ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/હીરોશીમા: Difference between revisions
(+created chapter) |
(No difference)
|
Revision as of 06:55, 5 May 2023
૨૦
ઉમાશંકર જોશી
□
૧. હીરોશીમા
હીરોશીમાથી કોઈચિરો તાનાબેએ આ ઉનાળામાં સૌ મિત્રોને પત્ર મોકલ્યો છે. દર નવા વરસે તો એમના પરિચિત હસ્તાક્ષર મળે જ. વરસની વચ્ચે આ શું છે? જોયું તો તાનાબે-દંપતીની સહીથી હીરોશીમાના દૂઝતા ઘાની કથા. હીરોશીમા પર અમેરિકાએ ઑગસ્ટ-૧૯૪૫માં નાખેલા અણુબૉમ્બની તારાજીમાંથી બચેલા, પણ કોઈ ને કોઈ રીતે તેની અસર નીચે પીડાતા લોકોની સારવાર માટે મૉરિસ-દમ્પતી અને તાનાબે-દમ્પતીએ ૧૯૫૭માં ‘હીરોશીમાસદન’ શરૂ કર્યું. શ્રી મૉરિસ ૧૯૭૨માં મૃત્યુ પામ્યા. તાનાબેએ કામ આગળ ચાલુ રાખ્યું. મૉરિસ અને તાનાબે બંને લેખકો, માનવતાવાદી સેવકો. જાપાનની પી. ઈ. એન. જેવી સંસ્થાઓની મદદથી કલાકૃતિઓ, ચિત્રાક્ષરઆલેખ આદિનાં પ્રદર્શનો ભરી રકમ ઊભી કરે. કલાકારો પોતાની કૃતિઓ તે માટે ધીરે. આજસુધીમાં ૯૨,૦૦૦ અણુબૉમ્બ-પીડિતોને કશા ખર્ચ વગર હીરોશીમાસદને રાહત આપી. મેની બીજીએ સદને વીસ વરસ પૂરાં કર્યાં. તાનાબે-દંપતી લખે છે કે અણુયુદ્ધના જે દરદીઓ બચ્યા છે તે જૂજ છે અને વૃદ્ધ થતા આવે છે. હવે પોતાનો સમય મુખ્યત્વે અણુશસ્ત્રની બંધી, યુદ્ધનિવારણ અને શાંતિમય જીવનરચનાના પ્રચારમાં મુખ્યત્વે પોતે વિતાવશે.
***
સંસ્થાને સ્થપાયે માંડ ચાર મહિના થયા હતા ને ત્યાં જવાનું મારે થયું, ૧૯૫૭ના સપ્ટેમ્બરમાં પી. ઈ. એન.નું આંતરરાષ્ટ્રીય સંમેલન તોક્યોમાં ભરાયું તેમાં હાજરી આપનાર ભારતના પ્રતિનિધિઓમાં હું પણ હતો. પૂર્ણાહુતિની બેઠક ઓસાકા પાસેના જૂના રાજધાની નગર ક્યોતોમાં ભરાઈ. જાપાનમાં પ્રવેશ્યો ત્યારથી, તે દિશા લીધી ત્યારથી હૃદય ઉપર ઑથારની જેમ એક નામ હતું : હીરોશીમા. સંમેલનનાં કાર્યકુશળ મંત્રીબહેનને મેં વાત કરી. એ કહે, તમે જરૂર જાઓ. આપણા નવલકથાકાર તાનાબે ત્યાં છે, બધી વ્યવસ્થા કરશે. લેખકસમુદાયથી હું છૂટો પડ્યો. મારા મિત્ર શીડા, જેમણે જવાઆવવાના ગાડીના સમયો નક્કી કર્યા હતા, તેમણે સવારે દસેક વાગ્યે હીરોશીમા જતી ગાડીમાં મને બેસાડી દીધો.
