રચનાવલી/૮૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮૮. સંસ્કાર (અનન્તમૂર્તિ) |}} {{Poem2Open}} કોઈપણ સમાજમાં પરંપરા એ તંદુરસ્તી છે, એ ગતિ છે કારણ કે આવતાં પરિવર્તનોની સાથે એ ઝૂઝે છે, એને પચાવે છે અને આગળ વધે છે; ત્યારે કોઈપણ રૂઢિ એ રોગ છે...")
(No difference)

Revision as of 15:42, 2 May 2023


૮૮. સંસ્કાર (અનન્તમૂર્તિ)


કોઈપણ સમાજમાં પરંપરા એ તંદુરસ્તી છે, એ ગતિ છે કારણ કે આવતાં પરિવર્તનોની સાથે એ ઝૂઝે છે, એને પચાવે છે અને આગળ વધે છે; ત્યારે કોઈપણ રૂઢિ એ રોગ છે, એ સ્થગિતતા છે, પરિવર્તિત થવાની એની ક્યારે ય તૈયારી હોતી નથી. એ જ્યાં હોય છે ત્યાંથી ખસવા નથી માગતી, એમાં જડતા છે. આ જડતાને કારણે સમાજને હાનિ થવા માંડે છે, સમાજ સડવા માંડે છે. મિથ્યા આડંબર દંભ અને યાંત્રિકતા એનું સ્થાન લે છે. જીવનનો રસ હણાઈ જાય છે. જીવન બોજ બની જાય છે. કેટલીકવાર અનેક મૂલ્યો આવી રૂઢિ સાથે સમાજને જડતા તરફ લઈ જાય છે, એમાંનું એક મૂલ્ય ધર્મ પણ છે. આ ધર્મને કેવળ ભૂતકાળમાં શોધવાનો નથી, ભૂતકાળના લખાયેલા ગ્રન્થોમાં શોધવાનો નથી. ગ્રંથોમાં લખેલું છે તે બાબા વાકપ્રમાણ છે એ માનીને જ ચાલવાનું નથી. આ ગ્રન્થોમાં સચવાયેલો ધર્મ તો, જે તે યુગ, જે તે સમાજ, જે તે પ્રજાની પોતાની સમસ્યાઓ અને એનાં સમાધાનોનો સંદર્ભ છે. ભૂતકાળના આ ગ્રંથોમાં ડૂબી રહી વર્તમાન જગત સાથેનો અને જીવાતા જીવન સાથેનો નાતો તોડી નાખનારા જીવનના પરમ મર્મથી વંચિત રહી જાય છે. કશાક આના વિચારમંડળમાંથી આર. યૂ. અનન્તમૂર્તિએ ‘સંસ્કાર' નામની નવલકથાને જન્મ આપ્યો છે. અનન્તમૂર્તિ કન્નડના મોટા સાહિત્યકાર છે. અને કર્ણાટકના શિયમોગા જિલ્લાના તીર્થહલ્લી તાલુકામાં આવેલા બેગુવલ્લી નામના એક ગામડામાંથી આવે છે. પણ અંગ્રેજીના પ્રાધ્યાપક છે. વર્ષો સુધી એમણે મૈસૂર વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીવિભાગમાં કામ કર્યું છે. અને આજે દિલ્હીની સાહિત્ય અકાદમીના પ્રમુખ છે. ૧૯૭૪-૯૩નાં વર્ષો દરમ્યાન ઉત્કૃષ્ટ યોગદાન માટે એમને ૧૯૯૪નો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ અપાયો છે. એમણે ‘સંસ્કાર’ ઉપરાંત ‘ભારતીપુર' ‘અવસ્થે' જેવી નવલકથાઓ આપી છે. એમની બધી જ વાર્તાઓ ‘એરડુ દશકદ કથગળુ' સંચયમાં સમાવી લેવામાં આવી છે. નેશનલ બુક ટ્રસ્ટે એમનો એક કાવ્યસંગ્રહ ૧૯૭૩માં બહાર પાડ્યો છે. પણ આ બધામાં ઉત્તમ ચલચિત્ર જેના પરથી તૈયાર થયું છે તે એમની ‘સંસ્કાર’ નવલકથાથી તેઓ સૌથી વધુ જાણીતા છે. ‘સંસ્કાર’ નવલકથાનું ઉપશીર્ષક ‘મરેલા માણસની અંત્યેષ્ટિ’ છે. આ શીર્ષક સૂચવે છે તેમ આ નવલકથામાં લેખકે મૃત્યુને કેન્દ્રમાં રાખ્યું છે. મૃત્યુ નિમિત્તે જીવનની ખેંચતાણોને અને ખાસ તો એના નાયક પ્રાણેશાચાર્યના મૃતપ્રાય જીવનને નવેસરથી જગાડવાનો પ્રયત્ન કર્યો છે. નવલકથાની મુખ્ય કથા કંઈક આ પ્રકારે છે. દુર્વાસાપુર કોઈ વિશિષ્ટ બ્રાહ્મણવર્ગને સમાવતું એક નાનું ગામ છે. રૂઢિચુસ્ત અને ધર્મજડ મધ્યબ્રાહ્મણો એમનું રોજિંદું જીવન જીવી રહ્યા છે અને એમનો નાયક વેદાન્તચૂડામણિ પ્રાણેશાચાર્ય જાણી જોઈને કોઈ અપંગ નારીને પરણીને, એની સેવામાં