રચનાવલી/૮૯: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૯. ઓડલાલ (દેવનૂર મહાદેવ) |}} {{Poem2Open}} ગૌતમ બુદ્ધે ‘સર્વમ્ દુઃખમ્ દુ:ખમ્'થી સંસારને ઓળખાવ્યો છે. એ સંસારનું એક ટકો દુઃખ કદાચ કુદરતદીધું હશે, પણ નવાણું ટકા દુ:ખ તો મનુષ્ય પોતે ઊભાં...") |
(No difference)
|
Revision as of 15:43, 2 May 2023
ગૌતમ બુદ્ધે ‘સર્વમ્ દુઃખમ્ દુ:ખમ્'થી સંસારને ઓળખાવ્યો છે. એ સંસારનું એક ટકો દુઃખ કદાચ કુદરતદીધું હશે, પણ નવાણું ટકા દુ:ખ તો મનુષ્ય પોતે ઊભાં કરેલાં છે. એણે રચેલા સમાજે ઊભા કર્યાં છે. એણે રચેલા સમાજે મનુષ્યને ઊંચો કર્યો, મનુષ્યને નીચો કર્યો. સમાજે એને છૂત કર્યો, સમાજે એને અછૂત કર્યો. સમાજે વર્ગો ઊભા કર્યા. વર્ગોના સંઘર્ષો ઊભા કર્યા. એક વર્ગ બીજા વર્ગને ક્યારેક તો હંમેશાંનો પીડતો રહ્યો. એટલું ઓછું હોય તેમ ધર્મે પણ સમાજના માળખાને ખોખરો કરવામાં ખાસ્સો ભાગ ભજવ્યો. શા માટે એક વર્ગને 'હરિજન' કહેવો પડે? શા માટે એક વર્ગનું શોષણ જ થતું રહે? શા માટે એક વર્ગને ‘અંત્યજ’ નામ આપી સમાજને છેવાડે મૂકવો પડે? શા માટે મનુષ્યના મનુષ્ય તરીકેના અધિકાર છીનવી લેવામાં આવે? શા માટે સમાજના એક વર્ગને સદીઓ સુધી મૂંગો રાખવામાં આવે? બન્યું છે, આવું જ બન્યું છે, અને તેથી જ પોતાને અભદ્ર રીતે ભદ્ર ઓળખાવતા પ્રજા વર્ગની સામે દલિત વર્ગે પોતાનો આક્રોશ શરૂ કર્યો છે. માનવજાતના ઇતિહાસમાં વીસમી સદીના પૂર્વાર્ધમાં બબ્બે યુદ્ધો પછી એના ઉત્તરાર્ધમાં પ્રમાણમાં સુરક્ષિત કહેવાય એવી જે લોકશાહી રાજ્યવ્યવસ્થાનો ખ્યાલ વિકસી રહ્યો છે એમાં આ રીતે હાંસિયામાં મુકાયેલા ઉપેક્ષિત વર્ગને પોતાનો અવાજ ઉઠાવવાનો મોકો મળ્યો છે. ભારતીય સાહિત્યમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક એના દલિતસાહિત્યને કારણે જુદી દિશામાં આગળ વધી રહ્યાં છે. દલિત સાહિત્યે પહેલીવાર સમાજના એક અંધારિયા ખંડની યાતનાઓને અને એની સંવેદનાઓને પ્રગટ કરવા માંડી છે. ડૉ. આંબેડકરે ઊભી કરેલી અસ્મિતા સાથે દલિત સાહિત્ય સામાજિક અસમાનતા, અસ્પૃશ્યતા, અત્યાચારો અને સામાજિક તેમજ રાજકીય અનિષ્ટો સામે ઝઝૂમી રહ્યું છે; અને દલિત ચેતનાને એના નિષ્ઠુર વાસ્તવમાં રજૂ કરી રહ્યું છે. કન્નડ ભાષામાં દલિત સાહિત્યક્ષેત્રે દેવનૂર મહાદેવ સશક્ત લેખક છે. એમની પ્રસિદ્ધ નવલકથા ‘ઓડલાલ'માં એક દલિત પરિવારનું, એમની ભૂખ અને એમની પીડાનું, એમના શાસનતંત્ર દ્વારા થઈ રહેલા શોષણનું જીવતું ચિત્રણ મળે છે. ઘરડી સાકમ્મા ચાર થાંભલી પર ઊભી એક તૂટી ફૂટી ઝૂંપડીની માલિક છે! એની ચામડી લબડી પડેલી છે. એની બાજુમાં લાકડી અનાથ બનીને પડેલી છે. સાકમ્માની પરવાહ કર્યા વગર લાકડી પર માખીઓ બણબણી રહી છે. થાકી હારી સાકમ્માનું દુઃખ અત્યારે એ છે કે ગઈકાલથી એનો મરઘો લાપત્તા છે. મરઘો પાછો ફર્યો નથી. સાકમ્મા ઠેર ઠેર મરઘો શોધતી રહી. છેવટે થાકી હારીને ઘેર પાછી ફરી. અને પગ પસારીને ઓસરીમાં બેસી પડી છે. હજી મળશ્કુ થયું નહોતું. ત્યાં ફરી સાકમ્મા મરઘાને બૂમ પાડી બોલાવવા લાગી. ઘરનાં બધાં એક પછી એક સાકમ્માના અવાજથી