રચનાવલી/૬૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬૮. તુણ્ડિલ તુણ્ડિકા (વિનોદ જોશી) |}} {{Poem2Open}} માંજેલા અવાજથી કવિ સંમેલનનું સંચાલન થતું હોય, એમાં કવિ વિનોદ જોશીનું નામ મૂકવું પડે. ગીતને લોકગીતની અડોઅડ લઈ જઈને સોળ વર્ષની કન્યા...")
(No difference)

Revision as of 15:38, 30 April 2023


૬૮. તુણ્ડિલ તુણ્ડિકા (વિનોદ જોશી)


માંજેલા અવાજથી કવિ સંમેલનનું સંચાલન થતું હોય, એમાં કવિ વિનોદ જોશીનું નામ મૂકવું પડે. ગીતને લોકગીતની અડોઅડ લઈ જઈને સોળ વર્ષની કન્યાના કોડને ઢાળતો આ ગીતકવિ એના ગીતની કેસેટોથી જાણીતો છે. વિનોદ જોશી એ આજની ગીતઘેલી ગુજરાતી પ્રજામાં અપરિચિત નામ નથી ‘ઝાલર વાગે જુઠડી’માં એમણે એમના ગીતોનો સંચય કર્યો છે બીજાં કાવ્યોની સાથે સાથે ‘કચકડાની ચૂડી રે મારું કૂણું માખણ કાંડું / સૈયર શું કરીએ?’ કે ‘એક કાચી સોપારીનો કટ્ટકો રે / એક લીલું લવિંગડીનું પાન / આવજો રે તમે લાવજો રે / મારા મોંઘા મે'માન' જેવાં ગીતો દ્વારા આપણા પારંપારિક ગીત વારસાને વિનોદ જોશીએ દીપાવ્યો છે. પણ વિનોદ જોશી એકલા ગીતકવિ નથી. એમણે શિખંડી’ નામે ખંડકાવ્ય અને ‘તુણ્ડિલ તુણ્ડિકા’ નામે પદ્યવાર્તા પણ લખી છે. અહીં અને વિશ્વમાં બધે આધુનિકતાવાદનું જોર ઘટ્યું છે, અને આધુનિકતાવાદનું જોર ઘટતાં આધુનિકતાવાદની સામે સૂર ઊઠ્યો. આઘુનિકતાવાદે પરંપરા સામે સૂર ઉઠાવેલો પણ અનુઆધુનિકતાવાદે તો પરંપરાવાદ અને આધુનિકતાવાદ બંને સામે સૂર ઉઠાવ્યો છે. સૂર ઉઠાવ્યો છે એટલું જ નહીં પણ પરંપરાવાદ અને આધુનિકતાવાદે જે અત્યાર સુધી સ્થાપેલું હતું એ બધાની ઠેકડી ઉડાડવા માંડી છે. અનુઆધુનિકતાવાદનો મિજાજ એણે ઉડાડેલી ઠેકડીમાં જોઈ શકાય છે. બાબુ સુથાર નામના એક લેખકે ‘કાચીંડો અને દર્પણ’ જેવી એક નવલકથા ‘ગદ્ય પર્વ’ (મે- જુલાઈ ૧૯૯૧) નામના સાહિત્યિક સામયિક છપાવીને અત્યાર સુધી લખાયેલી ગુજરાતી નવલકથાની રીતસરની ઠેકડી ઉડાડી છે. બરાબર એ જ રીતે વિનોદ જોશીએ પણ ‘તુણ્ડિલ તુણ્ડિકા’ પદ્યવાર્તામાં આપણે ત્યાં લખાતી કવિતાની, કવિતાની ભાષાની, આપણા જીવનનાં મૂલ્યોની જોરદાર ઠંકડી ઉડાવી છે. મધ્યકાળમા જેમ પ્રેમાનંદ એનાં આખ્યાનોથી જાણીતો છે, તેમ શામળ ભટ્ટ એની પદ્યવાર્તાઓથી જાણીતો છે. શામળ ભટ્ટની પદ્યવાર્તામાં જાતજાતનાં પરાક્રમો અને જાતજાતના ચમત્કારો આવે, ઉખાણાં આવે, આડકથાઓ આવે અને એમ એના જમાનાના શ્રોતાવર્ગને એ રાતોની રાતો જકડી રાખે બરાબર એ જ રીતે શામળભટ્ટની જેમ રાજા તુણ્ડિલ અને તુણ્ડિકાની પદ્યવાર્તા લઈને વિનોદ જોશીએ પદ્યવાર્તાની હાંસી ઉડાવી છે. એમાં ઊડતી પવનપાવડી આવે છે, એમાં ઉખાણાં આવે છે, એમાં વચ્ચે ગીતો આવે છે અને એમ વાર્તા કહેવાતી જાય છે આ દ્વારા વિનોદ જોશીએ પદ્યવાર્તામાં વપરાતી ભાષાના, પદ્ય વાર્તા સાંભળનારા શ્રોતાઓના, પદ્યવાર્તામાં આવતા પ્રેમના અને પદ્યવાર્તામાં આવતી આત્મવાવાદી ફિલસૂફીના લીરેલીરા ઊડતા જાય એવી