રચનાવલી/૫૯: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૯. ઈન્દ્રોવંશીય સંવાદ (ઉશનસ્) |}} {{Poem2Open}} આજના ગુજરાતી સાહિત્યના ભરપૂર તાકાતથી અને બળુકાઈથી એકધારુ લખનાર એકમાત્ર કવિ છે. ઊંધમાંથી ઉઠાડો તો પણ જાણકાર કહેશે કે એ ઉશનસ કવિ છે. ઓછા...") |
(No difference)
|
Revision as of 15:42, 29 April 2023
આજના ગુજરાતી સાહિત્યના ભરપૂર તાકાતથી અને બળુકાઈથી એકધારુ લખનાર એકમાત્ર કવિ છે. ઊંધમાંથી ઉઠાડો તો પણ જાણકાર કહેશે કે એ ઉશનસ કવિ છે. ઓછામાં ઓછી માવજત અને મોટામાં મોટી સ૨તનું નવાઈ પમાડે એવું પરિણામ એમની કવિતાઓમાં જોવા મળે છે. વલસાડને એક ખૂણે બેઠા છે. પણ એમની કવિનજર હંમેશા પૃથ્વીને જ બાથ ભીડતી હોય છે. એમની કવિતામાં ફરતા હો તો એમ લાગે કે ઊબડખાબડ જમીન પર ચાલી રહ્યા છીએ પણ જરાક વાંકા વળીને એની માટીને ધ્યાનથી હાથમાં લેતા લાગે કે એકદમ ઉપજાઉ અને ફળાઉ માટીની આપણે નજીક છીએ. એ માટી ભેગી તૃણની, ઘાસની પત્તીઓ પણ ફરકતી દેખાવાની. ઉશનસને પૃથ્વી અને તૃણ બંનેનું એવું આકર્ષણ છે કે એમણે પૃથ્વીને બીજા કશાનો નહીં પણ તૃણનો ગ્રહ કહ્યો છે. ઉશનસે વિપુલ પ્રમાણમાં છાંદસ કાવ્યો લખ્યાં છે, ગીતો લખ્યાં છે, સોનેટો રચ્યાં છે અને દીર્ઘકાવ્યો પણ આપ્યાં છે. એમણે ૧૯૫૬માં ‘નેપથ્ય’ નામના કાવ્યસંગ્રહમાં દીર્ઘકાવ્યો આપેલાં, એ પછી ૧૯૮૯માં એમણે ‘આરોહ અવરોહ’માં ફરીને દીર્ઘકાવ્યો આપ્યાં છે. ‘આરોહ અવરોહમાં ચાર દીર્ઘકાવ્યો છે. ‘ઈન્દ્રોર્વશીય સંવાદ’ ‘યુધિષ્ઠિરનું ઉત્તરસ્વર્ગારોહણ'; ‘અવતરણ,’, ‘પાંડુની પ્રેતોક્તિ', ઉશનસ ‘યુધિષ્ઠિરનું ઉત્તરસ્વર્ગારોહણ'માં કૃષ્ણે અર્જુનને ગીતામાં દિવ્યચક્ષુનું વરદાન આપેલું તેમ યુધિષ્ઠિરને દિવ્યશૃતિનું વરદાન આપે છે, ‘અવતરણ'માં હિમાદ્રીથી નીકળેલી ગંગાનું કાશીમાં અવપતન થાય છે એના પ્રદૂષણ અવસાદને રજૂ કર્યો છે. તો ‘પાંડુની પ્રેતોક્તિ' માં માદ્રી સાથે સંસારસુખ ભોગવતા શાપને કારણે મૃત્યુને ભેટેલો પાંડુ ફરીને ભટકતા પ્રેતાત્મા રૂપે વહેતો કર્યો છે. આ ત્રણે દીર્ઘરચનાઓમાં ‘ઉશનસનો પૃથ્વીપ્રેમ એક યા બીજે બહાને વ્યક્ત થયો છે. પણ ઈન્દ્રોર્વશીય સંવાદમાં તો ઉશનસે મન મૂકીને પૃથ્વીનો મહિમા ગાયો