દિવસ ધૂંધળો હતો. હીરોશીમા જાપાનની છેક દક્ષિણ તરફ. ગાડી દરિયાકાંઠા પર, ટેકરીઓ વચ્ચે, વસ્તી સોંસરી પૂરપાટ ચાલી જાય. મોટો દરિયાઈ પવન (તાયફૂ) તાજો જ વિનાશ વેરી ગયેલો તેનાં ચિહ્નો ક્યાંક ક્યાંક દેખાય. અતિવૃષ્ટિ પછીનું પ્રકૃતિનું સ્વરૂપ – ધોવાણની અવ્યવસ્થાનું – નજરે ચઢે. હીરોશીમા – એ નામમાં જે કશીક બેચેની છે એને અનુરૂપ આખી યાત્રાનું વાતાવરણ રહ્યું. હીરોશીમાના મોટા સ્ટેશને સાંજે ગાડી અટકી ત્યારે વરસાદ વરસતો હતો. સામાન તો સાથે ન-જેવો હતો. ઊતર્યો. બહુ ઊભા રહેવું ન પડ્યું. મને સ્વયંસેવક આખા શહેરનો વિસ્તાર વીંધી ઓતા નદી દરિયાને મળે છે ત્યાં કિનારે આવેલા વિશ્રામગૃહ ઉપર લઈ ગયા. ત્યાં તાનાબે અને એમનાં પત્ની મળ્યાં. એક પ્રોફેસર મળ્યા. તેઓ કોઈ બીજા યાત્રિકો સાથે જવાના હતા. વિશ્રામગૃહની બારીમાંથી નદીઓ સમુદ્રને મળવાથી થતી હીરોશીમાની અનોખી રચનાનો ખ્યાલ આવતો હતો. એક ભૂશિર બહુ દૂર સુધી સમુદ્રની અંદર જતી હતી. પ્રોફેસરને તે તરફ જવાનું હતું. તાનાબે કહે, આપણે શહેરના મધ્યભાગ તરફ જઈએ.
અણુબૉમ્બનું સ્ફોટબિંદુ શીમા હૉસ્પિટલની ઉપર હતું. આસપાસની તારાજીના કેટલાક વરવા નમૂના સાચવ્યા છે. એક ઊંચા મકાનના ગુંબજની ખાલી ખોપરી અને પડખાનાં ઉઘાડાં પાંસળાં બિહામણાં લાગતાં હતાં. વિનાશપુંજ વચ્ચે સ્મારક રચેલું છે. સિમેન્ટનું, અત્યંત સાદું, આકાર કરતાં રેખાઓ આગળ તરી આવે એવું. જેમનાં નામઠામ નક્કી કરી શકાયેલાં એવાં ૭૦,૦૦૦ મૃત જનોનું એ સ્મારક હતું. તેની ઉપર શબ્દો લખેલા હતા :
યાસુરાકાનિ નેમુતે કુદાસાઈ આયામાચીવા કુરીકાયેશી માસેનુકારા. – શાંતિમાં પોઢો કૃપા-કરી ભૂલ દુહરાવીશું કદી નહીં.
શાંત ઊભા રહી મૌન પ્રાર્થના કરી. એશિયાને પશ્ચિમ ખૂણે બનેલા ગોલ-ગોથા (ખોપરીઓનો ટેકરો) પરના પ્રસંગનું એશિયાના પૂર્વ ખૂણાના મૃત્યુપુંજ સમક્ષ સવિશેષ સ્મરણ થયું.
