અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/અરે, કોઈ તો…: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> હું એકાગ્ર ચિત્તે વાંચું છું. સામેની બારીનો રેડિયો મારા કાનમાં...") |
(No difference)
|
Revision as of 11:41, 28 June 2021
હું એકાગ્ર ચિત્તે વાંચું છું.
સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઇલેક્ટ્રિક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટ્યૂબલાઇટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળું થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપલે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કૂથલીનાં ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
ઓચિંતો ફ્યૂઝ જતાં, લાઇટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધારોધબ્…
નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે :
`કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ! અરે, કોઈ તો
ઇલેક્ટ્રિશિયનને બોલાવો!'
બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે :
`અરે, ગિરિધર! સાંભળે છે કે, —
પહેલાં મીણબત્તી તો લાવ…'
અને —
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે……
(ધારો કે એક સાંજ આપણે મળ્યાં…, પૃ. ૩૬-૩૭)