શાંત કોલાહલ/૭ જૂઠી રીસ: Difference between revisions
Jump to navigation
Jump to search
૭ જૂઠી રીસ
(+created chapter) |
(No difference)
|
Revision as of 01:38, 28 March 2023
જૂઠી તે રીસને રાગે
નેપુર તારાં રુમઝુમ રુમઝુમ વાગે;
રૂપાળવી !
કામનાં હજાર કાંઈ બ્હાનાં કાઢીને
આંહીં અમથી ન આવતી લાગે.
અમથી નજર વાળી લેતી ભલે ને
રહે છણકાની રીત નહિ છાની,
સાચા તે રૂપિયાની હોડ આ અમારી
જંઈ ઓછો ન, સોળસોળ આની.
કાચી તે આમ હોય ઝાઝી કઠિન
હોય ખાટી યે કંઇક તો સવાદે.
મીઠાને હાથ અમે મારીએ ખટાઈ
એને અમરત મીઠી તે કરી લઈએ,
અવળાની સંગ અમે અવળે વ્હેવાર
એલિ ! રાજીનાં રેડ બની રહીએ;
આવડો ફૂંફાડો ન રાખીએ નકામ
એને નાનો ગોવાળિયો ય નાથે.