દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦૫. કાળના વેગ વિષે: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૫. કાળના વેગ વિષે|ભુજંગી}} <poem> જુઓ વીજળી થાય આકાશ જેમ, તરી દૃષ્ટિએ જાય તત્કાલ તેમ; ચટોચટ્ટ ચોંપેથી તું ચાલનારો, અરે ડાળ ઉતાવળો વેગ તારો. વહ્યો જાય જોરે નદીનો પ્રવાહ, અહો વારિ...") |
(No difference)
|
Revision as of 16:27, 19 April 2023
ભુજંગી
જુઓ વીજળી થાય આકાશ જેમ,
તરી દૃષ્ટિએ જાય તત્કાલ તેમ;
ચટોચટ્ટ ચોંપેથી તું ચાલનારો,
અરે ડાળ ઉતાવળો વેગ તારો.
વહ્યો જાય જોરે નદીનો પ્રવાહ,
અહો વારિનો વેગ દીસે અથાહ;
ધર્યો તેં જવાનો ખરો એ જ ધારો,
અરે કાળ ઉતાવળો વેગ તારો.
હતો બાળ હું જ્યાં પિતાને નિવાસે,
પિવા માગતો દૂધ માતાની પાસે;
નથી વીસર્યો ક્યાં ગયો તેહ વારો,
અરે કાળ ઉતાવળો વેગ તારો.
ખરી ખાંતથી બાળમાં ખેલતો હું,
તડીને દડીને પગે ઠેલતો હું,
નથી વીસર્યો તે સમેના વિચારો,
અરે કાળ ઉતાવળો વેગ તારો.
નદીયે તળાવે જતા બાળ નાવા,
જઈ મંડતા ડૂબકી ખૂબ ખાવા,
નથી વીસર્યા તે નદીનો કિનારો,
અરે કાળ ઉતાવળો વેગ તારો.
નિશાળે જઈ શીખતો સોલ આંક,
પિટે ખૂબ પંડ્યો પડે કાંઈ વાંક;
દુખે છે હજુ તો મને તેહ મારો,
અરે કાળ ઉતાવળો વેગ તારો.
નહીં જાણતો અન્ન આ ક્યાંથી આવે,
નહીં જાણતો કોણ વસ્ત્રો બનાવે;
પિતાની કમાણીથિ થાતો ગુજારો,
અરે કાળ ઉતાવળો વેગ તારો.
નહીં કાંઈ ચિંતા હતી ચિત્તમાંય,
ભલે હોય દુષ્કાળ સૂકાળ ત્યાંય;
અહો ક્યાં ગયો તે સમો સૌથી સારો,
અરે કાળ ઉતાવળો વેગ તારો.
પછી માતતાતે કર્યું લગ્ન મારું,
અરે એ સમે તો મને લાગ્યું સારું;
નહીં જાણ્યું મેં આ સમો છે જનારો,
અરે કાળ ઉતાવળો વેગ તારો.
કમાયો ધમાયો કિધાં ખાનપાન,
વહી તે ગયાં વર્ષ સ્વપ્ના સમાન;
ગયો કોઈ તો દીન સારો નઠારો,
અરે કાળ ઉતાવળો વેગ તારો.
અરે વર્ષ સત્યોતરૂં એમ આવ્યું,
પડ્યા દાંત સ્વર્ગે કળત્રે સિધાવ્યું;
થયા દૂબલા દેહના કામદારો,
અરે કાળ ઉતાવળો વેગ તારો.
છતે આજ છે પાંચ જે પુત્ર મારા,
અમે વીતશું તેમ તે વીતનારા;
ગણાશે ગુણી જો થશે કીર્તિકારો,
અરે કાળ ઉતાવળો વેગ તારો.
નથી મેં પ્રભુની પુરી ભક્તિ કીધી,
નથી કામ સારાં કરી કીર્તિ લીધી;
તથાપિ મને તારશે તારનારો,
અરે કાળ ઉતાવળો વેગ તારો.