ગોઠવણ કરી છે. ‘તુણ્ડિલ તુણ્ડિક’માં વાર્તા મહત્ત્વની નથી. પણ વાર્તાનું ઓઠું લઈને જે બધું થાય છે તે મહત્ત્વનું છે. વાર્તા તો નાની અમથી છે અને તે કોઈ નવા કવિ દ્વારા શ્રોતાઓને કહેવાતી હોય તે રીતે રજૂ થઈ છે પણ આ વાર્તામાં આવતો ઉપહાસનો ઠાઠ માણવા જેવો છે. કુણ્ડિનપુર એક ગામ. એમાં ઘામ બહુ પડે. વીંઝણા પણ મોંઘા થઈ જાય. કાયમ ઘોર ઉનાળો રહે. તુણ્ડિલરાય એનો રાજા. એકવાર એણે પ્રધાનને કહ્યું કે આ ઘામ પડે છે તો ટાઢકનો કીમિયો કર. પ્રધાને મોતની સજા સાથે ફરમાન કર્યું કે દરેકે ગાલમાં ફૂંક ભરીને અચૂક આવવું, ધાડાં ઉમટ્યાં. મુશળધાર ફૂંક થઈ. રાજા ચકચૂર થયો. એવામાં સોળ વરસની કોઈ સુંદરીએ રાજાને પડખે જઈને પ્રેમથી મખમલ ફૂંક દીધી. રાજાએ સુંદરીનો હાથ પકડ્યો. સુંદરી કહે : ‘ના થામો મુજ બાવડું’ રાજાએ બધાને જતા રહેવા હુકમ કર્યો ને. છેવટે નમણી નાર તુણ્ડિકા સાથે સંબંધ બાંધ્યો. તુણ્ડિકા કહે : ‘સાજન તુમરા ગાંવમાં / લૂ વરસે ઘનઘો૨; કુંજ કરે કલશોર / લે ચલ એવા દેશમાં' ને લૂ વરસતા ગામમાંથી બેઉ જણ નીકળી ગયાં. પરણ્યાં. પવનને ઘોડલે ઊડ્યાં ને એમ કોઈ આમ્રકુંજવાળા દેશમાં વર્ષ વીત્યું. ત્યાં કોઈ એક શિકારે આવેલા સૂબાએ તુણ્ડિકાને એકલી જાણીને ઉપાડી લીધી પણ પછી તુણ્ડિકાની વિયોગવેદના જોઈને એને છોડી દીધી. રાજા તુણ્ડિલ પાસે આવેલી તુણ્ડિકાનો અસ્વીકાર થાય છે. તુણ્ડિલરાય કહે છે : ‘પાછી જા કમજાત’ તુણ્ડિકા વહેણમાં વહેતી ક્યાંક પહોંચે છે. ત્યાં એને ઉત્સવપુરનો કોઈ નરપુંગવનો ભેટો થાય છે. તુણ્ડિકા એની સાથે રહે છે. આ બાજું તુણ્ડિલને કોઈ કિન્નરીનો ભેટો થાય છે. છેવટે ચાર ભેગાં મળે છે અને પવનપાવડી પર બેસી ઊર્ધ્વલોક તરફ જાય છે : ‘ચારો ચલે કો/ કાયા લઈને કાચની’ કવિ અંતે આરતી કરે છે : દેહના બ્રહ્મમાં, દેહનો ભ્રમ રમે / દેહને દેહીએ દિવ્ય ગણવો; દેહસર્વસ્વના મૂળમાં સંભવે / દેહના તંતનો સાર ભણવો.’ જોઈ શકાશે કે કવિએ અહીં આરતીની પણ ‘આરતી’ ઉતારી છે. નરસિંહના ઝૂલણાની પણ ‘આરતી’ ઉતારી છે. ન્હાનાલાલથી માંડી આજ સુધી આપણે ત્યાં આત્માના લગ્નની વાતનું મૂલ્ય એવું કૃતક રીતે પચી ગયેલું છે કે હવે મૂલ્ય બદલાયેલી મૂડીવાદી સામાજિક પરિસ્થિતિમાં કવિને ઠેકડી કરવાને પાત્ર લાગે છે. અને તેથી ‘આત્મા’ની સામે ‘દેહ’ નો મહિમા કવિ રજૂ કરે છે. જો આ રચનામાં કવિનો મજાકીયો, વ્યંગભર્યો, વક્રતામિશ્રિત, ઠઠ્ઠો કરતો અવાજ પકડી ન શકો તો ઘણુંબધું ગુમાવી બેસો તેમ છો. આજની બદલાયેલી ભૌતિકતાવાદી અને ભોગવાદી સામાજિક પરિસ્થિતિમાં જ્યારે કૃતકતા અને દંભ ઘર કરીને બેઠાં છે અને પોપટિયાં આત્માના પ્રેમની ફિલસૂફીનાં ગાણાં નકામાં ગવાયાં કરે છે ત્યારે સંવેદનશીલ અનુઆધુનિક કવિ આ બધાની ઠેકડી ન ઉડાવે તો બીજું કરે પણ શું? અહીં કઈ વસ્તુની કવિએ ઠેકડી નથી ઉડાડી એ કહેવું મુશ્કેલ છે. કૃતક ગંભીરતાથી રજૂ થયેલી પદ્યવાર્તાની નીચે રહેલી ગંભીરતાને પૂરેપૂરી ગંભીરતાથી લેવા જેવી છે.