ગંધમંજૂષા/કેફિયત: Difference between revisions
(+created chapter) |
No edit summary |
||
Line 23: | Line 23: | ||
આમ કવિતા એ મહત્ – ઇમ્પોર્ટન્ટ અને તુચ્છ – અનઇમ્પોર્ટન્ટની વ્યાખ્યા બદલી નાખે છે. કવિતા દ્વારા કશું જ થતું નથી એ નિરાશાજનક સૂરની સાથે અને સામે કવિતા દ્વારા કશુંક તો થાય છે તેવો સૂર પણ છે જ. આપણામાં રહેલા માણસને ક્યાંક તો કવિતા સ્પર્શે છે તેનો અનુભવ કહું. દસેક વરસ પહેલાં સિમલામાં સમી સાંજના સમયે માઇકલ એંજેલોના ડેવિડની પ્રતિકૃતિ જેવો ઇટાલિયન હોર્ટીકલ્ચરિસ્ટ મળી ગયેલો. કારની ચાવી ખોવાઈ ગઈ હોવાથી બજાર વચ્ચે જ વ્યગ્ર - ત્રસ્ત હતો. આવા ટેન્શન વખતે તેની સાથે આડી-અવળી વાતો વચ્ચે ઇટાલિયન ચિત્રકારો, કવિઓની વાતો છેડતાં છેડતાં હું ઉંગારેત્તીની પંક્તિ બોલ્યો ‘મિલ્યુમિનો ડિમેન્સો' અને એ ઇટાલિયન બધી ચિંતા ખંખેરી, ઓગળી- પીગળી ઊઘડી ગયેલો. અને બીજો એક પ્રસંગ : વીસેક વરસ પહેલાં દાર્જિલિંગ જતા જલપાઈગુરીથી તોફાની તોખાર જેવા, નકસલવાદી ગુંડા જેવા છોકરાઓ દાદાગીરી કરી ટ્રેનમાં ચડી ગયેલા. એ પહાડી સર્પિલ રસ્તા પર અચાનક વાદળો ચડી આવ્યાં અને એ જ છોકરાઓએ સમવેત સ્વરોમાં રવીન્દ્રનાથનાં વર્ષાગીતો ગાયેલાં તે યાદ આવી ગયું. જોકે સાથે સાથે એ પણ ખ્યાલ આવે છે કે રાત્રે રિલ્કેની કવિતા વાંચીને સૂઈ જતા નાઝીઓ સવારે બીથોવન મોત્ઝાર્તની સૂરાવલિઓ વચ્ચે ઓશવીચમાં હજારો યહૂદીઓને ગૂંગળાવી શકે છે. એલિયટે ‘હોલોમેન’માં | આમ કવિતા એ મહત્ – ઇમ્પોર્ટન્ટ અને તુચ્છ – અનઇમ્પોર્ટન્ટની વ્યાખ્યા બદલી નાખે છે. કવિતા દ્વારા કશું જ થતું નથી એ નિરાશાજનક સૂરની સાથે અને સામે કવિતા દ્વારા કશુંક તો થાય છે તેવો સૂર પણ છે જ. આપણામાં રહેલા માણસને ક્યાંક તો કવિતા સ્પર્શે છે તેનો અનુભવ કહું. દસેક વરસ પહેલાં સિમલામાં સમી સાંજના સમયે માઇકલ એંજેલોના ડેવિડની પ્રતિકૃતિ જેવો ઇટાલિયન હોર્ટીકલ્ચરિસ્ટ મળી ગયેલો. કારની ચાવી ખોવાઈ ગઈ હોવાથી બજાર વચ્ચે જ વ્યગ્ર - ત્રસ્ત હતો. આવા ટેન્શન વખતે તેની સાથે આડી-અવળી વાતો વચ્ચે ઇટાલિયન ચિત્રકારો, કવિઓની વાતો છેડતાં છેડતાં હું ઉંગારેત્તીની પંક્તિ બોલ્યો ‘મિલ્યુમિનો ડિમેન્સો' અને એ ઇટાલિયન બધી ચિંતા ખંખેરી, ઓગળી- પીગળી ઊઘડી ગયેલો. અને બીજો એક પ્રસંગ : વીસેક વરસ પહેલાં દાર્જિલિંગ જતા જલપાઈગુરીથી તોફાની તોખાર જેવા, નકસલવાદી ગુંડા જેવા છોકરાઓ દાદાગીરી કરી ટ્રેનમાં ચડી ગયેલા. એ પહાડી સર્પિલ રસ્તા પર અચાનક વાદળો ચડી આવ્યાં અને એ જ છોકરાઓએ સમવેત સ્વરોમાં રવીન્દ્રનાથનાં વર્ષાગીતો ગાયેલાં તે યાદ આવી ગયું. જોકે સાથે સાથે એ પણ ખ્યાલ આવે છે કે રાત્રે રિલ્કેની કવિતા વાંચીને સૂઈ જતા નાઝીઓ સવારે બીથોવન મોત્ઝાર્તની સૂરાવલિઓ વચ્ચે ઓશવીચમાં હજારો યહૂદીઓને ગૂંગળાવી શકે છે. એલિયટે ‘હોલોમેન’માં | ||
