રચનાવલી/૧૩૯: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 16: Line 16:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૩૮
|next =  
|next = ૧૪૦
}}
}}

Revision as of 11:43, 8 May 2023


૧૩૯. શ્રી રામરક્ષાસ્તોત્ર (બુધકૌશિક)


ધર્મની પરાકાષ્ઠા ભક્તિમાં છે અને ભક્તિની પરાકાષ્ઠા નામરટણમાં છે. પરમ તત્ત્વથી પોતાની જુદાઈનું દુઃખ સહન ન કરતો જીવ એકાકાર થવા તન્મય થવા તત્પર હોય છે. એમાં સ્મરણની સાથે સાથે રટણ અને ગુણકીર્તન પણ ભળે છે. ભારતમાં કૃષ્ણચરિત્રની સાથે સાથે પરમ તત્ત્વની જેમાં કલ્પના કરી હોય એવું બીજું ચરિત્ર રામનું છે. અયોધ્યાથી રામેશ્વર સુધી આખા ભારતવર્ષમાં રામનું નામ અનેક ચમત્કારોથી ભરેલું છે. રામની મર્યાદાપુરુષોત્તમ તરીકેની કલ્પના માનવીય છે. એની સાથે સંકળાયેલી કથામાં જે જે આદર્શ સંબંધો છે તે ભારતીય પ્રજાને જીવનમાં ઉતારવા જેવા લાગ્યા છે. આદર્શ લગ્નપ્રેમ, આદર્શ પિતૃપ્રેમ, આદર્શ ભાતૃપ્રેમ, આદર્શ રાજા અને પ્રજાપ્રેમ, આદર્શ સેવકસ્વામી પ્રેમ – આ બધાની ‘રામાયણ’માં એવી રીતે રજૂઆત થઈ છે જેની વાસ્તવિક જીવનમાં જોડ મળવી મુશ્કેલ છે. એમાં દર્શાવેલા માનવસંબંધો અશક્ય ભલે હોય પણ માનવજીવનને હેતુ આપી, અને ગતિશીલ રાખવા માટે કામના છે. માનવજાતિએ માનવસંબંધોની ક્યારે જે આદર્શ કલ્પના કરી હશે, ક્યારેક જે સ્વપ્ન સેવ્યું હશે, એને આપણે રામકથામાં સાકાર થતાં જોઈએ છીએ. આથી રામકથાનો મહિમા છે. એમાં જીવાતા જીવનની છબી નથી પણ જીવવા જેવા જીવનની છબી છે અને સામાન્ય જન એ જીવવા જેવા જીવનની છબીને નજર સમક્ષ રાખી જીવાતા જીવનને મઠારવા મથે છે. આ જીવવા જેવું જીવન જાણે કે એને એક પ્રકારનો ભરોસો આપે છે. તુલસીદાસે ‘રામચરિતમાનસ'માં વાલ્મીકિના સંસ્કૃત રામાયણથી જુદો જે તળપદો સ્વાદ મૂક્યો તેથી રામકથા પ્રજાજીવનમાં વધુ લોકપ્રિય થઈ. કદાચ ઘેર ઘેર ગવાતી થઈ. એ જ જીવનનો આદર્શ બની. એ જ જીવનની રક્ષક બની. રામ માત્ર સીતાના નહીં, અહલ્યાના નહીં, સુગ્રીવના નહીં, અયોધ્યાની પ્રજાના નહીં કોઈપણ સમયના ભારતીય જનના ઉદ્ધારક ઠર્યા. ‘રઘુપતિ રાઘવ રાજારામ'થી માંડી ‘રામનામે પથ્થર તરે' (‘રામબાણ ઈલાજ' કે હૈ રામ' વગેરેમાં રામનામનો જાણે કે ચમત્કાર છવાયેલો પડ્યો છે. આથી જ રામનામનું રામરક્ષા તરીકે પણ માહાત્મ્ય છે. આવા માહાત્મ્યને બિરદાવતું બુધકૌશિક ઋષિએ લખેલું ‘શ્રી રામરક્ષાસ્તોત્ર' પ્રજામાં જાણીતું છે. સ્તોત્રમાં કહેવાયું છે કે સ્વપ્નમાં દર્શન આપીને શંકરે પોતાને જે પ્રમાણે સ્તોત્ર કહ્યું તે પરોઢે ઊઠતાવેંત બુધકૌશિક ઋષિએ બેઠું ઉતારી લીધું છે. કવિની પ્રેરણા દૈવી છે એવું જે કેટલાક માને છે એને અહીં જાણે કે સમર્થન મળે છે. પણ ખરેખર તો બુધકૌશિકી ઋષિની રામભક્તિનો ઉદ્ગાર જ એમાં જળવાયો છે એમ કહેવાય. ૩૮ શ્લોકોમાં રચાયેલું 'શ્રી રામરક્ષાસ્તોત્ર' મોટેભાગે અનુષ્ટુપ છંદમાં છે, જે છંદમાં વાલ્મીકિનું ‘રામાયણ’ અને મોટાભાગની 'ગીતા' લખાયેલી છે. સ્તોત્રની શરૂઆતમાં