મારી લોકયાત્રા/આત્મકથન: Difference between revisions
(+created chapter) |
(No difference)
|
Revision as of 02:02, 9 May 2023
આત્મકથન
(પ્રથમ આવૃત્તિ વેળાએ)આ મારી આત્મકથા નથી. ‘લોક’ને ઉકેલવા જતાં થયેલા અનુભવોની આનંદકથા છે. લોક કશું લખતો નથી; અનુભવે છે. આ અનુભવગાથા આગામી પેઢીને કહે છે. બીજી પેઢીને કહેતાં મેં કેટલુંક સાંભળ્યું-જોયું-માણ્યું એ બીજા સમાજને કહું છું. મૌખિક સંસ્કૃતિની ટપાલ અક્ષર-સંસ્કૃતિને આપું છું; પરંતુ, લોકની ટપાલ ક્યારેય પૂરેપૂરી આપી શકાતી નથી. લોક કંઠથી બોલે છે; ગાય છે. હાથથી વાદ્યો વગાડે છે અને સામૂહિક ચરણે, પૂરી ઊર્જા સાથે ઉમળકાભેર નાચે છે. કંઠ, સંગીત અને નૃત્યની ત્રિવિધ કળાને અક્ષરોમાં કઈ રીતે ઝીલી-બાંધી શકાય? વળી એમાં પર્વનું વાતાવ૨ણ અને દેવ ૫૨ની અટળ આસ્થા; પાછા સામૂહિક હૃદયમાં ઊછળતા નિર્વ્યાજ ભાવો! આ ઊછળતા ભાવસાગરમાંથી થોડાક ભાવ તપ કરીને હૃદયમાં પામી-માણી શકાય. કબીરની વાણીમાં કહીએ તો ‘ગૂઁગે કા ગુડ’- એનો હૃદયમાં મોદ લઈ શકાય. મુખ પર આનંદના ભાવો પ્રગટે પણ વાણી દ્વારા વ્યક્ત ન કરી શકાય કે કાગળમાં અક્ષરોની સહાયથી ઉતારીને વહેંચી પણ ન શકાય. અહીં અક્ષ૨-સંસ્કૃતિ વામણી! પાંગળી! લોક વિરાટ છે. એને હજા૨ હાથ-પગ-મુખ છે. તેની વાણી સંખ્યાતીત ધારાએ વ૨સે છે- વહે છે. આ પર્વ-પ્રસંગ સંલગ્ન લોકવાણીને ઝીલીને તેના સર્વાંગ ચરિત્રને કાગળ પર ઉતારી ભગીરથ કાર્ય કરવાનું સામર્થ્ય કોનામાં હોય? લોકના સાંનિધ્યમાં બેસી તેની સાથે ઓતપ્રોત થતાં તેનાં થયેલાં કેટલાંક સ્વરૂપોનાં દર્શનની આ સહજ ગાથા છે. આ દર્શન સમયે થયેલા આનંદને મારી લોકયાત્રા' દ્વારા સૌને વહેંચું છું. આમ તો લોકયાત્રાનો આરંભ બાળપણથી જ થયો હતો. શૈશવથી જ લોકસંસ્કારો પ્રભાવી બનવા લાગ્યા હતા. વચ્ચે થોડાંક વર્ષ અક્ષરસંસ્કૃતિએ આ પ્રભાવ ઓછો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આત્માનો મૂળ રંગ હોવાથી જીવનના સાઠમા દસકા પછી પણ એમને પામવા મથી રહ્યો છું. ૩૦ વર્ષ સુધી દુનિયાની પ્રાચીન ગિરિમાળા માણેકનાથ, તંબરાજ, સેમેરો, કિ૨મોલ, ભીમરો જેવા પહાડોના ચરણ પખાળતી હરણાવ, સાબરમતી, સેઈ, આકળ-વિકળ, કીડી-મંકોડી જેવી માતૃસરિતાઓને તીરે વસતા આદિવાસીઓની ઋતુચક્રના પર્વ-પ્રસંગે પ્રગટતી દેવવાણી જેવી લોકવાણીમાં ભીંજાતાં-ભીંજાતાં – એમની મહાન સભ્યતાની ગુણસમૃદ્ધિથી છલકાતા, સામૂહિક હૃદયમાંથી શુભ સત્ત્વને લઈને સંસ્કારતાં-સંસ્કારતાં જીવનને સુ૨સરિ ગંગાનાં કે હરદ્વાર-હૃષીકેશ બાજુના હિમાલયનાં દર્શન ક૨વાનો સમય મળ્યો નથી. સાથે-સાથે આદિવાસી લોકપરંપરામાં પ્રવેશેલી વિકૃતિઓના સ્પર્શે હૃદયમાંથી સહજરૂપે કર્મશીલ પ્રગટ્યો છે અને સાંસ્કૃતિક મૂલ્યોને આંચ આવવા દીધા વિના બહુજનસમાજની ઇચ્છા અને સહયોગથી વિકૃતિઓ ટાળવાનો પ્રયત્ન પણ કર્યો છે. લોક તરફ પ્રયાણ કરતાં પહેલાં ૧૯૭૫માં શ્રી શેઠ કેશવજી ઠાકરસી હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના આચાર્ય બાલકૃષ્ણ જોશીના આગ્રહથી કાશ્મીર પ્રવાસે જવાનું બનેલું. આ નિમિત્તે એ તરફના હિમાલયનાં દર્શન કરેલાં અને પાછા ફરતાં ગોકુળ-મથુરા-વૃંદાવનની યાત્રા કરતાં યમુનાનાં દર્શન કરી સ્નાન કરેલું. રસ્તામાં દીકરી જન્મ્યાના સમાચાર મળેલા ત્યારે હૃદયમાં વાત્સલ્યની હેલી થયેલી અને નવજાત શિશુને મનભર નિહાળવાની જિજ્ઞાસા જાગેલી. પછી તો દીકરીનું નામ જ જિજ્ઞાસા રાખેલું. બાળકીના જન્મ પછી ઘરની આર્થિક-સામાજિક જવાબદારી વધેલી અને ખેતી માટે બળદ ખરીદવા અને ખેડુ લેવા નિમિત્તે આદિવાસી પ્રદેશમાં પ્રવેશ થયેલો. આ સમયે લોકના નિર્વ્યાજ પ્રેમનાં દર્શન થયેલાં અને મન એ દિશા તરફ ઢળેલું. ભાંડુ જાગૃતિ-અમિત નાનાં હોવાથી દીકરી જિજ્ઞાસા દીકરો બની તેની માતા તારાને સહભાગી થયેલી અને મને લોકસાહિત્ય-સંશોધન અર્થે આદિવાસી વિસ્તારમાં રેઢો મૂકેલો. આજે ૩૦ વર્ષ પછી પરિવર્તનશીલ જગતમાં ઘણું-બધું બદલાયું છે. દાંતા-ખેડબ્રહ્માના આદિવાસી વિસ્તારમાં વર્ષાકાળે પારિજાતનાં પુષ્પોથી મહેકતા પ્રકૃતિમંડિત પહાડો યુવા બ્રાહ્મણ વિધવાના માથા જેવા બોડા બની ગયા છે. આર્દ્રતાથી આવકારતા મોરના ટહુકા ભર-ચોમાસે સુકાઈ ગયા છે. ચોમાસે તાજા ઘાસથી આગંતુકના ચરણો પંપાળી હેત વરસાવતી વનની કેડીઓની છાતી ૫૨ બેસી ડામરની સડકો રાજ કરે છે. કાળ-દુકાળે પણ ન સુકાતી દુકાળી નદીની ભીની રેતીએ વંટોળનું રૂપ લીધું છે. હર્ષઘેલો થઈને બીજના મહામાર્ગી પાટનાં દર્શન કરાવવા પોતાના ઘેર પંથાલ ગામ લઈ જતો પ્રવીણ ખાંટ અક્ષરજ્ઞાન મેળવી અત્યારે સર્વોદય આશ્રમ, સણાલીમાં શિક્ષક થયો છે. બહેડિયા ગામમાં ગીતો ધ્વનિમુદ્રિત કરવા જતો ત્યારે પીઠી ચડેલી કપિલા (રમેશ ગમારની બહેન) નાની બહેનનું હેત આંગળીઓથી વરસાવી નકશી કરેલા મકાઈના રોટલા જમાડતી તે અત્યારે ભરયુવાનીમાં વિધવા બની (એનો પતિ જૂનાગઢમાં જંગલખાતામાં સર્વિસ કરતો હતો. અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો) અક્ષરજ્ઞાન આપવા સંતાનોને સાચવીને જૂનાગઢમાં બેઠી છે. ગઈ સાલ જૂનાગઢમાં અકસ્માતે ભેટો થયો હતો. હું તેની બોલીમાં બોલતો હતો અને તે મારી ભાષામાં ઉત્તર આપતી હતી ત્યારે ભોંઠો પડ્યો હતો. ઘણો આગ્રહ કરીને મને અને નવજી ડાભીને તેના ફ્લૅટમાં લઈ ગઈ હતી અને બજારમાંથી લાવેલી મેગી'ની સેવોનું ભોજન જમાડ્યું