સ્વેચ્છાએ વર્ષો વીતાવી રહ્યો છે. સંસ્કૃત ગ્રન્થો અને પુરાણગ્રંથોના જીવનથી પરિચિત આ નાયકને જીવનનો કોઈ સીધો પરિચય નથી, એવામાં, એ ગામમાં બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણત્વની વિરુદ્ધ જઈ, વેશ્યા સ્ત્રી ચન્દ્રી સાથે રહેતા અને માંસમદિરાનું સેવન કરતાં નારણપ્પાનું પ્લેગથી મરણ થાય છે. નારણપ્પા બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણ નથી અને એને કોઈ સંતાન નથી, તો એનો અગ્નિસંસ્કાર કોણ કરે એ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. નારણપ્પાએ ધમકી આપેલી કે જો એને જ્ઞાતિબહાર મૂકશે તો એ મુસલમાન થઈ જશે. તેથી એને જ્ઞાતિબહાર પણ નહોતો મૂક્યો. તેટલે ઉપકાર તો કરવો જ પડે. અગ્નિસંસ્કાર માટે ચન્ની પોતાના દાગીના આપવા તૈયાર થતાં બ્રાહ્મણોનાં લોભ અને લાલચથી કોકડું ઓર ગૂંચવાય છે. આ બાબતમાં પ્રાણેશાચાર્ય પાસે સલાહ માંગતા પ્રાણેશાચાર્ય ગ્રંથો ઊથલાવી જાય છે પણ કોઈ ઉકેલ મળતો નથી. પ્રાણેશાચાર્ય ગામની બાજુમાં આવેલા મન્દિરમાં મારુતિની મૂર્તિ પાસે ઉકેલ શોધવા જાય છે, પણ નિષ્ફળ જતાં રાત્રે પાછા ફરતી વેળાએ નારણપ્પાની ચન્દ્રી સાથે ઓચિંતા સંપર્કમાં આવે છે અને પોતાની રોગિષ્ટ પત્નીથી જુદો એક શરીર અનુભવ પ્રાણેશાચાર્યને નવેસરથી વિચારવા પ્રેરે છે. આ બાજુ પ્લેગમાં પત્નીનું મૃત્યુ થતાં પ્રાણેશાચાર્ય બ્રાહ્મણવર્ગને કોઈપણ ઉકેલ આપ્યા વગર નારણપ્પાનાં શબને એમને એમ ગામમાં રાખી દૂર નીકળી પડે છે. તો ચન્દ્રી આ દરમ્યાન નારણપ્પાના શબનો બ્રાહ્મણોથી અને પ્રાણેશાચાર્યથી અજાણ રાખી રાત્રે કોઈ મુસલમાનની મદદથી અગ્નિદાહ સંસ્કાર કરી નાખે છે. ભટકતા પ્રાણેશાચાર્યને રસ્તામાં પુટ્ટુ નામનાં એક માણસનો પરિચય થાય છે અને એની સાથે રહી પ્રાણેશાચાર્ય જીવનની નવી દિશાના અનુભવો ઝીલે છે. વેદાન્તચૂડામણિની સભાનતા ઓગાળી નાખી એક સામાન્યજનની જેમ તેઓ અનુભવ લે છે. છેવટે નક્કી કરે છે કે દુર્વાસાપુરના બ્રાહ્મણવર્ગ આગળ જઈ ચન્દી સાથેના પ્રસંગની કબૂલાત કરી ચન્દ્રી પાસે રહેવા કુન્દ્રાપુર ચાલ્યા જવું. – આ નિર્ણય પ્રાણેશાચાર્ય બ્રાહ્મણવર્ગ આગળ જાહેર કરે તો શો પ્રત્યાઘાત આવે એને ચકાસી જોવા પ્રાણેશાચાર્ય પુટ્ટુને પોતાની સાચી ઓળખાણ આપી પોતાનો વિચાર જણાવવાનો નિશ્ચય કરે છે. ત્યાં પુટ્ટ દુર્વાસાપુર તરફ જતાં ગાડામાં એકની જ જગા હોવાથી પ્રાણેશાચાર્યને પરાણે ચઢાવી દે છે. છેવટે પ્રાણેશાચાર્ય દુર્વાસાપુરની દિશામાં જતાં જતાં ઉત્સુકતા, ઉદ્વેગતા અને આશાથી એ ક્ષણની રાહ જોવા લાગે છે.... અહીં ‘સંસ્કાર’ નવલકથા ઋષ્યશૃંગ ગ્રંથિનો આભાસ આપે છે. ઋષ્યશૃંગને માણસોથી અને સ્ત્રીઓથી સુરક્ષિતપણે વનમાં દૂર રખાયેલા. અને પછી ઓચિંતા યુવાવયે એમને સ્ત્રીઓનો સંપર્ક થતાં જે એમનામાં પરિવર્તન આવે છે તે જ પ્રમાણે માંદી બિમાર પત્નીની સાથે રહી સ્વેચ્છાએ સંસારસુખથી અજાણ રહેલા પ્રાણેશાચાર્યમાં તંદુરસ્ત ચન્દ્રીના સમાગમથી નવું પરિવર્તન આવે છે. રૂઢિચુસ્ત બ્રાહ્મણવર્ગના જડજગતમાંથી સંવેદનના જીવંત જગતમાં પ્રવેશતાં નાયકની આ નવલકથા ‘અંત્યેષ્ટિ સંસ્કાર'થી શરૂ થઈ ‘આંતરિક સંસ્કાર' સુધી પહોંચવાની પેરવી કરે છે.