એકોત્તરશતી/૪૦. સેકાલ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તે સમય(સેકાલ)}} {{Poem2Open}} હું જો કાલિદાસના કાળમાં જન્મ્યો હોત તો ભાગ્યયોગે નવરત્નની માળમાં દશમું રત્ન બનત, એક જ શ્લોકમાં સ્તુતિ ગાઈને રાજા પાસેથી ઉજ્જયિનીના નિર્જન છેડે વનથી ઘે...") |
(No difference)
|
Revision as of 15:44, 29 March 2023
હું જો કાલિદાસના કાળમાં જન્મ્યો હોત તો ભાગ્યયોગે નવરત્નની માળમાં દશમું રત્ન બનત, એક જ શ્લોકમાં સ્તુતિ ગાઈને રાજા પાસેથી ઉજ્જયિનીના નિર્જન છેડે વનથી ઘેરાયલું ઘર માગી લેત, રેવાના તટ પર ચંપાના વૃક્ષની નીચે સંધ્યા સમયે સભા બેસત ત્યારે ક્રીડાશૈલ પર મનની મોજ પ્રમાણે કંઠ મોકળો મૂકત, મદાક્રાંતા તાલમાં જીવનનૌકા વહી જાત— જો હું કાલિદાસના કાળમાં જન્મ્યો હોત.
ચિંતાને મે તિલાંજલિ આપી હોત, કોઈ ઉતાવળ ન હોત. જાણે કે મૃત્યુ અને જરા છે જ નહીં એમ મંદ પગલે ચાલત. છયે ઋતુને ભરી દઈ ને સ્તરે સ્તરે મિલન થાત. અને છ સર્ગમાં એની વાત કાવ્યમાં ગૂંથાયેલી રહેત. વિરહદુઃખ લાંબું હોત. તપ્ત અશ્રુ નદીની પેઠે દીર્ઘકરુણ કથા રચીને મંદગતિએ ચાલત. આષાઢ માસમાં મેઘની જેમ મંદતાથી ભરેલા જીવનમાં જરી પણ ઉતાવળ ન હોત.
પ્રિયાના ચરણપ્રહારે અશોકકુંજ ખીલી ઊઠત, પ્રિયાના મુખની મદિરાથી બકુલ પ્રફુલ્લી ઊઠત. પ્રિયસખીઓનાં સૌ નામ રેવાને કાંઠે કલહંસના કલધ્વનિની પેઠે છંદને ભરીને ગુંજી રહેત. કોઈ નામ મંદાલિકા, કોઈ નામ ચિત્રલેખા, મંજુલિકા, મંજરિણી એમ કેટલાં નામ રણઝણી ઊઠત. ચૈત્રની ચાંદની રાતે કુંજવનમાં તેઓ આવત. પ્રિયાના ચરણપ્રહારે અશોકની શાખા ખીલી ઊઠત.
કાળાકેશમાં કુરબકની શિખરાકૃતિ(રચીને) પહેરત, કોણ જાણે કયા કામ માટે હાથમાં લીલાકમલ રહેત. કુંદ ફૂલથી અલક સજાવત, કર્ણમૂલે શિરીષ પહેરત, મેખલામાં નવનીપની માલા ઝુલાવત, ધારાયંત્રમાં સ્નાન કર્યાં પછી કેશને ધૂપનો ધુમાડો દેત. લોધ્ર ફૂલની સફેદ રજ બાલા લાલ મુખે લેપત. કાલાગુરુની ગાઢ સુગંધ એના શણગારે લાગી રહેત. કાળા કેશમાં કુરબકની માલા ગૂંથી હોત.
કુમકુમની પત્રલેખાથી છાતી ઢંકાયલી રહેત. અંચલની કિનાર પર હંસયુગલો આંકેલાં હોત. આષાઢ માસે વિરહમાં પ્રિયતમની આશમાં જોઈ રહેત. પુજાના એક એક પુષ્પથી બેઠી બેઠી દિવસ ગણત, છાતી પર વીણાને ધારણ કરીને ગીત ગાતાં ગાતાં શબ્દો ભૂલી જાત. લૂખાવાળ અશ્રુભરી આંખો પર ખસી ખસીને પડત. મિલનની રાતે પગનાં એ વાંકાં ઝાંઝર ઝણકી ઊઠત. કુમકુમની પત્રલેખાથી છાતી ઢંકાયલી હોત.
