રચનાવલી/૬૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬૭. લાખો વણઝારો (રમેશ પારેખ) |}} {{Poem2Open}} છ અક્ષરનું નામ તો ગુજરાતમાં અને ગુજરાતીમાં ઘણાબધાનું હશે, પણ ગુજરાતી સાહિત્યમાં એક જ જણે જાહેર કર્યું છે કે એનું નામ છ અક્ષરનું છે, એટલું...")
(No difference)

Revision as of 15:37, 30 April 2023


૬૭. લાખો વણઝારો (રમેશ પારેખ)


છ અક્ષરનું નામ તો ગુજરાતમાં અને ગુજરાતીમાં ઘણાબધાનું હશે, પણ ગુજરાતી સાહિત્યમાં એક જ જણે જાહેર કર્યું છે કે એનું નામ છ અક્ષરનું છે, એટલું જ નહીં, એમ પણ પાછું કહ્યું છે કે ‘મારા છ અક્ષરના નામ પછી હું ભૂલો પડ્યો હોજી' આ બીજુ કોઈ નથી પણ જેના ‘છ અક્ષરનું નામ' નામના સમગ્ર કવિતાના ગ્રંથની ચાર ચાર આવૃત્તિ પર ગુજરાતી પ્રજા કહેવાયું છે કે વરસી પડી છે તે કવિ રમેશ પારેખ છે. ન્હાનાલાલે ગીતને કાવ્યનું બિરુદ આપ્યું, ઉમાશંકર સુન્દરમે એને જરાક સાહિત્યિક બનાવ્યું પ્રહ્લાદ પારેખે એના સાહિત્યિક રીતે જકડાયેલાં અંગોને સહેજ રમતિયાળ રૂપે મુક્ત કર્યા, રાજેન્દ્ર નિરંજને એને પૂરુ ઘાટીલું કર્યું. પછી તો આધુનિક યુગનાં મંડાણ થયાં. બધાને નકાર્યું તો ગીતના ચાલું સ્વરુપને પણ નકાર્યું. અનિલ જોશીએ જૂના ગીતનો નવો ઘાટ ઘડ્યો અને પછી રમેશ પારેખે એને ઊંચકીને માથે લીધું-કવિ અને નારી બંને એક થઈ જાય એવા કોઈ અજબમિશ્રણથી સોરઠની ધરતીના તળપદા લહેકાઓ સાથે તાજી નકશીઓ રમેશે ગીતોમાં લહેરાતી રાખી છે. પકડી રાખતો અલ્લડ અને તરલ લય, પ્રાસનો મોહ પમાડતો જાદુ, કોઈક નવો ખાંચો પાડીને ભાષાનો વાણીમાં પલટતો કીમિયો- આ બધાથી તો રમેશ પારેખ ઓળખાય છે. ‘ક્યાં’ ‘ખડિંગ’ ‘ત્વ’ ‘સનનન’ ‘ખમ્મા આલા બાપુને' ‘મીરાં સામે પાર’ ‘વિતાન સુદ બીજ' ‘અહીંથી અંત તરફ' વગેરે કાવ્યસંગ્રહોએ અને પછી આ બધા કાવ્યસંગ્રહોને એકઠા કરતા ‘છ અક્ષરનું નામ' ગ્રંથે રમેશ પારેખને ખાસ્સી યારી આપી છે. રમેશનાં ગીતોની ઓળખ કરવાની જરૂર નથી રહેતી. પણ એનું એક લાંબુ કાવ્ય ‘લાખા સરખી વારતા’ આમ તો, ૧૯૭૨માં લખાયું છે. પણ એની ઓળખ કરવાની ચોક્કસ જરૂર છે. રમેશના સોરઠી ઠાઠ, ભાષાનો પ્રવાહી ઉછાળ, વચ્ચે વચ્ચે ગીતના લયની ગૂંથણી, ક્યાંક ચારણીછંદની છાંટ, ક્યાંક મરશિયાનો સૂર- છેલ્લે છેલ્લે