સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/તિજોરીની કૂંચી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} મને પૂછો તો હું વાતોમાંથી જ શીખું છું — એટલે કે માણસમાંથ...")
 
(No difference)

Latest revision as of 08:50, 26 May 2021

          મને પૂછો તો હું વાતોમાંથી જ શીખું છું — એટલે કે માણસમાંથી. ચોપડીઓ વાંચીએ છીએ, તે તો તાળો મેળવવા. બોલાતા શબ્દોમાં જે જાદુ છે, તે તો જુદું જ છે. હવે, વાતમાંથી શીખવા નીકળ્યા હોઈએ તો, આની જોડે વાત થાય ને આની જોડે નહીં — એ કેમ પાલવે? આપણને શી ખબર કે કોની જીભ ઉપરથી આપણે માટેનો શબ્દ સરકી આવશે? પરમેશ્વર કોની દ્વારા બોલશે, કોણ કહે? આપણી પોતાની જાતને ઓળખવા માટે પણ બીજાની વાતોનો ઓછો ઉપયોગ નથી. શિક્ષકો જાણે છે કે જેવા વિદ્યાર્થીઓ, એવી પોતાની વાણી. સામેનું માણસ જો તેજસ્વી હોય, તો તમારું પણ ઉત્તમ સ્વરૂપ બહાર ઊપસી આવવા પ્રયત્ન કરવાનું જ. ઘણીય વાર આપણને આપણી વાણી સાંભળી તાજુબી થતી નથી? આ તિજોરીમાં આ ધન કયે ખૂણે આટલા દિવસ પડી રહ્યું હતું, એવું આપણને એ વખતે થતું નથી? આ હકીકત જ આપણી સાથે વાત કરનારાઓનું મહત્ત્વ કરવા બસ છે. તિજોરીની કૂંચી તમારી પાસે ક્યાં છે? તમારે તો જે માણસ મળે તેની સાથે વાતો કર્યે જવાની અને ક્યારેક, એમ હજારો ઝૂડા અજમાવ્યા પછી, બનવાજોગ છે કે એકાદ કૂંચી લાગુ પડી જાય.