દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૦. વાણીમહિમા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૦. વાણીમહિમા|મનહર છંદ}} <poem> પૃથિવી પ્રાણીની માતા પ્રાણીનું પોષણ કરે, અન્ન પાણી વસ્ત્ર વસ્તુઓ અનેક આપે છે; પણ વચ્ચે વાણીનો વિશેષ ઉપયોગ પડે, વાણી કોટિ પ્રકારની હરકતો કાપે છે; મ...") |
(No difference)
|
Revision as of 05:57, 15 April 2023
મનહર છંદ
પૃથિવી પ્રાણીની માતા પ્રાણીનું પોષણ કરે,
અન્ન પાણી વસ્ત્ર વસ્તુઓ અનેક આપે છે;
પણ વચ્ચે વાણીનો વિશેષ ઉપયોગ પડે,
વાણી કોટિ પ્રકારની હરકતો કાપે છે;
માગ્યા વિના માતા પણ સમજ્યા વિના શું આપે?
પામીએ જે સુખ તે તો વાણીના પ્રતોપે છે;
વાણીથી હરેક વસ્તુનું વિશેષ જ્ઞાન થાય,
વાણીથી સલીલ મહાસાગરનું માપે છે.
વાણીથી વિચાર એક બીજાના કહી શકાય,
જ્ઞાનવારસો તો વાણીમાં મુકી જવાય છે;
સૈંકડો વરસ સુધી શોધી શોધી મેળવેલું,
પૂર્વજોનું જ્ઞાન તે તો વાણીથી પમાય છે;
પશુ પક્ષી પ્રાણીઓથી માણસો વિશેષ સુખ,
દુનિયામાં લે છે તે તો વાણીથી દેખાય છે;
ઈશ્વરનું જ્ઞાન પણ વાણી થકી ઉપજે છે,
વાણી વિના પ્રાણી કેવા પામર જણાય છે?
જે વાણીથી અન્ન પાન માલ મીલકત પામ્યા,
તે વાણીને સ્નેહ ધરી સર્વદા સંભાળવી;
ભલાં ભલાં ભૂષણ ભૂષિત કરવી તે ભલી,
પૈસા ખરચીને પ્રીતે રૂડી રીતે પાળવી;
ગરીબ જાણીને અવગણના ન કદી કરો,
બની શકે તેમ તેની ગરીબાઈ ટાળવી;
કહે દલપતરામ દીલમાં મમતા રાખી,
આપણા ગજા પ્રમાણે અધિક ઉજાળવી.