રચનાવલી/૫૮: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૮. આયુષ્યના અવશેષે (રાજેન્દ્ર શાહ) |}} {{Poem2Open}} ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. પન્નાલાલ પછી ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનપીઠ પુરસ્કારને માટે અધિકાર...") |
(No difference)
|
Revision as of 15:41, 29 April 2023
ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. પન્નાલાલ પછી ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનપીઠ પુરસ્કારને માટે અધિકારી કોઈ સાહિત્યકારનું નામ બોલો તો... એમ પૂછવામાં આવે તો જરૂર હોઠ પર એક જ નામ આવે અને તે નામ છે, કવિ શ્રી રાજેન્દ્ર શાહનું ન્હાનાલાલ પછી ગુજરાતી ગીતને ફરી રમતું કરવામાં એમનો મોટો હાથ છે. ‘સાંવર થોરી અખિયનમેં', કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે તને જોઈ જોઈ તો ય તું અજાણી' 'આપણે એકબીજાના સંગમાં રાજી રાજી' ‘ઈંધણા વીણવા જૈતી મોરી સૈયર' વગેરે એમનાં ગીતો ગુજરાતી ભાષાની સંપત્તિ બની ગયાં છે. પણ એ એકલા ગીતકાર હોત તો તો પૂછવું જ શું? રાજેન્દ્ર શાહ ગીતકાર ઉપરાંત તત્ત્વજ્ઞાનને સુન્દર કરી મૂકનાર ભારવિનાના લયયુક્ત કવિ છે. ભારતીય અધ્યાત્મનો પચેલો રસ એમની કવિતાની રગેરગમાં વહે છે. અને તેથી ભારતીય પરંપરાની સાથે બાઝેલી એમની કવિતા જીવંત શબ્દ અને અર્થથી ફરકે છે. એમાંની પંક્તિઓમાં જીવનરસની ગજબની ચમક છે. રાજેન્દ્ર શાહ ભાગ્યે જ વિખૂટા પડવાની વાત કરે છે. એ ક્યારેય જગતથી વિખૂતા પડ્યા નથી કે જગત એમનાથી વિખૂટું પડ્યું નથી, આ કવિ તો કહે છે કે ‘હું જ રહું વિલસી સહુ સંગ/ને હું જ રહું અવશેષ' બધા સાથે વિલસનાર આ કવિ એટલે જ કહે છે કે ‘કવિ કેવળ પોતાને જ વ્યક્ત નથી કરતો, એ કેવળ નિજનિષ્ઠ નથી રહેતો એની દ્વારા તો નિખિલ અભિવ્યક્તિને પામે છે. જગત અને જીવનને ચાહવાની રાજેન્દ્ર શાહની આ શક્તિ એમની રચનાઓમાં ઊર્જા બનીને પ્રગટે છે. મૃત્યુને તેઓ સ્વીકારે કે સમજે છે, પણ જીવનને ચાહવાની એમની દૃષ્ટિ આખરે જીવનનો જ આત્યંત જય દર્શાવે છે. અને એ જયને તેઓ અત્યંત સફળ ભાષાબાનીમાં પ્રગટાવે છે. રાજેન્દ્ર શાહ આથી જ અનુગાંધીયુગના આપણા મોટા કવિ છે. તેઓ સતત લખતા રહયા છે. ‘આંદોલન (૧૯૫૧)’, ‘શ્રુતિ’ (૧૯૫૭), ‘શાન્ત કોલાહલ’ (૧૯૬૨), 'ચિત્રણા (૧૯૬૭)', ‘વિષાદને સાદ’ (૧૯૬૮), ‘ક્ષણ જે ચિરંતન’ (૧૯૬૮)વગેરે એમના અનેક કાવ્યસંગ્રહો છે પણ એમાં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ધ્વનિ (૧૯૫૧)' અજોડ છે. અને એમાં અજોડ છે, એમનું પાંચ સોનેટનું બનેલું લાંબુ કાવ્ય ‘આયુષ્યના અવશેષે.' ભાગ્યે જ જેનું માથું ધૂણે એવા કઠોર વિવેચક બળવંતરાય