{{poem2Close}} | {{poem2Close}} | ||
{{Block center | {{Block center''<poem>બિટવીન ધ કન્સેપ્શન | ||
ઍન્ડ ધ રિએક્શન | ઍન્ડ ધ રિએક્શન | ||
બિટવીન ધ ઇમોશન | બિટવીન ધ ઇમોશન |
Revision as of 02:46, 28 May 2023
કેફિયત
કવિતા અને મારી કવિતા
લખવું એ જ અઘરું છે. કવિતા લખવી તો તેથીય અઘરી અને કવિતા વિશે લખવું તે તો તેનાથીય અઘરું. આપણે ભલે કહી કહીને કહીએ પણ કવિતા વિશે અંતિમ તો નહીં જ કહી શકવાના. કારણ, કવિતા પણ એક શક્યતા છે - અનેક શક્યતાઓ જેવી જ. શબ્દોમાં ચાલતી, મુખર થતી, વ્યંજિત થતી, રૂપ લેતી સર્ગશક્તિ સર્જનશક્તિ, શબ્દાશ્રિત ભાષાઆશ્રિત હોવા છતાં તે પ્રક્રિયા તો શબ્દો વચ્ચે રહેલા અવકાશ જેટલી જ ગર્ભિત રહેવાની ને છતાં એ રહસ્યને તાગવા શબ્દની જ કાણી ડોલ તાણ્યા કરવાની. કવિતા એ માનવવાણીનું જ એક ચરમરૂપ. તેનાં અનેક રૂપો, સંયોજનો અને પ્રયોજનો. બોધ આપવો, પરમતત્ત્વ તરફ દોરી જવું, યુદ્ધનો ઉન્માદ જગાવી યુદ્ધે પ્રવૃત્ત કરવા, રાષ્ટ્રીય ચેતના જગાડવી, ઇતિહાસ આલેખવો, મીઠી નીંદરમાં ઢબૂરી દેવા, જગાડવા, ડોલાવવા, વૃત્તિઓનું વિરેચન કરવું, ચિત્તને શાતા આપવી, ભાષા સાથે નાળસંબંધ જોડવો, કવિતાની પીઠ પર તો આવાં અનેક અનેક પોટલાં. એનું વહન ન થાય તો સમાજના, રાષ્ટ્રપુરુષોના અને સહૃદયોનાંય ડફણાં ખાવાં પડે. આ બધાં વચ્ચે સાચી કવિતા પોતાના પર સવાર થયેલા ખોટા અસવારને હણહણી, ડાબલા પછાડી, યાળ ખંખેરી, પછાડી, પૂરપાટ દોડે. ‘અપારે કાવ્યસંસારે કવિરેવ પ્રજાપતિ' કહી સર્જનહારે રચેલા વિશ્વની હોડમાં સમાંતર વિશ્વ રચતા પ્રજાપતિ જેવા કવિની દશા ને દિશાય ક્યારેક દયનીય. નગદ, પદ, કદર, કીર્તિને ઘૂંટણિયા તાણતા કવિને કહેવું પડે કે માણસ કરોડ સીધી કરી પોતાના પગ પર ઊભા રહેવા ઉત્ક્રાંત થયો છે, નહીં કે આમ આળોટવા. તેને કહેવું પડે કે પોતાની કવિતાને ભૂંગળીમાં વહાવી દેતો ધીરો ભગત કે નજીકનાં સ્વજનોનેય જાણ ન હોય તેમ એકાંત કવિતાસાધનામાં રત એમિલિ ડિકિન્સન બહુ દૂરના કવિઓ નથી. કાવ્યસર્જન અને ભાવન એ મારે મન મૂલતઃ એકાંતિક સાધનાની કલા છે. સર્જન અને ભાવન એ સંવનન-સેવન માગી લે. કવિસંમેલનો-મુશાયરાના માહોલ વચ્ચેય અચ્યુત બની સભાન રીતે કવિતા લખતા હોય તેવા વિરલાઓનું મારે મન વધારે મહત્ત્વ. કવિતા સાથેના સંબંધમાં એક પવિત્રતા-સેંક્ટિટી, ગૌરવ-ડિગ્નિટી - જરૂરી. આપણાં એકાંતમાં જે જન્મે છે તે કલાને પામવા, ઊઘડવા શાંતિ અને એકાંત જોઈએ. શક્ય છે બાશો-બુશોનના કોઈ હાઈકુ સાથે દિવસો ગાળવા પડે અને પછી જ શબ્દો વચ્ચેના અવકાશનો મર્મ પકડાય. ત્યારે જ તલભર તાળાને રજભર કૂંચીથી ખોલવાનું થાય. આજે તો શાસ્ત્રીયસંગીત કે યોગ જેવી એકાંતિક સાધનાએ પણ સામૂહિક કે બજારુ રૂપ લીધું હોય ત્યારે શબ્દો દ્વારા