અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/થાક લાગે: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ના, ના, નહીં આવું, મેળે નહીં આવું, {{space}}મેળાનો મને થાક લાગે; મારે વહે...") |
(No difference)
|
Revision as of 09:52, 28 June 2021
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું,
મેળાનો મને થાક લાગે.
ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે;
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.
એના પાવાનો સૂર ક્યાંય હલક્યો?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે,
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૫)