મ્યુઝીયમમાં ગયા. એક કાંડા-ઘડિયાળ હતું. આઠ વાગ્યાનો કલાક-કાંટો ખસીને ૧૬ મિનિટ બતાવતી જગાએ પહોંચેલો છે, મિનિટ અને સેકન્ડના કાંટા તૂટી ગયા છે. એક બિયરની બાટલી હતી. અગ્નિની ગરમીમાં વાંકી થઈ ગઈ હતી. મોં તરફનો કેટલોક કાચ ગળવાથી તેનો દાટો થઈ ગયો હતો. અંદર થોડોક બિયર સચવાયેલો છે – બેક ઈંચ જેટલો. સૌથી અસહ્ય દૃશ્ય, આ આંખોથી જોયેલું સૌથી જુગુપ્સાભર્યું દૃશ્ય, તે નળિયાં, ઈંટ, સિમેન્ટ અને હાડકાં બધું એકરસ થઈ ગયેલું તેના ગઠ્ઠા પડ્યા હતા તેનું હતું. અંદરથી હાડકાંનો સફેદો દેખાય. માણસની આત્મવિનાશક હોશિયારી પર હસી રહ્યો ન હોય! બચેલી અમળાયેલી સાઇકલ હતી. પૅડલને હાથ અડાડી, જે ત્યાં ન હતો તે ચરણનો સ્પર્શ કરવા પ્રયત્ન કર્યો.
હૉસ્પિટલમાં ગયા. ગયા સપ્ટેમ્બરમાં જ હજી એ બંધાઈ. વરસમાં બાર હજાર જેટલા દરદી તપાસ્યા, તેમાંથી ત્રણસોને ઇસ્પિતાલમાં રાખ્યા. હજી રોજ સો જેટલા તપાસાય છે. સ્થાનિક દાક્તરોની સારવાર નીચે પછીથી તેઓને મૂકવામાં આવે છે. આમાં કાંઈ ચેપી હોતું નથી. રેડિયો પ્રક્રિયાની પાછોતરી અસરના દાખલાઓ હોય છે. કેટલાકને ચામડી એક જગાએથી લઈ બીજે જરૂર હોય ત્યાં લગાડવાની હોય છે, કેટલાકને પાંડુરોગની સારવાર આપવી રહે છે. કીડનીનું દરદ, લુકેમિયા, – એના પણ કેસ હોય છે. નવી ચામડી મઢેલા ચાર છોકરાઓ શેતરંજ, રમતા હતા, એક દરદી બાઈએ મારી પાસેથી હસ્તાક્ષર લીધા. થોડી બહેનો વાતોએ વળી અને પછી હસતી હસતી પોતાને ઠેકાણે ગઈ.
આજે ઇસ્પિતાલમાં ૯૨ દરદીઓ હતા. આજે જ બે દરદીઓનાં મૃત્યુ થયાં. બાર વરસ પછી અણુધડાકાની અસરથી આ રીતે મૃત્યુ થતાં રહે છે. બહાર નીકળતાં સ્મૃતિપોથીમાં મને લખવાનું કહેતાં આવી ઇસ્પિતાલો જોયા વગર જેના હૃદયમાંથી શાંતિપ્રાર્થના જાગી તે કરુણાભર્યા ઋષિને વંદન કરી ‘સર્વેડત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાઃ’– એ શ્લોક અને એનો અનુવાદ લખ્યો.
તાનાબેએ સુધરાઈના પ્રમુખ સાથે મળવાનું ગોઠવ્યું હતું. કચેરીએ ગયા ત્યારે જાણ્યું કે પ્રમુખ બહારગામ હતા. ઉપપ્રમુખ ત્યાં હતા, તેમને રાજાજીનું પુસ્તક ‘મહાભારત’ આપ્યું. તેમણે કહ્યું : આ જોઈ, વતન જાઓ ત્યારે દેશભાઈઓને આવું ન થાય તે માટે કહેજો. શ્રી નેહરુ આવવાના છે એમ એમણે કહ્યું. રેસ્ટહાઉસ (વિશ્રાંતિગૃહ – પછીનું હીરોશીમાસદન) ઉપ૨ અમે પાછા આવ્યા. મૂળ અમેરિકાના પણ અમેરિકાને તજી નીકળેલા શ્રી મૉરિસની મદદથી શરૂ થયેલા આ વિશ્રાંતિગૃહના મૂળ યોજકો તરીકે યુનિવર્સિટીના પ્રમુખ, નગરપતિ, રાજ્યપાલ, રેડક્રૉસના વડા, અણુ-ઇસ્પિતાલના દાક્તર, કાવાબાતા જેવા મહાન સાહિત્યકાર વગેરે છે. બેટમાં ૩૦૦ અનાથો છે, શહેરમાં સેંકડો. પાંચ અનાથગૃહો ચાલે છે. જેમાનું એક નગરસરકારની દેખરેખ નીચે છે, એક સામાજિક સંસ્થા હસ્તક છે અને એક જિલ્લા હકૂમતની સંભાળ હેઠળ છે.
