વસ્તુસંખ્યાકોશ/આમુખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પૂર્ણ)
(No difference)

Revision as of 01:08, 3 March 2023

આમુખ

સ્વ. રતિલાલ નાયક સંગૃહીત અને ડૉ. ભારતી ભગત સંપાદિત ‘વસ્તુસંખ્યાકોશ’ આ વિષયોનો ગુજરાતી ભાષામાં પહેલી વાર જ લખાઈને વિસ્તૃત સ્વરૂપે બહાર પડી રહ્યો છે. કવિવર્ય દયારામભાઈની ‘વસ્તુવૃંદ દીપિકા’ પદ્યાત્મક સ્વરૂપનો કોશ છે. પણ એ તો ખૂબ જ નાનો છે. સંસ્કૃત ભાષાના ગદ્યપદ્ય ગ્રંથોમાં સંખ્યા બતાવવા ખાસ કરીને સંવત્સર અને શાકેનાં વર્ષો બતાવવા તેમજ તિથિઓના આંક બતાવવા નામનો ઉપયોગ કરવામાં આવે છે; જેમ કે रसै स्द्रैच्छिन्ना यमनसभलागैः–शिखरिणी વૃત્તમાં ય ગણ, મ ગણ, સ ગણ, ભ ગણ અને ૧ લઘુ, ૧ ગુરુ અને ૧૭ અક્ષર કે શ્રુતિ (Syllable) અનેક ચરણમાં આવે અને છ તથા અગિયાર અક્ષરોએ યતિ આવે.’ અહીં रस=છ અને रुद्र=૧૧, કારણ કે રસના છ પ્રકાર છે, જ્યારે પુરાણોમાં रुद्र ૧૧ છે, સૂર્ય ૧૨, વેદ ૪ છે, આંખ ૨ છે, ચંદ્ર ૧ છે. આ સુપ્રસિદ્ધ સંખ્યાઓ છે.

સંખ્યાનિર્દેશક શબ્દસંખ્યા બતાવતાં પ્રથમના ૨૭ પૃષ્ઠોમાં ૦ (શૂન્ય) થી લઈ ૮૪ લાખ સુધીની, એ રીતે કે ૦ થી ૩૩,૩૫,૩૬, ૩૮, ૩૯, ૪૧, ૪૪, ૪૯, પર, ૫૪ થી ૫૬, ૬૦, ૬૪, ૭૨, ૮૪, ૮૮, ૯૪, ૯૬, ૧૦૧, ૧૦૫, ૧૦૮, ૧૧૪ અને ૮૪ લાખ. આ અંકોને આપનારા શબ્દો આ ક્રમે આપવામાં આવ્યા છે. આટલા બધા શબ્દો એકજ સ્થળે તે તે અંક આપવાનો પ્રયત્ન દાદ માગી લે છે. અનેક સંસ્કૃત ઉપરાંત ભાષાના ગ્રંથોના વાચન અને પરિચય પછી જ આ કાર્ય સંપન્ન થઈ શકે. કવિ દયારામનો પ્રયત્ન નાનો, પણ મહત્ત્વનો હતો અને એ એક માત્ર. આવો વિશાળ પ્રયત્ન પ્રથમ અંકો કોના ક્રમે અને પૃ. ૨૮થી હવે અકારાદિ ક્રમે છેક પૃ. ૨૫૨ છેલ્લા પૃષ્ઠ સુધી. અહીં એક જ ઉદાહરણ નમૂના તરીકે બતાવું. ‘સ્વર’ શબ્દ નીચે ઉદાત્તાદિ ૩ સ્વર, ગાનના ૪ સ્વર, લિપિના ૫ સ્વર હ્રસ્વ. (અહીં એમણે ‘એ’, ‘ઓ’ ને હ્રસ્વમાં ગણ્યા છે, ત્યાં ‘ઋ', ‘લૃ' મૂકવા વધુ સ્વાભાવિક થાય), ૫ સ્વર દીર્ઘ (અહીં’ ‘ઋ’ ને ‘એ’ ‘ઓ’ ઉમેરતાં ૭ થાય) (‘અનુસ્વાર’ અને ‘અનુનાસિક’ સ્વર નથી), બલ બાલવ વગેરે ૭ સ્વર ઇત્યાદિ.

બેશક, મતભેદ રહેશે. પણ આટલી ચોકસાઈથી કરવામાં આવેલ પ્રયત્ન જ્ઞાનની દૃષ્ટિએ પણ ખૂબ જ લાભપ્રદ છે. ડૉ. ભારતી વેદાન્તના વિદ્યાર્થિની છે. અને સ્વ. રતિભાઈના સંગ્રહમાં તેમણે ષડ્-દર્શનની વિગતો તથા સાહિત્યની વિગતો ઉમેરીને કોશને વધુ સમૃદ્ધ બનાવ્યો છે. એમણે સેંકડોની સંખ્યામાં પારિભાષિક શબ્દો પણ લીધા છે. જૈન, બૌદ્ધ, વગેરે ધર્મસંપ્રદાયેામાં વપરાતા એવા શબ્દ પણ અહીં નોંધવામાં આવ્યા છે, ‘અખાડા (સાધુ બાવાઓના) ૫ અને ૧૮ બન્ને પ્રકારના ગણાવ્યા છે. ‘અગ્નિ’ ૩,૩,૬,૭,૧૧ એ પ્રકારો પણ પ્રત્યેક નામ આપી બતાવ્યા છે. ‘અગ્નિજિહ્વા’ ૭, ‘અગ્નિપત્ની’ ૧૬, ‘અજાયબી’ ૭, ‘અણુવ્રત’ ૪, ‘અદાલત’ ૪, ‘અધિકારી’ ૧૮, ‘અનુપપત્તિ (વેદાંતમત) ૭, ‘અભિનયમુદ્રા ૨૪, અભિસારિકા ૩, ‘અલંકાર’ (કાવ્યના ૩, આશીર્વાદ વગેરે ૩૩, કાવ્યના ૪૪ અને ૭૦) ‘અવતાર’ ૧૦, ૧૫, ૧૭, ૨૨, ૨૩, ૨૪, ‘અવસ્થા’ના ૨, ૩, ૩, ૩, ૪, ૪, ૫, ૫, ૬, ૭, ૯, ૧૦, ૧૨, ૫૪. તેને પ્રત્યેક નામ સાથે. ઉપરાંત પરિશિષ્ટ-૧માં અંકસંખ્યા, કાલમાપન, વેપારી લોકોની સાંકેતિક ભાષા (પ્રાચીન)નો સમાવેશ કર્યો છે. પરિશિષ્ટ-૨માં દશાવતાર, રસ, ઋતુ, તીર્થંકર, જુદા જુદા ધર્મને લગતી માહિતી વગેરે તથા પરિશિષ્ટ-૩માં નોંધેલી સામગ્રી ઝીણવટથી ભેગી કરેલી છે. વળી કેટલીક સામગ્રીનો પુરવણીરૂપે સમાવેશ કર્યો છે. આમાં એટલું બધું છે કે સંક્ષેપમાં બતાવવા જતાં પાનાનાં પાનાં ભરાય. આવો કષ્ટમય અને માહિતીસભર કોશ તૈયાર કરવા માટે ડૉ. ભારતીબહેન ભગત ધન્યવાદને પાત્ર છે. ફરી ઉમેરું કે ગુજરાતી ભાષામાં આ ‘અનન્ય’ પ્રયત્ન છે.

મધુવન
કેશવરામ કા. શાસ્ત્રી
 
અમદાવાદ-૩૮૦ ૦૦૬
 
તા. ૩૧-૭–૯૧