રચનાવલી/૧૨૯: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨૯. કિરાતાર્જુનીય (ભારવિ) |}} {{Poem2Open}} સંસ્કૃત સાહિત્યમાં શૃંગારરસને આધાર કરીને જેટલી રચનાઓ થઈ છે તેટલી વીરરસને આધાર કરીને થઈ નથી. અને વીરરસની વાત આવે ત્યારે ભારવિ કવિનું ‘કિ...")
(No difference)

Revision as of 14:52, 6 May 2023


૧૨૯. કિરાતાર્જુનીય (ભારવિ)


સંસ્કૃત સાહિત્યમાં શૃંગારરસને આધાર કરીને જેટલી રચનાઓ થઈ છે તેટલી વીરરસને આધાર કરીને થઈ નથી. અને વીરરસની વાત આવે ત્યારે ભારવિ કવિનું ‘કિરાતાર્જુનીય’ મહાકાવ્ય સ્મરણે ચઢયા વિના રહે નહીં. વળી, સાહિત્યક્ષેત્રે અર્થગૌરવની વાત આવે ત્યારે ‘કિરાતાર્જુનીય’ને એક નમૂના રૂપે આગળ ધરવામાં આવે છે. સંસ્કૃતના જાણીતા આચાર્ય મલ્લિનાથે ભારવિની ભાષાને નારિયેળના ફળ જેવી ગણાવી છે. જે પોતાના ગર્ભમાં એનું સ્વાદુ સારતત્ત્વ સંઘરી રાખે છે. ઉપરાંત, વીરરસના નિરૂપણની સાથે સાથે આવતાં પ્રકૃતિનાં વર્ણનો પણ આ મહાકાવ્યનાં વિશિષ્ટ રસ સ્થાનો છે. કવિએ પર્વત, જલાશય, શરદઋતુ, સૂર્યાસ્ત વગેરેનાં રમ્ય દૃશ્ય ખડાં કર્યાં છે. સામ, દામ, દંડ અને ભેદની રાજનીતિને પણ ભારવિએ મહાકાવ્યમાં ગંભીરતાથી રજૂ કરી છે. આ મહાકાવ્યનો એક શ્લોક તો સંસ્કૃત સાહિત્યમાં કહેવત જેવો બની ગયો છે. ‘કોઈ કાર્ય એકદમ ન કરવું. અવિવેક એ પણ આપત્તિનું કારણ છે.' (સહસા વિદધીત ન ક્રિયામવિવેક: પરમાપદાં પદં) (બીજો સર્ગ મો શ્લોક) આ મહાકાવ્યનો મુખ્ય વિષય અર્જુન અને કિરાતવેશધારી શંકર વચ્ચેના યુદ્ધનો છે. દિવ્ય પાશુપતાસ્ત્ર મેળવવા માટે ઇન્દ્રકીલ પર્વત પર ગયેલો અર્જુન તપસ્યા દરમ્યાન કિરાતાધિપતિ થયેલા શંકરના સંઘર્ષમાં આવે છે, અને કિરાત અને અર્જુન વચ્ચેનું યુદ્ધ કેન્દ્રવર્તી વિષય હોવાથી જ આ મહાકાવ્યનું નામ ‘કિરાતાર્જુનીય' પડ્યું છે. કુલ ૧૮ સર્ગના આ કાવ્યમાં શરૂના ત્રણ સર્ગોમાં આવતી ભિન્ન ભિન્ન પાત્રોની ઉક્તિઓ અત્યંત મહત્ત્વની છે. પહેલા સર્ચમાં દ્યુતમાં હાર્યા બાદ તૈતવનમાં રહેતા પાંડવોમાંથી યુધિષ્ઠિર કોઈ વનવાસીને બ્રહ્મચારીના વેશમાં દુર્યોધનના રાજ્યની તપાસ માટે મોકલે છે અને એ પાછો આવીને યુધિષ્ઠિરને જણાવે છે કે દુર્યોધન ઉત્તમ રીતે શાસન કરી રહ્યો છે. યુધિષ્ઠિર કોઈ તકની રાહ જોવા માગે છે પણ દ્રૌપદી સ્પષ્ટ જણાવે છે કે