રચનાવલી/૧૯૬: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯૬. ઉલ્લાસભર્યું વિજ્ઞાન (નિત્શે) |}} {{Poem2Open}} આપણે ‘સત્યમેવ જયતે’ રટતા આવ્યા છીએ, પણ ક્યારેય પૂછતા નથી કે ‘સત્ય શું છે?’ અને એનાથી વધારે આગળ વધી એવું પણ પૂછતા નથી કે ‘સત્ય કોનુ...") |
(No difference)
|
Revision as of 09:11, 9 May 2023
આપણે ‘સત્યમેવ જયતે’ રટતા આવ્યા છીએ, પણ ક્યારેય પૂછતા નથી કે ‘સત્ય શું છે?’ અને એનાથી વધારે આગળ વધી એવું પણ પૂછતા નથી કે ‘સત્ય કોનું છે?’ આવા બે જબરદસ્ત પ્રશ્નો ઉઠાવી બધાં જ મૂલ્યોની ફેરવિચારણા દ્વારા પશ્ચિમના જગતને તળેઉપર કરી નાખનાર ઓગણીસમી સદીના મોટા ફિલસૂફ નિત્શેનું આ મૃત્યુ શતાબ્દીનું વર્ષ છે. ૨૫ ઑગસ્ટ ૧૯૦૦ને દિને અવસાન પામનાર આ ફિલસૂફનું ક્યારેય નહોતું એટલું આજે મહત્ત્વ છે. ઓગણીસમી સદીને અંતે જે પ્રશ્નો આ ફિલસૂફે ઉઠાવેલા એ જ પ્રશ્નો વીસમી સદીના અંતે દોહરાઈને ઊભા છે. આજના સાયબરયુગમાં મૂલ્યો જેવું કાંઈ રહ્યું નથી. ખરાખોટાના ખ્યાલ અંગેનો ભેદ લગભગ ભૂંસાઈ ગયો છે. ટેકનોલોજીએ જબરો ધસારો કર્યો છે. માહિતીએ કાળો કેર વર્તાવ્યો છે. માણસોએ લગભગ ધૂણવા માંડ્યું છે. આ છેડેથી પેલે છે. એમણે દોડાદોડ માંડી છે. આ દોડાદોડ મૂલ્યો વગરની હોડ છે. નિત્શેને એના સમયનું જગત મૂલ્યો વગરનું, અર્થ વગરનું અને તેથી અસહ્ય લાગેલું. એને લાગેલું કે વિજ્ઞાન અને તર્કવાદ-બુદ્ધિવાદે ઈશ્વરને મારી નાંખ્યો છે. માણસોના હૃદયમાં ઈશ્વર મરી પરવાર્યો છે; અને ઇશ્વર વગરનું જગત અર્થહીન છે. નિત્શેએ એના ‘ઉલ્લાસભર્યું વિજ્ઞાન’ (ધ ગે સાયન્સ) નામના પુસ્તકમાં બહુ જાણીતી એક દૃષ્ટાંત કથા આપી છે. આ દૃષ્ટાંતકથામાં એક પાગલ સવારના પહોરમાં ફાનસ સળગાવીને બજાર વચ્ચે જાય છે એની વાત છે. નિત્શે કહે છે : ‘તમે સાંભળ્યું નથી કે એક પાગલ માણસ ઝળહળતી સવારે ફાનસ સળગાવીને બજાર ભણી દોડ્યો હતો? એ દોડતાં દોડતાં એકસરખી બૂમો મારતો હતો : હું ઈશ્વરને શોધું છું, હું ઈશ્વરને શોધું છું. ઈશ્વ૨માં ન માનનારાઓમાંથી કેટલાક ત્યાં આવીને ટોળે વળીને ઊભા હતા. એ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. એકે કહ્યું ‘આનો અર્થ એ નથી કે તે એને ખોઈ દીધો છે?’ તો બીજો કહે ‘બાળકની જેમ એ રસ્તો ભૂલી ગયો છે કે શું?’ કે પછી સંતાઈ ગયો છે? આપણાથી બી તો નથી ગયો ને? ક્યાંક બીજે તો નથી ચાલ્યો ગયો ને?’ ~ ને એમ એ ટોળું બુમરાણ મચાવતું રહ્યું અને હસતું રહ્યું. પેલો પાગલ માણસ ટોળું ચીરીને એની વચ્ચે જઈને ઊભો અને એણે વેધક નજર નાંખી. એ બરાડ્યો : ‘ઇશ્વર ક્યાં ગયો છે એ હું તમને કહું. આપણે ઈશ્વરને મારી નાખ્યો છે. મેં અને સૌએ મળીને ઈશ્વરને મારી નાખ્યો છે. પણ આ આપણે કર્યું શી રીતે? આપણે આખો ને આખો સમુદ્ર પી શી રીતે ગયા? આખું ને આખું આકાશ કઈ રીતે વાદળીથી લૂછી નાખ્યું? સૂર્યથી પૃથ્વીને અલગ કરીને આપણે કર્યું શું? હવે એ ક્યાં જઈ રહી છે? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? બધા સૂર્યથી દૂર? આપણે એકધારા પડી નથી રહ્યા? આગળ, પાછળ, બાજુમાં બધી દિશાઓમાં? હવે કશું ઉપર જેવું કે પછી કશું ડાબા-જમણા જેવું છે ખરું? આપણે અનંત શૂન્યતામાં ભટકી નથી રહ્યા? આપણને સાવ ખાલી અવકાશનો શ્વાસ અનુભવાતો નથી? આ અવકાશ વધુ ઠંડોગાર નથી બન્યો? રાત હવે વધુ ને વધુ વીંટળાતી રહેતી નથી? સવારમાં ફાનસ સળગાવવાં ન જોઈએ? ઈશ્વરને દફનાવતા ઘોરખોદિયાઓનો અવાજ આપણને સંભળાતો નથી? ઈશ્વર સડી રહ્યો છે એની ગંધ આપણને આવતી નથી? ઈશ્વર સુધ્ધાં સડી રહ્યો છે, ઈશ્વર મરી ગયો છે ઈશ્વર મરેલો પડ્યો છે અને એને આપણે જ મારી નાંખ્યો છે. હત્યારાના પણ હત્યારા એવા આપણે આપણને કઈ રીતે સાંત્વન આપીશું? જગતનું આજ સુધીનું જે મહાનતમ અને શુદ્ધતમ હતું એને આપણે જ આપણા છરાઓથી લોહીલુહાણ કરી નાંખ્યું છે? આપણા પરથી આ લોહીના ડાધ કોણ લૂછશે? કયા પાણીએ આપણે ચોખ્ખા થઈશું? કઈ નવી અંત્યેષ્ટિ ક્રિયાઓ હવે શોધી કાઢીશું? આ પછી પેલો પાગલ ચૂપ થઈ ગયો. એની આસપાસના સાંભળનારાઓ પણ ચૂપ થઈ ગયા. એની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા. પેલા પાગલે એનું ફાનસ જમીન પર ફેંક્યું. ફાનસ તૂટયું, અને બુઝાઈ ગયું. પછી પાગલે કહ્યું ‘હું ખૂબ વહેલો આવ્યો છું. મારો સમય હજી આવ્યો નથી. આ ભયંકર ઘટના હજી ઘટવાની છે. હજી એ આવી રહી છે. હજી એ મનુષ્યોને કાને પડી નથી, વીજળી અને ગર્જના પહોંચતા કાયમ સમય લે છે. તારાઓનું તેજ પણ પહોંચતા સમય લે છે. કાર્યો થઈ ગયાં પછી એ સંભળાય કે દેખાય એ માટે સમય લે છે. આ કાર્યનું અંતર હજી ખૂબ દૂરના તારાઓથી પણ દૂરનું છે.’ આ પછી કહેવાય છે કે પાગલ જુદાં જુદાં ચર્ચોમાં ગયો અને એણે મરસિયાં ગાયાં. લોકોએ એને શાંત પાડી જ્યારે જ્યારે બહાર કાઢ્યો ત્યારે એ બોલેલો : ‘આ બધાં ચર્ચો ઈશ્વરની કબરો નથી તો બીજું છે શું?' આ દષ્ટાંતકથામાં પાગલ એ બીજું કોઈ નથી પણ જાણે કે નિત્શે પોતે છે. અને બજારના લોકો એ એના સમકાલીનો છે. નિત્શેની સમગ્ર ફિલસૂફીનો પાયો આ દૃષ્ટાંતકથામાં પડેલો છે. નિત્શે હંમેશાં એની આસપાસના જગત પર વિચારતો રહ્યો, જગત જે દેખાય છે એની પાછળ જઈ એ ખરેખર કેવું છે એ એને શોધતો રહ્યો અને નૈતિક મૂલ્યોનું નવેસરથી મૂલ્યાંકન કરતો રહ્યો. અને નૈતિક મૂલ્યોનું નવેસરથી મૂલ્યાંકન કરતો રહ્યો. નિત્શે તો માનતો કે ફિલસૂફનું કામ જ ‘નવાં મૂલ્યો’ને ઊભા કરવાનું છે. નિત્શે માનવજાતિ માટે ઉપાય શોધી ન શક્યો. પણ માનવજાતિના રોગને તો એ બરાબર પારખી શક્યો છે. નિત્શેએ મહામાનવ (સુપરમેન)ની કલ્પના કરી કહ્યું કે જેમ મનુષ્યો વાનરને જોઈને હસે છે તેમ મહામાનવ માનવને જઈને ભવિષ્યમાં હસતો હશે. ઈ.સ. ૧૮૪૪માં પ્રેસિયાના રોકેનમાં જન્મેલા નિત્યેની માન્યતા હતી કે નાચતા તારાને અવતારવો હોય તો વ્યક્તિમાં બધું અસ્તવ્યસ્ત જોઈએ. નિત્શેના જીવનનાં છેલ્લાં વર્ષો લગભગ અંદરની અસ્તવ્યસ્તમાં પસાર થયાં હતાં. નિત્શેને એ જમાનાના માણસો ભાગ્યે જ સમજી શક્યા હતા. કેટલાકે એમ કહેલું કે અમે જ્યારે અને સાંભળીએ છીએ ત્યારે આગ પાસે ઊભા હોઈએ તેવો અનુભવ થાય છે. કેટલાક એને દુષ્ટ કહેવાની હદે પણ ગયા છે. એવું કહેવાય છે કે નિત્શે જેના પ્રેમમાં પડેલો એ લૂ સૅલોમ પણ હઠાગ્રહી ફિલસૂફને ચાહતી હોવા છતાં એના જેવા દૃઢાગ્રહી મનુષ્યથી ગભરાઈને ભાગી છૂટેલી. નિત્શે રસપ્રદ રીતે આ અંગે કહે છે : ‘કાંઈ નહીં, ન તો મેં જગત ઘડ્યું છે, ન તો લૂ સેલૉમને ઘડી છે. જો મેં ઘડ્યાં હોત તો બંને લગભગ પરિપૂર્ણતાની નજીક હોત.' જે હો તે, નિત્શેનો ખરેખર ઉદય તો એના અવસાન બાદ થયો છે. એક શતાબ્દી બાદ નિત્શે આધુનિક નહીં પણ આજના અનુઆધુનિક યુગમાં પણ સૌથી વધુ ખપનો ફિલસૂફ પુરવાર થયો છે.