રચનાવલી/૨૧૯: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧૯. બાઇબલ |}} {{Poem2Open}} મનુષ્યને આદિકાળથી એક કુતૂહલ રહ્યું છે. આ સમગ્ર સૃષ્ટિનો ઉદ્ગમ કઈ રીતે થયો હશે, એની રચના કઈ રીતે અને કોણે કરી હશે, એનાં ચક્રો આટલાં નિયમિત કઈ રીતે ચાલ્યા ક...") |
(No difference)
|
Revision as of 09:48, 9 May 2023
મનુષ્યને આદિકાળથી એક કુતૂહલ રહ્યું છે. આ સમગ્ર સૃષ્ટિનો ઉદ્ગમ કઈ રીતે થયો હશે, એની રચના કઈ રીતે અને કોણે કરી હશે, એનાં ચક્રો આટલાં નિયમિત કઈ રીતે ચાલ્યા કરતાં હશે, જીવસૃષ્ટિ કઈ રીતે અસ્તિત્વમાં આવી હશે, પહેલો માનવ કોણ હશે – આવાં આવાં રહસ્યો મનુષ્ય માટે લગભગ અણઉકલ્યા રહ્યાં છે. બ્રહ્માંડમીમાંસા કે વિશ્વમીમાંસામાં ઈ.સ.ની બીજી સદીમાં થઈ ગયેલા ગ્રીક ગણિતશાસ્ત્રી અને ખગોળવિદ ટોલમીની ધારણા પ્રમાણે પહેલાં તો તો પૃથ્વી જ વિશ્વનું કેન્દ્ર હતી અને ગ્રહનક્ષત્રો પૃથ્વીની આસપાસ ઘૂમતાં હતાં પણ પોલિશ કોપરનિક્સે ૧૬મી સદીમાં ખગોળવિદ્યામાં હલચલ મચાવી અને એણે એ ભ્રમને ભાંગી નાંખ્યો. જણાવ્યું કે પૃથ્વી તેમજ અન્ય ગ્રહો, નક્ષત્રો સૂર્યની ફરતે ફરે છે. આ પછી તો આજે વિશ્વમીમાંસાએ આપણી સૂર્યમાળા જેવી અસંખ્ય સૂર્યમાળા આ બ્રહ્માંડમાં છે એવો નિર્દેશ આપ્યો છે અને સ્વીકાર્યું છે કે બ્રહ્માંડમાં વિસ્તાર અને સંકોચનના વારાફેરા આવ્યા કરે છે. બધું બ્રહ્માંડના વિસ્તારના વારામાં વિકસ્યું છે. બીજી બાજુ ડાર્વિને બતાવ્યું કે પૃથ્વી પર જીવસૃષ્ટિ રાતોરાત કે નોવાના વહાણમાંથી નથી ઊતરી આવી પણ જગતની ઉત્ક્રાંતિમાં આપણી પૂર્વજ પેઢીઓએ અસ્તિત્વને ટકાવવાની કટોકટીમાં કેટલાક વિકલ્પોમાંથી કુદરતી ફેરફારની પસંદગી કરી છે. વિશ્વમીમાંસાનું સત્ય છે કે ઉત્ક્રાંતિવાદનું સત્ય - આવાં સત્યો વિજ્ઞાનનાં સત્યો છે. પણ પ્રાચીન કાળમાં આવો વૈજ્ઞાનિક વિકાસ હજી થયો નહોતો ત્યારે શ્રદ્ધાના બળથી સાક્ષીભાવે માણસે જે સૃષ્ટિ માટેની ધારણાઓ ઉપસાવી છે એ હજી રોમાંચક છે. એમાં માત્ર કલ્પનાનું નહીં પણ વિજ્ઞાનનું વિકસ્યા વગરનું સત્ય છુપાયેલું પડ્યું છે. હિન્દુ સંસ્કૃતિમાં ‘એકોડમ બહુસ્યામ્’ જેવા સૂત્રમાં બ્રહ્માંડ વિસ્તારનો નિયમ અને અવતારોમાં ઉત્ક્રાંતિવાદનો નિયમ પડેલો છે, તો બાઈબલમાં પણ સૃષ્ટિનો ઉદ્ગમ અને સૃષ્ટિની ઉત્ક્રાંતિનો નિયમ છુપાયેલો છે. પ્રાચીનકાળમાં મનુષ્ય વેદોમાં કે બાઈબલમાં સૃષ્ટિ અંગેની ધારણાઓ કરી છે એમાં એના વિકસતા માનસનું, એની પ્રારંભિક મુગ્ધ ચેતનાનું અને પ્રકૃતિ સાથેના એના સંવાદનું કાવ્યપ્રતિબિંબ પડેલું