જાગવા માંડે છે. સાકમ્માનો મોટો દીકરો કાલણા, વચલો દીકરો ચિક્કણ્ણા અને નાનો દીકરો ગુરસિદુ છે. કાલણ્ણા માની બૂમ સાંભળીને પાછો સૂઈ જાય છે, ચિકણા આંખ તો ખોલે છે, પણ પત્નીના કહેવાથી પાછો સૂઈ જાય છે. ગુરસિદુ ઘરમાં મહેમાન જૈવો છે. ગામ ગામ ફરતી નાટકમંડળીમાં કામ કરે છે, તે ખૂણામાં આવીને પડ્યો છે પણ એના પર માની બૂમની કોઈ અસર નથી. આ બાજુ સાકમ્માએ એના મરઘાંની ઊઠવા બેસવાની બધી જગાઓ જોઈ નાખી. બપોર થતાં થતાં તો એને ખાતરી થઈ કે કોઈએ એના મરઘાને મારી નાખ્યો છે. સાકમ્મા યાદ કરવા લાગી કે કોની કોની સાથે એને બનતું નથી. અને સાકમ્માને પહેલી એની શોક્ય યાદ આવી. માંડ માંડ ઢસડાતી ચાલતી સાકમ્મા એના થોલકા પાસે પહોંચી એના ખૂણેખૂણા તપાસે છે, ફેંદે છે. એક ચીજ છોડી નહીં. સાકમ્માને કાંઈ મળ્યું નહીં. માત્ર બેચાર પાંખ પડેલી મળી. સાકમ્મા એને આંખોની છેક પાસે લઈને જુએ છે પણ એ પાંખ એના મરઘાની નહોતી. છેવટે લોથપોથ, ઝૂંપડીની ઓસરીમાં, આવીને સાકમ્માએ ધૂળની મુઠ્ઠીઓ ભરીને ફેંકવા માંડી અને બોલવા માંડી ‘મારો મરથો ખાવાવાળા લોકોનું ઘટ માટીમાં મળી જ્જો. ...મારા ભગવાનનું સત હશે તો મારા મરઘાને ખાવાવાળાનું ઘર ખાખમાં મળી જજો.' ત્યાં દીકરી આવીને સાકમ્માને હાથ ઝાલે છે અને સાકમ્માને પાણી પાય છે. ખુશ થઈને સાકમ્મા દીકરીને કહે છે : મર્દની જેમ ધોતી ઉપર ચઢાવીને બધી મહેનતથી આ બધી પૂંજી મેં એકઠી કરી છે. જાયદાદ મારી છે, મારી પોતાની કમાઈ છે. હું મારી જાયદાદ તારા દીકરાને નામે લખીને મરવાની છું.' આ સાંભળતાં જ દીકરાની વહૂ અંદરથી બહાર આવી પહોંચે છે. ઝડઘો જામે છે. દૃશ્ય બદલાય છે. મોટો દીકરો કાલણ્ણા ક્યાંકથી ગુણ ઉઠાવી લાવ્યો છે. ધીમે અવાજે પત્નીને બોલાવીને કહે છે ‘ચૂલામાં સૂકાં પાંદડાં જલાવી અટ્ઠવાળું કર' બધાં મગફળી પર તૂટી પડે છે. ચૂલા પર વાસણમાં પાણી ભરી બે ગોળના ગાંગડા નાખી એમાં થોડીક ચાની પત્તી ઉમેરાય છે કે બારણે પોલિસ કોન્સ્ટેબલ રેવા હાજર થાય છે. છેલ્લા પંદર દિવસથી મિલમાંથી મગફળીની ચોરી થાય છે. એની ચોરીની શોધમાં એ આવ્યો હતો. એની પાછળ ઇન્સ્પેક્ટર આવે છે. જડતી લેવાય છે. કશું જ બચ્યું નહોતું. એટલે કાંઈ હાથ આવતું નથી. છેવટે જમીન ખોદી તો નીચે ઊંદરોના દર હતા. એક ઊંદર આમતેમ ભાગે છે. કોન્સ્ટેબલ રેવણ્ણા દરમાં હાથ નાખી મગફળીના ચાર પાંચ દાણા બહાર કાઢે છે. સાબિતી મળી ગઈ. કાલણ્ણાને લઈ જતી વખતે સાકમ્માએ ઇન્સ્પેક્ટરને કહ્યું ‘મારો મરઘો પરમ દિવસથી ગયો છે તે આજ સુધી લાપત્તા છે.' ઇન્સ્પેક્ટર પૂછે છે : ‘કેવો મરઘો હતો?' જવાબમાં એક મરથી લાવીને સાકાંએ કહ્યું ‘આની જોડનો હતો.’ ઇન્સ્પેક્ટર હસીને કહે છે ‘બહુ સારુ બુટ્ટી, એ મરઘી મને આપી દે. મરઘો શોધવા માટે હું એ મરઘીને મોકલીશ.' બુઢ્ઢી કરગરી. ‘સાહેબ મારે માટે આટલું કરજો.' સાકમ્માને આ બધાની બહુ મોડે ખબર પડી! મરઘાના માધ્યમ દ્વારા ઘરડી સાકમ્માનું જગત, એની પૂંજી, એની ગરીબાઈ અને અંતે રક્ષક વ્યવસ્થા દ્વારા સકમ્માની રહીસહી મરઘીની પણ લૂંટ – આ બધું દલિતજીવનનું અને એનાં પાસાંઓનું બહુ નજીકથી ચિત્રણ આપે છે.