હતું. પણ જીવનનાં કપરાં ચઢાણ ચડતી આંખોમાં એ જ પહાડના નિર્મળ ઝરણાની નિર્દોષતા ઊભરાતી હતી. ૨૫ વર્ષ પહેલાં ભીલી બોલીમાં ધૂળાના પાટના બીજમંત્રો બોલતો નવજી ખાંટ અત્યારે ટેલિફોન પર વાત કરે છે ત્યારે ‘હલો' અને થેંક્યુ' બોલતો થયો છે. પણ ઘણા દિવસે મળીએ છીએ ત્યારે તેની આંખોમાં સહજ આનંદ વ્યાપે છે. તેના બાપ દેવાકાકા કૈલાસવાસી થયા છે. તેની મા હરમાં આઈ સામાજિક-ધાર્મિક પ્રસંગે ધર્મના દીકરાની- મારી રાહ જુએ છે. સંજોગોવશાત્ ન જવાયું હોય તો એનું કાળજું કપાય છે, અને મને ન જી૨વાય એવો ‘પારી ઠપકો’ મોકલે છે. અત્યારે અમદાવાદ વસતો હું ખેડબ્રહ્માનું ભાડાનું ઘર ‘લોક' સાથેના સંબંધો સાચવવા ચાલુ રાખ્યું છે. આદિવાસી સમાજમાં બળેવ(રક્ષાબંધન)ના બીજા ‘ટાઢા દિવસ’નું મહત્ત્વ છે. આ દિવસે બળદની કાંધે ધૂંસરી ન મુકાય. મુખીના ઘેર ભજન-ભાવ થાય. હું આ દિવસે ખેડબ્રહ્મા આવું છું. મારું અવાવરું ઘર ખોલું છું. ભીલ બહેન સાંકળી તો નથી, પણ મારી બે ભાણી ‘હૉમળી’ અને ‘રૉમી’ આવે છે. મામાનું ઘર વાળી-ઝૂડીને સાફ કરે છે. નળેથી ભરીને નવી માટલી પાણિયારે મૂકે છે. બંને બહેનો મામાના હાથે બળેવરું (રાખડી) બાંધે છે. હું બંને ભાણીઓને સાડલા ઓઢાડીને મારી એક બહેન ન હોવાનો વસવસો દૂર કરી શાતા પામું છું. એકાદ માસ પસાર થાય છે અને મન ગોફણમાંથી છૂટેલા પથરાની જેમ ખેડબ્રહ્મા ભણી ફંગોળાય છે. માટીના ખોલરામાં એમના સાંનિધ્યમાં બેસી બકરીના દૂધની ચા પીઉં છું. એમનાં અંતર આંતરિક વૈભવથી છલકાય છે. ૩૦ વર્ષ પહેલાં કરેલાં ‘આદિવાસી'નાં દર્શન મને પુનઃ મૂળ રૂપમાં થાય છે, અને હું ધન્ય બની જાઉં છું! તા. ૧૮-૯-૨૦૦૫ના રોજ મને હૃદયરોગનો હુમલો આવેલો ત્યારે રાવજીની કવિતામાં કહું તો મારા ‘શ્વાસ’ દેહથી અલગ થઈ ‘અજવાળું પહેરી’ને ઊભા હતા અને મહાતેજમાં ભળવાની તૈયારી કરી રહ્યા હતા. વણ કહેલી લોકયાત્રા તમને કરાવવા શ્વાસ પુનઃ દેહમાં પ્રવેશ્યા. મારી જીવનનૈયા તો ૨૫ વર્ષ પહેલાં જ સાબરમતીના મધ્યજળમાં ડૂલ હતી; પરંતુ આદિવાસીઓ મને હેમખેમ કિનારે લઈ આવ્યા, અને ‘લોક'માં મારો પુનર્જન્મ થયો. આ પછીનું શેષ જીવન શક્ય બન્યું એટલું એમને વફાદાર રહ્યું છે. હવે મારો ત્રીજો જન્મ થયો છે. મને તો 'લોક' જેટલા જ ‘શિષ્ટજનો' વહાલા લાગ્યા છે. મકરંદ દવે, હરિવલ્લભ ભાયાણી, હસુ યાજ્ઞિક, ગણેશ દેવી, લા.