા કરું છું.

૨૨-૧૨-૮૮