સોરઠી દોહાનો સ્વાદ- આ બધાથી રમેશે દીર્ઘકાવ્યને ટકાવી રાખવાની મથામણ કરી છે. અહીં વાત તો પ્રેમની છે, એમાં ય વાત તો વિરહની છે પણ દરેક પ્રેમની કહોને કે દરેક કવિની પ્રેમ કરવાની રીત અલગ અલગ છે, એની ખાતરી થાય છે. એમાંય કવિ પોતાની વાત પણ બીજાની વાત હોય એવી રીતે અથવા તો બીજામાં પ્રવેશીને કે બીજું પાત્ર બનીને કરે છે ત્યારે એની ખરેખરી લાગણીને આપણી તરફ ચતુરાઈપૂર્વક પહોંચાડવાની પેરવી પણ જોવા જેવી હોય છે. આ કાવ્યનું શીર્ષક જ જુઓઃ – ‘લાખા સરખી વારતા' પોતાની વાતને કવિ વાત નથી કહેતો પણ ‘વારતા' કહે છે. અને તે પણ લાખા વણઝારાની વારતામાં પલટી નાખીને કહે છે. પોતાના સમયની કોઈ વ્યક્તિની સાથે નહીં પણ દૂરદૂરના ભૂતકાળની વ્યક્તિ સાથે, ઇતિહાસની વ્યક્તિ સાથે કવિ સંબંધ બાંધે છે. કહેવાય છે કે દરેક ‘માણસમાં, એના મનમાં કાંઈ એની પોતાની જ મૂડી નથી હોતી પણ જે પ્રજામાં એ જન્મે છે એ પ્રજાના સમૂહની મૂડી પણ એના મનમાં એને ખબર ન હોય એમ સંઘરાઈને પડી હોય છે. રમેશે એ મૂડીનો અહીં ઉપયોગ કર્યો છે.' ગુજરાતમાં અને સોરઠમાં ‘લાખો વણઝારો' કોઈથી અજાણ્યો નથી. લાખો વણઝારો કહેતાંક ને એની વણઝાર, એની પોઠ, એના તંબુઓ, એની રાવટીઓ, એનાં ઊંટ બકરીઓ, એની વણઝારણો- બધું તરત આંખ આગળ આવીની ઊભું રહી જાય છે. આ કવિ પણ કાવ્યની શરૂઆતમાં બાળવયમાં ભેરુઓ સાથે શંકરના દેરા પાસે પહોંચે છે અને ગામ છેડાઓ જાદુમંતરથી છૂ થઈ જાય છે. પહેલાં તો બધી વસ્તુઓ કવિ માટે લાખો વણઝારો બની જાય છેઃ કોઈ ઓછું ઓછું થઈ બોલી ઊઠ્યું હોય ‘આવ’/ એવું રૂપલું તળાવ અને વહાલથી વશેકું જળ લળક લળક કને જટાજૂટ ઝાડ/ તળે ઘંટડીથી હીચોહોંચ પોઠના પડાવ...' કવિ આ લાખા વણઝારામાં પલટાયેલી વસ્તુઓમાં રમખાણ થાય છેઃ ‘તંબૂ ઊંટ, તંબૂ બકરી ને રાવટીનું ઝૂંડ/ બેસે ઊઠે બેસે જાય/ મહોરે ખરીઓની ગંધ મહોરે શિંગડીની ગંધ મોહેર ઘંટડીની ગંધ' કવિએ લસરકે લસરકે વસ્તુઓને પ્રત્યક્ષ કરી છે. પછી કોડી શૃંખલાની માળા અવ્વલ વાગતા વણઝારીઓનું ઝૂંડ હાજર થાય છે! ‘વણઝારીઓનું ઝૂંડ ઘૂમે ઘમ્મર ઘમ્મર/ અરે ખોબે ખોબે અબીલ ગુલાલ જેવી/ સ૨૨ ઓઢણીઓ ઊડે/ ઝૂલે કમખામાં- આભલામાં આખી વણઝાર' પછી કવિ ઝાંઝરીને કાંઠે લપસે છે અનેએના ઘેનમાંથી બહાર આવતા ચમત્કાર થાય છે. કવિ કહે