ઠા.,(લાભશંકર ઠાકર), રઘુવી૨ ચૌધરી, જયંત મેઘાણી, કૈલાસ પંડ્યા, જશવંત શેખડીવાળા, કાનજી પટેલ, ઊજમ પટેલ, દલપત પઢિયાર- કેટકેટલાંનાં નામ લઉં? ‘લોક’ અને - ‘શિષ્ટ’માં ગતિ છે એવા જયાનંદ જોશી, બળવંત જાની, નિરંજન રાજ્યગુરુ, રાજેન્દ્ર રાયજાદા- અનેક નામ સ્મૃતિમાં જાગે છે. મને તો તેઓ પણ યાત્રા કરવા જેવા લાગ્યા છે. ચિત્ત-હૃદય સહજ ગતિ કરે તો તેમની યાત્રા કરવાની પણ ઇચ્છા છે. નહીં તો પુનઃ ‘લોક' ભણી... લોકની યાત્રા એક અવતા૨માં તો ક્યાં પૂરી થાય એવી છે?! (૧૯૧૪માં ગૂર્જર ગ્રંથરત્ને પ્રકાશિત કરેલી ‘મારી આનંદયાત્રા’માં આ મહાનુભાવોના આંતરસત્ત્વની યાત્રા કરી છે.) જીવનના આરંભે સર્જક બહાર આવવા પાંખો ફફડાવતો હતો પણ લોકસાહિત્યના સંશોધને ચિત્ત ૫૨ કબજો લઈ લીધો. સામૂહિક કંઠમાંથી અનરાધાર વરસતી લોકવાણીને ઝીલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. સંશોધનની અભિવ્યક્તિની ભાષાએ નોખું રૂપ લીધું અને મારામાંનો સર્જક ઊંડો ને ઊંડો ઢબુરાવા લાગ્યો. આજે જીવનના છઠ્ઠા દસકા પછી લોકયાત્રા નિમિત્તે એણે પુનઃ દેખા દીધી છે. સર્જનની આરંભની ઊર્જા તો ક્યાંથી હોય? પણ એણે જેવી યાત્રા કરી છે એ હવે તમારી સન્મુખ છે. ‘મારી લોકયાત્રા’ એવું શીર્ષક આપ્યું છે પણ જે કરે એની આ ચૈતસિક યાત્રા છે. ‘લોક’ સૌનો છે અને સૌમાં લોક છે. શિષ્ટજનોનાં મૂળિયાં પણ કોઈ ને કોઈ સ્થાને લોક સાથે- પરંપરા સાથે ચોંટેલાં હોય તો જ જીવનમાં અને સર્જનમાં ઊર્જા આવે. ભીલી રામાયણ – મહાભારતની યોજનાનો આરંભ એન.એ.વહોરા (નાયબ આદિજાતિ વિકાસ કમિશનર, ગાંધીનગર) નામના એક નેક મુસલમાન અધિકારીએ આદિવાસી પહાડી પ્રદેશના ઊંડાણના ગામ પંથાલમાં આવીને કરાવ્યો હતો. ત્યારે આખું ગામ આનંદની હેલીમાં નાચ્યું હતું. આ પછી તેમના સ્થાને આવેલા એક હિન્દુ જોશીસાહેબે આ આદિવાસી મૌખિક સાહિત્યની યોજનાને નકામી ગણી બંધ કરી હતી. આવા દુર્દિનોમાં મારા કુટુંબે ખેતર વેચીને પણ આ યોજના પૂરી કરવા પ્રેર્યો હતો. બાર વર્ષ સુધી પ્રગટ થવા પાંડવોની માફક સરકારી વનમાં ‘ભારથ'ની હસ્તપ્રત ભટકતી રહી. બાર વર્ષ પછી ઈ.આઈ. કલાશવા નામના એક સહૃદય ખ્રિસ્તી અધિકારી (પ્રાયોજના વહીવટદાર, સંકલિત આદિજાતિ યોજના, ખેડબ્રહ્મા) ‘ભારથ’ પ્રગટ કરવા સહભાગી થયા હતા ત્યારે તેરમા વર્ષે ગુપ્તવાસમાંથી બહાર આવેલા પાંડવો જેટલો જ આનંદ મને, મારા પરિવાર અને તત્કાલીન મારી શૈક્ષણિક સંસ્થા શેઠ કે.ટી. હાઈસ્કૂલને થયો હતો અને સંસ્થાએ ભીલ સાહિત્યના સંશોધન માટે મુક્ત મને મોકળાશ કરી આપી હતી. આ ભાવાત્મક એકતા દૃઢ બનાવવા છેલ્લાં ૧૫ વર્ષથી હું મારા ખેતરના પડોશી ગરીબ ઈસ્માઈલ મેમણને નજીકના કુટુંબીજનો અને ગ્રામજનોના વિરોધ વચ્ચે પણ મારાં ખેતરો વાવવા આપું છું અને વિવિધધર્મી મહામના સરકારી અધિકારીઓની સ્મૃતિ હૃદયમાં સાચવું છું. મારી લોકયાત્રાના ફ્ળરૂપ સંપાદિત મૌખિક સાહિત્યના આનંદની છાલકો હરિવલ્લભ ભાયાણી, શિરીષ પંચાલ, જશવંત શેખડીવાળા, રમણલાલ મહેતા, કનુભાઈ જાની, શાંતિભાઈ આચાર્ય, કાનજી પટેલ, લાભશંકર ઠકર, નિરંજન રાજ્યગુરુ, ૨ઘુવીર ચૌધરી, બળવંત જાની, જયાનંદ જોશી, હરીન્દ્ર દવે, મહેન્દ્ર ભાનાવત (રાજસ્થાન), જગદીશ ગોડબોલે (મહારાષ્ટ્ર), જે. ડી. સ્મિથ (કેમ્બ્રિજ યુનિવર્સિટી, યુ.