રચનાવલી/૧૨૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨૭. ધમ્મપદ |}} {{Poem2Open}} દશાવતારમાં બુદ્ધની ગણતરી થાય છે. કવિ જયદેવે ‘ગીત ગોવિન્દ'ના જય જગદીશ હરે સ્તોત્રમાં કેશવને બુદ્ધ તરીકે સંબોધતાં કહ્યું છે કે ‘તમે જીવો પર દયા કરવા બુદ્...")
(No difference)

Revision as of 14:49, 6 May 2023


૧૨૭. ધમ્મપદ


દશાવતારમાં બુદ્ધની ગણતરી થાય છે. કવિ જયદેવે ‘ગીત ગોવિન્દ'ના જય જગદીશ હરે સ્તોત્રમાં કેશવને બુદ્ધ તરીકે સંબોધતાં કહ્યું છે કે ‘તમે જીવો પર દયા કરવા બુદ્ધશરીર ધારણ કર્યું અને પૃથ્વી પર પશુસંહાર સહિતનું યજ્ઞકર્મ સમાપ્ત કર્યું.' ઈ.સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં ગૌતમ બુદ્ધે વૈદિક ધર્મ, સમાજ અને જીવનનાં મૂલ્યોમાં નવો પ્રાણ ફૂંક્યો. કુંવર કાં તો સમ્રાટ થાય અને કાં તો મહાતપસ્વી થાય એવી ભવિષ્યવાણીને કારણે રાજા શુદ્ધોદને પોતાના કુંવર સિદ્ધાર્થને ૨૯ વર્ષ સુધી જગતથી દૂર રાખ્યો. રાજમહેલના ભોગવિલાસ વચ્ચે, પત્ની યશોધરા અને પુત્ર રાહુલના સુખ વચ્ચે રહેતો સિદ્ધાર્થ હઠપૂર્વક નગરચર્યા કરવા નીકળતા વૃદ્ધને, રોગીને, શબને અને સંન્યાસીને પહેલીવાર જુએ છે. પોતાની કોરી સંવેદના પર આ ઘટનાઓ ભયંકર આઘાત સાથે ઝીલતા સિદ્ધાર્થને જીવનની કઠોર વાસ્તવિકતાનું ભાન થાય છે. સિદ્ધાર્થ પત્ની અને બાળકને ત્યજી બધે જ દુ:ખમય દેખાયેલા જગત માટેની સંજીવની શોધવા મહાભિનિષ્ક્રમણ કરે છે. ઘોર તપશ્ચર્યાને અંતે બોધિવૃક્ષ તળે જ્ઞાન થતાં સિદ્ધાર્થ સિદ્ધાર્થ મટી બુદ્ધ બને છે. બુદ્ધને ચાર આર્ય સત્ય સાંપડે છે : દુ:ખનું સ્વરૂપ, દુ:ખ જન્મવાનાં કારણો, દુઃખનું દમન અને દુઃખનો અંત લાવવા માટે ‘અગ્ગોગિકો મઠ્ઠું' – આઠ પ્રકારનાં માર્ગ આ સર્વ દ્વારા થતું નિર્વાણ ગૌતમ બુદ્ધનું લક્ષ્ય છે. આત્યંતિક તપ અને આત્યંતિક વિલાસ એ બંને છેડાઓના માર્ગને છોડીને બુદ્ધ મધ્યમ માર્ગ (મજ્જહિમા પતિપદા)નો ઉપદેશ કરે છે. બુદ્ધ સંસ્કૃત ભાષા છોડી લોકભાષા પાલીમાં ઉપદેશ કરે છે. બુદ્ધનાં ઉપદેશવચનોને એમના નિર્વાણ પછી ત્રણ ભાગમાં સંઘરી લેવામાં આવ્યાં છે, જેને ત્રિપિટક કહે છે. એમાંથી બીજા ભાગના ‘સૂતપિટક’માં ‘ધમ્મપદ' છે. ‘ધમ્મપદ’ને ઘણીવાર ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ સાથે સરખાવવામાં આવે છે. બંનેમાં ઘણો તફાવત છે. પણ બંનેનું કાર્ય સરખું છે. ‘ગીતા’ અને ધમ્મપદ’ બંને ચિત્તની વિશુદ્ધિ ઇચ્છે છે. સંસાર પ્રત્યેની મનુષ્યની સમભાવભરી અને સમજભરી દૃષ્ટિને ખીલવે છે, મનુષ્યને આત્મપરીક્ષણ અને આત્મનિરીક્ષણ માટે પ્રેરે છે; અને ઉચ્ચતર જીવનની દિશા ચીંધે છે. ‘ગીતા'ની જેમ ‘ધમ્મપદ’ સંક્ષેપમાં વાત કરવાની એની સૂત્રાત્મક શૈલીને કારણે અને આસપાસના જીવનમાંથી ખેંચેલી એકદમ જીવંત ઉપમાઓને કારણે ઉપદેશને રોચક બનાવે છે. ‘ગીતા'ની જેમ ધમ્મપદ' પણ મોટેભાગે અનુષ્ટુપ છંદમાં લખાયેલો ગ્રંથ છે. ક્યારેક એમાં ત્રિષ્ટુભ અને ઇન્દ્રવજ્રા જેવા છંદો પણ કામમાં લીધા છે. ‘ધમ્મપદ' ૨૬ વર્ગો (વગ્ગો)માં વહેંચાયેલું છે; અને એમાં કુલ ૪૨૪ શ્લોકો (ગાથાઓ) છે. દરેક વર્ગનો વિષય અલગ છે; અને રસપ્રદ છે. એમાં પુષ્પ, મૂર્ખ, પંડિત, પાપ, દંડ, વૃદ્ધત્વ, લોક, સુખ, ક્રોધ, મેલ (મલ), માર્ગ, નર્ક, હાથી (નાગ) તૃષ્ણા, ભિક્ષુ – વગેરે પર વાત થયેલી છે. પણ એકદમ ગળે ઊતરી જાય એ રીતે દૃષ્ટાંતો સાથે એમાં વાત થયેલી છે. પહેલો ‘યમક વર્ગ' છે; એમાં વાતને નકારથી અને પછી હકારથી સમજાવી છે. એટલે રજૂઆતમાં બે શ્લોક વપરાય છે. પહેલા બે શ્લોકમાં કહે છે કે જો અપ્રસન્ન ચિત્તથી કાર્ય કરવામાં આવે તો બળદના પગલાંને ગાડું અનુસરે તેમ તમને દુ:ખ અનુસરશે અને જો પ્રસન્ન ચિત્તથી કાર્ય કરવામાં આવે તો પડછાયાની જેમ સુખ પાછળ આવે છે. એ જ રીતે બીજા બે શ્લોકમાં કહે છે કે ઇન્દ્રિય પર સંયમ ન રાખે એનું તોફાનમાં ઊથલી પડતાં દુર્બળ વૃક્ષની જેમ પતન થાય છે; જો ઇન્દ્રિય પર સંયમ રાખે તો એ તોફાની વાયુની સામે પર્વતની જેમ અણનમ રહે છે. આગળ જતાં સંયમની જ વાત કરતાં કહ્યું છે કે ઇન્દ્રિયોને છુટ્ટી મૂકી દેનારને મૃત્યુ, સૂતેલા ગામને જેમ મોટી રેલ વહાવી જાય તેમ વહાવી જાય છે. ઇન્દ્રિયનો નિગ્રહ કરનાર સત્પુરુષોની પ્રશંસા પણ સુંદર રીતે કરી છે : ‘ચંદન, તગર કે જુઈના ફૂલોની સુગંધ પવનની સામે વહી શકતી નથી, પણ સત્પુરુષોની સુગંધ તો પવનની સામે