ઠાકોરે પણ આ કાવ્ય વિશે કહેલું કે સુવર્ણાક્ષરે લખીને એને દીવાલ પર ટીંગાડવા જેવું છે. ‘આયુષ્યના અવશેષ’ માં આમ તો, આયુષ્યને છેડે થોડુંક જીવન બાકી બચ્યું છે એવો નાયક જૂની ડમણીમાં બેસીને મુસાફરીને અંતે પોતાના વતનના જૂના અને સૂના ઘરે પહોંચે છે, અને જે અનુભવમાંથી પસાર થાય છે તેની કથા છે. પણ એ ઘરે પહોંચવાની આ કથા માત્ર ઘરે પહોંચવાની કથા નથી રહેતી પણ જન્મમરણના અને જીવનના મર્મને ઊંડે ઊંડે સ્પર્શતી ઉપનિષદકથા બની છે. ‘આયુષ્યના અવશેષે’ પાંચ સોનેટમાં વહેંચાયલું છે. પહેલા સોનેટ ઘર ભણી’માં જૂની ડમણીમાં રાત્રિવેળાએ ઘર ભણી પથ કાપતા થતા અનુભવનો રોચક ચિતાર છે. બીજા સીનેટ ‘પ્રવેશ’માં એકવારના ભર્યા ભર્યા ઘરનો સૂનો વર્તમાન કવિએ આંખ સામે ઊભો કર્યો છે. ત્રીજા સોનેટ ‘સ્વજનોની સ્મૃતિ’માં પિતા માતા અને પત્ની સાથે ભૂતકાળને કવિએ વર્તમાન સાથે જોડાજોડ મૂકી વર્તમાનના અભાવને તીવ્રપણે છતો કર્યો છે. ચોથા સોનેટ ‘પરિવર્તન’માં ઝરૂખે ઊભેલો નાયક બદલાયેલી પરિસ્થિતિને જુએ છે. જે ઝરુખેથી આંખો ભવિષ્યને જોતી હતી તે ઝરુખે આજે ઊભો છે પણ હવે ભૂતકાળની સ્મૃતિઓ જ ઘેરી વળે છે. છેલ્લા ‘જીવનવિલય' સોનેટમાં કવિ પાછા ફરીને પોતાની હરીભરી કર્મોની સૃષ્ટિને જુએ છે. જીવનનું જરા આધે રહીને દર્શન કરે છે તો કવિને જીવનનો આત્યંત જય દેખાય છે. બધું જ પરિવર્તન પામ્યે જાય છે. વિલય એ કોઈ છેવટની સ્થિતિ નથી પણ વચ્ચેની સ્થિતિ છે. કવિ જુએ છે કે ‘ગહનનિધિ હું, મોજું યે હું વળી ઘનવર્ષણ' પોતે સમુદ્ર છે પોતે જ મોજું છે અને પોતે જ વરસાદ છે. તો વિલય કે વિસર્જન એ બીજું કશું નથી પણ નવે રૂપે સર્જન છે. કવિને ઘરની અનુભૂતિ છેવટે ઘટ (દેહ,જગત)ની અનુભૂતિ પર લાવીને ઠેરવે છે. કાવ્યની શરૂઆતમાં આવતી ડમણીનું ચિત્ર જોવા જેવું છેઃ ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની.' ડમણી અને વૃદ્ધ નાયક બંનેને કવિએ વર્ણન દ્વારા એકાકાર કરી દીધાં છે. અહીંથી જ આપણને લાગે કે ઉપર ચાલતા પ્રવાહની નીચેના પ્રવાહને કવિએ પકડી પાડ્યો છે. તેથી જ તો પછી તાળુ ખોલી બારણું ખોલતાં ‘પ્રેતનું મોચન’ થાય છે. અને ‘ગગન ઝીલતી જાળી' જાળાથી આંધળી બનેલી છે. આ કાવ્ય વાંચ્યા પછી હિરણી છંદનો છાક અને ઊભા કરાયેલાં દૃશ્યોનો સ્વાદ લાંબા ગાળા સુધી મન પર છવાયેલો રહે છે. ગુજરાતી સાહિત્યમાં નખશીખ લખાયેલાં બે પાંચ કાવ્યોની ખોજ કરવાની આવે તો આ કાવ્યને અવશ્ય સંભારવું પડે. રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કાર મળે કે ન મળે, પણ અત્યાર સુધી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવી ચૂકેલા કવિઓની હરોળમાં બેસી શકે એવી એમની ઊંચાઈ છે, એમાં કોઈ બેમત ન હોઈ શકે.