શાંતિથી મુનિઓનું કાર્ય થાય છે, રાજાઓનું નહીં. બીજા સર્ગમાં ભીમ યુધિષ્ઠિરને કહે છે કે દ્રૌપદીએ બરાબર કહ્યું છે. તમે એમ માનતા હો કે અવિધ પૂરી થયા પછી દુર્યોધન તમને રાજ્ય પાછું આપશે તો તે અસંભવ છે. યુધિષ્ઠિર સામે કહે છે કે તારું કહેવું યોગ્ય છે પણ દરેક કાર્ય સમજી વિચારીને કરવાનું હોય છે. અસમય ક્રોધ કરવો ઠીક નથી અને શાંતિથી અધિકતમ કોઈ ઉત્તમ સાધન નથી. તેથી અવિધ સુધીનો સમય શાંતિથી પસાર કરવો જોઈએ. તૃતીય સર્ગમાં વ્યાસ હાજર થઈને અર્જુનને પાશુપતાસ્ત્ર જેવા દિવ્ય અસ્ત્ર માટે પ્રેરણા આપે છે અને વ્યાસના જતા એક યક્ષ અર્જુન સમક્ષ આવી ખડો થઈ જાય છે. દ્રૌપદી શત્રુઓને જીતવા માટે યોગ્ય સામર્થ્ય મેળવવા અર્જુનને પ્રોત્સાહિત કરે છે. અર્જુન કવચ પહેરીને તલવાર ધનુષ સાથે અસ્ત્રો સહિત પણ મુનિવેશે યક્ષ સાથે નીકળે છે. ચોથા સર્ગમાં અર્જુન અને યક્ષ બંને ઇન્દ્રકીલ પર્વત તરફ જતાં જતાં શરદઋતુનો વૈભવ માણે છે. પાંચમા સર્ગમાં માર્ગમાં આવતા હિમાલયની શોભાથી બંને પ્રસન્ન થાય છે. છેવટે ઇન્દ્રકીલ પર્વત પર પહોંચ્યા પછી પક્ષ અર્જુનને યાદ દેવડાવે છે કે ઇન્દ્રિયની લોલુપતા છોડીને ભગવાન શંકરની તપસ્યા કરી વરદાન મેળવવાનું છે. છઠ્ઠા સર્ચમાં ઇન્દ્રકીલ પર્વત પર અર્જુન સામે અનેક પ્રલોભનો આવે છે. એના તપોભંગ માટે ઇન્દ્ર મોકલેલી અનેક અપ્સરાઓ ખાસ્સી મથે છે. સાતમા સર્ગમાં ગન્ધર્વો અને અપ્સરાઓની વિલાસલીલા પણ અર્જુનને ચલિત કરવા પ્રયત્ન કરે છે. આઠમા સર્ગમાં અર્જુનની સમક્ષ ગન્ધર્વો અને અપ્સરાઓ અનેક ક્રીડા કરે છે. નવમા સર્ગમાં ધીમે ધીમે સૂર્યાસ્ત થવા આવે છે. દશમા સર્ગમાં અર્જુનને ચલિત કરવાના વધુ પ્રયત્નો થાય છે. પણ અર્જુન ચલિત ન થયો જાણી ઇન્દ્ર પોતે મુનિવેશધારીને અગિયારમા સર્ગમાં અર્જુન પાસે આવે છે. અર્જુન કહે છે કે મારી પ્રતિજ્ઞા છે કે યા તો હું આ પર્વતમાં વિલીન થઈ જઈશ યા તો મારા ઇષ્ટદેવ ઇન્દ્રની આરાધના કરીને અપયશના કાંટાને દૂર કરીશ. છેવટે ઈન્દ્ર અર્જુનને વિજય માટે મહાદેવ શિવની આરાધના કરવાનું કહે છે. બારમા સર્ગમાં અર્જુન મહાદેવની આરાધના શરૂ કરે છે. કઠિનતપ આદરે છે. ઇન્દ્રિયોને વશ કરીને, ઉપવાસી રહીને, વિજયની કામના કરીને સૂર્યની સામે એક પગે ઊભા રહી અર્જુન કેટલાય દિવસ પસાર કરે છે. મહાદેવ શંકર ભવિષ્યમાં થનારી