છે. ‘ઈન્દ્રોર્વશીય સંવાદ’માં પૃથ્વી પરથી ઈન્દ્ર પાસે આવી ફરેલી ઉર્વશીનો ઇન્દ્ર સાથેનો સંવાદ છે. ઉર્વશીની કથા જાણીતી છે. ઇન્દ્રના સ્વર્ગની એ જાણીતી અપ્સરા છે. ઋગ્વેદમાં એના ઘણા ઉલ્લેખો આવે છે. કહેવાય છે કે મિત્ર અને વરુણ બંને ઉર્વશીને જોતાં જ સ્ખલિત થયા હતા. એમના બીજમાંથી અગસ્ત્ય અને વશિષ્ઠ જન્મેલા, પણ મિત્ર અને વણે ઉર્વશીને શાપ આપેલો અને તેથી ઉર્વશી સ્વર્ગમાંથી ચોક્કસ સમય માટે પૃથ્વી પર આવી પડે છે. પૃથ્વી પર ઉર્વશી પુરુરવાના સંપર્કમાં આવે છે. એની સાથે વિવાહ કરે છે અને આયુ નામનો પુત્ર અવતરે છે. પણ શાપનો અવધિ પૂરો થતાં ઉવર્શી સ્વર્ગમાં પાછી ફરે છે. કાલિદાસે આ કથા ઉપરથી બહુ જાણીતું સંસ્કૃત નાટક ‘વિક્રમોર્વશીયમ' રચ્યું છે. અને એમાં છેલ્લા અંકમાં ઉર્વશી પૃથ્વી પર જ રહી જાય એવી યોજના કરીને નાટકને પરંપરા પ્રમાણે સુખાન્ત કર્યું છે. પણ ઉશનસે જુદો માર્ગ લીધો છે. ઉર્વશી શાપ પૂરો થતાં સ્વર્ગમાં જાય છે પણ સ્વર્ગમાં ગયા પછી એ પતિ પુરુરવા અને પુત્ર આયુના વિરહથી પીડાય છે. ઈન્દ્રને સ્વર્ગલોકની અપ્સરા પૃથ્વીલોકની જેમ વર્તે એ ગમતું નથી. વળી, ઉર્વશીનો પુરુરવા પ્રત્યેનો પ્રેમ પણ ઈન્દ્રની ઈર્ષ્યાનું કારણ બને છે. તેથી ઈન્દ્ર સ્વર્ગલોકની અપ્સરાની જેમ ન વર્તતી ઉર્વશીને પૃથ્વી પર પાછા ફરવાની શિક્ષા કરે છે. ઉર્વશી માટે શિક્ષાએ પુરુરવા અને પુત્રને પાછા મળવાનું વરદાન સાબિત થાય છે. ‘ઇન્દ્રોર્વશીય સંવાદ’ માં આ રીતે શાપ પૂરો થતાં સ્વર્ગમાં જતી ઉર્વશી અને ઈન્દ્રની ઈર્ષ્યાનો ભોગ બનીને, શિક્ષા પામીને પૃથ્વી પર પાછી ફરતી ઉર્વશી, એવી બે સ્થિતિ વચ્ચેના તણાવને રજૂ કરતાં ઉશનસે નાટ્યાત્મક ક્ષણ તો ઝડપી છે, પણ સાથે ઉર્વશીના પાત્ર દ્વારા ‘પૃથ્વી તણી તુલનામાં સ્વર્ગ લઘુ તુચ્છ ટાપુ' છે એવું દર્શાવી પોતાની પૃથ્વીપરાયણતાને વાચા આપી છે. આ દીર્ઘકાવ્ય ઈન્દ્ર અને ઉર્વશીના સંવાદ રૂપે છે. ઈન્દ્ર સ્વર્ગમાં પાછી ફરેલી ઉર્વશીને આવકારે છે ઉર્વશી કહે છેઃ ‘હું ઉર્વશી આપની કિંકરી’ પણ એના જવાબમાં ઈન્દ્ર કહે છે કે ‘તું નહીં કિંકરી / તું તો સ્વર્ગપાયલની કિંકણીજ’ અને પછી ઉમેરે છે કે પૃથ્વી પરથી પાછા ફરનારમાં આવી જ ગ્લાનિ હોય. નહિ તો શિક્ષા રૂપે સ્વર્ગમાંથી પૃથ્વી પર શા માટે મોકલવામાં આવે? પણ ઉર્વશી એનો પ્રતિભાવ આપતાં કહે છેઃ ‘ પૃથ્વી અહો પૃથ્વી! એની વળી નિંદા?’ ઉર્વશી પૃથ્વીની નિંદાને સહી શકતી નથી. એ કહે છે કે પૃથ્વી પર જવાની એને શિક્ષા નહી, દીક્ષા મળેલી. વળી એમ પણ કહે છે કે તમે અહીં જેને ક્ષણિકતા કહી નિંદો તે જ ત્યાં/ તાજપનું બીજું નામ છે. અને પછી પૃથ્વીથી પાછી ફરેલી ઉર્વશી પોતના પૃથ્વીમાં પલટાયેલી જાહેર કરે છે. કહે છે. હું હવે પૃથ્વી જ પૃથ્વી તણા અંશે પરિવર્તિત, મારું પૃથ્વીગોત્ર/ પુરુરવા માનવેન્દ્રની પત્ની/મારી વાણી હવે પૃથ્વીસ્તોત્ર’ ઈન્દ્ર આ પ્રકારની વાતને ‘નિર્બળ માનસ' ની ઊપજ ઓળખાવે છે. ત્યારે ઉર્વશી સ્વર્ગ સાથે પૃથ્વીની તુલના કરીને કહે છે કે સ્વર્ગ તો બંધિયાર ક્રૂપ છે. એમાં બધું સ્થિર અને શાશ્વત છે, વિકાસ અને સંવર્ધન નથી. ઉર્વશી કહે છે : ‘અહીં હું લોહી લુહાણ એકવાર માનવશું મન લાગી જાય લાગી જાય પ્રાણ પછી સ્વર્ગ કેમે કર્યું ગમે નહીં પ્રેમ તો એક પૃથ્વી જ કરી જાણે સત્ય' ઈન્દ્ર સામે કહે છે કે આ નિર્બળતા છે "આવી નિર્બળતા હું પંપાળુ તો સ્વર્ગ ભીતરથી આપોઆપ પડી જાય પોચુંપચ' ઉર્વશી પ્રત્યુત્તર વાળે છેઃ ‘સ્વર્ગ તણી નાડીઓમાં લોહી ક્યાં છે? ક્યાં છે સ્પંદ? / નાડીઓને તોડી નાખે એવા?’ ઈન્દ્ર ઉર્વશીને સમજાવતા કહે છે : ‘ઉર્વશી તું લવારે ચઢી છે/ ઉત્તપ્ત ઉન્મત્ત કોઈ પૃથ્વીવરે પૃથ્વી તણો રોગ આ પ્રેમ' પણ ઉર્વશી વધુ ને વધુ પૃથ્વી પ્રેમ વ્યક્ત કરતી જાય છે. ઈન્દ્ર ક્રોધથી ભભૂકી ઊઠે છે. પૃથ્વી, પૃથ્વી, પૃથ્વી ચૂપ, પૃથ્વી તણા સાંભળીને લગાતાર પારાયણો પૃથ્વી ભણી મને ક્રોધ અને સૂગ પૃથ્વી પુરુરવા પ્રેમ બધું તારુ નરકમાં જાયને,....' ઈન્દ્ર અંતે ઉર્વશીને શિક્ષા કરે છે : ‘ જા તું પૃથ્વી વિશે કોઈએક ઘરતણી વરતણી/ વધૂ બની રહેજે/ જા તને મારો શાપ છે ઉર્વશી’ ઉર્વશી આ શાપ કે શિક્ષાને વરદાન ગણી માથે ચઢાવે છેઃ ‘વરદાન જ/ મારી આ તમ સ્વર્ગથી જ ચ્યુતિ' સ્વર્ગની સામે પૃથ્વી અને પૃથ્વી પરના પ્રેમનું સ્તોત્ર રજૂ કરતું આ દીર્ઘકાવ્ય રવીન્દ્રનાથ ટાગોર અને ઉમાશંકરની અસરમાં લખાયેલું હોવા છતા ઉશનસના મિજાજનો અચ્છો પરિચય આપે છે.