રચનાવલી/૨૦૨: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦૨. હાફીઝની ગઝલો |}} {{Poem2Open}} બેગમ અખ઼રથી માંડીને જગજિતસિંઘ સુધીના ગાયકોથી ગઝલ આજે ઘેર ઘેર ગુંજતી થઈ ગઈ છે. મુશાયરાઓએ અને મહેફિલોએ પણ ગઝલને લોકપ્રિય કરી છે. ગુજરાતી સાહિત્યમા...") |
(No difference)
|
Revision as of 09:17, 9 May 2023
બેગમ અખ઼રથી માંડીને જગજિતસિંઘ સુધીના ગાયકોથી ગઝલ આજે ઘેર ઘેર ગુંજતી થઈ ગઈ છે. મુશાયરાઓએ અને મહેફિલોએ પણ ગઝલને લોકપ્રિય કરી છે. ગુજરાતી સાહિત્યમાં બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા અને ક્લાપીથી શરૂ થયેલી ગઝલે આજે ઠેર ઠેર સામયિકોમાં ધૂમ મચાવી છે. આજે તો કવિ એટલે જાણે ગઝલકાર એવો અર્થ લઈને ચાલવાનો વારો આવ્યો છે. જુદી જુદી કડીઓ (શેરો)માં બદલાતા પ્રાસ (કાફિયા) અને ટેક (રદીફ)થી જુદા જુદા ભાવોને રજૂ કરતી ગઝલ ઝટ ગળે ઊતરી જાય એવું સરલ કાઠું મોટેભાગે ધરાવે છે. અને સાંભળતાવેંત સાંભળનારને ખુશ કરી જાય એવી કરામતો એમાં રહેલી હોય છે. ભારતમાં ગઝલ આવી ફારસી સાહિત્યના પરિચયને કારણે અંગ્રેજોએ સ્થાપેલી યુનિવર્સિટીઓમાં સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી શીખવવાની શરૂઆત થતાં ગઝલમાં લોકોની દિલચશ્પી વધતી ગઈ. ફારસી સાહિત્ય એ ગઝલનું પિયર છે. એમાં ય ફારસી સાહિત્યના સુવર્ણકાળની જાહોજલાલી અને પૂર્વના સાહિત્યની પ્રશિષ્ટતાની ઝલક જો કોઈએ સૌથી વધુ દેખાડી હોય તો તે કવિ હાફિઝે. હાફિઝ તો ફારસી કવિનું ઉપનામ છે. ૧૩૯૦માં શિરાઝમાં જન્મેલા હાફિઝનું મૂળ નામ તો શમસુદીન મોહમ્મદ છે. કુરાનને કંઠસ્થ રાખનારા ‘હાફિઝ’ કહેવાય છે. એટલે કે જે યાદ રાખે તે હાફિઝ, હાફિઝ ઉપનામ એક રીતે સાર્થક છે કારણ કે હાફિઝના આશ્રયદાતા હાજી કિવામુદ્દીને સ્થાપેલી મદ્રેસામાં હાફિઝ દરવિશ હતો. અને કુરાન શીખવતો હતો. વળી હાફિઝે બહુ વહેલેરો ફિલસૂફી, કવિતા અને અધ્યાત્મવિદ્યાનો ગંભીર અભ્યાસ આદરી દીધો હતો. ઈશ્ક, ફૂલ, સુરા અને બુલબુલને વારંવાર પોતાની રચનાઓમાં ગાતા હાફિઝે અનેક સાહિત્ય પ્રકારોમાં કામ કરેલું પણ હાફિઝની ગઝલોનો સંગ્રહ ‘દિવાન’ દુનિયાભરમાં જાણીતો છે. એના પોતાના મુલ્કમાં પણ એની નામના છે. એનો ‘દિવાન’ સૌથી વધુ લોકપ્રિય છે. ફારસીઓ તો ઘણીવાર એના ‘દિવાન’ને ખોલીને અકસ્માતથી પાનું હાથ આવતાં એના કોઈ શેર પર આંગળી મૂકી એમાંથી પોતાનું ભવિષ્ય શોધે છે. પોતાના જવાબો ખોળે છે. આવો જ જવાબ હાફિઝના મૃત્યુ વખતે એના ‘દિવાન'માંથી શોધવો પડેલો. એની કેટલીક ગઝલો વાંધાજનક લાગતાં હાફિઝની દફનવિધિ રોકી દેવામાં આવી હતી. આ ઝઘડાનો