રચનાવલી/૧૪૯: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪૯. કબીર |}} {{Poem2Open}} છ સદીઓનાં વહાણાં વાઈ ગયાં. કબીરની છઠ્ઠી જન્મશતાબ્દી છે પણ એની મૂર્તિ હજી એવી ને એવી પ્રેરક રહી છે. એની જરૂર એવી ને એવી તાતી રહી છે. કબીરો હજી ત્યાં ને ત્યાં ઊ...")
(No difference)

Revision as of 15:24, 6 May 2023


૧૪૯. કબીર


છ સદીઓનાં વહાણાં વાઈ ગયાં. કબીરની છઠ્ઠી જન્મશતાબ્દી છે પણ એની મૂર્તિ હજી એવી ને એવી પ્રેરક રહી છે. એની જરૂર એવી ને એવી તાતી રહી છે. કબીરો હજી ત્યાં ને ત્યાં ઊભો છે, બજારમાં. ફકીરની લાઠી હાથમાં લઈ ખડો છે. કહે છે કે કબીરા ખડા બજારમેં લિએ લકુટી હાથ / જો ઘર જાલેં આપના, હો જાય હમારે સાથ' આ કોમી રમખાણમાં ઘર જલાવવાની વાત નથી, બીજાનું ઘર જલાવવાની વાત નથી. પોતાનું ઘર જલાવવાની વાત છે અને ઘર એ ઘર નથી. સાંકડું કોચલું છે. પરિવાર અને ન્યાતજાતના સાંકડા કોચલાથી માંડી માયાના મોટા કોચલાને જલાવીને ચાલ્યા આવવાનું કબીરાનું અહીં આહ્વાન છે. કબીરાનો પોકાર છે કે કાશી કાબા એક છે, રામ રહીમ એક છે. એક જ મેંદાનાં ભિન્નભિન્ન પકવાન છે. ને કબીરો આરોગી રહ્યો છે. મધ્યકાળમાં મુસલમાનો આક્રમણ સાથે આવ્યા. ભારત સંઘર્ષમાં મુકાયું. હિન્દુ અને ઈસ્લામી સંસ્કૃતિઓની ટક્કર થઈ. કટ્ટરપંથીઓ ક્રિયાકાંડમાં પડ્યા. ધર્મ બહારનો આચાર રહ્યો. જૂઠ, દંભ, આડંબર, અંધશ્રદ્ધા, વર્ણભેદ અને વરવા ચમત્કારોએ સમાજને ઘેરી લીધો, ત્યારે કેટલાક સંતરત્નોએ પ્રકાશ પાથર્યો એમાં કબીરનું સ્થાન મોખરે છે. કબીરના જીવનની વિગતો અને કબીરના સાહિત્યની વિગતો વિશે કશું ય ચોક્કસ નથી. કબીરપંથીઓએ કબીર જે નહોતા બનવા ઇચ્છતા એવા કબીર કરી મૂક્યા, તો કબીરના ઉત્તમ તાકાત બતાવતા સાહિત્યમાં એના અનુયાયીઓ કબીર ક્યારે ય ન બોલ્યા હોય એવું બધું ભેળસેળ કરી બેઠા. સંત કબીરે ક્યારે ય લખ્યું નથી. કહે છે ‘મસિ કાગદ છુઓ નહીં કલમ ગહ્યો નહીં હાથ કબીર કાં તો બોલ્યા છે ને કાં તો એમણે ગાયું છે અને એમણે જે ઉચ્ચાર્યું એ એમના સાંભળનારાઓએ પોતાની સમજથી સાચવ્યું છે, છતાં ઘૂંઘટકા પટ ખોલ રે તોકે પિયા મિલેગ’ કે ‘ઈસ તન ધન કી કોન બડાઈ' કે ‘ઝીણી ઝીણી બુની ચદરિયા' જેવાં કબીરભજનો સાંભળીએ છીએ ત્યારે કબીરે સંસ્કૃતના કૂવાની સામે તત્કાલીન વહેતી વાણીનું બળ પ્રગટ કરેલું તે અનુભવીએ છીએ. કબીરના શબ્દો કલેજાના છેદમાંથી આવે છે અને તેથી જ કલેજે છેદ કરી જાય છે. કબીરે કોઈ શાળા કે મહાશાળાનું શિક્ષણ લીધું નથી. કબીરની પાસે બે જ વસ્તુ છે : વણકરની શાળ અને અનુભવની શાળા. કબીરના સાહિત્યમાં વણકરની શાળનો તાલ છે અને અનુભવની શાળાનો સાર છે. આથી જ કબીર કહે છે : 'સાધુ ઐસા ચાહિ, જૈસા સૂપ સુભાય / સાર સાર કો ગહિ રહે, થોથા દેહ બહાય' સૂપડાની જેમ સાર ગ્રહી લેતા સાધુની પરખ છે માટે જ કબીર ગુરુ ગુરુના ભેદને પણ જાણે છે : ‘ગુરુ ગુરુમેં ભેદ હૈ' કબીર ગુરુ કબીર ખુદ છે. તેથી કબીરે કહ્યું છે : 'સબ બન તો તુલસી ભઈ, સબ પરબત શાલિગ્રામ / સબ નદિયાં ગંગા ભઈ, જાના આતમરામ' કબીરનું સાહિત્ય આતમરામને જાણવાનું એટલે કે જાતને ઓળખવાનું સાહિત્ય છે. કબીર જાતને ઓળખવા કેટકેટલા વિષયોમાં ફરી વળે છે : ગુરુ, ગુરુશિષ્ય સંબંધ, મન, સ્મરણ, માયા, સ્વાર્થ, પ્રેમ, વિરહ, દીનતા, શૂરાતન, ચેતાવની – પણ એ બધામાં કબીરે જાતને ઓળખવામાં કાળને સૌથી વધુ જોયો છે. કહે છે : ‘પાની કેરા બુદબુદા બસ માનુસકી જાતિ / દેખત હી છિપિ જાયેગા, જ્યો તારા પરભાતિ' મનુષ્યજાતિ જો પાણીનો પરપોટો છે તો આજકાલનું શું? કહે છે : 'આજકાલ કી પાંચ દિન, જંગલ હોયેગા બાસ / ઉપર ઉપર હલ ફિરે ઢોર ચરેંગે ઘાસ' કબીર કાળને બરાબર જુએ છે. નિવાસોને જંગલમાં, જંગલોને મેદાનમાં પલટાતાં જુએ છે અને મેદાનો પર ઢોરોને ઘાસ ચરતાં જુએ છે. ચાર દિનની ચાંદનીનો કબીરનો આ પોતાનો કાળ અનુભવ છે : ‘કબીરા જંત્ર ન બાજઈ ટૂટિ ગયા સબ તાર / જંત્ર બિચારા કા કરૈ ચલા બજાવન હાર.' કબીરની સાખીઓ આથી જ જાણે કે મૃત્યુની સાક્ષીએ લખાયેલી હોય એવી ચોટદાર છે. મૃત્યુને જીતવા આતમરામે ધ્યાનરસ્તે જવાનું છે. એમાં મનની ચંચળતા ન ચાલે. ‘માલા તો કરમેં ફિરે જીભ ફિરે મુખ માંહી / મનુવા તો ચહુ દિશ ફિરે યહ તો સુમિરન નાહીં' એમાં તો ‘મન કે પતે ન ચાલિયે મનકા પતા અનેક / જો મન પર અસવાર હૈ તે સાધુ કોઈ એક' મન માણસ ૫૨ અસવાર થાય તે ન ચાલે. માણસે મન પર અસવાર થવાનું છે. જાત ઓળખનો એ ઉત્તમ તરીકો છે. કદાચ તો જ કબીર જેવું આત્મજ્ઞાન લાધે : બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોય / જો દિલ ખોજો આપના, તો મુઝસા બુરા ન કોય.' ભજનો અને સાખીઓમાં પોતાની ઓળખ અને જીવન તેમજ મૃત્યુની સમજમાંથી કબીર એકતા અને પ્રેમનું રસાયણ તારવે છે. મોટાપણું અતડાપણામાંથી નથી જન્મતું. કહે છે : ‘બડા હુઆ તો ક્યા હુઆ જૈસી પૈડ ખજૂર / પંથી છાંહ ન બૈઠહી, ફલ લાગે તો દૂરિ.' ખજૂરના ઝાડની જેમ મોટા થવામાં શો માલ છે? ન તો એની છાંય પડે કે છાંયમાં માણસ બેસી શકે ને ન તો એના ફળ સુધી પહોંચાય કે કોઈ એને ખાઈ શકે. કબીર અતડાપણામાં નહીં પણ હળીમળી જવામાં માને છે. હિલમિલ ખેલા બ્રહ્મસોં અંતર રહી ન રેખ / સમઝેકા મત એક હૈ ક્યા પંડિત ક્યા શેખ.' બધા પ્રત્યેના પ્રેમથી બ્રહ્મને જાણ્યા પછી કોઈ રેખ કે ભેદ રહેતો નથી. પછી પંડિત કોણ અને શેખ કોણ? વેદ અને કુરાન, પ્રેમલક્ષણા અને સૂફી બધાંને ઘોળીને શબ્દસ્નેહ ઊભો કરતો કબીર આપણી પરંપરાની સંતવાણીનો થોભવા જેવો પડાવ છે.