અનેકએક/બજાર: Difference between revisions
(Created page with "{{center|'''બજાર'''}} <poem> બજાર રાઈના પર્વત વેચે ટચલી આંગળી પર ઊંચકી બૂમબરાડા પાડે ખરીદદારોથી ખદબદતા બજારમાં કોઈવાર એવુંય બને કે રડ્યોખડ્યો કોઈ ચૂપચાપ આવી ચડી ચપટીક રાઈ માગે ત્યારે આખું બજાર...") |
(No difference)
|
Revision as of 00:43, 26 March 2023
બજાર
બજાર
રાઈના પર્વત વેચે
ટચલી આંગળી પર ઊંચકી બૂમબરાડા પાડે
ખરીદદારોથી ખદબદતા બજારમાં
કોઈવાર એવુંય બને કે
રડ્યોખડ્યો કોઈ ચૂપચાપ આવી ચડી
ચપટીક રાઈ માગે
ત્યારે આખું બજાર મૂંઝાઈ મરે
ઘાંઘું થઈ વેરાઈ જાય
આટઆટલા પર્વતો નહિ ને ચપટીક રાઈ
...તે... શું..
ઝરણાંથી ઘેરાઈ ઊભી
આ ઢોળાવોવાળી ટેકરી જુઓ
બરફથી છવાયેલો આ પહાડ
કેવો તો લહેરાઈ રહ્યો છે
અરે, વાદળો સાથે વાતો કરતો આ ડુંગર
આકાશમાં પથરાઈ ગયો છે
છેવટે કંઈ નહિ તો આ ખડક લઈ જાઓ
એને ભાંગશો તો મુઠ્ઠેમુઠ્ઠા રાઈ
જિંદગીની જિંદગી ખૂટશે નહિ
પણ ચપટીક રાઈ... તે... શું...
તો વળી કોઈ અકળ ચોઘડિયે
કોઈ અજાણ્યા જેવો જણ આવી કહે,
મારે પર્વત જોઈએ છીએ
બજાર હેબતાઈને એને જોઈ રહે
ગૅંગૅં ફેંફેં થઈ જાય
ડું..ગ્ગ..ર્ર્.. સાચુકલો ડુંગર... તે... શું...
શા માટે...
પણ બાહોશ બજાર તરત કળી જાય કે
આને ડુંગરથી રાઈ જેટલુુંય ઓછું નહિ ખપે
ત્યારે એના હાથમાં એ તરણું પકડાવી દે!
છે તે આ તરણા ઓથે જ છે
દેખાશે
જુઓ જુઓ દેખાય છે
ન દેખાય તો પણ છે
હશે જ હોય જ હોવો જોઈએ