માણસો સાથે સીધો સંબંધ બાંધતી કવિતાએ તેના એકાંતનું રક્ષણ કરવું વધુ વિકટ અને દોહ્યલું બની ગયું છે. કવિનું એકાંત એટલે નર્યું, નકરું, સ્વાર્થી, સ્વકેંદ્રી એકાંત નહીં. એ એવું એકાંત હોય કે જ્યાં નર્યાં નીતર્યાં જળમાં સરોવર આસપાસની વનરાજીની જેમ જગત આખું અંદર ઊતરી આવે અને જગતનાં પીડા, આનંદ અને ડહાણને વાચા મળે. એ કવિની કવિતાથી જ પ્લેટોથી માંડી સ્ટાલિન ભયભીત થાય. આ કવિતા કેમ લખાય છે તેય કવિતા જેટલું જ રહસ્યમય. કવિતાની દેવી, ઑર્ફિયસની જેમ આપણને કહે કે ‘તું તારે લખ્યે રાખ હું તારી સાથે જ છું. પાછું વળી જોયા વગર લખ્યે જા.' તોય આપણે તો પાછું વળી જોવાના જ. કેમકે આગળ ચાલવું તે જેમ માનવસ્વભાવ તેમ પાછળ વળી જોવું, વિચારવું તેય માનવસ્વભાવ. કવિતાલેખનમાં આમ કોઈ ગુરુ નથી હોતું. નથી હોતી ગુરુગાદી, ગુરુફૂંક ગંડાબંધન કે શક્તિપાત. છતાં ગુરુ હોય છે પૂર્વસૂરિ કવિઓ, પક્વ થયેલી સમજણ અને જગત આખુંય. છંદ, પિંગળ, બહેર, મત્લા, મિસરા, વાદ-ઈઝમ-સ્કૂલના જ્ઞાનથી કૌશલ પ્રાપ્ત થાય પણ નકશા વગરના પ્રદેશમાં આત્મસૂઝનું હોકાયંત્ર લઈ, એ યાત્રા તો કવિએ એકલા જ કરવાની હોય. કવિતામાં પ્રેરણા – ઇન્સ્પિરેશન પરિસ્પિરેશન અંતઃસ્ફુરણા અને પરિશ્રમ સાધનાનો વિવાદ કવિતા જેટલો જ જૂનો હશે. આ સંદર્ભમાં ફ્લેમિંગ, પાશ્ચર, ન્યૂટન જેવાની શોધ વિશે વાત કરતાં સર્જન મર્મજ્ઞ આર્થર કોસ્લરે તેના એ પ્રસિદ્ધ ગ્રંથ ‘ઍક્ટ ઑફ ક્રિયેશન’માં કહેલું કે પ્રેરણા પણ ગમે તેને વરતી નથી. જેની મનોભૂમિ તૈયાર હોય, સમૃદ્ધ હોય તેવા ‘રાઇપ માઇન્ડ'ના ગળામાં જ તે વરમાળા પહેરાવે છે. આમ મનસ્વિની પ્રેરણા અને માનુષી સાધનાના સમન્વયથી જ કવિતાનો ઘાટ ઘડાતો હશે. ઉપરથી, અજ્ઞાતમાંથી ઊતરી આવતી પ્રેરણાનો નવતર રીતે છેદ ઉડાડતા સુરેશ જોષીએ રાજકોટમાં રિલ્કે વિશે વ્યાખ્યાન આપતાં એક સરસ વાત કહેલી કે કવિતાલેખન દરમિયાન પ્રેરણા નામની કોઈ આધિભૌતિક શક્તિ નીચે નથી ઊતરી આવતી પણ એ નિરાગસ નિષ્પાપ, નવજાત, – ઇન્સ્ટન્ટ ઉદ્દીયમાન ક્ષણે વસ્તુને, પ્રસંગને, પાત્રને, ભૂદૃશ્યને, કે સંબંધને ઢાંકતું છદ્મ આવરણ તે ક્ષણ પૂરતું ઉપર જાય છે અને ત્યારે આપણે વસ્તુને, પ્રસંગને, પાત્રને, ભૂદૃશ્યને કે સંબંધને તેના પોતાના પરિપ્રેક્ષ્યમાં પામીએ છીએ. એ વીજળીને ચમકારે કવિ મોતી પરોવી લે છે. એ ક્ષણ જતી રહે છે ને એ કાંતિમાન સ્વભાસિત સત્ય પર ફરી આવરણ આવી જાય છે. જે ક્ષણે એ ઝિલાયું તે ક્ષણે બધું અપૂર્વ લાગે છે અને વ્યવહારજગતનાં ત્રાજવાં-કાટલાંથી જુદું જ મૂલ્ય પ્રગટ થાય છે. વિસ્લાવા સિમ્બ્રોસ્કાએ આ વાતને સરસ રીતે એક કવિતામાં કહી છે:
હું જ્યારે આવી આવી વસ્તુઓ જોઉં છું
ત્યારે મને ખાતરી નથી થતી
કે જે મહત્ત્વનું છે
તે
જે મહત્ત્વનું નથી તેના કરતાં
વધુ મહત્ત્વનું છે કે નહીં.
