રચનાવલી/૧૦: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦. ગોપાળગીતા (ગોપાલદાસ) |}} {{Poem2Open}} ગુજરાતમાં અખાને કોણ નથી જાણતું? જે અખાને જાણે છે તે ‘અખે ગીતાને પણ જાણે છે. તત્ત્વજ્ઞાનને કવિતામાં ઘોળી આપનાર અખાની એ અનોખી મધ્યકાલીન રચના...") |
(No difference)
|
Revision as of 14:26, 27 April 2023
ગુજરાતમાં અખાને કોણ નથી જાણતું? જે અખાને જાણે છે તે ‘અખે ગીતાને પણ જાણે છે. તત્ત્વજ્ઞાનને કવિતામાં ઘોળી આપનાર અખાની એ અનોખી મધ્યકાલીન રચના છે. ઈ.સ. ૧૬૪૯માં અખાએ અમદાવાદમાં આ ‘અખેગીતા’ પૂરી કરી, એના બરાબર દોઢ મહિના પછી અમદાવાદમાં જ ગોપાલદાસે ‘ગોપાળગીતા’ લખી, ‘ગોપાળ ગીતા’નું બીજું નામ ‘જ્ઞાનપ્રકાશ’ છે. બંને એક જ સમયના કવિઓ પણ બંને અમદાવાદમાં મળ્યા હોય એવું લાગતું નથી. અખા જેટલી ગોપાલદાસની કવિ તરીકેની ઊંચાઈ પણ નથી. પરંતુ અખાની જેમ ગોપાલદાસ જ્ઞાનીકવિ હોવાથી ગુજરાતમાં એક વાત વહેતી થયેલી. કોઈકે લલકારેલું કે, ‘અખાએ કર્યો ડખો, ગોપાલે કરી ઘેંશ / નરહરિએ કીધી રાબડી, બૂટો કહે શિરાવા બેસ.’ આ ઉપરથી ઘણાંએ એવું તારણ કાઢેલું કે ગોપાલ, નરહર અને બૂટો અખાના ત્રણ ગુરુબંધુઓ છે અને ચારે ય બ્રહ્માનંદના શિષ્યો છે. પરંતુ ગોપાલદાસે ‘ગોપાળ ગીતામાં પોતાના ગુરુનું નામ સોમરાજનો ઉલ્લેખ કર્યો છે. તેથી હવે એક જ વાત સાચી ઠરે છે કે આ ચારે ય કવિઓને લોકદુહામાં એકમ મૂકનારને આ ચારેય જ્ઞાનીકવિઓ વિશેની રમૂજ કરવી છે. અઘરામાં અઘરા તત્ત્વજ્ઞાનના વિષયને કવિતામાં ઉતારવા જતાં જે તત્ત્વજ્ઞાનના કે કવિતાના હાલ થાય એના પર કટાક્ષ કરવો છે. ગોપાલદાસે ગોપાળ ગીતા'માં તત્ત્વજ્ઞાન અને કવિતાની ઘેંશ તો કરી છે પણ પ્રાસથી સંધાતી કડીઓ, કડીઓથી સંધાતા કડવાંઓ, કડવાંઓમાં આવતાં ક્યાંક ક્યાંક રસ પડે એવાં દૃષ્ટાંતોથી આ ઘેંશને સ્વાદિષ્ટ બનાવી છે. મધ્યકાલીન કવિઓ ઘણીવાર કાવ્યને અંતે પોતાની ઓળખાણ આપે એમ ગોપાલદાસે ‘ગોપાળ ગીતા’ને અંતે પોતાની ઓળખાણ આપી છે. એણે ગુરુનું નામ સોમદાસ રાજહંસ આપવા ઉપરાંત પિતાનું નામ ક્ષેમજી નારાયણદાસ બતાવ્યું છે. પોતાની જ્ઞાતિ જણાવી અમદાવાદમાં ક્યાંક ફરમાનવાડી નામના સ્થળે ગોપાળ ગીતા’ પૂરી કરી છે એવો ઉલ્લેખ પણ કર્યો છે પણ ગોપાળ ગીતા રચવી એ કેટલું અઘરું કામ છે એને ગોપાલદાસે સુન્દર દૃષ્ટાંત આપી સમજાવ્યું છે. કહે છે : ‘હરિ સાહેર છે અપરંપાર, મીન શું જાણે તેનો વિસ્તાર.’ હરિ તો અપરંપાર સાગર છે માછલી તેનો વિસ્તાર કેવી રીત જાણે? આગળ વધીને કહે છે : ‘પક્ષી ઊડી ગગન જઈ ચઢે શક્તિ ઘટે પૃથ્વી પર પડે.’ કવિને પોતાની મર્યાદાની ખબર છે. વેદાન્તજ્ઞાનના વિષયને અને એમાં ય શાંકરવેદાન્તના વિષયને મધ્યકાલીન ગુજરાતીમાં રજૂ કરવો ખાવાના ખેલ નથી. ગોપાલદાસે પોતાની રચનાને ગીતા' કહી છે તે બરાબર છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાએ ભારતીય સાહિત્યમાં તત્ત્વજ્ઞાન અને કવિતાના અદ્ભુત સંયોજનનો આદર્શ પૂરો પાડ્યો છે. બધાં ઉપનિષદોનું રમ્ય દોહન એમાં જે રીતે થયું છે, શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ મારફતે એ જ્ઞાન એમાં જે રીતે સજીવન થયું છે એ રીતે જોતાં તો આ પ્રકારના કામને ‘ગીતા’ નામ મળે એ ઉચિત છે. પ્રકારે ગોપાલદાસની ‘ગીતા’ એ એકલદોકલ ગીતાનો નમૂનો નથી. ગુજરાતીમાં ગીત-કાવ્યોની સારી એવી સંખ્યા છે. પ્રીતમદાસની ‘સરસગીતા’ કવિ ભીમની ‘રસગીતા’ કે ‘રસિક ગીતા", મુક્તાનંદની ‘ઉદ્ધવગીતા’ ધનદાસની ‘અર્જુનગીતા’ આ બધી ગીતાઓ વચ્ચે ગોપાલદાસની ‘ગોપાળગીતા' ગોઠવાયેલી છે. ‘ગોપાળગીતા’ આખ્યાનની જેમ કડવાંઓમાં લખાયેલી છે. એમાં કુલ ૨૩ કડવાં છે. અહીં કોઈ કથાદોર નથી પણ અહીં ચિંતનદોર છે. અને આ ચિંતનદોર ગુરુશિષ્ય વચ્ચે થયેલી પ્રશ્નોત્તરી રુપે રજૂ થયો છે. શિષ્યને ઊભી થતી શંકાઓ અને ગુરુ દ્વારા થતું એનું નિરાકરણ એમ સંવાદ ચાલે છે અટલે બે પ્રકારના સૂર ‘ગોપાળગીતા’માં સંભળાય છે. નિરાકરણ મળતા શિષ્ય એનો રાજીપો પ્રગટ કર્યા કરે છે અને ગુરુ શિષ્યના પૂછાયેલા પ્રશ્નથી શિષ્યની બુદ્ધિ પર આનંદ વ્યક્ત કરતા રહે છે, એમ બંને વચ્ચેનો માનવીય સંબંધ ૨૩ કડવાંના તત્ત્વવિચારને પચાવવમાં મદદરૂપ થાય છે. પહેલા કડવામાં ગુરુવંદના મૂકી છે. ત્યાર પછીનાં કડવાઓમાં વિશ્વની ઉત્પત્તિની, જગતની રચનાની, જીવની, માયાની અને પરબ્રહ્મની ચર્ચા કરવામાં આવી છે. એમાં અવતારોની, આશ્રમોની, ત્રિવિધ તાપની, ચાર મુક્તિની, ત્રિગુણની, સ્વર્ગ- નર્કની, સાધુનાં લક્ષણોની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. અંતે મધ્યકાલીન સમયમાં મુકાતો તેમ ગુરુભક્તિ પર ભાર મૂકાયો છે. આમ તો ભારતીય તત્ત્વજ્ઞાનનું તૈયાર માળખું કવિએ સીધું સ્વીકારી લીધું છે પણ એમાં ક્યાંક ક્યાંક આવતા ચમકારાને કારણે ‘ગોપાળગીતા’ વાંચવાલાયક બની છે. એક જ તત્ત્વના અનેક ઘાટનું વર્ણન જોઈએ : ‘ગગન માંહે વંટોળીઓ ભમે, ભમી ભમી ગગનમાં શમે / અર્ણવ મધ્યે લહેરી તુરંગ ઉપજે બુદબુદા અનંત રંગ' આ જ વાતને વધુ લયમાં ગૂંથીને કવિ કહે છે : ‘જળતરંગ બુદબુદા સર્વ જળમાં જળચર જાત અનેક / મોતી છીપ તથા પરવાળાં જળ જામ્યું સર્વે એક’ માયાનું વર્ણન કરતાં કવિએ સરસ દૃષ્ટાંત આપ્યું છે : ‘કાચ મન્દિરમાં શ્વાન જેમ, સામો દેખે શ્વાન / સામો ધસે, દુર્ભે ભસે નિરર્થક નિષ્કામ’ ગોપાલદાસે મિલનવિરહના ભાવને પણ કહેવત જેટલી સરલતાએ પહોંચાડ્યો છે. ‘મીઠું લાગે વેગળું નિકટ ફીકું હોય / નર નાર જો અળગા બે રહે, તો વિરહ વ્યાકુળ હોય’ વેગળા રહેવામાં રહેલી મીઠાશ અને સાથે રહેવામાં રહેલી ફિક્કાશ અહીં સહજ રીતે વ્યક્ત થઈ છે. ગોપાળદાસે ત્રિગુણનો પરિચય સ્વાદની ભાષામાં આપ્યો છે : ‘રજસ ગુણ તે મધુર મીઠો પછી કહે છે : ‘સાત્ત્વિક મળકટ જાણ’ એટલે કે સાત્ત્વિક ગુણ મોળો છે, અને તામસ તીખો છે : ‘તીવ્ર તીખો ને તેજ તામસ આપ આપણા ગુણસ્થાન’ જાણીતા માર્ગે અને અજાણ્યા માર્ગે ચાલવાનું આવે ત્યારનો અનુભવ તરવૈયાના અનુભવમાં ઢાળીને યાદ રહી જાય તેવો બનાવ્યો છે : ‘જેમ દીઠો મારગ દોડતાં અણદીઠે અકળાય / તારો તે તરી વળે અણતારો તે ગોથાં ખાય.’ ભક્ત દશાની મોઢે ચડી જાય તેવી કડી જુઓ : ‘જેહ હરિમાં કરે કિલ્લોલ, તેને નિશદિન ઝાકળઝોળ અને હવે છેલ્લે ગોપાલદાસ તત્ત્વજ્ઞાનને સરલ કવિતામાં કેટલું સઘન ઢાળી શકે છે, તેની ખાતરી આપતી પંક્તિઓ જુઓ : ‘હું ટળીને હરિમાં ભળ્યો જેમ સિંઘવ જળમાં ગળ્યો.’ આ ‘ગોપાળ ગીતા" ગુજરાત સાહિત્ય અકાદમીએ ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘બૃહત્ કાવ્યદોહન’ ભાગ - ૧(૧૯૯૮) પ્રકાશિત કર્યો છે, એમાં મુકાયેલી છે.