ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૧. અવેક્ષણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
(No difference)

Revision as of 13:53, 5 May 2023

૪૦
પ્રીતિ સેનગુપ્તા

૧. અવેક્ષણ

ઍન્ટાર્કટિકાની પહેલી સવારે શ્વેત અંશ અંશ થઈ એને છૂટું પડી જતું જોયું હતું. (આમ ને આમ શું ધ્રુવનો વિમલ અંશ આવી જવાનો હતો પરમ સમીપે?) એ માનસરોવરમાં તરતા દૈવી રાજહંસ હતા કે સ્વર્ગના કોઈ કુંડમાં ઊગેલાં પુંડરીક હતાં? ઍન્ટાર્કટિકાને લાક્ષણિક એવા હિમખંડો (icebergs)નું અમારું આ પ્રથમ દર્શન. બરફના તરતા અલ્પતનું પહાડ. અવનવા આકાર, અવનવી આકૃતિ. ભૂરા ગગનમાં શુભ્ર વાદળ, ભૂરા સાગરમાં શ્વેત બરફ. (કોણ મૂર્તિ, ને કોણ મુકુર? કયું ઊર્ધ્વ, ને કયું નિમ્ન? રૂપ-પ્રતિરૂપ. એક જ દેવનાં બે સ્વરૂપ. બંને આરાધ્ય. બંને આસ્વાદ્ય.) નાના-મોટા બરફના ટુકડાઓ થીજેલી નદીઓ કે કિનારીઓમાંથી તૂટીને દૂર દૂર જતા હતા – તરતા, ડૂબતા, ઓગળતા. એમને પાછળ મૂકીને વહાણ નીકળી જાય. સહેજ વારે ઝૂકીને જોઈએ તો નાનકડા ટુકડાઓ વધુ નાના થયા લાગે, નાના-મોટાનું વાસ્તવિક માપ શબ્દોમાં સમજાવવું અઘરું છે. પણ નાના કહું ત્યારે પણ ઘરના ઓરડાના પરિમાણના તો ખરા જ, ને મોટા એટલે ઘર જેવા કદના. આ તો અમે સાધારણ રીતે જોયા તે. દૂર હશે તે માઈલો લાંબા પણ હોઈ શકે. એ ૨૨૫x૧૦૦ માઈલ, ૧૫૦x૧૧૫ માઇલ અને ૧૫૦x૮૫ માઈલના પણ હોઈ શકે. ૧૯૨૭માં એક દેખાયેલો જે ૨૫૦ માઈલ લાંબો અને ૧૧૦ ફીટ પાણીની બહાર હતો. કહે છે કે હિમખંડ બહાર દેખાય તેનાથી અનેક ગણો અંદર હોય છે. ૧૯૬૫માં નોંધાયેલા એક ૨૨૫ માઈલ લાંબો હતો, અને એનું ક્ષેત્રફળ ૧૦,૦૦૦ ચોરસ ફીટથી વધારે હતું. આ તો હિમદ્વીપો જ વળી. દર વર્ષે ઍન્ટાર્કટિકામાંથી પ૦૦ હિમખંડ છૂટા પડે છે. દરેક ખંડ સરેરાશ દસ લાખ ટન શુદ્ધ જળનો બનેલો હોય છે. આ બધા હિમસ્તર કે હિમ-જિહ્વા કે હિમ-નદીઓમાંથી તૂટીને થયેલા હોય છે, તેથી સપાટ મેદાન જેવા દેખાતા હોય છે. દરેક ખંડ દિવસના સરેરાશ ૧૪થી ૨૫ માઈલ કાપે છે. નાના ટુકડા તો ઉનાળાના બે-ત્રણ મહિનામાં આગળી જાય છે, મોટા બે-ચાર વર્ષ પણ ટકી રહે છે. એક મહાખંડ થીજતો-ઓગળતો ૧૧ વર્ષ સુધી દેખાયો હતો. હિમખંડોને પણ જીવન છે, વ્યક્તિત્વ છે. એમનું પણ શાસ્ત્ર છે. ઍન્ટાર્કટિકાના એ પ્રતિનિધિ છે. જોનારમાં એ આદર અને વિસ્મય ઉત્પન્ન કરે છે. એમનાં પરિમાણ, શિલ્પભંગિ, પ્રકાશ ને ધુમ્મસની સાથે બદલાતા રહેતા રંગ – ભૂરાશ, લીલાશ, દૂધિયો, ભૂખરો, મોતી જેવો, હાથીદાંત જેવો; અને પરિસર સાથેનું એમનું સંવિધાન – આ બધું પ્રેક્ષકને મુગ્ધ કરી રહે છે. નિશ્ચલ મહાહિમખંડ ઍન્ટાર્કટિકાની પરિસ્થિતિથી આ સ્થાનાંતર-પરાયણ હિમઅંશો બચી જાય છે. રંગ કે વિરોધહીન એ મરુભૂમિ એની અનન્ય સરળતાને કારણે અનુપલબ્ધ, અસ્પૃર્શ્ય રહે છે, જ્યારે આ અંશોનું વ્યક્તિત્વ, સૌંદર્ય આપણને કળા, ઇન્દ્રિયો અને બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય છે. છૂટાં પડી જઈને એ પોતાની ગતિ, પોતાની મતિ કેળવે છે. હિમને હિમથી જ નહીં, પણ એ હિમને આકાશ, અર્ણવ, ઈલા સાથે જોડે છે. એની આસપાસ ઊડતાં પંખીના અવાજથી, મોજાંની થાપટોથી, તડતડ તૂટતી તડોથી એ મહોપસ્થિત-હિમની અનંત નિઃશબ્દતાને ભાંગે છે. ઍન્ટાર્કટિકામાં જે જટિલ છે તે સ્પષ્ટ છે, જે સરળ છે તે વિચક્ષણ છે. એક જ તત્ત્વ-જળમાંથી આ વિશ્વ બનેલું છે. પૃથ્વીચિત્ર અહીં હિમચિત્ર બન્યું છે. હિમખંડોની દીવાલોમાં તાજી, નિર્દોષ સમુદ્ર-નીલ ઝાંય છે, અને એના પાયાની આસપાસના પાણીમાં પણ એ જ વર્ણ દેખાય છે; જ્યારે એના કદનો રંગ મલિન, ‘અનુભવી’ સફેદ છે. વિરાટ હિમ-દ્વીપો પેાતાનું જ વજન ઊંચકી શકતા નથી, અને કિનારીઓમાં કાપા પડી તૂટી જાય છે. મોટા કટકા પાણી ઉછાળે છે, મેાટા અવાજ સાથે ભાંગી પડે છે. (કેટલો ઇતિહાસ, કેટલી દંતકથા. કેટલું ગાંભીર્ય, કેટલું હાસ્ય. કેટલું પ્રચ્છન્ન, કેટલું નિગૂઢ. કેટલું સુંદર, કેટલું અસુંદર.) આ ખંડિત વિશ્વ છે, ને તો યે અખિલ છે; પૃથ્વીલોક છે, ને છતાં અલૌકિક છે. હિમખંડોની ધાર પરથી બરફની ભૂંગળીઓ લટકતી હતી. બરફને પાણી થઈને સરકી જવાની તક નહોતી મળી. કૅમેરામાં આંખો દ્વારા આ કળાદૃશ્ય ઝડપાતું નહોતું, પણુ શક્તિમાન દૂરબીનથી જોતાં હિમખંડ ખૂબ પાસે દેખાતા હતા, અને એમનાં રૂપ, રંગ ને લક્ષણા અતિસ્પષ્ટ થઈ આનંદાશ્ચર્ય પમાડી રહેતાં હતાં. કહે છે કે ઍન્ટાર્કટિકામાં અત્યંત રોમાંચની બે ક્ષણો છે : સર્વ પ્રથમ હિમખંડનો સાક્ષાત્કાર થવો; અને ત્યાંના અનતિરુદ્ર સૂર્યનાં કિરણથી પ્રજ્વળતા, એ પ્રવાસના અંતિમ હિમખંડની વિદાય લેવી. આ પ્રમાણે રોમાંચની બીજી ઘડી અમારી બાકી હતી, ને એની અમને ઉતાવળ પણ નહોતી. ક્યારેક આ તરતા ખંડના સપાટ સ્તર પર એકાદ સીલ વામકુક્ષી કરી રહેલી દેખાતી; તે ક્યારેક, વહાણની હાજરી અનુભવીને કિનારીઓ પરથી કૂદીને સાગરમાં પડતાં પેન્ગ્વિન જોવા મળતાં. કેટલાક હિમ-અંશ લંબચોરસ અને સમતુલિત હતા; તો કેટલાક વારિ અને વીચિના કોતરકામને કારણે કાણાં, કમાનો અને ગુફાઓથી મેાહક તેમજ વિસ્મયકર બન્યા હતા. એક દિવસ તો સો સો માઈલ સુધી અવિરત અગણિત હિમખંડો સાથે રહ્યા હતા. ખરેખરું કૌતુકરંજક ઉપાદાન ઍન્ટાર્કટિકાની આ વિલક્ષણ રંગભૂમિ પર એમનું જ હતું ને? દક્ષિણોદધિના અવિચ્છિન્ન વર્તુળાકારનું ખંડન બરફના આ પહાડ, ટુકડા, કટકાથી થતું હતું. કેવું સુચારુ હતું. (વિશ્વનો આ આરંભ હોઈ શકે. કશું આદિમ, કશું અદીક્ષિત, કશું અભ્રષ્ટ, કશું ઉદાત્ત.) કેટકેટલું વૈવિધ્ય. હિમખંડના જુદા જુદા દેખાવોનું વર્ણન ન્યાયપૂર્વક કોઈ કરી શકે ખરું? એક વાર મોટા, સપાટ સ્તરના હિમખંડોનો એક સમૂહ જોયો, એ જાણે હિમ-સમાજ હતો, અથવા હિમખંડોનું નગર. ક્યારેક અસામાન્ય આકારો ઉપસ્થિત થતા. એકની રચના ખૂબ જિટલ હતી. અંદરથી મોજાંથી ખવાઈને એ કળાકૃતિ બન્યો હતો. એના શિલ્પીકૃત અંતર્ભાગમાંથી પેલી સમુદ્રનીલ ઝાંય ઊપસતી હતી. ભલેને બરફની ઘનતા આ વર્ણનું વિજ્ઞાની કારણ હોય, મને તો એ અદ્ભુત જ લાગતો હતો. દક્ષિણ ધ્રુવ પર પડતી બરફની કણીને ખસતાં ખસતાં, રૂપ બદલતાં, હિમનદી કે હિમ-જિહ્વાનો ભાગ થઈ કાંઠે આવતાં પાંચેક લાખ વર્ષો થાય છે, એમ વિજ્ઞાન કહે છે, ઍન્ટાર્કટિકામાં અમે જે જોતાં હતાં તે અતિપૂર્વકાલીન હતું. (અને અહીં અમે? અર્થહીન, ઇતિહાસશૂન્ય.) એમ લાગતું હતું કે જાણે આ તુષારપુંજો આલોકમાંથી જન્મ્યા છે, દૂરસ્થ ક્ષિતિજમાંથી આવિર્ભાવ પામ્યા છે. શીતવિશ્વના આ પ્રતિનિધિઓ હશે? લઈ જતા હશે વહી સંદેશ સીમાંતરે? લાગે છે કેવા ભવ્ય, નિજમગ્ન, સ્વપ્નસ્થિત અથવા સમાધિસ્થ. જાણે કોઈએ નવું એક વિશ્વ બનાવી એને તરતું મૂક્યું હતું. આકાશમાં તરતાં વાદળ, સાગરમાં તરતા હિમપીંડ, સૃષ્ટિના સંપૂર્ણ સામંજસ્યનું ચિત્ર-ને એમાં બે જ રંગ : નીલ અને ધવલ, ધવલ અને નીલ. કશો સંઘર્ષ નહીં, કશું ઘર્ષણ નહીં. અર્ણવ કદાચ અભ્રના દર્પનું પરાવર્તિત રૂપ થવા જ સજાર્યો હતો. પણ જાણું છું કે આ ઋતુ અનિત્ય છે. જો અમને સર્વ સામાન્ય વાદળિયું કે વરસાદિયું આકાશ મળ્યું હોત તો ક્યાં કશું દેખાત? અમારું ભાગ્ય, ખરેખર કોઈ અજેય વરદાનની જેમ ટકી રહ્યું હતું. (ઍન્ટાર્કટિકાના મહાધિપત્યનું મને તો જાણે મુહૂર્ત-દર્શન જ થવાનું હતું, ને છતાં મન હર્ષ અને સંતોષથી ભરાઈ રહ્યું હતું. સાથે જ, જીવનકાળની અનન્ય, અસાધારણ આ યાત્રાનો વિચાર કરતાં અકલ્પ્ય અનુતાપ પણ થતો હતો. આ વિશ્વ યુગોથી અહીં હતું, ને રહેશે. હું કોઈ રીતે એનો ભાગ ન હતી. મારા કથન ને બોધનની શક્તિની બહારનું આ વિશ્વ હતું.) એક સવારે ઊઠીને જોયું તો શરૂઆતથી જ દિવસ સ્વચ્છ, સૂર્યપ્રકાશિત અને ઉષ્માસભર હતો. અમે ગૅર્લાશ (Gerlache) નામની સામુદ્રધુનિમાંથી પસાર થઈ રહ્યાં હતાં. આ સાંકડો જળમાર્ગ એના સૌંદર્ય માટે ખ્યાતનામ છે, અને બહાર જઈને જોયું તો એ પ્રસિદ્ધિ સાર્થક થતી હતી. બંને બાજુ હિમાચ્છાદિત ગિરિપંક્તિ હતી. ઉજ્જ્વલ, શુભ્ર, મૃદુ, બલવત, સર્વવ્યાપી હિમ અનિંદ્ય હતું. ઠેકઠેકાણેથી લાવાકર્કશ પ્રસ્તરો દેખાઈ આવતા હતા. અતિવિશદ અને યમકાલિમાનું આ દર્શન-દ્વંદ્વ હંમેશ મુજબ રુક્ષ-વિષમ હતું. એમ લાગ્યું કે અંતે આ ખરેખરું ઍન્ટાર્કટિકા હતું. હિમવિશ્વનું આ યથેષ્ટ પ્રેક્ષણ હતું. તરતા હિમ-સંઘાત દૃશ્યમાં વધારે રસનું પરિમાણ ઊમેરતા હતા. આકાશ વિમલ નીલ હતું, બાકી બધું સફેદ. નિસર્ગની શોભનાકૃતિ લગભગ સર્વાંગે એ એક તત્ત્વથી શાસિત થઈ હતી જે તદ્દન રંગહીન છે, તેમજ બધા જ રંગોનું સંપૂર્ણ મિશ્રણ છે. જે સાવ સરળ છે તેને માટે આ કેવી વિરોધમય ભાષા વાપરવી પડે છે. આ, કે જે વિરોધહીન છે તે કેવું વર્ણન- કઠિન છે. દૂરબીનથી જોતાં આ હિમ-શૈલ સંહતિઓ ખૂબ પાસે આવતી હતી. એમની કિનારીએ અને સપાટીએ ઘણી વિગતે જોઈ શકાતી હતી. એમનાં બંધારણો કેટલાં નવાઈકારક હતાં, વૈવિધ્ય કેટલું વિપુલ હતું. આખો દૃશ્યપટ દિવ્ય અને હૃદયગ્રાહી હતો. અને બાજુમાં, મિન્કિ (Menke) જાતના વ્હેલયુગલનું રમમાણ થઈ જળને ક્ષણિક-વલયોથી સ્પંદિત કરતાં જવું. બહાર જ રહેવાનો લોભ ખાળી હું થોડું લખવા-વાંચવા અંદર ગઈ. થોડીવારે અચાનક ઊભી થઈ બારીમાંથી બહાર જોયું ને ઉત્તેજિત થઈ જવાયું, હાથવગા