દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪૮. આકાશ તથા કાળ વિષેની ગરબી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૮. આકાશ તથા કાળ વિષેની ગરબી|}} <poem> જોયા બે જૂના જોગીરે, કહે સૈયર તે કોણ હશે? નથી નિર્બળ કે કાંઈ રોગીરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. અધઘડી થાતા નથી અળગા રે સૈયર તે કોણ હશે? એમ એક બીજા...")
(No difference)

Revision as of 15:09, 11 April 2023


૪૮. આકાશ તથા કાળ વિષેની ગરબી


જોયા બે જૂના જોગીરે, કહે સૈયર તે કોણ હશે?
નથી નિર્બળ કે કાંઈ રોગીરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
અધઘડી થાતા નથી અળગા રે સૈયર તે કોણ હશે?
એમ એક બીજાને વળગ્યારે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
મન ધારી પરસ્પર માયારે, કહે સૈયર તે કોણ હશે?
બંનેની એક જ કાયા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
એક સ્થિર રહે એક દોડેરે, કહે સૈયર તે કોણ હશે?
પણ જણાય જોડે જોડેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
મણીઓની* પહેરી માળારે, કહે સૈયર તે કોણ હશે?
દીસે છે રૂડા રૂપાળા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
વળી વસ્ત્ર ધર્યા વાદળિયારે, કહે સૈયર તે કોણ હશે?
બે ગોળ ધર્યાં માદળિયારે*, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
વસ્તીમાં વળી વગડાંમારે, કહે સૈયર તે કોણ હશે?
ગિરિરાજતણી ગુફાંમારે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
છે પવન-પાવડી પાસેરે, કહે સૈયર તે કોણ હશે?
અંતરિક્ષ પણ એ ભાસેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
પાતાળે પણ તે પેસેરે, કહે સૈયર તે કોણ હશે?
જઈ સ્વર્ગ નરકમાં બેસેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
એની ઉમ્મર કંઈક ગણે છેરે, કહે સૈયર તે કોણ હશે?
પણ ભૂલી ફરી ભણે છેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
કંઈ ઉપજે અને ખપે છેરે, કહે સૈયર તે કોણ હશે?
પણ એ તો એના એ છેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
કોણ જાણે જનમ્યા ક્યારેરે, કહે સૈયર તે કોણ હશે?
ક્યાં સુધી કાયા ધારેરે, જ્યાં જાઉં ત્યાં વાસ વસે.
એનો આદી અંત ન આવેરે, કહે સૈયર તે કોણ હશે?
સખી કોણ મુજને સમજાવેરે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
અચરજ સરખું આ ઠામેરે, કહે સૈયર તે કોણ હશે?
દિલે દીઠું દલપતરામેરે જ્યાં જોઉં ત્યાં વાસ હસે.