ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૧. લોરેલેઈના સંગીતમાં વહેતી ર્હાઈન: Difference between revisions
(+created chapter) |
(No difference)
|
Revision as of 10:48, 7 May 2023
૫૦
ભારતી રાણે
□
૧. લોરેલેઈના સંગીતમાં વહેતી ર્હાઇન
ર્હાઇન નદીની સફર કૉલન શહેરથી સામે વહેણે અને ઊંધે પગલે શરૂ થઈ. શહેરની ચહેલપહેલ છોડી આગળ જતાં ગયાં તેમતેમ પહેલાં ઊંચીઊંચી ઇમારતો દેખાતી બંધ થઈ, પછી ધીરેધીરે આભને આંબતા કૉલન કેથિડ્રલના બંને મિનારા પણ અદૃશ્ય થઈ ગયા. પછી તો બસ, વિપુલ જળરાશિ, એને કિનારે સપાટ મેદાનો વચ્ચે વસેલાં નિઃશબ્દ ગામડાં અને હળવા ઢોળાવો પર વ્યાપ્ત હરિયાળીની નિતાંત સુંદરતા જ આંખ સામે છવાઈ ગઈ. ર્હાઇન નદીનો નકશો નજર સામે હતો : સ્વિસ આલ્પ્સમાંથી નીકળીને મહાકાય કૉન્સ્ટાન્સ સરોવરમાં વિલીન થયા બાદ પુનઃ જલગતિ પ્રાપ્ત કરતી એ જર્મનીમાં પ્રવેશે છે. અહીં વિસ્બેડેનની પૂર્વે એક ગામડું છે, એનું નામ વિંકલ, જર્મન ભાષામાં વિંકલનો અર્થ થાય, ખૂણો. ર્હાઇન ફોલ્સનો ભીષણ પ્રપાત ખમ્યા પછી આ વિંકલને ખૂણેથી ચકરાવો લઈને રાહિનગાઉ નામના પ્રદેશમાં પ્રવેશી, સુંદરતમ સ્વરૂપને પામતી ર્હાઇન; આગળ જતાં રુડિશેઈમ પાસેથી ઉત્તરાભિમુખ થઈ, કૉબ્લેન્ઝ પાસે મોટામાં મોટી પ્રશાખા મૉસેલને મળીને પછી ઊંડા, ખડકાળ, વમળમય રસ્તે લોરેલેઈની ટેકરીને સ્પર્શતી, કોલોન સુધી વહી આવતી ર્હાઇન અને પછી નેધરલૅન્ડમાંથી પસાર થઈને ઍમ્સસ્ટરડૅમ પાસે દરિયાને મળતી ર્હાઇનનું ચિત્ર નજર સામે હતું. બસ, એ જ રસ્તે કૉલનથી નીકળીને અમે સામે વહેણે અને પાછે પગલે પરીકથાની દુનિયામાં હળવેહળવે પ્રવેશી રહ્યાં હતાં. અહીં ર્હાઇનને કિનારે ઠેરઠેર રોમન સામ્રાજ્યના ઇતિહાસની અનેક સત્યકથાઓ અને દંતકથાઓ વિખરાયેલી છે. અહીંથી પસાર થઈ ગયેલા રોમન, જર્મન, હૂણ, કોઝાક, અમેરિકન વગેરે અનેક યોદ્ધાઓનાં પગલાંની છાપ અહીં પડેલી છે. યુરોપને ઘડનારાં પરિબળોમાં અગ્રિમ એવી આ ર્હાઇન ક્યારેક કોઈ સામ્રાજ્યની સીમારેખા બની, તો ક્યારેક કિનારે ઊભેલા કિલ્લાઓમાં ખેલાયેલા લોહીયાળ સમરાંગણની સાક્ષી બની; ક્યારેક કોઈ પ્રેમીઓનું મિલનસ્થાન બની, તો ક્યારેક અગણિત