રચનાવલી/૯૯: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૯. તપસ્વી અને તરંગિણી (બુદ્ધદેવ બસુ) |}} {{Poem2Open}} બંગાળી સાહિત્યમાં કેટલાક આધુનિક કવિઓ થયા. એમાં બુદ્ધદેવ બસુનું નામ મોખરે છે. એમણે કવિતા ઉપરાંત ટૂંકીવાર્તા, નવલકથા, નિબંધ, વિવે...") |
(No difference)
|
Revision as of 15:20, 3 May 2023
બંગાળી સાહિત્યમાં કેટલાક આધુનિક કવિઓ થયા. એમાં બુદ્ધદેવ બસુનું નામ મોખરે છે. એમણે કવિતા ઉપરાંત ટૂંકીવાર્તા, નવલકથા, નિબંધ, વિવેચન પણ આપ્યાં છે. પણ એમણે ૧૯૬૬માં પ્રગટ કરેલું નાટક 'તપસ્વી અને તરંગિણી'ને ૧૯૬૭નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું ઈનામ મળેલું છે. આ નાટક રંગભૂમિ પર ભજવી શકાય એવું તો થયું છે પણ સાથે સાથે એમાં બુદ્ધદેવની કવિપ્રતિભાનો ઝબકાર પણ જોવા મળે છે. ભોળાભાઈ પટેલે આ જ નાટકનો ‘તપસ્વી અને તરંગિણી' (૧૯૮૨) નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. બુદ્ધદેવે નાટકનું વસ્તુ ઋષ્યશૃંગના જાણીતા ઉપાખ્યાન પરથી લીધું છે. ઉપાખ્યાન પ્રમાણે ઋષ્યશૃંગ વિભાણ્ડકનો પુત્ર છે અને પિતા વિભાણ્ડકે એને અરણ્યમાં ઉછેર્યો છે. પુખ્ત વયનો થયો ત્યાં સુધી પિતા સિવાય એણે અન્ય કોઈ પુરુષને જોયો નહોતો. પણ અંગદેશમાં જ્યારે ભયંકર દુકાળ પડ્યો ત્યારે એના રાજા લોમપાદે, બ્રાહ્મણોની સલાહથી વારાંગનાઓ દ્વારા ઋષ્યશૃંગને પોતા પાસે ખેંચ્યો અને પોતાની દીકરી શાન્તાનું એની સાથે લગ્ન કર્યું, ઋષ્યશૃંગની પ્રસન્નતાથી રાજ્યમાં વરસાદ થયો. ઋષ્યશૃંગ અંગેની આ પુરાણની વાતમાં બુદ્ધદેવે ઘણા અંશો કલ્પનાના ઉમેર્યા અને નવેસરથી કથાનકની માવજત કરી. બીજી રીતે કહીએ તો એક પૌરાણિક કથાની બુદ્ધદેવે પોતાની રીતે રચના કરી છે. આમ કરવાથી આ પુરાણકથા માત્ર પુરાણકથા રહેતી નથી, એ આજના જમાનાના માનસનું પણ પ્રતિબિંબ પાડે છે. આથી પુરાણકથાનું આધુનિક કથામાં રૂપાન્તર થયું છે. ઋષ્યશૃંગની મૂળકથાનો વિષય મનુષ્યમાં રહેલો કામ હતો. જીવનના ચાર પુરુષાર્થોમાંના એક પુરુષાર્થ કામની જીવનમાં કેવી મહત્તા છે અને કામ કઈ રીતે શુષ્ક જીવનને ફરી પ્રાણવાન કરે છે એ એનો મુખ્ય સંદેશ હતો. પણ બુદ્ધદવે કામની સાથે પ્રેમને સાંકળ્યો છે તેમજ કામ અને પ્રેમના સંયોજનનું એક જટિલ રૂપ ઊભું કર્યું છે. બતાવ્યું છે કે એકબીજાને ઊતરડી શકાય તેમ નથી. કામમાંથી પ્રેમમાં પહોંચેલાની અહીં સાદીસીધી વાત નથી પણ કામમાંથી પ્રેમમાં પહોંચ્યા પછી સ્ત્રી અને પુરુષની જે નવી શોધ શરૂ થાય છે એની વાતને બુદ્ધદેવ પ્રકાશમાં લાવે છે. બુદ્ધદેવે બે છેડાઓને એકઠા કર્યા છે. એક છેડે એવો તપસ્વી છે જેને જન્મ્યા પછી કોઈ નારીને જોઈ જ નથી. એ અરણ્યમાં ઊછર્યો છે અને પિતા સિવાય કોઈ મનુષ્યનો એને પરિચય નથી. પિતાએ નાનપણથી જ એને માત્ર બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપ્યું છે. એ સિવાયના કોઈ વિશ્વની એને ખબર નથી. આવો તપસ્વી જ્યારે પહેલીવાર કોઈ નારીને જુએ છે ત્યારે એના જીવનની દિશા