કવિની ઉત્કટ રામભક્તિ પ્રગટ થાય છે. કહે છેઃ રઘુનાથનું ચરિત્ર તો શતકોટિ વિસ્તા૨વાળું છે અને એમાંનો એક એક અક્ષર મહાપાતનો નાશ કરનારો છે. આ પછી નીલકમલ જેવો શ્યામવર્ણ, કમલ જેવાં લોચન, અને જટામુકુટમંડિત મુખમુદ્રાથી કવિ રામની મૂર્તિને ઉપસાવે છે. (ક્યારેક રામને કવિએ દુર્વાદલ જેવા શ્યામ પણ કહ્યા છે), પાંચથી નવ શ્લોક સુધી જુદી જુદી ઇન્દ્રિયોને અને શરીરને રક્ષાકવચ આપવા માટે રામને વિનંતિ છે. એમાં દરેક ઇન્દ્રિય માટે રામનું વિશેષ વિશેષણ યોજ્યું છે. કૌશલેય તરીકે દૃષ્ટિને, વિશ્વામિત્રના પ્રિય તરીકે શ્રવણને, યજ્ઞરક્ષક તરીકે પ્રાણને, સૌમિત્રિના વત્સલ તરીકે મુખને અને વિદ્યાનિધિ તરીકે જિહ્વા-જીભને રક્ષણ આપવાનું છે. આ પછી કવિ સ્કંધનું, ભુજાઓનું, હાથનું, હૃદયનું, નાભિનું, કમરનું, જાંઘનું – વગેરેનું અભયદાન માગતા છેવટે ‘અખિલ વપુ'નું અભયદાન માગે છે. કવિની રામનામમાં શ્રદ્ધા કેટલી દૃઢ છે કે એ જોવા એક પંક્તિ પૂરતી છે: પાતાળ, પૃથ્વી અને આકાશમાં સંચરનારા અને કપટથી ગુપ્ત રીતે ફરનારા છે એ બધા રામનામથી સુરક્ષિતની સામે દૃષ્ટિ પણ કરવા સમર્થ નથી. આગળ જતાં કવિ ‘રામનામ’ને વજ્રપંજર સાથે સરખાવે છે. કહે છે જે વજ્રપંજર નામના રામકવચને સંભારે છે તે સર્વત્ર વિજય અને કલ્યાણ પ્રાપ્ત કરે છે. સોળમા શ્લોકથી શરૂ થતું રામનું ગુણકીર્તન આકર્ષક છે. કહે છે ‘કલ્પવૃક્ષોના આરામ રૂપ, બધી આપત્તિના વિરામ રૂપ અને ત્રિલોકના અભિરામ રૂપ – રામ અમારા સ્વામી છે.’ અહીં ‘આરામ’ ‘વિરામ’ અને ‘અભિરામ'ની સાથે રામને જોડીને શ્લોકને સુંદર બનાવ્યો છે. રામ મનુષ્યજાતિનો આદર્શ છે એવું સૂચન અહીં બેએક સ્થાનોમાં સ્પષ્ટ રીતે થયું છે. કવિ એક જગ્યાએ કહે છે કે ‘મને રક્ષવા રામ અને લક્ષ્મણ સદા મારી આગળ ને આગળ ચાલે છે.' બીજી જગ્યાએ કહે છે : અમારો મનોરથ આગળ જતો હોય એમ લક્ષ્મણ સહિતના રામ અમારું રક્ષણ કરો.’ વચ્ચે વચ્ચે કવિએ એકસરખા ચાલી આવતા અનુષ્ટુપમાં જુદા જુદા છંદો મૂકીને એની એકવિધતાને તોડવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક શાર્દૂલવિક્રીડિત, તો ક્યાંક સ્રગ્ધરા છંદ લીધો છે. ક્યાંક વસંતતિલકા છંદમાં ધૂનની જેમ રામરટણ ઉતાર્યું છે : ‘શ્રી રામ રામ રઘુનંદન રામ રામ / શ્રી રામ રામ ભરતાગ્રજ રામ રામ / શ્રી રામ રામ રણકર્કશ રામ રામ / શ્રી રામ રામ શરણં ભવ રામ રામ /' ક્યાંક એકસરખા વાક્યો રચીને લયનો જાદુ રચ્યો છે : ‘શ્રી રામચન્દ્રચરણૌ મનસા સ્મરામિ / શ્રીરામચન્દ્રચરણૌ વચસા ગૃણામિ / શ્રી રામચન્દ્રચરણૌ શિરસા નમામિ | શ્રી રામચન્દ્રચરણ શરણં પ્રપદ્યે ક્યાંક રામ રામ ‘ગર્જન’ને ભવદુઃખના ‘ભર્જન’ સાથે, સુખસંપત્તિના ‘અર્જન’ સાથે અને યમદૂતોના ‘તર્જન’ સાથે જોડીને પ્રાસનો ચમત્કાર બતાવ્યો છે. ક્યાંક ત્વમેવ માતા પિતા ત્વમેવ’ને અનુસરીને રામને માતાપિતા સ્વામી અને સખા તરીકે ઓળખાવ્યા છે. છેવટે, અઠંગ રામભક્ત તરીકે કવિએ જાહેર કર્યું છે કે એક રામનામ એ વિષ્ણુસહસ્રનામની બરાબર છે.