પ્રવાસીઓની સફરની સાથીદાર બની. યુરોપનાં લગભગ બધાં જ નોંધપાત્ર યુદ્ધોએ ર્હાઇનના કિનારાને રક્તરંજિત કર્યો. કૉલનથી મેઈન્ઝ સુધીના બસો કિલોમીટરથી ઓછા એના ફલક પર છસોથી વધુ કિલ્લાઓ છે! સાડાચાર કલાકની સ્પીડબોટની સફરમાં એ બધાની ઝલક જોવા મળવાની હતી. નદીનાં પાણી શાન્ત હતાં. હવામાં તાજગી હતી. તીરે વસેલાં ગામડાં, વૃક્ષો, ટેકરીઓ, એના પર ઊભેલા દુર્ગ, અણીદાર ટાવરવાળાં દેવળ, અને દ્રાક્ષના માંડવાની અટારીઓ, બધું ઊગતા સૂર્યના પ્રકાશમાં લપેટાઈને સજીવ બની રહ્યું હતું. હળવો અજવાસ સમયની રેખાઓને ભૂંસતો કિલ્લાઓ પર રેલાઈ રહ્યો હતો. ઇતિહાસ અને તેના પરથી મનમાં જન્મતાં કલ્પનો સાથે સામે ઊભેલાં ખંડિયરોની રેખાઓ એકાકાર થતી જતી હતી. મનમાં એક સ્પષ્ટ છબી ઊપસતી હતી, અને એમાં યુગો ઝલમલી રહ્યા હતા. કિનારાની હથેળી પરથી નીકળી, દ્રાક્ષની વાડીઓને વીંટળાઈને ટેકરીઓ પર વિખરાઈ જતી આંગળીઓ જેવી કેડીઓ પર ફરતાં, ર્હાઇનનાં નિતનવાં રૂપોનો ઉઘાડ જોઈને પ્રેરણા પામી, અમર સર્જન કરી જનારા સર્જકો પણ દૃષ્ટિ સામે સજીવ થવા લાગ્યા. અહીંના વળાંકોમાં ગોપિત ર્હાઇનની કલાત્મક મુદ્રાઓના સંમોહનમાં રચાયેલાં અમર સર્જનો અને એના સર્જકો અર્નિમ, બ્રેન્ટેનો, ગઅટે, એ સૌની સ્મૃતિનાં હલેસે અમે અનવદ્ય સ્વપ્નલોકમાં વિહાર કરી રહ્યાં હતાં. દરેક કિલ્લાની એક વાર્તા ને દરેક વળાંકની એક દંતકથા હશે. ક્યાંક કોઈ દુર્ગની ચડતીપડતીની કથા, તો ક્યાંક પ્રેમમાં પડી ગયેલા રાજવીઓની વાર્તા, તો વળી ક્યાંક ઊંચી ભેખડ પરથી સંગીતના સૂર રેલાવી ખલાસીઓને ભાન ભુલાવતી સુંદરીની કથની. કિલ્લાઓ ઘણાખરા જર્જરિત હતા, પણ ઇતિહાસ તાજો હતો. કૉબલેન્ઝ આવતા પહેલાં લોરેલેઈ હિલ પાસે નદીનો પટ સાંકડો, ઊંડો, અને ખડકાળ હતો. જોખમી માર્ગ પર અમારી ર્હાઇન જેટ સ્થિર ગતિથી પસાર થઈ રહી હતી. વમળ રચતા ઊંડા પાણીને કિનારે આ રહ્યું રાજા હેગનનું પૂતળું, નીબ્લોઝનો ખજાનો નદીમાં વહાવી દેનાર રાજા હેગન! કિનારે અચાનક ઉપસી આવ્યા હોય તેવા સેવન સિસ્ટર્સ અથવા સેવન વર્જિન્સ નામના ખડકો દેખાય છે. આ છે, શૉનબર્ગના રાજાની સાત માથા ફરેલ રાજકુમારીઓ, જેમને લગ્ન માટે જે કોઈ પણ છોકરો બતાવવામાં આવે, કુંવરીઓને યા તો એનું નાક મોટું લાગે, કે પછી એ છોકરો એમને કમઅક્કલ અને હાસ્યાસ્પદ લાગે! લગ્નનો પ્રસ્તાવ મૂકનારનું અપમાન કરવામાં માહિર આ કુંવરીઓ માટે પછી એક વાર સ્વયંવર રચવામાં આવ્યો. રાજકુમારીઓ આ બધા જ અમીરઉમરાવોનું અપમાન કરીને એક હોડીમાં બેસીને ચાલી નીકળી. એટલામાં જ ર્હાઇનમાં તોફાની મોજાં ઊમટ્યાં. કુંવરીઓએ મદદ માટે ભીખ માગી, પણ અપમાનિત યુવકોમાંથી કોઈએ એમની મદદ ન કરી. અંતે હોડી પાણીમાં અલોપ થઈ ગઈ, અને આ સાત પથ્થરદિલ યુવતીઓનાં પ્રતીક રૂપે કિનારા પર પથ્થરની સાત અણિયાળી શિલાઓ ઊપસી આવી. આ રહ્યા કાળમાં દટાયેલા રિંગ ઑરકેસ્ટ્રાના સૂર અને કાન દઈને સાંભળો તો ખરા! દૂ..૨ ધીમા સ્વરે ગાઈ રહી છે, પેલી લોરેલેઈ, કવિ બ્રેન્ટેનો અને હેઈને કવિતાનો અક્ષરદેહ આપીને અમર કરી દીધેલી સુંદરી લોરેલેઈ. કેમ ગાતી હશે એ આ પાષાણી વળાંક પર? શું એ કોઈ રાજકુમારી હશે, જેનું મન રજવાડાની સુખસાહ્યબીમાં નહીં લાગ્યું હોય. રાજભોગથી હર્યાભર્યા જીવનમાં એને શાંતિ નહીં મળી હોય ને પછી સંગીતમાં આત્માની તડપને શમાવવા મથી હશે એ રાજકુમારી? કે પછી પ્રિયતમને શોધતી, નિરંતર પ્રતીક્ષા કરતી પ્રણયભગ્ન સુંદરી હશે લોરેલેઈ? એના મોહક સંગીતમાં ભાન ભૂલીને વળાંક પર ખડકો સાથે અથડાઈ પડતા અને પ્રલયકારી અંતને પામતા ખલાસીઓના કરુણ અંતની ને ટેકરી પરથી રેલાતા ગેબી સંગીતની પરીકથાનો આ પ્રદેશ છે. તીવ્ર વળાંકે વળતાં, ખળખળતાં વહેણને માથે ઝળુંબતી શીલા પર સદીઓથી એ ગાઈ રહી છે. માન્યતા છે કે, પ્રિયતમની બેવફાઈથી નિરાશ થઈને નદીમાં કૂદીને આત્મહત્યા કરનાર એ યુવતીનો અતૃપ્ત આત્મા આજેય આ ટેકરી પર ભટકે છે. નિર્જન લોરેલેઈ હિલ પર શિયાળાની લાંબી સાંજોમાં રેલાતું એનું સંગીત સાંભળ્યાની વાતો અહીંના ખલાસીઓ કરે છે. અદ્ભુત કિલ્લાઓનાં ખંડેરોમાં સમય સાથે ખરી પડેલી વારતા જેવા કાંગરા જોઉં છું, ને લોરેલેઈ સજીવ થઈ જાય છે. માણસના મનનાં ઊંડાણ અને એની ઝંખનાઓ અગમ્ય હોય છે. ક્યારેક સર્વ સુખસગવડોથી હરીભરી જિંદગી સોંસરવો કોઈ અજંપો જાગી ઊઠે, કારણ વગર મન વ્યાકુળ થઈ જાય, ન જાણે શું શોધ્યા કરે એ મન! કઈ શાંતિ, કયું સાંત્વન, કઈ ઇચ્છા, કયું