બધી ક્રિયાઓનો ભેદ મહર્ષિઓને કહી કિરાતવેશ ધારણ કરે છે અને કિરાત સૈન્ય સાથે મૃગલાને બહાને નીકળી પડે છે. તેરમા સર્ગમાં તપસ્યા કરતા અર્જુનની સામે વિકરાળ વરાહના રૂપમાં મૂકદાનવ ધસી આવે છે. અર્જુન માયારૂપધારી દૈત્યને ઓળખી જાય છે અને ગાંડીવ ધનુષ્ય પર બાણ મૂકે છે. એ જ વખતે શિવ પણ વરાહ તરફ બાણ છોડવા પણછ ખેંચે છે. અર્જુન અને શંકર બંનેના બાણ એક સાથે વરાહને લાગે છે. વરાહ નિમિત્તે અર્જુન અને કિરાતવેશધારી શંકર વચ્ચે વિવાદ ઊભો થાય છે. ચૌદમા સર્ગમાં અર્જુન સાથે લડવા કિરાત સૈન્ય આવે છે. અર્જુન પર અનેક પ્રહાર થાય છે પણ એને કોઈ ઈજા પહોંચતી નથી. પંદરમા સર્ચમાં અર્જુનનાં બાણોથી સમસ્ત પ્રાણીજગતમાં ખળભળ મચી જાય છે. અર્જુનનાં બાણોથી કિરાતસૈન્ય ગભરાઈ જાય છે. છેવટે અર્જુન અને કિરાત સામસામે આવી જાય છે. સોળમા સર્ગમાં કિરાતની યુદ્ધનિપુણતા જોઈને અર્જુન વિચારવા લાગે છે. અર્જુન જુએ છે કે એણે જે જે અસ્ત્રો છોડ્યાં એના પ્રતિકાર રૂપે એની સામે અસ્ત્રો આવ્યે જ જાય છે. અર્જુનનાં બધાં અસ્ત્ર પ્રયોગ નિષ્ફળ જાય છે. સત્તરમા સર્ગમાં અર્જુન ભયભીત છતાં ધીરતા ધારીને રહે છે અને લડે છે. છેલ્લા અઢારમા સર્ગમાં છેવટે અર્જુન અને કિરાત બાહુયુદ્ધ કરે છે. બંને લોહીલુહાણ થાય છે. હિમાલય કંપવા લાગે છે. પૃથ્વી ડગમગવા લાગે છે. બાહુયુદ્ધ દરમ્યાન અર્જુન આકાશમાં ઊઠેલા શિવજીનાં ચરણને પકડી લે છે. આશુતોષ શંકર પ્રસન્ન થઈ અર્જુનને ભેટી પડે છે. શંકર અર્જુનને ગુપ્ત રહસ્ય સાથે પાશુપતાસ્ર અને ધનુર્વેદનું શિક્ષણ આપે છે અને શિવજીની અનુમતિ લઈ અર્જુન પાછો ફરે છે. આમ, આ મહાકાવ્ય વી૨૨સને જન્માવવા ઓજસ્વી શૈલીનો છૂટથી ઉપયોગ કરે છે પણ ક્યારેક કયારેક ચિત્રકાવ્ય કે એકમાત્ર અક્ષરથી શ્લોક રચનાનો કસબ બતાવવા જતાં કામ ખૂબ કઠિન અને કૃતક પણ બન્યું છે. છતાં એકંદરે આ મહાકાવ્ય સંસ્કૃત ભાષાની શક્તિનો અદ્ભુત ખ્યાલ આપનારું બન્યું છે, એ મોટી વાત છે. કવિ ભારવિ છઠ્ઠી સદીમાં થયા હોવાની અટકળ કરાયેલી છે, એમનું બીજું નામ દામોદર પણ મળી આવે છે. કહેવાય છે કે ભારવિ દાક્ષિણાત્ય બ્રાહ્મણ હતા અને મહારાજ વિષ્ણુવર્ધનની રાજસભાના પંડિત હતા. ગમે તે હો, તેઓ દક્ષિણ ભારતના નિવાસી હતા એ વાત ચોક્કસ જણાઈ આવે છે. કવિ ભારવિનું સંસ્કૃત સાહિત્યમાં આદરણીય સ્થાન છે.