રચનાવલી/૭૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭૩. મૃત્યુંજ્ય (વીરેન્દ્ર ભટ્ટાચાર્ય) |}} {{Poem2Open}} ગયા ઑગસ્ટની છઠ્ઠી તારીખે વીરેન્દ્ર ભટ્ટાચાર્યનું અવસાન થયું. આ અસમિયા નવલકથાકારનું ભારતીય સાહિત્યમાં સમર્થ નવલકથાકારોમાં...")
(No difference)

Revision as of 16:04, 30 April 2023


૭૩. મૃત્યુંજ્ય (વીરેન્દ્ર ભટ્ટાચાર્ય)


ગયા ઑગસ્ટની છઠ્ઠી તારીખે વીરેન્દ્ર ભટ્ટાચાર્યનું અવસાન થયું. આ અસમિયા નવલકથાકારનું ભારતીય સાહિત્યમાં સમર્થ નવલકથાકારોમાંના એક તરીકે સ્થાન છે. સાહિત્ય અકાદમીનો અને જ્ઞાનપીઠનો પુરષ્કાર એમને મળેલો છે. સાહિત્ય અકાદમીના તો તેઓ પહેલાં ઉપાધ્યક્ષ અને પછીથી અધ્યક્ષ રહી ચૂક્યા છે. ૧૯૨૪માં અસમના શિવસાગર જિલ્લામાં જન્મેલા આ લેખકે એમનું ઉચ્ચ શિક્ષણ જોરાહાટમાં અને ગુવાહાટીની કૉટન કૉલેજમાં લીધેલું. અને ગુવાહાટી વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવેલી. એમણે ભાર પછી પત્રકારત્વને ક્ષેત્રે પદાર્પણ કર્યું અને ‘રામધેનુ’ જેવા અનેક સાહિત્યિક સામયિકોનું સંપાદન કર્યું. આ નવલકથાકારે પોતાને અને પોતાના સમાજને નજીકથી જોયો છે; અને પોતાના આદર્શ પ્રમાણે એનું ઘડતર કરવાને એની સામે ઊહાપોહ કર્યો છે. ઊપસતાં આવતાં વૈજ્ઞાનિક મૂલ્યોનું ચાલી આવતાં પારસ્પરિક ભારતનાં આધ્યાત્મિક મૂલ્યો સાથે એમણે અપૂર્વ મિશ્રણ કર્યું છે. થોડાંક વર્ષ એમણે ગામ ખુલની શાળામાં વિજ્ઞાન શીખવેલું અને આ શાળામાં કામ કરતાં કરતાં તેઓ નગા જાતિ સાથે પરિચયમાં આવેલા, નગા જાતિજીવનને એમણે નજીકથી અનુભવ્યું. એમણે પોતાનો એ નગા અનુભવ ‘ઇયારુ ઇંગમ' નામની નવલકથામાં મૂક્યો, જે નવલકથાને પછીથી સાહિત્ય અકાદમીનું ઈનામ મળ્યું. ‘ઇયારુઇંગમ'માં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જપાની સૈન્યે ઈશાન ભારત પર કબજો જમાવેલો અને જપાની સૈનિકો યુદ્ધ દરમ્યાન જે નગા સ્ત્રીઓ સાથે સંપર્કમાં આવેલા એની આસપાસ નવલકથાને ગૂંથી છે. એક બાજુ એમાં પ્રણયની કથા પણ છે અને બીજી બાજુ એમાં યુદ્ધની કથા પણ છે. ઇમ્ફાલ મણિપુરના વિસ્તારમાં રહેતી ટાંખુલ નગા જાતિના જીવનને એમની કેટલીક આદિમ રૂઢિઓ સાથે લેખકે રજૂ કર્યું છે. સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પ્રકાશિત એનો ગુજરાતી અનુવાદ ભોળાભાઈ પટેલે કર્યો છે. પરંતુ ૫૫ વર્ષની વયે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર આ લેખકની બીજી કૃતિ ‘મૃત્યુંજ્ય’ સૌથી વધુ નોંધપાત્ર કૃતિ છે. ૧૯૪૨માં સ્વાતંત્ર્યના સંઘર્ષ દરમ્યાન અંગ્રેજ સરકારનાં સૈન્ય અને શસ્ત્રને લઈ આવતી ટ્રેનને ઊથલાવનારો તોડફોડનો પ્રસંગ જે બારપાથારમાં બનેલો એના પરથી પ્રેરણા લઈને આ લેખકે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય થયેલી પ્રજાના સામૂહિક પુરુષાર્થને અહીં વર્ણવ્યો છે. ૧૯૪૨માં ગાંધીજીની ધરપકડ થઈ અને અનેક સત્યાગ્રહીઓને જેલમાં નાખવામાં આવ્યા. લોકોમાં નિરાશા વ્યાપી ગઈ. એમને થયું કે હવે