ચાંદનીના હંસ/૫૪ નદી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નદી|}} <poem> દેહની રાત્રિઓનાં ખડકાળ મેદાનો ચીરી રૂપેરી ઝરણાંઓના અનંત ફીણમાં પરપોટાતી વહ્યે જાય છે એક નદી. કરાડ કેરી ભેખડો ફોડી ફરી વળે. ફરી વળે કાંઠાતોડ પાણી લોહીમાં ઉછાળા માર...")
(No difference)

Revision as of 10:37, 16 February 2023


નદી


દેહની રાત્રિઓનાં ખડકાળ મેદાનો ચીરી
રૂપેરી ઝરણાંઓના અનંત ફીણમાં પરપોટાતી
વહ્યે જાય છે એક નદી.
કરાડ કેરી ભેખડો ફોડી ફરી વળે.
ફરી વળે કાંઠાતોડ પાણી લોહીમાં ઉછાળા મારતા
ચંદ્રની જાંબલી પીળાશ લઈને.
ફરતીમેર ફેલાયેલા ગામ ઉ૫૨ જળનું આવરણ પાથરે.
ફરી આછરે.
દ્વાપર, ત્રેતા અને સતયુગની ગાથા ગાતા પાષાણો
તમરાં-કંસારી થઈ ગૂંજતા ચકરાય
સ્થળમાં, તળમાં ને રક્તમાં.
મહાનદની કર્બુર છાયાઓમાં પાંગરે
નિગૂઢ અજવાળાનું અધારભીનું રહસ્ય.
નીતરાં પાણીમાં લીલા લીલા મ્હોંના એાળા મેં જોયા છે.
વ્હેંતિયો પિણ્ડ ધરી આવી ફેંકાયો પૃથ્વી પર
એ પહેલા પામ્યો છું પાણીનો અર્થ.
અણિશુદ્ધ તેજસ્વી રૂપ
ધારણ કરે પૃથ્વી પરના અનેકાનેક રંગ.
રંગોની બારાખડીમાં રૂપની પારદર્શક રમણા.
ફરી વળે ફરતીમેર ને ફરી આછરે.
ત્યારે પામી શકાય અણિશુદ્ધ તેજસ્વી રૂપ.
દૂર ક્ષિતિજોની ધાર ઉપર ઊઠતા અવાજોમાં
ઘેરા રંગે ઘુંટાયેલ મેઘ બની ત્રાટકે
ને એકઝાટકે ઘા કરી પળભરમાં ઓગાળે રંગોને.
છંટાતી વાછંટોમાં અફળાતા બારી બારણે
અંધકારના ઓરડાઓ ઊઘડતા જાય
ત્યારે રહી રહીને કાનની ગુફાઓમાં ટપકે એનો રહ્યોસહ્યો ઉજાસ.
બળ્યો જળ્યો દોડ્યે જાઉં દિવસની તડકીલી જાજમ પર
ને દેહના બદલાતા પ્રહરોમાં સ્થિર થઈ ચળકી ઊઠે નદી.
મારા અસ્તિત્વની મુગ્ધ મૈથુનરત પ્રકૃતિને ઉન્માદ માણતી
પાછળ મૂકતી જાય ગામે ગામ સાથે
જ્યાં કશે પણ જે મળ્યો તે સમય.
એ અંતઃસ્રોતા સાથે
રાતભર ઊંઘમાં બબડતા વાત કરે
ગામ, શહેર અને નિર્જન વનરાજિઓ
જ્યાં અનાયાસ આવી મળે
પૂર્વજોના પડછાયા અને અનાગત પેઢીઓના ઓળા.
પૃથ્વીની ત્વચા તળે ઓગળતા અસ્થિમાં
ને ફણગાતા બીજના અંકુર ઉપર
પ્રસરતા જળમાં સૂર્યનું મત્ત ચુંબન તગતગે.
ઊંવા ઊંવાના અર્થહીન ઉચ્ચારણથી આગળ વધેલાં ઝરણ
વસ્તુઓના ખૂણે ખાંચરે ફરી વળે.
સર્વાશ્લેષી જળ
શબ્દની શોધમાં
અળવીતરા આકારોમાં આમતેમ ઊંડા ઊતરે.
શબ્દે શબ્દે વિસ્તારે વસ્તુઓનું જગત.
પણ શબ્દ ક્યાં?
અવાજના અવિરત વ્હેળે વેડફાઉં છું સતત.
દરિયાઈ સમયને કાંઠે
મૃણ્મય ખોળિયે જનારના પગલાંના ઘાવ સહેતો ઝંખું છું
આખે આખી નદી વહાવી દે એવો શબ્દ.
કાંઠાઓમાં બાંધી બંધાય એવી નથી
આ નદી.
ઉછાળા મારતા પાણી સાથે
ફરતીમેર ભોંયના ફાડચાઓ ફેંકતી
અમૂર્તને પામવાને અમૂર્ત થવા આતુર
આ નદી
ભળી જશે.
ન જાણે ક્યાં?
પ્રચંડ જળરાશિની અન્તહીન અખિલાઈને
પામ્યો છું ક્યારેક
દેહના બદલાતા પ્રહરોમાં.

૧–૧–’૮૭