રચનાવલી/૯૬: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯૬. બલિવેદી (શ્રીમતી રંગનાયકમ્મા) |}} {{Poem2Open}} નવલકથાની બે ગતિ હોય છે. કાં તો એની બહારની ગતિ હોય છે અને કાં તો એની અંદરની ગતિ હોય છે. એટલે કે નવલકથા ક્યારેક માણસની અંદર ઊતરી એનાં સ્...")
(No difference)

Revision as of 16:43, 2 May 2023


૯૬. બલિવેદી (શ્રીમતી રંગનાયકમ્મા)


નવલકથાની બે ગતિ હોય છે. કાં તો એની બહારની ગતિ હોય છે અને કાં તો એની અંદરની ગતિ હોય છે. એટલે કે નવલકથા ક્યારેક માણસની અંદર ઊતરી એનાં સ્વપ્નો, તરંગો, ભાવો, ભાવનાઓ, ઇચ્છાઓની વચ્ચે ફરતી હોય છે અને અંદરની હલચલને રજૂ કરે છે. કાં તો માણસના બહારના સંબંધોની વચ્ચે ફરતી એની સામાજિક ગડમથલને રજૂ કરે છે. એવી પણ નવલકથાઓ છે, જે માણસની અંદર અને બહાર બંને બાજુએ ગતિ કરે છે. ગતિ કોઈપણ રીતે કરે, તેથી નવલકથા સારી બનશે એવી કોઈ ખાતરી હોતી નથી. નવલકથાની ગતિ કેટલી જીવંત અને ક્લાત્મક બને છે એના પર જ સારી નવલકથાનો આધાર છે. તેલુગુ લેખિકા શ્રીમતી રંગનાયકમ્મા સમાજનું ચિત્રણ કરે છે. સમાજની આંખે ઊડીને વળગે એવી સમસ્યાઓને હાથ પર લે છે અને કેટલીકવાર તો સમસ્યાઓનું સમાધાન પણ બતાવે છે. પણ શ્રીમતી રંગનાયકમ્માની કથા કહેવાની રીત રસ પડે તેવી છે. ઘણીવાર તો કથામાં કથાઓને ગૂંથે છે. અને સમાજનો તેમજ માણસોનો માણસો સાથેના વ્યવહારનો વિગતે ખ્યાલ આપે છે. તેથી એમની નવલકથાનાં પાત્રો પાત્રો નથી લાગતાં. પણ હરતાં કરતાં માણસોને આપણે મળતા હોઈએ એવો અનુભવ થાય છે. શ્રીમતી રંગનાયકમ્માએ આમ તો ઘણી નવલકથાઓ લખી છે પણ એમાં ‘પત્તાનો મહેલ', ‘કૃષ્ણવેણી’, ‘સ્વીટ હોમ' વગેરે જાણીતી છે. એમની ‘બલિવેદી’ (‘બલિ પીઠમુ') નવલકથાને કારણે એમને આન્ધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી, હૈદ્રાબાદ તરફથી ઈનામ મળ્યું છે. વળી, ‘બલિવેદી' નવલકથા પરથી ચલચિત્ર પણ તૈયાર થયું છે. ‘બલિવેદી’માં શ્રીમતી રંગનાયકમ્માએ ઊંચી અને નીચી જાતિ વચ્ચેના લગ્નસંબંધો અને આજના સંદર્ભમાં એને કારણે ઊભી થતી મુશ્કેલીઓને કેન્દ્રમાં લીધાં છે. પણ સાથે સાથે ગાંધીજીના આદર્શો મુજબ રચનાત્મક કાર્ય કરતા કાર્યકરોની