પણ વહીને ચારે દિશામાં ફેલાય છે.' સત્પુરુષોને સેવનારા મૂર્ખાઓ અને ડાહ્યાઓની વાત પણ સુપેરે કહેવાયેલી છે : મૂર્ખ જીવનભર પંડિત સાથે રહેવા છતાં સૂપને પીરસનાર કડછાની જેમ સ્વાદ વગરનો રહે છે; જ્યારે ડાહ્યો સત્પુરુષના સમાગમમાં આવતા જીભની જેમ સ્વાદને તરત કળી જાય છે. સંસારના બે પ્રકારના મનુષ્યોને જુદા પાડતા પણ ધમ્મપદે સરસ દૃષ્ટાંત આપ્યું છે. કહે છે : બહુ ઓછા માણસો નદી પાર કરીને સામે તીર જતાં હોય છે; મોટાભાગના તો આ બાજુ એક જ તીર પર દોડ્યા કરે છે. વળી, ભરવાડની ઉપમા પણ જોવા જેવી છે. જેમ ભરવાડ પોતાના ઢોરઢાંખરને લાકડી હાથમાં લઈ ગોચરમાં હાંકી જાય છે તેમ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ માણસોમાંથી જીવનને હાંકી લઈ જાય છે. મૃત્યુરાજાનું ચિત્ર જુઓ : ‘જે જગતને એક પરપોટા તરીકે કે મૃગજળ તરીકે જુએ છે એને મૃત્યુરાજા જોઈ શકતો નથી!' બીજાના દોષોને જોવાની વાંકદેખી મનુષ્યની ટેવને પણ ‘ધમ્મપદે' બરાબર નોંધી છે : બીજાના દોષોને મનુષ્ય ચૂલાની જેમ ચાળણી પર તારવે છે, પણ પોતાના દોષોને શઠ જુગારી પોતાના પાસાને સંતાડે તેમ સંતાડે છે. સૌથી આકર્ષક ઉપમા તો ‘ધમ્મપદ'માં સન્તો અને અ-સંતો માટે અપાયેલી છે : સન્તો દૂરથી હિમાલયની પર્વતમાળાની જેમ પ્રકાશે છે; જ્યારે અસંતો રાત્રે ફેંકેલા બાણની જેમ દેખાતા નથી અને અદશ્ય થાય છે. ‘ધમ્મપદ'ની ટૂંકમાં કહેવાની શૈલીના સૂત્રાત્મક નમૂનાઓ પણ જોવા જેવા છે. એનો અહિંસામંત્ર જાણીતો છે : આ જગતમાં વેરથી વેર ક્યારેય શમતું નથી. અવેરથી જ શમે છે એ જ સનાતન ધર્મ છે : સુખદુ:ખની વ્યાખ્યા જુઓ : દુઃખ પાપનો ઉપચય (પરિપાક) છે; સુખ પુણ્યનો ઉપચય છે. પછી એવું પણ કહે છે : પાપનું અ-કરણ જ સુખ છે. પ્રિય અપ્રિય સમજ આપે છે તે જુઓ : ‘પ્રિયનું અ-દર્શન અને અપ્રિયનું દર્શન દુઃખ આપે છે.‘ ટૂંકમાં 'ધમ્મપદ' ગ્રંથ પણ ‘ગીતા’ની જેમ લોકપ્રિય થવાનો અધિકારી છે. ધમ્મપદ'ની ગાથાઓનો કદાચ ભ્રષ્ટાચારયુક્ત આજના ભારતને સૌથી વધારે ખપ છે. કારણ કે 'ધમ્મપદ' બહુ સ્પષ્ટ રીતે કહે છે કે દુષ્ટ બનીને રાષ્ટ્રપિંડને ઓઈયાં કરી જવો એ કરતાં આગઝાળ રાતોચોળ લોખંડનો ગોળો ગળવો વધુ સારો છે.