અનેકએક/લખતાં લખતાં: Difference between revisions
(Created page with "<center>'''લખતાં લખતાં'''</center> <poem> કાગળને ઝીણું કાતરું છું કોરાપણું શોધું છું લખતાં લખતાં મારી ક્ષરતાનાં એક પછી એક પડળ ઊંચકાતાં જાય છે અક્ષરઝાંખી થઈ જાય... * લખતાં લખતાં લખાઈ જાય અક્ષરો ઘૂંટાઈ...") |
(No difference)
|
Revision as of 00:56, 25 March 2023
કાગળને
ઝીણું કાતરું છું
કોરાપણું શોધું છું
લખતાં લખતાં
મારી ક્ષરતાનાં
એક પછી એક પડળ
ઊંચકાતાં જાય છે
અક્ષરઝાંખી થઈ જાય...
લખતાં લખતાં
લખાઈ જાય
અક્ષરો ઘૂંટાઈ જાય
આકૃતિ રચાઈ જાય
લખતાં લખતાં
શબ્દો સુધી પહોંચ્યા તંત
અણધાર્યા
નિર્મમપણે કપાઈ જાય
અને વધુ એક આરંભ
હાથમાંથી સરી જાય
લખતાં લખતાં
લખાતું નથી
ડુંગર ખૂંદવા છતાં
શિખર પર પહોંચાતું નથી
સામે ઊભો થતો હોય અન્ય ડુંગર અને
હાથની ધજા
હાથમાં જ રહી જાય એમ
લખતાં લખતાં
ગબડી પડાય
અતળ કોરાપણામાં
લખતાં લખતાં
અક્ષરોના મરોડોમાં વહ્યા કરું છું
કાગળની સપાટી પર પથરાયેલું
ઊંડાણ જોઉં છું
તાકું છું તાગું છું
સપાટી પર રહી ઊંડાણેથી
ઊંડાણે ઊતરી સપાટી પરથી
અક્ષરોને
બેઉ તરફથી ઉકેલવા મથું છું
લખતાં લખતાં
થાકી જાઉં હારી જાઉં છું
દાવ દેવાઈ જાય
બાજી સંકેલાઈ જાય
લખતાં લખતાં
તડકો ડૂબી જાય
દરિયો ઊડી જાય
આકાશ ઓસરી જાય
લખતાં લખતાં
આંગળીઓ અકડાઈ જાય
શ્વાસ લડથડી જાય
કોરો કાગળ જીતી જાય
લખતાં લખતાં
ક્યારેક કાગળ ઊઘડી જાય
ભીતર લઈ જાય
અક્ષરોને ખોલી ઝગમગ
ઝગમગમાં ઊઘડતાં આકાશ
આકાશમાં ઊછળતા સમુદ્ર
સમુદ્રોમાં ઝબૂકતાં પંખી
દેખાડે
પંખી સમુદ્ર આકાશ ઝગમગને
અક્ષરોમાં ગોઠવતાં ગોઠવતાં કોઈવાર
પાછા ફરવાની દિશા
ખોવાઈ જાય
લખતાં લખતાં
શબ્દનો અર્થ અર્થનું અજવાળું
અજવાળાનો આહ્લાદ
મળતાં જાય
મેળવેલું ઘણં બધું
લખતાં લખતાં ખોવાતું જાય
લખતાં લખતાં
લખવું અઘરું છે
લખતાં લખતાં અટકવું કપરું છે
લખતાં લખતાં
ભૂંસવું સરળ છે
હાથવગું છે
લખતાં લખતાં વિચારું છું
આ હાથ
આ કલમ
કે આ કાગળ લખે છે?
કે આ હાથ કલમ પકડી
કાગળ પર લખે છે?
કે કલમ અને કાગળ લખે છે?
કે હું લખું છું?
લખતાં લખતાં વિસર્જિત થાઉં છું
કે લખતાં લખતાં હું રચાતો આવું છું?
લખતાં લખતાં
અક્ષરોનાં નિરંતર કંપનોમાં
નિષ્કંપ થતો જાઉં છું