કૅમેરાને ઝડપીને બહાર ધસી ગઈ. પેલા પ્રકાશોજ્જ્વ, સૌંદર્યોજ્જ્વલ ગૌર-શ્યામ તીક્ષ્ણ ત્રિકોણાકારોનું જળમાં અક્ષત, અન્યૂન પ્રતિફલન થતું હતું. અબ્ધિ એટલું નિષ્કંપ હતું, ને કદાચ અત્યંત નિર્મળ પણ હશે. (બિંબ-પ્રતિબિંબ, હશે શું પ્રતિસ્પર્ધી બંને? કયું ઊર્ધ્વ ને કયું નિમ્ન? કોણ મૂર્તિ ને કોણ મુકુર? જે સપાટી પર તે ઊંડાણમાં, જે મુખ પર તે મનમાં —સરખું બધું, મૌલિક અને અનુકરણ, મોહન અને છલન, યથાર્થ અને અતથ્ય, વિજય અને પરાભવ. હિમ-દૃશ્યો દુનિયામાં ઘણી જગ્યાએ જોવા મળે છે, અને એ સુંદર પણ હોઈ જ શકે; તે છતાં, આ બાહુલ્ય, આ સાતત્ય, આ મહિમ્ન અદ્વિતીય છે, અસાધારણ છે. (અરે, એ કેવી રીતે ભૂલાય કે આ ઍન્ટાર્કટિકા છે? જે પૃથ્વીના કોઈ બીજા ભાગ જેવો નથી તે આ પ્રદેશને બીજા કોઈ ભાગ સાથે સરખાવી જ ક્યાંથી શકાય?) પછીથી, વસ્તુ અને પરાવર્તિતનું મંત્રમુગ્ધકર દૃશ્ય-ચિત્ર જતું રહ્યું હતું. સારું થયું કે હું જોવા પામી. એવો અપરૂપ પ્રતિક્ષેપ પછી જોવા નહોતો મળ્યો.

એક રાતે નવ વાગે સૂર્ય આકાશમાં હજી ઘણે ઊંચે હતો. દૂરની ક્ષિતિજનાં વાદળોએ બરફના જેવાં રૂપ-આકારો ધારણ કર્યાં હતાં, કે છદ્મવેશ લઈ બરફ વાદળો સાથે ભળી ગયો હતો. (કોને ખબર કે ખરેખર શું હતું. લાગતું હતું તો એવું જ કે અંબરાંતે પર્વતો આભમાં તરી રહ્યા હતા. જળ, સ્થળ ને હવા – આ જ મૂળતત્ત્વોની અહીં ઉપસ્થિતિ. ત્રણે અદરોઅંદર વહેંચાતાં, વલોવાતાં રહેતાં હતાં. મન આ જાદુઈ અસર નીચે બંદિવત્ હતું, બુદ્ધિ રહી જતી હતી પ્રશ્નાર્થ ચિહ્નને અંતે.) બીજી એક રાતે સાડા દસ વાગે સૂરજે પોત પ્રકાશ્યું. ઘન ઘન સ્વચ્છ શ્વેત બરફ સૂર્યના સળગતા સુવર્ણને કારણે આછા કેસરી રંગની કલ્પનોત્તર ભાષા પામ્યો હતો. જોઈને જ ચિત્ત ચંચળ થઈ ગયું. દોડીને વહાણની પાછલી બાજુ પર ગઈ. ત્યાં પવન ઓછો લાગતો હતો, દર્શન વધારે સારું હતું. પછી દોડીને નીચે જઈને કૅમેરા લઈ આવી, ને ઉન્માદમાં સૂર્યની ને આસપાસની તસ્વીરો લીધી. આ દૃશ્યતત્ત્વ જ એવું છે કે ગાંડા બનાવી મૂકે! આકાશ અસાધારણ પરિષ્કાર હતું, અને અપસરણ કરતો સૂર્ય ચમત્કાર-સદૃશ હતો. આને પણ સૂર્યાસ્તનું નામકરણ શું આપવું, કે જ્યારે હજી કલાકો સુધી તેજ ઝંખવાવાનું ના હોય?

[ધવલ આલોક, ધવલ અંધાર, ૧૯૯૨]