શાંત કોલાહલ/સ્મરણ: Difference between revisions
(+created chapter) |
(No difference)
|
Revision as of 17:02, 27 March 2023
મેઘને ગોરંભ છાયું અષાઢગગન.
જલની ઝર્મરભીનો ભમે ધુમ્રશ્યામ સમીરણ :
અડૂકદડૂક ભરે અહીં તહીં ફાળ,
તરુતરુ કેરી જાય ઝુલવીને ડાળ,
પાંદની પડાળે લપાઈને વિહંગમ બેઠાં મીંચી નિજ આંખ
ડયનને કાજ એની ખોલી દિયે પાંખ;
ધરિત્રીના ધૂળનો ય બદલાય રંગ,
ઝૂકી ઝૂકી ઝીલી વહી રહે એની ગંધ.
એકાન્ત ઘરની ઓસરીના હિંદોલપે ઝૂલી રહું મંદ મંદ;
પગને અંગુઠે માત્ર અડી ભૂમિઅંગ.
નયને લહાય એની નયને જ છવિ
નહિવત્ છાયા એની
વિકલ્પ વિહીન મનમહીં.
સહસા પ્રાંગણથી જે દૂર તે સકલ પામે લય
નીહાર-નિહારિકાને ઉર :
કોઈનો યે રહે નહિ પરિચય.
અતીત લોકથી ત્યહીં આવે મૃદુ ગાન
અરવ બોલની મધુરિમા લહે અતીન્દ્રિય કાન.
કોણ તે અતિથી આવે આજ મારે ભવને
તેજને તોખાર આવે કોણ તે સવાર?
વ્હાલી એવી વાતની વધાઈ દીધી પવને
ઊજળી રેણુ જો ઊડે નભની મોઝાર.
ચિર પરિચિત લય, લયનો લહેકો, સૂર, શબ્દ...
કરે હૃદય વિવશ !
ભાવને ઉછાળ,
હે લોકાન્તરવાસી !
તને ઢૂંઢે મુજ આતુર નયન :
ક્યાંય નહી રેખ, વર્ણ; માત્ર સીમાશૂન્ય આ ગગન.
અતીવ આકુલ મુજ પ્રાણ
આવેગથી જાય ધસી એક સૂક્ષ્મ સૂરને સંધાન.
અનંતનાં અગોચર નિરીહ ગહન... શી ભર્ત્સના !
પરિશ્રાન્ત પ્રાણ : પામે સહજ મૂર્ચ્છના.
વાંકી આ કેડીની આડે રૂખડાં હજાર તો યે
નજરું મંડાય રે જઈ અણદીઠ તીર,
પુરાણી પિછાણને અણસાર લિયે આળખી ને
હેતની છોળ્યુંમાં ભીંજે ઝીણેરું મલીર!
શિરને કુંતલ પ્રિયની અંગુલિ રમે
એમ રમી રહે શ્રવણમાં સૂર :
અહીં કહીંથી જ એનો ઊગમ અદૂર.
કંઇક પાંપણ કેરી જવનિકા ખસે અને
બકુલતરુની છાંય મહીં
આનંદવિભોર તને લહી
નીલનિકુંજના એકાન્તમાં ગીતને ગુંજન
ગૂંથતી બે સેર તણો એક ફૂલહાર
મહીં મહીં શોભનને ગુચ્છ સુકુમાર.
એ મધુ ગંધનો રાગ ઝીલી વેણું મહીં મેં ય રેલ્યો વનેવન,
આપણા હૃદયને કંપન નિખિલનો લયલોલિત પવન !
નયને નિવારી દૂરતા સમૂળગી ને
અળગું તે વસિયું છે આજ મારે ઉર:
આદિનાં બિંદુમાં આવી શમિયાં, સંસાર કેરા
સઘળા ઘેઘૂર સૂર, પચરંગ પૂર.
નયને નયન...
પછી કાંઈ ન લહાય એવાં આપણે બે જણ.
એક
જગનું અવર ત્યહીં વિલોપન છેક.
નહીં દેશ, નહીં કાલ
હૃદયને એક માત્ર તાલ
અનાહત છંદ...
ત્યહીં પ્રશાન્ત આનંદ!
સહસ્ત્ર વર્ષની નિદ્રા કેરું જાણે સરે આવરણ...
કમલની શત શત પાંખડી ખૂલે ને ઝીલું તેજનાં ઝરણ.
ફરીને હું નીરખું નિખિલ :
વરસી ગયેલ ઘન; ઊજળાં પ્રકાશ, તરુપાન, નભનીલ.
ઘરની ઓસરી એની એ જ
ઝૂલણે હું ઝૂલું સ્હેજ સ્હેજ...
સૂનું તો ય લાગે, સૂનું, પ્રિયની વિદાય...
ક્ષણને આંગણ આવી ગયું રે અતીત
એની જલમાં ન પગલી જણાય.