કે.), ગ્રે ડી. એલ્લેસ (મૅરીલૅન્ડ કૉલેજ, અમેરિકા) વગેરે વિદ્વાનો અને સાહિત્યકારોને વાગી છે અને યોગ્ય સ્થાને એને લખી- વર્ણવીને આ આનંદ વહેંચ્યો છે. આ વિવેચનલેખોનું સંપાદન બળવંત જાનીએ કર્યું છે અને ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘વનસ્વર’ નામે પ્રસિદ્ધ કર્યું છે. હસુ યાજ્ઞિકે ‘ગ્રામીણ અને આદિવાસી કંઠપરંપરા’ (શ્રી મેઘાણી અને ડૉ. ભગવાનદાસ પટેલકૃત સંપાદન સંદર્ભે) પુસ્તક લખી ભીલ સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત એમણે ‘Study in The Trible Literature of Gujarat' Ed. by Bhagvandas Patel અંગ્રેજી પુસ્તક લખ્યું છે. પરિણામે ભીલ મૌખિક સાહિત્યનો સત્ત્વશીલ સ્વર ગુજરાત, દેશ અને દુનિયામાં બળવાન બન્યો છે. નાથાભાઈ ગમાર, નવજી ખાંટ, હ૨માં આઈ, જીવાભાઈ ગમાર, ગુજરાભાઈ ગમા૨, વજાભાઈ ગમાર ઇત્યાદિ મારે મન મૌખિક પરંપરાના મહાન વાહક-ગાયક-જ્ઞાતા છે. એમણે ગાયેલાં ‘ભારથ’, ‘રાઠોરવા૨તા’, ‘રૉમસીતમાની વારતા’, ‘ગુજરાંનો અરેલો' જેવાં મહાકાવ્યો અંગ્રેજીમાં અનુવાદ પામી ઍન્થૉલૉજી રૂપે ઑક્સફર્ડ યુનિવર્સિટી (યુ.કે.) સુધી પહોંચ્યાં છે. મોઈજ રસીવાલા ભીલ મૌખિક સાહિત્યની ફ્રેન્ચ ભાષામાં બનાવી રહ્યા છે. ડૉ. ગણેશ દેવીએ બનાવેલી ‘Painted Words' આદિવાસી સાહિત્યની ઍન્થૉલોજીમાંના ભીલ મહાકાવ્યોના અંશો વિશ્વની યુનિવર્સિટીઓમાં અભ્યાસનો વિષય બન્યા છે. ડૉ. મૃદુલા પારીકે કરેલો ‘ભીલોનું ભારથ’નો હિન્દી અનુવાદ કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીએ પ્રસિદ્ધ કર્યો છે. (હવે તો સાહિત્ય અકાદમી, દિલ્હી તેનો ૨૩ ભારતીય ભાષાઓમાં અનુવાદ કરાવી રહી છે.) અને ‘ભીલી બોલી’ને ભાષાનો દરજ્જો આપી ‘ભાષા સમ્માન'થી વિભૂષિત કરી છે. સત્ય ચૈતન્ય ‘ભીલોનું ભારથ'નું મલયાલમ ભાષામાં અનુવાદ કરી રહ્યા છે. (હવે તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, દિલ્હીએ ‘રૉમ-સીતમાની વારતા'નો હિંદી-અંગ્રેજી અનુવાદ કરાવ્યો છે.) દેશમાં એમ.ફિલ. અને પીએચ.ડી.