દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭૨. પછી સીતાજી બોલ્યાં તેનું ધોળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭૨. પછી સીતાજી બોલ્યાં તેનું ધોળ|}} <poem> એવું સાંભળીને સીતાજી કહે, સુણો સુંદર શ્યામ સુજાણ; પ્યારા મારા પ્રાણ, સાથે રાખો સ્નેહથી; જુદાં પડવાની વાત વાલા કહો, તે તો બોલ લાગે તીખા બા...")
(No difference)

Revision as of 16:04, 11 April 2023


૭૨. પછી સીતાજી બોલ્યાં તેનું ધોળ


એવું સાંભળીને સીતાજી કહે, સુણો સુંદર શ્યામ સુજાણ;
પ્યારા મારા પ્રાણ, સાથે રાખો સ્નેહથી;
જુદાં પડવાની વાત વાલા કહો, તે તો બોલ લાગે તીખા બાણ;
રઘુકુળ ભાણ.                            સાથે.

સ્વામી જ્યાં તમે ત્યાં ઘર માહરું, તમથી વેગળી તે પરદેશ;
હું જાણું હમેશ;                            સાથે.

તમે જોગીનો વેશ જો ધારશો, તો હું જોગણનો ધરું વેશ;
જટા કેરુ કેશ.                            સાથે.

સ્વામી તમે રે સુખી તો સુખ માહરે, તમે દુઃખમાં તો દુઃખ મારે દેહ,
એમાં શો સંદેહ;                            સાથે.

જે કોઈ પરણ્યા પછી રહે પીયરમાં, અવતાર બળ્યો ધિક એહ;
મુઆ જેવી તેહ.                            સાથે.

સ્વામી તમ વિના મંદિર ને માળિયાં, ભાસે પર્વત મોટા સમાન;
વસ્તી તો વેરાન;                            સાથે.

મહાવનમાં વસ્તી ભરી ભાસશે, જ્યારે પામીશ દરશનદાન;
કૃપાના નિધાન.                            સાથે.

સાસુ સસરો ને માતપિતા સઉ, ભલે જીવો કરો રૂડાં રાજ;
મને મહારાજ;                            સાથે.

સ્વામી શું કરું ભાઈ ભોજાઈને, સ્વામી શું કરું સૈયર સમાજ;
કેનું નથી કાજ.                            સાથે.

સાચું સગપણ જગમાં સ્વામીતણું, બીજો સ્વારથી સઘળો સંસાર;
કુટુંબ પરિવાર;                            સાથે.

મારાં લાડ પાળણ તમે લાલજી, બીજો નથી આસુનો લોનાર;
કે એકે આધાર.                            સાથે.

કાયા પ્રાણથકી જો જુદી રહે, તો હું તમથી જદી પડી છેક;
જીવું તજી ટેક;                            સાથે.

જો કોઈ જળથી જુદી પાડી માછલી, રાખો દૂધમાં કરીને વિવેક;
જીવે પળ એક.                             સાથે.

તમે સુખના સાગર રહો વેગળા, પછી શું કરું રાજ ને પાટ;
હવેલીના ઠાઠ;                            સાથે.

મને હીરનાં ચીર ગમે નહિ, મને ન ગમે ઘરેણાંના ઘાટ;
મટાડો ઉચાટ.                            સાથે.

હું તો તમને દીઠે થાઉં દેખતી, અણદીઠે તો આંધળી ભીંત;
જનમની એ રીત;                            સાથે.

મેં તો સ્નેહ તોડ્યો સર્વ લોકથી, બાંધી તમ સંગે પૂરણ પ્રીત;
ચોરાયું છે ચીત.                            સાથે.

જમવું જીવન તમથી જુદાં પડી, હોય વિધવિધનાં પકવાન;
તે વિખનાં નિશાન;                            સાથે.

કરીએ ભોજન તમ સંગે ભાવથી, હોય કેવળ શાક કે પાન;
તે મેવા સમાન.                            સાથે.

પડશે તડકા ને તાપ વૈશાખના, તે તો જાણીશ ચંદ્રપ્રકાશ;
રહી તમ પાસ;                            સાથે.

મુજને મેલી જો પંથે પધારશો, આવી મળવાની ધરશો ન આશ;
નિશચે પામું નાશ.                            સાથે.

કરતી વાત ઢળી પડી ધરણીએ, નારી જાનકી થૈને નિરાશ;
કહે લેતી શ્વાસ;                            સાથે.

દયા કરી દેવ દલપતરામને, સતી સીતાને દેખી ઉદાસ;
જતાં વનવાસ.                            સાથે.