રચનાવલી/૬૪: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૪. બાહુક (ચિનુ મોદી) |}} {{Poem2Open}} ગુજરાતી સાહિત્યમાં થોડો ઘણો રસ લેનારો હોય અને એને તમે પૂછો કે ચિનુ મોદીને ઓળખો છો? તો તરત કહેશે કે પેલા ગઝલકારને? હા, ચિનુ મોદી ગઝલકાર તો છે જ. કેટલ...") |
(No difference)
|
Revision as of 13:48, 30 April 2023
ગુજરાતી સાહિત્યમાં થોડો ઘણો રસ લેનારો હોય અને એને તમે પૂછો કે ચિનુ મોદીને ઓળખો છો? તો તરત કહેશે કે પેલા ગઝલકારને? હા, ચિનુ મોદી ગઝલકાર તો છે જ. કેટલાયે મુશાયરાઓનું એમણે સંચાલન કર્યું છે; સાથે પોતાની ગઝલો રજૂ કરી છે અને ખાસ્સી ‘વાહ’ ‘વાહ’ મેળવી છે. પણ મહેફિલની વાહ વાહ" મેળવનાર ચિનુ મોદીએ એકાન્તમાં આનન્દ આપે તેવી એક લાંબી કાવ્યરચના પણ કરી છે, જેનું નામ છે ‘બાહુક’, ‘બાહુક' ૧૯૮૨માં બહાર પડ્યું અને તાજેતરમાં એની નવી આવૃત્તિ પણ થવાની છે. વળી, ગુજરાતની અનેક યુનિવર્સિટીઓમાં એને પાઠ્યપુસ્તક તરીકેનું ઘણીવાર સ્થાન મળ્યું છે. ચિનુની બહુવિધ પ્રતિભાનો લાભ ‘બાહુક’ને મળ્યો છે એમની નવલકથાકાર તરીકેની શક્તિ એમાં વર્ણન રૂપે પ્રગટી છે. એમની નાટકકાર તરીકેની શક્તિ એમાં આવતી ઉક્તિઓરૂપે રજૂ થઈ છે, એમની ટૂંકી વાર્તાના લેખક તરીકેની શક્તિ પ્રસંગ નહીંવત કક્ષાએ જતાં એમાંથી ઊભાં થતાં નવાં અર્થઘટનો રૂપે ઝળકી છે અને એમની કવિ તરીકેની શક્તિ વિવિધ અલંકારોની સમૃદ્ધિ સાથે છંદ વગર અને છંદ સાથે અહીં રજૂ થયેલી સંસ્કૃતશાઈ ભાષામાં પ્રકાશી છે. મૂળે તો ફારસીના અભ્યાસી ચિનુ મોદી સંસ્કૃતની નજીક જતા ગદ્યનો પણ સારી રીતે ઉપયોગ કરી લે છે, એ નવાઈ પમાડે એવી વાત છે. ‘બાહુક’માં મહાભારતના બૃહદશ્વ ઋષિને મુર્ખ કહેવાતી નળદમયંતીની કથાનો આશ્રય લેવાયો છે. અને પાત્રો જ્યારે પૌરાણિક હોય ત્યારે સંસ્કૃતના પાસ સાથેની ભાષા જ પૌરાણિક યુગનો ખ્યાલ આપી શકે. ‘બાહુક’માં નળદમયંતીના પૌરાણિક પાત્રોનો આધાર જરૂર લેવાયો છે, પરંતુ એ કથામાં આવતી એક વિશેષ જગાને શોધી કાઢી પાત્રોનાં સંવેદનોને રજૂ કરવામાં અહીં કવિએ વધુ રસ બતાવ્યો છે. મૂળ કથામાં એવું કહેવાયું છે કે જુગટુ રમવામાં નળ પુષ્કરની સામે હારી જાય છે અને હારેલો નળ જંગલમાં જતો રહે છે એ પહેલાં તે પોતાના નગરની બહાર ત્રણ રાત ગાળે છે. નળ દમયંતીની સાથે રહી જંગલમાં ત્રણ ગાળે છે, એ ત્રણ રાતનો અનુભવ અને ખાસ તો આ ત્રણ રાત દરમ્યાન ત્રણ પાત્રો (નળ, દમયંતી અને ઋષિ બૃહદશ્વ)નો પ્રતિભાવ કાવ્યમાં રજૂ થયો છે. ‘બાહુક’માં ત્રણ પાત્રો છે. નળ, દમયંતી અને બૃહદશ્વના મનોગત અને એમની એકોક્તિઓને કવિએ ત્રણ સર્ગમાં મઢી લીધી છે પહેલા અને બીજા સર્ગમાં બૃહદશ્વની ઉક્તિ પછી નળની અને દમયંતીની ઉક્તિ આવે છે. જ્યારે ત્રીજા સર્ગમાં ક્રમ બદલાઈ જાય છે અને વૈદર્ભીની ઉક્તિ, બૃહદશ્વની ઉક્તિ અને છેલ્લે નળની ઉક્તિ આવે છે. બૃહદશ્વની તટસ્થ ભૂમિકા અને નળ દમયંતીની સંડોવાયેલી ભૂમિકાઓનો ખ્યાલ કરતાં કાવ્યનો અંત નળની ઉક્તિથી વે એમાં એક પ્રકારની પરાકાષ્ઠાનો- ભાવની તીવ્રતાનો અનુભવ થાય છે. અલબત્ત અહીં ત્રણ પાત્રો છે પણ ત્રણે પાત્રો નગરથી જુદા થયેલા નળને વિશે જ સંવેદે છે. ‘બાહુક’ કાવ્યની વિશેષતા એ છે કે ગુજરાતી સાહિત્યમાં મોટે ભાગે ગામમાંથી નગરમાં આવેલા રાવજી પટેલ, રઘુવીર ચૌધરી જેવા કવિઓએ ગામથી થયેલા વિચ્છેદને ગાયો છે. જ્યારે અહીં પહેલીવાર ચિનુ મોદીએ નગરમાંથી અરણ્યમાં જતાં નાયકની તક ઝડપીને નગરથી થયેલા વિચ્છેદને ગાયો છે; અને અંતે વ્યક્તિના પોતાનાથી થયેલા વિચ્છેદની આધુનિક વેદના પ્રસ્તુત કરી છે. પુષ્કરના પાસાના કપટથી હારેલા નળને અને એની સ્થિતિને શરૂના પહેલા સર્ગમાં રજૂ કરી છે. ધસતા રથના છૂટા પડેલા ચક્ર જેમ અનિયત ગતિને પામતો નળ નિધનગરીના અંતિમ પ્રાસાદથી પણ શતાધિક પગલા દૂર, મોતી વગરની છીપ જેવો પડેલો હતો. નળ એક જગ્યા પર સ્થાયીવટ વૃક્ષને પોતે સ્થાનચ્યુત થવાથી કહે છે : ‘હે વૃક્ષરાજ | નિવાસસ્થાન પણ / કાલાધારિત જ છે?’ નળ અનુભવે છે કે ‘મત્ત થયેલા દરિયામાં / વહાણ વગરનો / સમરાંગણમાં આયુધ વગરનો, અંગ ખરું પણ પડછાયા વગરનો હું’ પણ આવા અનુભવ સાથે નગરની બહાર નીકળતી વેળાએ દમયંતીનો હાથ જે પોતાના ખભા પર રહેલો એની સરસ અભિવ્યક્તિ થઈ છે : ‘ધુરાના ભાર રહિત / ખાલી બંધ ૫૨ / શ્રમિત ત્રસ્ત વૈવર્લીની / કોમળ હથેલીનું પંખી | મૂકી ચાલ્યો તો ખરો’ પણ નળની વેદના એ છે કે પોતે નાગર (નગરનો) છે અને નગરથી એને વિખૂટા પડવાનું છે. નાના દોષને કારણે મોટું પરિણામ વહોરીને નળને નિસ્તેજ થતો જોઈ વૈદર્ભી દુ:ખી છે : વહાણમાં પડેલા / છિદ્ર માત્રથી / ડૂબી જતો અહીં સમુદ્ર છે’ નળ નગર છોડી શકતો નથી અને નગર તરફ અપાર પ્રીતિ બતાવે છે એથી વૈદર્ભી વિચારે છે કે કે ‘આ ઘૃણ્ય આસક્તિ છે કે બહુમાનમૂલ્ય પ્રીતિ?' બીજા સર્ગમાં બૃહદશ્વ નળ બાબતે સ્થગિત વૃક્ષની ગુપ્તયાત્રાને આકર્ષક રીતે મૂકે છે... ‘સંખ્યાતીત બાહુઓને / ચરણમાં પરિવર્તિત કરી ઊર્ધ્વ આકાશ તરફ / કરે છે અવિરત ગતિ,’ બૃહદશ્વને ખબર છે કે ભૂતકાળને જો કાંચળી ઉતારવાની જેમ ઉતારી શકાય તો તે પીડાકારક બનતો નથી. નળની બદલાયેલી સ્થિતિ અંગે વિચારતા બૃહદશ્વ કહે છે : ‘અંતહીન છે માટે માર્ગે નિર્દય નથી.’ બૃહદશ્વ આશાવાદ રજૂ કરે છે. તો નિષધનગરી પાસે ઊભેલો નળ પંકિલ પુકુર પાસે શ્વેત રાજહંસ જેમ ઊભો પોતે ભ્રષ્ટ થયાની ગ્લાનિ અનુભવે છે. નગર અને પ્રાસાદ છિનવાઈ જતાં નળ કહે છે કે : ‘તમે જ કહો | ગૃહ વગરનો / હું હવે શાનો ગૃહસ્થ?’ નળને ખાલીપણું વીંટળાઈ વળે છે અને એમાંથી ઊગરવા ઉચ્ચારે છે : ‘હે વૈદર્ભી, તું ક્યાં છો?’ તો દમયંતી પણ અગતિક અને સ્થગિત નળ અંગે ચિંતિત છે. કહે છે : ‘પ્રચંડ વાયુનો પ્રપાત/ ઉલ્કાપાત / પૃથ્વીનો રોષભર્યો અંગ કંપ / નાગાધિરાજના / મુકુટ સરખા શિખરનો / ક્ષય કરે / પણ એથી કરીને નાગાધિરાજ ઉત્ત્પલિત થતા નથી.' દમયંતીને નિષધનગરી માયાવિની ભાસે છે જે નળને દાસ કરી રહી છે પણ નળને નિસ્તેજ ન થવા દેવા ઇચ્છતી દમયંતી બોલી ઊઠે છે ‘જે ચક્રવાક આજે / હું સૂર્યાસ્ત નહીં થવા દઉં.’ સર્ગ ત્રીજામાં નળનું જુગાર રમવામાં થયેલું પતન, દમયંતીની ચિંતાનો વિષય છે. એ પૂછે છે : ‘વાદળનું | પૃથ્વી પરનું આગમન / એ પતન જ લેખાય?* દમયંતી પછી ચન્દ્રને ઉદ્દેશે છે : ‘મારા નાથનું અંગ / તારા શીતળ સ્પર્શને / જાણતું નથી / મારા સ્પર્શને જાણતું નથી / અને એથી /હું પણ ભડભડ બળું છું’ અભાનપણે થયેલા દોષને માટે દમયંતી પાસામાં સર્વ દોષ જુએ છે અને છેવટે અરણ્યે પ્રવેશ કરવા નળને વિનવે છે તો બૃહદશ્વ અરણ્યના બહુરંગી અંધકારથી સાવધ રહેવા સૂચવે છે અને આંખમાં ભવિષ્યનાં અભદ્ર દ્રશ્યોને દૂર રાખવા ઇચ્છે છે. ત્રીજા સર્ગને અને કાવ્યને અંતે નળ ભૂખ્યો છે અને ભૂખને શાંત કરવા પક્ષીને મારવા તત્પર છે. પક્ષી એક માત્ર વસ્ત્ર હતું તે લઈને ઊડી જાય છે અને છેવટે નળ એનું નળત્વ ગુમાવે છે. પરાકાષ્ટા એ છે કે ‘ના રહું નળ.’ પણ કહ્યા વગર કવિએ કહી છે કે એ ‘બાહુક’ બન્યો. બાહુક એ વરવાપણાનું પ્રતીક છે. નળની નગરથી છૂટા થવાની વેદનાને અહીં દમયંતીથી છૂટા થવાની વેદનાની સામે મૂકી નળને નળમાંથી બાહુક બની જતો દર્શાવતું કામ આ કવિએ નવી રીતે કર્યું છે. ‘બાહુક’ ગુજરાતી સાહિત્યમાં લાંબો સમય યાદ રહી જાય એવું દીર્ઘકાવ્ય બન્યું છે.