સદંતર બદલાઈ જાય છે. બીજે છેડે નગરવધૂ જેવી તરંગિણી છે. અનેક પુરુષોનું સેવન કરવું, એમની સેવા કરવી એ એનું ધ્યેય છે. એણે કોઈ એક પુરુષ સાથે જીવન વીતાવવાની કલ્પના જ કરી નથી. આવી કામકલામાં પાવરધી વારાંગના બાળક જેવા નિર્દોષ તપસ્વીના સમાગમમાં આવે છે અને પહેલીવાર પ્રેમનો અનુભવ કરવા લાગે છે. આમ બે છેડાના અનુભવો એકઠા થતાં વાત ગૂંચવાય છે. કામ કઈ રીતે જુદાં જુદાં સ્વરૂપે પુરુષ અને સ્ત્રીને પ્રેમ તરફ લઈ જાય છે અને પ્રેમ કઈ રીતે બંનેને પોતપોતાની રીતે આત્મશોધ તરફ વાળે છે એની માર્મિક કથા અહીં ઊભી થાય છે. આ થાને આધાર આપનારાં અંશુમાન, ચન્દ્રદૂત અને શાન્તા જેવાં પાત્રોનો પણ નાટકમાં સમર્થ રીતે ઉપયોગ થયો છે. ચાર અંકમાં વહેંચાયેલું નાટક આ રીતે વિકસેલું છે : પહેલા અંકમાં પોતાના દીકરા અંશુમાનને રાજાની પુત્રી શાન્તા ચાહતી હોવા છતાં દુકાળપીડિત અંગદેશના ઉદ્ધાર માટે રાજમંત્રી રાજપુરોહિતની સલાહથી શાન્તાની મરજી જાણ્યા વિના ઋષ્યશૃંગ સાથે એના લગ્નની ગોઠવણ કરે છે. બીજી બાજુ લોલાપાંગી વેશ્યાની ધનલોભની નબળાઈનો લાભ લઈ એની વારાંગનાપુત્રી તરંગિણીને ઋષ્યશૃંગને લાવવાનું કાર્ય પ્રયોજે છે. તરંગિણી કાર્યનું બીડું ઝડપે છે. બીજો અંક ઋષ્યશૃંગ આશ્રમમાં યજ્ઞના નિત્યક્રમમાં વ્યસ્ત છે ત્યાંથી શરૂ થાય છે. ત્યાં એ તરંગિણી અને એની સખીઓને આવતાં જુએ છે. ક્યારેય નારી ન જોઈ હોવાને કારણે એ સૌને નવા પ્રકારના તપસ્વી માની બેસે છે. તરંગિણી છલપૂર્વક ઋષ્યશૃંગના કંઠમાં હાર નાંખી, એને આલિંગન-ચુંબન આપી અનંગવ્રત શીખવે છે. આ બાજુ તરંગિણી ઋષ્યશૃંગની ‘નિર્દોષ દૃષ્ટિ’થી પ્રભાવિત છે, તો ઋષ્યશૃંગ ‘નિર્ધૂમ હોમાનલ' જેવી નારીથી આકર્ષિત છે. તરંગિણી ઋષ્યશૃંગને રાજ્યમાં ખેંચી લાવે છે. ત્રીજા અંકમાં ચન્દ્રકેતુ તરંગિણીને ચાહતો હોવા છતાં તરંગિણી પ્રતિસાદ આપતી નથી અને પાષાણવત્ થઈ ગઈ છે. શાન્તા ઋષ્યશૃંગને પરણાવી હોવાથી શાન્તાના પ્રણયી અંશુમાનની આંખે અનાવૃષ્ટિ અને હૃદયમાં દુકાળ છે. તરંગિણીને લાગે છે કે ઋષ્યશૃંગને જીતવા જતાં એ પોતે જ જિતાઈ ગઈ છે. ચોથા અંકમાં ઋષ્યશૃંગ અને શાન્તા પાસે અંશુમાન જઈ ચઢી શાન્તા પ્રત્યેનો અનુરાગ ખુલ્લો કરે છે, તો તરંગિણી ઋષ્યશૃંગને સન્મુખ થતાં ઋષ્યશૃંગ સૌની હાજરીમાં તરંગિણી પ્રત્યેનો પોતાનો ભાવ જાહેર કરે છે. તરંગિણી કહે છે : ‘આજે હું પાદ અર્ધ્ય લાવી નથી. લાવી નથી કોઈ જાળ, કોઈ કપટ. આજ માત્ર હું મને પોતાને જ લઈને આવી છું.’ તો ઋષ્યશૃંગ પણ કહે છે : ‘હું ત્રાતા નથી, અન્નદાતા નથી, યુવરાજ નથી, મહાત્મા નથી – એક માત્ર તેની જ પાસે કોઈ હેતુપ્રાપ્તિનો હું ઉપાય નથી. એક માત્ર તેની જ પાસે હું કેવળ ઋષ્યશૃંગ છું.’ અંતે ઋષ્યશૃંગ ઋષિશક્તિથી શાન્તાને એનું કૌમાર્ય પાછું આપી જંજીર તોડી મૂળ વેશમાં નીકળી પડે છે, તો તરંગિણી પણ ગૃહત્યાગ કરે છે. કાવ્યથી ધબકતા સંવાદો, પૌરાણિક પાત્રોની આધુનિક માવજત અને કાળપ્રેમનું રહસ્ય બધાથી આ નાટક એકદમ ધ્યાન ખેંચાનારું બન્યું છે