માટે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ધ્યાન ભીલ મૌખિક સાહિત્ય પર ગયું છે. ડૉ. ગણેશ દેવી દ્વારા સ્થાપિત ગુજરાતને ગૌરવ અપાવતી રાષ્ટ્રની એકમાત્ર આદિવાસી અકાદમીના કર્મશીલ માનદ નિયામક તરીકેના મારા ૭ વર્ષના કાર્યકાળ દરમિયાન ૧૦૦૦ આદિવાસી કર્મશીલોના સહયોગથી ૮૦૦ ગામોનો આદિવાસી સમાજ સ્વશક્તિ સાથે પ્રગટી દેશને બળવાન બનાવવા આગળ આવી રહ્યો છે. મને લાગી રહ્યું છે કે આદિવાસી સંસ્કૃતિ-સમાજને આપેલા જીવનના ત્રણ દસકા મહદંશે સફ્ળ થયા છે. પ્રક૨ણ-૧૪-૧૫ લોકયાત્રા કરતાં એકઠી થયેલી મૌખિક લોકસંપદાને પ્રસિદ્ધ ક૨વાની મથામણ અને આ લોકસંપત્તિ અભ્યાસાર્થે દેશ-દુનિયામાં પ્રચાર-પ્રસાર પામે એ માટે થયેલા પ્રયત્નોનાં છે. આ તબક્કે હરેન્દ્ર ભટ્ટ, રાજેન્દ્ર ભગત અને રોહિત મિસ્ત્રીની સ્મૃતિ તાજી થાય છે. અંતિમ ૩ પ્રકરણો જેમની સાથે હું આરંભથી જોડાયેલો છું અને લોકયાત્રામાં સદા સહભાગી રહી છે એવી ત્રણ સંસ્થા ગુર્જરી આદિવાસી લોકપ્રતિષ્ઠાન, નયન સૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાન અને આદિવાસી અકાદમીના પ્રાદુર્ભાવની પૃષ્ઠભૂમિરૂપ છે. આ સંસ્થાઓના સહયોગથી મારા અંતિમ દસકાની લોકસાહિત્ય-સંશોધન અને સામાજિક કર્મશીલ તરીકેની પ્રવૃત્તિઓ પૂરા જોમ-જોશ સાથે પ્રગટી છે. આ સંસ્થાના અધ્યક્ષ સર્વશ્રી શિવશંકર જોશી અને તેમના ગુરુ વીરચંદ પંચાલ, સૂર્યકાન્ત પંડ્યા અને ગણેશ દેવીનાં સ્મરણો મને બળ આપે છે. સ્મૃતિ સંકોરું છું તો ઉત્તર ગુજરાતનો પૂરો આદિવાસી લોક અને મધ્ય ગુજરાતના અર્જુન રાઠવા, નારાયણ રાઠવા, સોનલ રાઠવા, નગીન રાઠ્યા, જગો નાયક, હુજી નાયક, વસંત રાઠવા જેવા હજા૨ કર્મશીલો હૃદયમાં ઊભરાય છે અને મુખ પર સુખ છલકાય છે. આ લોકયાત્રા ચૈતસિક ભૂમિકાએ સૌથી પહેલાં લોકવિદ્યાવિદ્ ડૉ. હસુ યાશિકે કરી છે અને ‘લોકયાત્રાનું અક્ષર-તીર્થ” નામે ભૂમિકા લખી છે. તેમના વિવેચન થકી દેશ-દુનિયામાં ભીલ સાહિત્યે વિશેષ ગજું કાઢ્યું છે. જ્યારે થાકું છું ત્યારે ગુરુ-સખાના સાંનિધ્યમાં બેસું છું અને નવી ઊર્જા પામી ઊભો થાઉં છું. એમનો આભાર ન માનું તો અપરાધી બનું! નયન સૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાનનું આદિવાસી મૌખિક સંપદાને પ્રસિદ્ધ ક૨વાનું કાર્ય પ્રમુખ સ્થાને છે. ગઈ સાલ (૨૦૦૫) બિરલા ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત દેશની એક પ્રતિષ્ઠિત ફેલોશિપ ‘તુલનાત્મક ભારતીય સાહિત્ય’ અંતર્ગત ‘આદિવાસી, જાનપદ અને શિષ્ટ મહાકાવ્યોમાં નારી' પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. હવે આ સંસ્થા ‘મારી લોકયાત્રા’ પ્રસિદ્ધ કરીને ગુજરાતી ભાવકોને ‘અક્ષર-તીર્થ’ની યાત્રા કરાવે છે. તેનું મહત્ત્વ બહુશ્રુત વિદ્વાન હસુ યાશિકે ભૂમિકામાં દર્શાવ્યું છે. મારા પુરોગામી શ્રી ઝવેરચંદ મેઘાણીએ છેક ૧૯૨૮માં ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ પ્રસિદ્ધ કરીને આ પ્રકારની લોકયાત્રાનો પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી એક પૂરી સદી આ પ્રકારની લોકયાત્રા અક્ષરયાત્રામાં બદલાયા વિના પસાર થવા આવી છે. હવે એમનો અનુગામી એક સદીના અંતિમ વર્ષોમાં અહીં આ પ્રકારની લોકયાત્રા કરાવવા પ્રયત્નશીલ બન્યો છે. (તા. ૮-૧૦-૨૦૦૬) મુંબઈ મુકામે નયન સૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાનના સહયોગથી શિષ્ટજનોના યજ્ઞના પાવન પ્રકાશમાં ‘મારી લોકયાત્રા”નાં પૃષ્ઠો જન્મ ધરીને ઊઘડી રહ્યાં છે. લોક અને શિષ્ટ, લોક અને શ્લોક એકાકાર બની ગયાં છે. એ પણ આદિવાસી લોકસાહિત્યના ઇતિહાસની એક વિરલ ઘટના ગણાયને?! આ તબક્કે નયન સૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાનના અધ્યક્ષ સર્વશ્રી સૂર્યકાન્ત પંડ્યા, અંજનાબહેન જોશી, મહેશકુમાર જોશી, ભરતકુમાર પંડ્યા, કિરીટકુમાર રાવલ, વીરેન્દ્રકુમાર રાવલ, વિનોદકુમાર ભટ્ટ, ડાહ્યાભાઈ પટેલ, રમણલાલ સુથાર વગેરે ટ્રસ્ટી-મંડળને સ્મરું છું. સુંદર આવરણ માટે આર. ચિતાર અને સુરેખ છપાઈ માટે ક્રિષ્ના પ્રિન્ટરીના માલિક હરજીભાઈ પટેલ અને કિરીટ પટેલને યાદ કરી વિરમું છું.
આનંદ એ વાતનો છે કે ટૂંક સમયમાં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પૂર્ણ થઈ અને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી અને કોરિયન એમ્બેસી, કોરિયા દ્વારા આ પુસ્તકને ‘ટાગોર લિટરેચર એવૉર્ડ' મળ્યો. આથી આ પુસ્તકનાં મૂળનાં પ્રકરણોની સંખ્યામાં ફેરફાર કરી, કેટલુંક જરૂરી હતું તે નવું ઉમેરીને બીજી સંવર્ધિત આવૃત્તિ કરવાનું જરૂરી બન્યું. એનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્નના શ્રી મનુભાઈ શાહે સ્વીકાર્યું એ માટે એમનો ઋણી છું. આ પુસ્તક પ્રગટ થતાંની સાથે જ પ્રો. ડૉ. વિનોદ જોશી, પ્રો. યશવંત શેખડીવાળા, ડૉ. ગણેશ દેવી, પ્રો. ડૉ. રમણ સોની, પ્રો. કાનજી પટેલ, ડૉ. સિલાસ પટેલિયા, દશરથ પટેલ, પ્રશાંત પટેલ, વીરચંદ પંચાલ વગેરેએ જ ઉષ્માભર્યો આવકાર આપ્યો, સમીક્ષાઓ લખી તે બદલ આભાર માનું છું. એમના આ લેખો ‘ભીલી સાહિત્યઃ એક અધ્યયન', સં. હસુ યાજ્ઞિકમાંથી મળી રહેશે. મારી યાત્રાના સદાના સાથી શ્રી સૂર્યકાન્ત પ્ર. પંડ્યા (નયન સૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાન, મુંબઈ) અને શ્રી શિવશંકરભાઈ જોશી (એસ.સી. જોશી, ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ)ને યાદ કરતાં આનંદ અનુભવું છું. લેસર કંપોઝ, લે-આઉટ, મુદ્રણ વગેરે માટે હરજીભાઈ પટેલ અને રોહિત કોઠારી તથા સુંદર આવરણ માટે આર. ચિતારનો આભાર માની વિરમું છું.