ઇસ્પિતાલ અંગે મૂળ પ્રસ્તાવ અમેરિકાના પ્રખ્યાત માનવતાવાદી વિચારક, સૅટરડે રિવ્યૂના સંપાદક, નૉર્મન કઝિન્સે મૂક્યો હતો. પહેલાં સારવાર માટે દરદીઓને અમેરિકા લઈ ગયા, પણ પછી કઝિન્સે ફંડ માટે પ્રયત્ન કર્યો અને અહીં જ ઇસ્પિતાલ શરૂ કરી. ક્વેેકર પંથીઓનો એના સંચાલનમાં મોટો ફાળો છે.
તાનાબેએ કેટલાંક સામયિકો બતાવ્યાં. એકમાં પોતાનો ‘વાસુરેજી નો જ્યુંક્યોશા’ (ભૂલો ના શહીદ) લેખ બતાવ્યો. બહેનોનું એક માસિક ‘વાકાઈ જોસેઈ’ (નૂતન નારી) બતાવ્યું, જેની ૩,૮૦,૦૦૦ નકલો જતી હતી. અણુબૉમ્બ પડ્યા પછીની પરિસ્થિતિ અંગે આ સામયિકો કાંઈ ને કાંઈ કરી છૂટતાં હતાં. રાત પડી ચૂકી હતી. શ્રીમતી તાનાબેએ થોડુંક ખાવાનું – ચા, બ્રેડ, કાંઈક જાપાની વાનગી, એવું ધર્યું. ઓરડામાં બેઠાં હતાં. હું શાકાહારી છું એ જાણી એમણે કહ્યું કે તેઓ બંને બૌદ્ધધર્મી હતાં. હીરોશીમામાં ૯૫ ટકા વસ્તી બૌદ્ધધર્મી, પાંચ ટકા ખ્રિસ્તી અને ગણ્યાગાંઠ્યા શિન્ટો-અનુયાયી. પછી બંનેએ ગજવામાંથી એક નાનકડું તાવીજ જેવું કાઢ્યું, એના ઉપર લખેલું હતું : નમો અમિદાબુત્સુ. તાનાબે કહે, હું ‘બુક્યોતો’ (બુ=બુદ્ધ, ક્યો=બોધ શિક્ષણ, તો=માનનાર) છું. કોઈને કહેતો નથી, મનથી ધર્મ પાળું છું. પિતા તો ક્યોતોમાં બૌદ્ધ ઉપદેશક હતા. સામાજિક-રાજકીય વિચારસરણીમાં એ મધ્યમમાર્ગી લાગ્યા. સામ્યવાદીઓની શાંત હિલચાલથી તરીને પોતે ચાલે છે. ફાસીવાદના કટ્ટર વિરોધી છે. હિટલર સત્તા પર આવ્યા પછી તોક્યોમાં ત્રણસો બૌદ્ધિકો મળેલા. તેમાંના બે જેલમાં મર્યા. તાનાબે મુખ્ય વીસ કાર્યકરોમાંના એક. એમને પકડવામાં આવેલા, પણ પછી છોડી મૂકેલા. આ વાતો દરમિયાન આખો વખત શ્રીમતી તાનાબેને પતિના કામમાં તદાકાર જોવાં એ એક લહાવો હતો.