છેઃ મારા ઊપડ્યા પડાવ/ પછી ક્યારે મારી વણઝાર હાશભેર અટકી/ને ક્યારે દીઠું સાચકલું અમરેલી ગામ.../ અરે, ગામ મારાં ઊંટ અને બકરીની જેટલું જ/ કોણ જાણે શાથી એવું કાલુંવહાલું લાગ્યું/ એવું કાલુંવહાલું લાગ્યું.../ નદી મંગળાની કેડીએ/ લટારતો લટારતો હું લાખો વણઝારો’ પહેલાં વસ્તુઓ લાખા વણઝારામાં પલટાયેલી, હવે કવિ પોતે જ લાખા વણઝારામાં પલટાઈ ગયા છે. કિશોરમાંથી મરદ બનેલો કવિ રજપૂતની શૂરવીરતા સાથે પૂછે છે : ‘બોલો, મારા દાદા, બોલો કિયાં વેર વાળુ?/ બોલો કિયા વેર વાળું?' યુદ્ધ કરવાના શોખે ચઢેલા યુવાન સમક્ષ હાજર થાય છે પદમણી. જેવડી ભીનાશ મારી ખોઈ મેં, પદમણી/ જેવડી ભીનાશ ક્યાંક ખોઈ મેં'/ એવડું ચોમાસું તને જોઈ મેં પદમણી/ એવડું ચોમાસું તને જોઈ મેં.' તો, પદમણી સામે ઉત્તર દે છે : ‘હાલોને હાથ હાથમાં ઝાલીએ’ ત્યાં તો એક ‘સમળી રે આવી.' આ સમળીના પ્રવેશ સાથે યુવાન ડમરીનાં ઊઘડતાં પાન જુએ છે. પદમણી હઠ લે છેઃ ‘સોનેરી-મોતેરી રૂડો સમળીનો વાન/ એની કાંચળી પહેર્યાના મને ભાવ હો રે લોલ/ સાબદાં રે તાણો તમે તીર તતકાળ/ વીર, સમળી વિદારવાને જાવ હો રે લોલ’ યુવાન યુદ્ધમાં જાય છે. પછી ‘તીર અને સમળી. પણ નીચે લાંકા વળી જાય છે. યુવાન પડે છે. ‘કરે કેરિન નોં/ ઊડી લૂગડાની લી૨/ ઊડી આંગળીની લી/ ઊડી બાવડાંની લી ઊડી થોભિયાંની લી/ ઊડી પાંસળીની લીર' એક જ ઝાટકે બધું વઢાઈ ગયું. ‘વીર કાચી રે કરચથી કપાણો હાયહાય/ વીર ઊભી રે બજારમાં મરાણો, હાયહાય' વીંછી ચડિયો હોય તો એનો થાય ઉતાર આ તો વણઝારુંનો ભાર, એને કેમ ઉતારું કાંધથી?’ દરેક મનુષ્યના ઊંડા મનમાં પડેલી કોઈ ચિરવિરહની રગ ઉપર અહીં કવિએ હાથ મૂક્યો છે. ગત જન્મનું સાંભરે નહીં અને પીડાનો પ્રકાર જણાય નહીં. કવિ કહે છે જેટલું રે આછું આછું રડવાનું સુખ/ એટલું ય યાદ ના પદમણીનું મુખ પણ વણઝારો કવિને અલપઝલપ થયા કરે છે. કવિએ જે પંક્તિઓથી કાવ્ય આરંભેલુ એ જ પંક્તિથી કાવ્ય પૂરું કરે છેઃ ‘કોઈ કોઈ વાર/ હજી કોઈ કોઈ વાર/ ઓ રે લાખા વણઝારા...' ફરી ફરીને કવિ લાખા વણઝારાને ભાળ્યા કરે છે અને એમાં ભમ્યા કરે છે. દરેક મનુષ્યના ઊંડા મનમાં પડેલી ચિરવિરહની કોઈ લાગણીને ગતભવની વાત સાથે સાંકળીને રમેશ પારેખે કવિતાનું એક સુન્દર રૂપ પ્રગટ કર્યું છે.