વહાલની સારિકાને પ્રિયતમનું નામ શિખવાડત. કંકણના રણકારથી મોરને નચાવત. કપોતને છાતી સરસું ધરીને મુખથી બુચકારત. સારસીને કમળકળીઓ લાવીને ખવડાવતી હોત. કેશને કંપાવીને વેણીને ઝુલાવીને શૌરસેની ભાષામાં બોલત, ગળે વીંટળાઈને કહેત, ‘હલા, પિય સહી’ (અરે, પ્રિય સખી). નાના આંબાને ક્યારામાં જળ સીંચત, વહાલની સારિકાને પ્રિયતમનું નામ શિખવાડત.
નવરત્નની સભામાં એક ખૂણામાં સ્થાન પામત. દૂરથી દિંગનાગાચાર્યને પ્રણામ કરત. હું આશા સેવું છું કે એ સમયે ભદ્રજનને છાજે એવું નામ હોત — કાં તો વિશ્વસેન, દેવદત્ત કે વસુભૂતિ. સ્ત્રગ્ધરા કે માલિનીમાં બિંબાધરનાં સ્તુતિગીતમાં બેચાર નાની મોટી પોથીઓ રચી દેત. જલદી જલદી શ્લોક રચના પૂરી કરીને ઘેર જાત. નવરત્નની સભામાં એક ખૂણામાં સ્થાન પામત.
હું જો કાલિદાસના કાળમાં જન્મ્યો હોત તો કઈ માલવિકાની જાળમાં બંદી બન્યો હોત તે જાણતો નથી. કયા વસંત મહોત્સવમાં વેણુવીણાના મધુરનાદ વચ્ચે મહોરેલા કુંજવનની ગુપ્ત આડશમાં કયા ફાગણની ધવલ રાત્રિએ યૌવનના નવીન નશામાં રાજાની ચિત્રશાલામાં અચાનક કોનું દર્શન પામત? આંબાની ડાળે એનો અંચલ કોઈ બહાને ભરાઈ જાત—જો હું કાલિદાસના કાળમાં જન્મ્યો હોત.
હાય રે ક્યારનો વહી ગયો છે કાલિદાસનો કાળ. પંડિતો એની તારીખ સાલ વિષે વિવાદ કરે છે. એ બધાં વર્ષો ખોવાઈ ગયાં છે. ઇતિહાસ મૂંગો છે. ગયાં તો બલા ટળી, નકામો કોલાહલ! હાય રે એની સાથે તે કાળની પુરનારીઓ, નિપુણિકા, ચતુરિકા, માલવિકાની મંડળી પણ ગઈ. વરમાળાનો થાળ કયા સ્વર્ગમાં લઈ ગઈ? હાય રે ક્યારનો વહી ગયો છે કાલિદાસનો કાળ.
જેની સાથે મિલન થયું નથી તે સૌ વરાંગના વિરહના દુઃખથી મને અન્યમનસ્ક બનાવે છે. તો પણ મનને આશ્વાસન છે કે નારીના મુખની મદિરાની છાંટ ન પામવા છતાં બકુલનાં ફૂલ વૃક્ષ પર એવાં ને એવાં ફૂટે છે. ફાગણ માસમાં અશોકની છાયામાં અલસ પ્રાણે અને શિથિલ દેહે દક્ષિણથી વાતો વાયુ તેવો ને તેવો મીઠો લાગે છે. અનેક બાજુથી અનેક પ્રકારનું સાંત્વન મળી રહે છે. જોકે એ સૌ વરાંગનાએ અરેરે ક્યાંય નથી.
હવે વર્તમાન કાળમાં મર્ત્યલોકમાં જેઓ છે એમનું રૂપ કાલિદાસની નજરને સારું જ લાગત, બૂટમાજાં પહેરે છે, ટટ્ટાર ચાલે છે, પરદેશી ઢબે વાતચીત કરે છે, તેમ છતાં જુઓ કાલિદાસના કાળમાં જોવા મળત તેવો જ કટાક્ષ એમની આંખોના ખૂણામાં જોવા મળે છે. નિપુણિકા, ચતુરિકાના શોકમાં મરવું નથી, ભાઈ! એ સૌયે મર્ત્યલોકમાં બીજે નામે છે જ.
હમણાં તો હવે એ આનંદથી હું ગર્વથી નાચતો ફરું છું કે કાલિદાસ તો માત્ર નામથી (જીવે) છે પણ હું તો (ખરેખર) જીવતો છું. એના કાળના સ્વાદ, ગંધ હું તો થોડાં થોડાં પણ પામું છું. પણ મારા કાળનો તો કણ પણ એ મહાકવિ પામ્યા નથી. વેણી ઝુલાવતી આ આધુનિક વિનોદિની જે ચાલી જાય છે મહાકવિની કલ્પનામાં એની છબી ન હતી. હે પ્રિયે, તારા તરુણ નેત્રનો પ્રસાદ યાચી યાચીને હું કાલિદાસને હરાવી ગર્વથી નાચતો ફરું છું.