દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૦. પૃથ્વી રૂપી નટડી વિષે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૦. પૃથ્વી રૂપી નટડી વિષે|}} <poem> સખી જો મોટા મેદાનમાં, અદ્‌ભુત રીતે આજ; નટડી નાચે છે. પેખીને અચરજ પામીઓ, સૌ વિદ્વાન સમાજ; નટડી નાચે છે. કોણ જાણે આવી ક્યાં થકી, ફરતી દેશ વિદેશ; નટડી...")
(No difference)

Revision as of 15:12, 11 April 2023


૫૦. પૃથ્વી રૂપી નટડી વિષે


સખી જો મોટા મેદાનમાં, અદ્‌ભુત રીતે આજ; નટડી નાચે છે.
પેખીને અચરજ પામીઓ, સૌ વિદ્વાન સમાજ; નટડી નાચે છે.

કોણ જાણે આવી ક્યાં થકી, ફરતી દેશ વિદેશ; નટડી નાચે છે.
નાટકના ભેદ ભલા ભણી, બની સ્વરૂપે બેશ; નટડી નાચે છે.

એક કીધો ખેલ ખરેખરો, વિગતે કહું તે વાત; નટડી નાચે છે.
અણજાણ્યા જન માને નહિ, એવી વાત અઘાત; નટડી નાચે છે.

નિજ શરીર સંકોચન કરી, થઈ ગઈ ગોળમટોળ; નટડી નાચે છે.
મેં દીઠું તેના દેહનું, દડા પ્રમાણે ડોળ; નટડી નાચે છે.

તે ગણવંતીએ ગોઠવી, અંગપર વસ્તુ અનેક; નટડી નાચે છે.
કોઈ ચોંટી એના અંગમાં, કોઈ તો છૂટી છેક; નટડી નાચે છે.

પશુ પક્ષી પ્રાણી બહુ ધર્યાં, સ્થાવર જંગમ જાત; નટડી નાચે છે.
કેટલાંએક છોટાં છોકરાં, મોટાં પણ પ્રખ્યાત; નટડી નાચે છે.

વળી ગાત્ર ઉપ બહુ ગોઠવ્યા, પ્યાલા પાણી ભરેલ; નટડી નાચે છે.
પછી દડાની પેઠે દડવડી, ખૂબ કર્યા ત્યાં ખેલ; નટડી નાચે છે.

પછી ઉલટસુલટ કાયા કરી, ખૂબ ગોલાંટો ખાય; નટડી નાચે છે.
પણ એકે વસ્તુ અંગથી, જરીએ ખશી ન જાય; નટડી નાચે છે.

સ્થિર સ્થાપિત મોટો થાંભલો, ધરી એનો આધાર; નટડી નાચે છે.
પણ તેને સ્પર્શ કર્યા વિના, ફરતી કુંડાકાર; નટડી નાચે છે.

વળી તેથી રહી બહુ વેગળી, અધર ઉડી આકાશ; નટડી નાચે છે.
નિજ નજર ઠરાવી થાંભલે, ચકર ફરી ચોપાસ; નટડી નાચે છે.

પણ કશીએ ખસીને નવ પડે, અંગેથી ચીજ એક; નટડી નાચે છે.
પ્યાલા પાણી છલકાઈને, છોળ ન ઉડે છેક; નટડી નાચે છે.

વળી છૂટું તેનું છોકરું, ફરે તેને ચૉફેર; નટડી નાચે છે.
જન અણજાણ્યા જાણે નહિ, ખેલ કર્યો શી પેર; નટડી નાચે છે.

એ કૌતક દેખી કોઈને, મન સમજાય ન મર્મ; નટડી નાચે છે.
પણ મોણવેલ, મુજને મળી, ભાગ્યો તેથી ભર્મ; નટડી નાચે છે.

ઘન રાજા ખુશી થયો ઘણો, દીધા સરસ શણગાર; નટડી નાચે છે.
રૂડી સાડી લીલા રંગની, ઓઢાડી એ વાર, નટડી નાચે છે.

તે જોવા ખેલ ખરેખરો, સૌને ઉપજ્યો સ્વાદ; નટડી નાચે છે.
ત્યાં કવિ દલપતરામે કહ્યું, ધન્ય એનો ઉસ્તાદ; નટડી નાચે છે.