લક્ષ્ય, કાંઈ ખબર ન પડે, ને છતાંય અજંપો સતાવ્યા કરે... અજંપ અસ્તિત્વની અનંત વ્યાકુળતા, જાણે લોરેલેઈનું સંગીત! આ સંગીત ગૂંજ્યા કરે છે, સદીઓથી અને કદાચ ગૂંજ્યા કરશે આવનારા યુગો સુધી. જ્યાં સુધી માણસને મન છે, ત્યાં સુધી તેમાંથી સ્ફૂરતું રહેશે, લોરેલેઈનું સંગીત. કદાચ એટલે જ અહીંથી પસાર થતાં આપણા કાન એને સાંભળી શકે છે. લોરેલેઈની કલ્પના કરીને કોઈ જર્મન સંગીતકારે રચેલું સંગીત ક્રૂઝના સ્પીકર પરથી પ્રસારિત થઈ રહ્યું છે. હૃદયનાં સ્પંદનો, ક્રૂઝમાં સંભળાતું એ સંગીત અને સમયના વાયોલીન પર રણઝણીને હવામાં લહેરાતું લોરેલેઈનું અમર સંગીત બધું એકાકાર થઈ જાય છે. આ વૃક્ષાચ્છાદિત પહાડી, આ વમળમય ઊંડાં પાણી, આ ખડકાળ કિનારો, દૂર ડુંગરો પર પડુંપડું થતા દુર્ગ અને મહાલયો – ર્હાઇન નદીને તીરે વસેલી જાદૂઈ દુનિયાને હું લોરેલેઈની ઝંખનાથી પામવાનો પ્રયાસ કરું છું. આ કેડીઓ પર સંગીતની સૂરાવલીની જેમ નિર્બંધ ભટકી શકાય, અને એમ વળાંકેવળાંકે બદલાતા ર્હાઇનના ગૂઢ અપરિચિત સ્વરૂપને અલગઅલગ મુદ્રાઓમાં પામી શકાય, એવી ક્ષણો શક્યતાના પટારામાં કેદ છે. અમારી સફરના પગમાં નૌકાની બેડી છે. આ મૉસલ નદીનો સંગમ આવી લાગ્યો. નદીની વચ્ચોવચ જમીનની પાતળી પટ્ટી બનાવી, એના પર વૃક્ષો ઊગાડીને બનાવવામાં આવેલું કૃત્રિમ ડિવાઈડર દેખાવા લાગ્યું. ગોથિક ઢબનાં દેવળોના ટાવર, રોમનકાળનાં ખંડેરો, મધ્યકાલીન દુર્ગ, ભવ્ય પ્રવેશદ્વારોથી શોભતા બરાક ઢબના કિલ્લા, અને દંતકથાઓને રંગે રંગાયેલો ર્હાઇનનો રૉમેન્ટિક કિનારો- બધું પૂરું થઈ રહ્યું છે. કૉબ્લેન્ઝ પાસે આ આવ્યું. બાકારેક ઊર્ફે બેક્કસની વેદી. દ્રાક્ષના અગણિત માંડવા નીચે શરાબના દેવતા બેક્કસની વેદી! હવે રુડિશેઈમ થઈને રાહિનગાઉમાં પ્રવેશી, અમારે મેઈન્ઝ સ્ટેશને ઊતરવાનું છે. જોહાનિસ ગુટેનબર્ગની સ્મૃતિમાં સ્થપાયેલ યુનિવર્સિટીથી વિખ્યાત, ર્હાઇનને તીરે ઊભેલાં શહેરોમાં શ્રેષ્ઠ એવા મેઈન્ઝને કિનારે અમારી નૌકા લાંગરે છે. મોટરબોટની બારીમાં ખૂલે તેટલું આકાશ, કલ્પનામાં ઊઘડે એટલો ઇતિહાસ, અને માત્ર પગ ઝબકોળવા જેટલો ર્હાઇનનો અહેસાસ લઈને આજે તો અહીં જ ઊતરી જવાનું છે.
[ઈપ્સિતાયન, ૨૦૦૯]