પાછા વળવા રાતની ગાડી પકડવાની હતી. રજા લીધી. તાનાબે-દમ્પતી જાણે ભવભવનાં સંબંધી ન હોય! એમનાથી છૂટવા પગ ઊપડતો ન હતો. મૃત્યુના મહારણ વચ્ચે અમી-વીરડી જેવાં એ લાગતાં હતાં. એમની અને સંસ્થાનાં સૌની વિદાય લીધી.
રાતે હીરોશીમાએ રૂપ કાઢ્યું હતું. લાલલીલા-પીળાધોળા નિયૉનપ્રકાશ તગતગી રહ્યા હતા. જાણે અહીં કશું કાંઈ બન્યું ન હોય, જાણે કોઈ મૃત્યુતાંડવ ખેલાયું જ ન હોય. ક્યાં ગયાં પેલાં અણુખંડેર? ક્યાં છુપાયા પેલા અણુ-દરદીઓ? પહેલાં તો કંઈક અડવું, વરવું બધું ભાસ્યું. મોટર સ્ટેશનના દીવાઓ તરફ ધસતી હતી. દૂર થતાં નિયૉનપ્રકાશનાં ઝૂમખાં એકાએક ત્યાં મૃત્યુના સૂનકાર વચ્ચે પારણામાં હીંચોળાતા નવજાત શિશુના કલ્લોલ જેવાં મરકી રહ્યાં. નવું જીવન, નવો દાવ.
સ્ટેશને હજી ગાડી આવવાને વાર હતી. મુસાફરો વચ્ચે એક પાટલી પર જગા લીધી. પાસે એક તરુણ ચોપડી વાંચી રહ્યો હતો. મને એણે વિનયથી શબ્દ પૂછ્યો, – જાણતો હોઉં તો. એક પ્રારંભિક અંગ્રેજી ચોપડીનો અભ્યાસ એ કરી રહ્યો હતો. એમાંથી વાત ચાલી. કહે કે અણુબૉમ્બ પડ્યો ત્યારે નાનકડો છોકરો પોતે હતો, શહેરને બીજે છેડે રહેતો હતો, બચી ગયો, ઊંચી દૈત્ય મૃત્યુજ્વાલા પોતે જોઈ હતી. એની આંખોમાં એના ઓળા હજી વરતાતા હતા. ગાડી આવી. હું ગોઠવાયો. ત્યાં પેલા પ્રોફેસરની દૂબળી પાતળી કાયા દૂરથી દોડતી આવતી જણાઈ. કહે કે માંડ હમણાં હું છૂટો થયો. જાપાનીઝ કાવ્યપ્રકાર ‘હાઈકુ’ ઉપર લખેલું અંગ્રેજી પુસ્તક એમણે મારા હાથમાં મૂક્યું. એ સારસ્વતનો સરળ પ્રેમ સ્પર્શી જાય એવો હતો. ગાડી ઊપડે તે પહેલાં પેલો મારો નવ તરુણમિત્ર કાંઈક મીઠાઈ જેવું લઈ આવ્યો. એને ખૂબ ખૂબ ફતેહ ઇચ્છી. એનો ચહેરો હૃદયમાં જડાઈ ગયો છે.
ગાડી ઊપડી. હીરોશીમામાં કેટલોય બધો સમય ગાળ્યો હોય, બલકે માનવજાતિની શરમભરી વેદનામાં એક વાર ઝબકોળાવાથી ભૂતકાળ આખો એક વાર તો જૂઠા જેવો લાગતો હોય, એવી લાગણી થતી હતી. હીરોશીમાની યાત્રા કરી હતી એમ નહિ, હીરોશીમાથી હવે યાત્રા કરવાની હતી. ક્યાં? જ્યાં ‘હીરોશીમા’ ન હોય એવા ભાવિજગતમાં.
૩–૯–૧૯૭૩
[‘સંસ્કૃતિ’, સપ્ટેમ્બર ૧૯૭૭માં છપાયું.]
[યાત્રી, સંપા. સ્વાતિ જોશી, ૧૯૯૪]