માર્ગદર્શન કોણ આપશે? દેશને સ્વતંત્ર બનાવવાના સ્વપ્ન જોતા ઘણા લોકોએ સુભાષચન્દ્ર બોઝનો અહિંસાથી જુદો રસ્તો અપનાવ્યો. સુભાષે કહેલું કે ‘તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ.' આ મંત્રને માયંગના મહદાનંદ ગોસાઈએ પણ ઝીલી લીધો. એની સામે ધનપુર અને રૂપનારાયણ જેવા જુવાનો પણ જોડાયા. એમને સૌને લાગ્યું કે અહિંસાથી નહીં પણ ક્રાંતિથી દેશ આઝાદ થશે. ગાંધીજીનું અહિંસક યુદ્ધ જોઈ લીધું. એનાથી કાંઈ વિશેષ બનશે નહીં. એમને લાગ્યું કે હવે ગેરિલા યુદ્ધ કરવું પડશે. ખૂનનો બદલો ખૂન. પુલ તોડવા પડશે, રસ્તાઓ અને ઘાટ નકામા બનાવવા પડશે, ટ્રેનો ઊથલાવવી પડશે. અને કેટલાક જુવાનો એમ કરવામાં જોડાઈ ગયા. ગોંસાઈ ધનપુર અને રૂપનારાયણ પર એક પુલ ઉડાડવાની જવાબદારી આવી પડે છે. ધનપુર પોતાથી મોટી ઉંમરની ડિમિને ચાહે છે પણ ડિમિ વિવાહિત હોવાથી એ માર્ગે આગળ વધવાને બદલે દશેક સૈનિકોના અત્યાચારની ભોગ બનેલી સુભદ્રા સાથે લગ્ન કરવાનું ધનપુર વિચારે છે. પણ અત્યારે તો એની સામે પુલ ઉડાડવા સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી. ગોંસાઈ અને આ બંને યુવાનો ટ્રેન ઉથલાવવાની જગ્યાએ પહોંચવા મથે છે. રસ્તામાં ડિમિ સાથે ધનપુરની મુલાકાત થાય છે. એક ક્ષણ તો ડિમિ ધનપુરને આવી કામગીરીમાં જવા માટે રોકે છે. એને ખબર છે કે આ કામગીરીમાં કાં એને મૃત્યુ મળે અને કાં તો એને પકડાય તો ફાંસી મળે. ડિમિ ધનપુરને કહે છે કે હું તને ગોંસાઈ અને એના સાથીઓના હાથમાં નહીં સોંપું. હું તને મારા પાલવ સાથે બાંધેલો રાખીશ. પણ ધનપુર એને સમજાવીને અને સુભદ્રા પ્રત્યેની પોતાની લાગણીને પ્રગટ કરીને ત્યાંથી કામગીરી માટે ચાલી નીકળે છે. અલબત્ત ગોંસાઈ કેટલુંક સંકટ પોતાને માથે લે છે અને બે જુવાનોને મરતા બચાવવા પ્રયત્ન કરે છે. પણ એમાં ધનપુર થવાય છે. ગોંસાઈ અને રૂપનારાયણ કામગીરી દરમ્યાન થયેલી દુર્ઘટનાને કારણે વિચારે છે કે આ તો હજી શરૂઆત છે. આના પછી આરોહણ હશે, અવરોહણ હશે અને અંત હશે. પણ સાથે સાથે એમ પણ વિચારે છે કે કોઈને માર્યા વગર પ્રેમની શક્તિથી લક્ષ્યને પહોંચવામાં જીવને વધુ ઠંડક મળત. ગોંસાઈ જેવા વૈષ્ણવજનને પણ લોહીના ડાથ જંપવા દેતા નથી. હિંસા કરવા નીકળેલા આ સર્વને હિંસાની દુર્ઘટના અહિંસાની લાગણી તરફ ખેંચે છે, એ અહીં મહત્ત્વનું છે. ગોંસાઈ બે જુવાન પહેલાં મર્યા, ધનપુર મરણતોલ છે. મરતી વખતે ધનપુર ડિમિને એકવાર મળવા ઇચ્છે છે અને ચૂમવા ઇચ્છે છે. બીજી બાજુ દોડતી આવેલી ડિમિ અંતે મૃત ધનપુરને આશ્લેષમાં લે છે અને કહે છે કે થોડી વધારે તેં શા માટે રાહ ન જોઈ?' અંગ્રેજી સામેના અહિંસક સ્વાતંત્ર્યસંગ્રામની સમાન્તર ચાલેલા હિંસાત્મક સંઘર્ષની ભૂમિકામાં પ્રેમની કથા સાથે ક્રાંતિની કથા કહેતી આ નવલકથામાં ૧૯૪૨ના સમયનો એક ચોક્કસ યુગચિતાર મળે છે. કંઈક ને કંઈક પ્રયોજનના અનુભવને નવલકથામાં મૂકતા આવેલા આ અસમિયા નવલકથાકારે આ નવલકથામાં પણ સત્યને સુન્દર રૂપ આપી બહિર્જગત સામે પ્રસ્તુત કર્યું છે.