નિકાલ લાવવા માટે એની કેટલીક ગઝલો કાપલીઓ પર લખવામાં આવેલી અને પછી એક કુંજામાં મૂકીને કોઈ બાળક પાસે કાપલી ઉઠાવવામાં આવેલી. દંતકથા પ્રમાણે એવું કહેવાય છે કે અકસ્માતે બાળકે ઉપાડેલી કાપલીમાં એવું આવ્યું કે હાફિઝનો યોગ્ય રીતે દફનવિધિ કરવો કે જેથી એને સ્વર્ગ મળે. અલબત્ત સદીઓથી ઝઘડો ચાલી આવે છે કે હાફિઝની ગઝલોનો સીધેસીધો અર્થ કરવો જોઈએ કે પછી એ ગઝલોને જુદી રીતે વાંચવી જોઈએ. હાફિઝને એક ફારસી ફિલસૂફ કે કુરાનના અભ્યાસી તરીકે જ જુએ છે એ એક પક્ષ લે છે; જ્યારે એને એક હુંફાળા માણસ તરીકે જુએ છે એ બીજો પક્ષ લે છે. બહારથી સુખવાદી લાગતી એની ગઝલોની પાછળ ઊંડો રહસ્યવાદ છે, એમાં કોઈ શંકા નથી. માનો કે એ રહસ્યવાદનો તમે સ્વીકાર નથી કરતા, તો પણ એની ગઝલોમાં ભાવોની જે અભિવ્યક્તિ છે એ એટલી જીવંત છે, હુંફાળી છે કે કવિની ગંભીર નિસ્બતથી આપણે મોં ફેરવી લઈ શકતા નથી. હાફિઝની એક ગઝલ અંગે રસપ્રદ કિસ્સો છે. એક ગઝલમાં હાફિઝે માશુકાના ગાલ પરના તલ પર સમરકંદ બુખારા ઓવારી દેવાની વાત કરી છે. આ ગઝલ અંગે વિજેતા શાસક તૈમુરલંગને ખબર પડે છે અને એ વાંચે છે વાંચતા વેંત એ હાફિઝને હાજર થવા ફરમાન કાઢે છે. હાફિઝ આવતા હાફિઝને ઠપકારીને તૈમુર લંગ કહે છે કે જે તારી સત્તામાં નથી એને તું બીજા ૫૨ કઈ રીતે ઓવારી દઈ શકે. કહેવાય છે કે હાફિઝે સહેજ પણ ખચકાયા વગર જવાબ આપેલો કે આવી ઉદારતાને કારણે જ તો એ વિજેતાના ધ્યાન પર આવ્યો છે. આ ‘દિવાન’માં સમરકંદ બુખારા ઉપરાંત વારંવાર હાફિઝના જન્મસ્થળ શિરાજનો પણ ઉલ્લેખ આવે છે. હાફિઝની ફારસી ગઝલનું સૌંદર્ય અન્ય ભાષામાં ઉતારવું કે અનુવાદમાં મૂકવું સહેલું નથી. એક ગઝલમાં હાફિઝ કહે છે કે સવારના પહોરમાં પૂર્વનો પવન મારી માશુકાના ઝુલ્ફમાંથી સુગંધ વહી લાવે છે અને મારું મૂર્ખ હૃદય તરત જ નવી વેદનામાં ઢળી જાય છે. તો બીજી ગઝલમાં એ કહે છે : ‘હું વિચારું છું કે મારા દિલના બગીચામાંથી એ ફૂલ મૂળમાંથી ઉખેડી નાખ્યું છે. કારણ કે દરેક દિલની યાતનામાં ઊગતા એ ફૂલને વેદનાનાં ફળ બેસે છે.’ હાફિઝ ગઝલોમાં એની માશુકાનું વર્ણન કરે છે, સ્ત્રી અને પુરુષના ઇશ્કને ગાય છે, અને સુરાનો પણ મહિમા કરે છે. આ બધામાં સ્થૂળ વસ્તુઓની પાછળ ઊંડો અધ્યાત્મિક અર્થ પડેલો છે કે કેમ એ અંગે સતત વિવાદ ચાલ્યા કરે છે તેમ છતાં હાફિઝની ગઝલોનું આકર્ષણ એનું પોતાનું છે. સ્વાભાવિક સુખવાદ, માનવભાવોથી ધબકતાં પ્રતીકો અને બધે જ એક પ્રકારની મધુરતાનો સ્વાદ — આ બધું ઉપરાંત હાફિઝની ગઝલોમાં એક પ્રકારનું ઊંડાણ અને ગંભીરતા છે. આજ સુધી આ જ કારણે હાફિઝનો ‘દિવાન’ જગમશહુર છે.