મારી લોકયાત્રાની પ્રથમ આવૃત્તિ ૨૦૦૬માં નયનસૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાને પ્રકાશિત કરી હતી અને તેનો લોકાર્પણવિધિ આ સંસ્થાના અધ્યક્ષ સૂર્યકાન્ત પંડ્યાએ, બ્રાહ્મણ સમાજે મુંબઈ મુકામે લોકકલ્યાણ માટે યોજેલ યજ્ઞના પાવન પ્રકાશમાં તા. ૮-૧૦-૨૦૦૬માં કર્યો હતો. અત્યારે સૂર્યકાન્તભાઈ કૈલાસવાસી થયા છે. આ પુસ્તકનો આવકાર ‘લોકયાત્રાનું અક્ષર-તીર્થ’ બહુશ્રુત-વિદ્વાન અને મારા પરમ સખા હસુભાઈ યાજ્ઞિકે લખ્યો છે. એ પણ અત્યારે સ્વર્ગવાસી થયા છે. આ બંને પરમ આત્માઓને આ ત્રીજી આવૃત્તિના પ્રગટીકરણ પ્રસંગે સમરું છું. કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી અને કોરિયન એમ્બેસી કોરિયાના સંયુક્ત ઉપક્રમે અપાતા ‘ટાગોર લિટરેચર ઍવૉર્ડ’થી વિભૂષિત ‘મારી લોકયાત્રા’ બહુજન સમાજે વાંચીને મુક્ત મને માણી છે. મારા પુરોગામી, સમકાલીન અને અનુગામી ૩૧ ભાવક-વિદ્વાનોએ અભ્યાસ-અવલોકન લેખો લખીને આ કૃતિને પોંખી છે. એમને અત્યારે યાદ કરું છું. આ ૩૧ લેખોનું સંપાદન લઘુકથાના ખ્યાત સર્જક અને લોકવિદ્યાવિદ્ પ્રેમજી પટેલે ‘મારી લોકયાત્રા: વિમર્શ’ના નામે ૨૦૧૬માં કર્યું. એનું પ્રકાશન વંદનીય ડૉ. સ્વામી ગૌરાંગશરણદેવાચાર્યે (અરાવલી પ્રકાશન) કર્યું છે. આ બંને મહાનુભાવોને ઘણા હેતથી સ્મરું છું. પ્રેમજીભાઈના આ સંપાદનમાંથી પ્રા. જશવંત શેખડીવાળા, શ્રી રમણ સોનીના બે અભ્યાસ લેખ અને શ્રી રઘુવીર ચૌધરીનો અવલોકન લેખ અહીં પરિશિષ્ટ- ૪માં પુનઃ મૂક્યા છે. એમનો અહીં આભાર માનું છું. ડૉ. હસુભાઈ યાજ્ઞિક દ્વારા લિખિત અને મારી આનંદયાત્રા'માં છપાયેલ મારા જીવન અને કાર્યનો ટૂંકો આલેખ પરિશિષ્ટ-૫માં મૂક્યો છે. આ પુસ્તકને બહુજનસમાજ સુધી પહોંચાડી- પ્રસરાવવાના ખરા યશના અધિકારી તો ગૂર્જર ગ્રંથરત્નના શ્રી મનુભાઈ શાહ, અમર શાહ અને એમના સહયોગીઓ છે. એમણે ૨૦૧૦માં બીજી આવૃત્તિ અને ૨૦૨૧માં આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી છે. હું એમનો આભાર માનતાં આનંદ અનુભવું છું. અંતે મુદ્રક, ભગવતી ઑફસેટને યાદ કરી વિરમું છું.
– ભગવાનદાસ પટેલ
૩૦૪, મિથિલા એપાર્ટમેન્ટ, સવિતા એન્ક્લેવની સામે,
જજિઝ બંગલા ચાર રસ્તા, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૧૫
મોબા.: ૦૯૪૨૮૧૦૯૫૭૯