દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૨. ભૂભામિની વિશે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૨. ભૂભામિની વિશે|ભુજંગી છંદ}} <poem> લીલાં ચીર ચોખાં ધર્યાં આપ અંગે, જુઓ જાણિયે જે ભરાણી ઉમંગે; રસીલી રચ્યો વેષ રૂડો રૂપાળો, ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો. છવાઈ રહ્યા અન્ના છોડ છાજ...")
(No difference)

Revision as of 09:48, 8 April 2023


૩૨. ભૂભામિની વિશે

ભુજંગી છંદ


લીલાં ચીર ચોખાં ધર્યાં આપ અંગે,
જુઓ જાણિયે જે ભરાણી ઉમંગે;
રસીલી રચ્યો વેષ રૂડો રૂપાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.

છવાઈ રહ્યા અન્ના છોડ છાજે,
રુડી રીત રોમાવળી જેમ રાજે;
નિધી નીરનો નાભિ જેવો નિહાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.

ભલો ઠામ ઠામે દિસે ભેજ કેવો,
વળ્યો જાણીયે પંડ માંહી પ્રસેવો;
નદી નીર રેલા તણો છે ઉછાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.

ફુલ્યાં ફુલના ઝાડના ક્યારડા છે,
ધર્યા જાણીએ હોંશથી હારડા છે;
મણિ શ્વેત માળા સમાને મરાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.

રુડા મોરના શોર શા હું વખાણું,
સતી જાણીએ ગાય છે શુદ્ધ ગાણું;
રૂડો કંથ દેખી દિલેથી ઉછાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.

ગિરી શીખરે વાદળાંની ઘટા છે,
છુટેલા ભલા ચોટલાની છટા છે;
લઘુ પર્વતો ને ધરે કુચ ઢાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.

ધ્વજા દેવળો ઉપરે ખેલ ખેલે,
છબીલી છુટા છેડલા જેમ મેલે;
જુઓ હેમનો કુંભ ત્યાં જુક્તિવાળો
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.

થઈ ધૂળ ધોવાઈને સ્વચ્છ સારી,
કરી સ્નાન જાણે બની શુદ્ધ નારી;
ઝગે છીપ જાણે કરે ચક્ષુ ચાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.

ચહુ પાસ પંખી ઉડે આસપાસે,
ભલો ગંધ લેવા ભમ્યા ભ્રંગ ભાસે;
વિશેષે દિસે વેષ રૂપે રસાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.

રવી અસ્ત ટાણે મળી જુક્તિ મોટી,
ધરી જાણીએ કાનમાં બે અકોટી;
ધર્યો સાડલો રંગ રાતે પનાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.

પતી મેઘ આકાશ ચોપાસ આવ્યો,
મણી મોતી તે કેટલાંએક લાવ્યો;
સતીનો થયો દેહ દેખી સુખાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.

પતી મેઘરાજાતણો પામી પ્યાર,
સજવ્યા પતીદેવ શૃંગાર સાર;
પુરો હર્ષ પામી પ્રિયા પૃથ્વિ નામે,
દિઠી દેવી જેવી જ દલપત્તરામે.