કાર્યપદ્ધતિ અને એમની માનસિકતાને પણ આપણી આગળ રજૂ કરી છે. નવલકથામાં શ્રી પોટ્ટિ શ્રીરામુલુ આંધ્રપ્રદેશના રચનાત્મક કાર્યક્રમના સંચાલક છે. અને તેઓ વિશાખાપટ્ટણમ્ ખાતે ‘કણ સમાજ’ નામે ઓળખાતા આશ્રમની મુલાકાતે આવ્યા છે. આ આશ્રમ એક મહર્ષિ દ્વારા ચાલે છે. મહર્ષિ પોતે યુવાન હતા ત્યારે તેમણે ખાસ્સો સ્વેચ્છાચાર કરેલો. પણ બાપુના દર્શન અને ઉપદેશથી એમનામાં પરિવર્તન આવેલું. પછી, પ્રાયશ્ચિત્ત રૂપે એમણે અનાથ બાળકોના આશ્રય માટે, બાળકોને જીવન જરૂરિયાતનો માર્ગ મળી રહે એવા લક્ષ્યથી ‘કરુણ આશ્રમ’ની સ્થાપના કરેલી છે. કુમાર કુમારિકાઓને તાલીમ આપવા ઉપરાંત આશ્રમ વિકલાંગોનું પણ ધ્યાન રાખે છે. અને સર્વને આત્મનિર્ભર થવા તેમજ સારા નાગરિક થવા પ્રેરણા આપે છે. શ્રીરામુલુ આશ્રમમાં સ્વેચ્છાએ કાર્ય કરતા કાર્યકર્તાઓને વેતન મળી રહે એ માટે સિફારસ કરવાના છે. આશ્રમના મંત્રી ભાસ્કરરાવનો એમને પરિચય થાય છે. મુખ્ય કથામાં પછી ભાસ્કરરાવની ‘કરુણ સમાજ' પ્રત્યે ભાવના કેવી રીતે ઊભી થઈ એની કથા મંડાય છે. ભાસ્કરરાવ અગિયારેક વર્ષના હતા ત્યારે દેવીસ્થાને બલિ માટે લઈ જવાતા બકરીના બચ્ચા માટે એમને લાગણી થઈ હતી. એમને થયું કે દાદીમાની વાતોમાં આવે છે એમ કોઈ દેવતા કે કોઈ રાજકુમાર આ બકરીના બચ્ચાને નહીં છોડાવે? ને ત્યાં ‘પ્રાણીઓ સાથે પ્યાર કરો’ ‘પ્રાણીઓની હિંસા ઘોર અપરાધ છે’ એવા એવા બેનર સાથે એક ટોળું દાખલ થયું અને જેના દીકરા માટે બલિ આપવાનો હતો એ માના હૃદયમાં પ્રેમ જગવ્યો. બચ્ચું છૂટી ગયું. ભાસ્કરરાવને ખબર પડી કે એ કામ ‘કરુણ સમાજ'ના માણસોએ કર્યું છે. બસ ત્યારથી ભાસ્કરરાવ ‘કરુણ સમાજ' સાથે જોડાઈ ગયેલા. શ્રીરામુલુ ભાસ્કરરાવને સેવાકાર્યમાં કોઈ ઊણપ ન રહે અને લોકોનો વિશ્વાસ ટક્યો રહે એ માટે લગ્ન કરી લેવાની સલાહ આપે છે. ભાસ્કરાવના મનમાં પહેલીવાર નવું બીજ વવાય છે. એક કોઢગ્રસ્ત વૃદ્ધની સારવાર દરમ્યાન ભાસ્ક૨ાવ એની ભત્રીજી તારાના પરિચયમાં આવે છે. પણ તારા સાથે લગ્ન કરે એ પહેલાં હૈદ્રાબાદથી એમના કોઈ હિતેચ્છુ મારફતે ભાસ્કરરાવને સપ્લાઈ ઑફિસરના પદ માટે નિમંત્રણ મળે છે. તારાને છોડીને હૈદ્રાબાદ ગયેલા ભાસ્કરરાવ એક બ્રાહ્મણ બાલવિધવા અણા નામની યુવતીને સહાયતા કરવા માટે પરણી જાય છે. આ યુવતીને હૃદયરોગની બિમારી હતી. આ જાણવા છતાં એની પૂરી સેવા કરીને ભાસ્ક૨ાવ એને સાજી કરે છે. યુવતીને પુત્રી જન્મે છે. યુવતીને નોકરી પણ મળે છે. પણ વખત જતાં ભાસ્કરરાવે પોતે હરિજન છે એવું સ્પષ્ટ જણાવેલું હોવા છતાં યુવતી અરુણાનો વ્યવહાર જાતિઅહંકારને કારણે બદલાતો આવે છે. જાતજાતના પ્રસંગોમાં એ ભાસ્કરરાવ સાથે ઝઘડે છે. ભાસ્કરરાવનાં સગાંઓને દૂર રાખે છે. અંતે બાલવિધવા પોતાને સાસરે ચાલી જાય છે, પરંતુ ધીરે ધીરે સાસુ સસરાના શોષક અને સ્વાર્થી વર્તનની એને ખબર પડે છે. છેવટે કંટાળીને શરતો મૂકીને એ પાછી ભાસ્કરરાવ સાથે રહેવા આવે છે. પણ ઝાઝું નભતું નથી. ભાસ્કરરાવ ‘હું આ જિંદગીમાં હારીને જઈ રહ્યો છું’ કહી વિશાખાપટ્ટણના ‘કરુણ આશ્રમ’માં પાછા જવા નિશ્ચય કરે છે. પણ સાથે જણાવે છે કે બાળકો અને તારા વિષયમાં ક્યારે ય કોઈપણ પ્રકારની જરૂર ઊભી થાય તો હું પણ એક છું.’ આ બાજુ ભાસ્કરાવના આગમનથી કરુણ આશ્રમમાં નવો ઉલ્લાસ આવે છે. તારા પણ ત્યાં આશ્રમમાં કાર્યકર્તા છે. બીજી બાજુ ભાસ્કરરાવની પત્નીને પણ પોતા વિશે વિચારવાનો મોકો મળે છે. પોતે પસ્તાય છે. એના સંતાપની અસર શરીર પર થાય છે. બિમારી વધતી જાય છે. એને આશ્રમમાં સારવાર માટે ખસેડવામાં આવે છે. બેએક વર્ષ સારવાર ચાલે છે. એ દરમ્યાન એને ભાસ્કરરાવને મળવાની પ્રબળ ઇચ્છા જાગે છે, ત્યારે ખબર પડે છે કે એની સારવારનો પૂરો ખર્ચ ભાસ્કરાવે આપ્યો છે. અંતે, ભાસ્કરરાવ તારા સાથે મળે છે. પત્નીની અંતિમ ઘડી છે. પત્ની કહે છે : ‘હું હંમેશ માટે ચાલી જઈ રહી છું. આ છેવટની ઘડીએ હું જૂઠું નથી બોલતી. હું પૂરેપૂરી તમારાથી સંતુષ્ટ છું.' ભાસ્કરરાવનું હરિજન હોવું, બ્રાહ્મણ બાળવિધવા સાથે માત્ર સહાયતાથી એમનું સંકળાવું, એમના માનવીય વ્યવહાર છતાં બ્રાહ્મણપત્ની તરફથી અહંકારના વર્તનને કારણે રિબાવું અને છતાં બલિવેદીના બકરીના બચ્ચાની જેમ એમાંથી મુક્ત થઈ ફરી આશ્રમના કાર્યમાં લાગી જવું – આ એક કાર્યકરની લાંબી સંઘર્ષકથા છે. અને આ સંઘર્ષ કથા દ્વારા સામાજિક વર્ગોની અને એમની ગ્રંથિઓની જટિલતાની વાત પણ સહજતાથી નવલકથાકારે કરી દીધી છે.