છે. બાઈબલ છે તો ખ્રિસ્તીઓનું ધર્મશાસ્ત્ર. એના જૂના કરાર અને નવા કરાર એવા બે ભાગ છે. હિબ્રૂમાં લખાયેલા જૂના કરારમાં અને મુખ્યત્વે ગ્રીકમાં લખાયેલા નવા કરારમાં યહુદી પ્રજાનો ઇતિહાસ છે, એમાં એમની સંસ્કૃતિનો આલેખ છે. એમાં ધર્મવિચાર છે અને માનવજીવન માટેનો શુભસંદેશ પણ છે. આ બધું છતાં બાઈબલમાં કવિતા છે. જીવતું અને રમતું આદિમ ગદ્ય છે. બાઈબલ તો સાહિત્યનું સાહિત્ય છે પશ્ચિમના સાહિત્યમાંથી, પશ્ચિમનાં શિલ્પ અને સ્થાપત્યમાંથી, એની ચિત્રકલામાંથી જો બાઈબલને ખસેડી લ્યો તો પશ્ચિમના કલા અને સાહિત્યનો પોણો ભાગ આઘારબિન્દુ ખસી જતા જમીનદોસ્ત થઈને ઊભો રહે. વિશ્વ સાહિત્ય પર બાઈબલનું ઘણું મોટું ઋણ છે. તેથી તો વિશ્વની જુદી જુદી ભાષાઓમાં બાઈબલના જેટલા અનુવાદ થયા છે એટલા કોઈ પણ પુસ્તકના થયા નથી. ગુજરાતીમાં પણ ગુજરાતી ગદ્ય હજી વિકસવાનું શરૂ કરતું હતું ત્યારે બાઈબલનો અનુવાદ થઈ ચૂક્યો હતો. ગુજરાતી ભાષામાં બાઈબલ’નો ઉત્તમ અનુવાદ છેવટે આપણને નગીનદાસ પારેખ અને ઈસુદાસ કવેલી પાસેથી મળ્યો છે. સાહિત્યના સાહિત્ય તરીકે બાઈબલના જૂના કરારનો વિશ્વની ઉત્પત્તિ અંગેનો પહેલો અધ્યાય જ મંત્રમુગ્ધ કરી દેનારો છે એમાં ઘાટછૂટ વગરની આકારહીન અરાજકતાને ઈશ્વર કઈ રીતે સ્વરૂપ આપે છે, કઈ રીતે પ્રકાશ અને અંધકાર, પૃથ્વી અને સ્વર્ગ, ભૂમિ અને સમુદ્ર, વનસ્પતિ અને વૃક્ષો, સૂર્ય અને ચન્દ્ર, જલચરો અને પંખીઓ, સરિસૃપો અને પ્રાણીઓના દ્વિમુખી વિભાગોને અંતે ઈશ્વર કઈ રીતે પુરુષ અને સ્ત્રીને રચે છે એનું દિવસવાર ટૂંકા ટૂંકા લયપૂર્ણ ગદ્ય વિસ્તારોમાં આબેહૂબ વર્ણન થયું છે. અધ્યાયનો ઉઘાડ આ રીતે થયો છે : ‘શરૂમાં ઈશ્વરે સ્વર્ગ અને પૃથ્વી સર્જ્યા’ આ પછી અધ્યાયમાં ‘અને’ ‘અને’થી ઊઘડતા નાના નાના પરિચ્છેદો લયભરી ચાલ તો બતાવે છે, સાથે સાથે આપણી આંખ સામે જાણે કે ઈશ્વરની એક પછી એક લીલાને રજૂ કરે છે. પૃથ્વી ઘાટછૂટ વગરની હતી. ચારે બાજુ શૂન્ય હતું, અંધારું ઊંડે સુધી છવાયેલું હતું અને ઈશ્વરનો આત્મા ચારેબાજુ જલ પર ઘૂમી રહ્યો હતો. આ પછી ઈશ્વર આદેશ કરે છે : ‘પ્રકાશ પ્રગટો અને પ્રકાશ પ્રગટ્યો’ આદેશ અને એના અમલરૂપે તરત થતું કાર્ય છેવટ સુધી નાટ્યાત્મક કુતૂહલ અને ચમત્કારને ટકાવી રાખે છે. નાનાં નાનાં વાક્યો અને નાના નાના પરિચ્છેદો કેવો મોટો પ્રભાવ પાડી શકે, બહારથી જરીક અમથી દેખાતી વાક્યોની ટોચ નીચે કેટલો ઊંડો વિચારનો વિસ્તાર હોઈ શકે, ટૂંકા ટૂંકા લયના વિવિધ વળાંકો કઈ રીતે આપણને જકડી લઈ શકે એનો અનુભવ કરવો હોય તો ‘બાઈબલ’નું સાહિત્ય વાંચવું પડે.