ચાંદનીના હંસ/કવિ મૂકેશ વૈદ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ મૂકેશ વૈદ્ય|}} {{Poem2Open}} કવિ મૂકેશ વૈદ્યનો જન્મ તા. ૩૧-૭-૫૪ના રોજ ચીખલી (જિ. વલસાડ)માં. એમનાં કાવ્યોમાં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિનાં સુંદર ગતિશીલ સંવેદનચિત્રો મળે છે. (જેમકે, ‘તી...")
(No difference)

Revision as of 10:48, 16 February 2023


કવિ મૂકેશ વૈદ્ય

કવિ મૂકેશ વૈદ્યનો જન્મ તા. ૩૧-૭-૫૪ના રોજ ચીખલી (જિ. વલસાડ)માં. એમનાં કાવ્યોમાં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિનાં સુંદર ગતિશીલ સંવેદનચિત્રો મળે છે. (જેમકે, ‘તીથલ દરિયે’માંની આ પંક્તિઓઃ ‘નાળિયેરીનાં તીણાં રુંછાં પંપાળતી/ચંદ્રરેખની ફરતે/પીળું જાંબલી જળકુંડાળું બની/મારું ઘર/ મને ઘેરી વળે.’) શિક્ષક પિતા પ્રિયવદન વૈદ્યનો સાહિત્યપ્રેમ મૂકેશને વારસામાં મળ્યો. પિતા સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યના પણ અભ્યાસુ. એમની એક પંક્તિ – ‘જે જીવને ઝૂઝવાનું નહીં, એ જીવનને જીવવું શું?’ એમનો વારસો મૂકેશે ઝીલ્યો ને આગળ ધપાવ્યો. માતા હંસાબહેનના કંઠે ગવાતાં પ્રભાતિયાં અને ભજનોએ મૂકેશમાં લય તથા સર્ગશક્તિના સંસ્કાર સીંચ્યા. વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા ચીખલીમાં; પછી ૧૯૭૦માં એસ.એસ.સી. મુંબઈમાં. ૧૯૭૪માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી. કૉમ., બે વર્ષ લૉનો અભ્યાસ; ૧૯૮૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ., મુંબઈમાં વસવાટના કારણે એમનાં કાવ્યોમાં નગર-જીવનની વિ-સંગતિ સહજ પ્રગટવા લાગી. બૅન્કમાં નોકરી, હાલ નિવૃત્ત. લતાબહેન સાથે આંતરજ્ઞાતિય લગ્ન, બે દીકરીઓ હિરણ્ય અને ઋત્વિજા. ચિત્રકળામાંય અપાર રસ. ૧૯૮૩થી ૨૦૧૬ સુધી, ૩૩ વર્ષ, મુંબઈમાં યોજાતા કળાકૃતિના પ્રદર્શનોની સમીક્ષા કરતી આસ્વાદમૂલક કટાર ‘કળાજગત’ શીર્ષકથી ‘જન્મભૂમિ’ દૈનિકમાં લખી. મૂકેશનાં કાવ્યોમાંય પંક્તિએ પંક્તિએ જાણે ચિત્રકારની પીંછી ફરે છે ને સંવેદનસભર સરરિયલ કલ્પનશ્રેણી થકી એ કવિતા પ્રગટાવે છે. આ કવિએ યુરોપના કવિઓની કવિતાનો સઘન અભ્યાસ કર્યો છે. (ઓક્તાવિયો પાઝ, લોર્કા, માર્ક સ્ટ્રાન્ડ એમના પ્રિય કવિઓ.) આથી તેઓ લોકપ્રિયતાની કે તાત્કાલિક કીર્તિની પરવા કર્યા વિના શુદ્ધ કવિતાને પામવા માટે સતત ઓતપ્રોત રહે છે. એમનાં કાવ્યોને સ્ફટિક જેવો કલાઘાટ આપવા મથે છે. સુરેશ જોષીએ એમનાં કાવ્યો ‘એતદ્’ તથા ‘સાયુજ્ય’માં પ્રગટ કરેલાં. મૂકેશમાં કવિતાની પાકી સમજ છે. ‘ચાંદનીના હંસ’ના નિવેદન ‘મારી વાત’માં એમણે નોંધ્યું છેઃ ‘રસાત્મક શક્તિ દ્વારા કલ્પનામૂલક અને સંસ્કારમૂલક વ્યાપારો પ્રત્યક્ષ કરવા માટેની ભાષાકીય મથામણ એટલે કવિતા.’ મૂકેશના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ચાંદનીના હંસ’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું તખ્તસિંહ પરમાર પારિતોષિક મળેલું. ‘દેશવટાનું ગીત’, ‘નદી’, ‘ગતિ-સ્થિતિ’, ‘વરસાદ’, ‘તીથલ દરિયે...’, ‘પવન’, ‘પથ્થર’, ‘સમુદ્ર’, ‘સ્વગતોક્તિ’, ‘કાળું છિદ્ર’, ‘ખાબોચિયું’, ‘છાપરું’, ‘ટ્રેન’, ‘અજિત દેસાઈનાં ચિત્રો જોતાં’ જેવાં મૂકેશની મુદ્રાવાળાં વિલક્ષણ કાવ્યો મૂકેશ વૈદ્ય પાસેથી મળ્યાં છે. એમની કવિતાને સિતાંશુ યશશ્ચન્દ્ર, ચન્દ્રકાન્ત ટોપીવાળા, રાધેશ્યામ શર્મા, જયંત પારેખ, શિરીષ પંચાલ, નીતિન મહેતા જેવા વિવેચકોએ પોંખી છે. ૩૧-૧-૨૦૨૩ – યોગેશ જોષી