આમ કવિતા એ મહત્ – ઇમ્પોર્ટન્ટ અને તુચ્છ – અનઇમ્પોર્ટન્ટની વ્યાખ્યા બદલી નાખે છે. કવિતા દ્વારા કશું જ થતું નથી એ નિરાશાજનક સૂરની સાથે અને સામે કવિતા દ્વારા કશુંક તો થાય છે તેવો સૂર પણ છે જ. આપણામાં રહેલા માણસને ક્યાંક તો કવિતા સ્પર્શે છે તેનો અનુભવ કહું. દસેક વરસ પહેલાં સિમલામાં સમી સાંજના સમયે માઇકલ એંજેલોના ડેવિડની પ્રતિકૃતિ જેવો ઇટાલિયન હોર્ટીકલ્ચરિસ્ટ મળી ગયેલો. કારની ચાવી ખોવાઈ ગઈ હોવાથી બજાર વચ્ચે જ વ્યગ્ર - ત્રસ્ત હતો. આવા ટેન્શન વખતે તેની સાથે આડી-અવળી વાતો વચ્ચે ઇટાલિયન ચિત્રકારો, કવિઓની વાતો છેડતાં છેડતાં હું ઉંગારેત્તીની પંક્તિ બોલ્યો ‘મિલ્યુમિનો ડિમેન્સો' અને એ ઇટાલિયન બધી ચિંતા ખંખેરી, ઓગળી- પીગળી ઊઘડી ગયેલો. અને બીજો એક પ્રસંગ : વીસેક વરસ પહેલાં દાર્જિલિંગ જતા જલપાઈગુરીથી તોફાની તોખાર જેવા, નકસલવાદી ગુંડા જેવા છોકરાઓ દાદાગીરી કરી ટ્રેનમાં ચડી ગયેલા. એ પહાડી સર્પિલ રસ્તા પર અચાનક વાદળો ચડી આવ્યાં અને એ જ છોકરાઓએ સમવેત સ્વરોમાં રવીન્દ્રનાથનાં વર્ષાગીતો ગાયેલાં તે યાદ આવી ગયું. જોકે સાથે સાથે એ પણ ખ્યાલ આવે છે કે રાત્રે રિલ્કેની કવિતા વાંચીને સૂઈ જતા નાઝીઓ સવારે બીથોવન મોત્ઝાર્તની સૂરાવલિઓ વચ્ચે ઓશવીચમાં હજારો યહૂદીઓને ગૂંગળાવી શકે છે. એલિયટે ‘હોલોમેન’માં
{{Block center
બિટવીન ધ કન્સેપ્શન
ઍન્ડ ધ રિએક્શન
બિટવીન ધ ઇમોશન
ઍન્ડ ધ રિસ્પોન્સ
ફૉલ્સ ધ શેડો
}}
એમ કહી અદૃશ્ય એવા જે પડછાયાની વાત કરી તે આવા જ પડછાયાની વાત હશે? મને મૂંઝવતી બીજી વાત કવિતાના અનુવાદની અને એ થકી તેના સત્ત્વ-તત્ત્વની. ‘ગુડ પોએટ્રી રેઝિસ્ટ ટ્રાન્સલેશન' એમ કહેવાયું હોવા છતાં ઉત્તમ કવિતા જો અનુવાદના માધ્યમથી બીજી-ત્રીજી ભાષામાં જઈ ભાવક સુધી પહોંચતી હોય તો આપણે જેનો બહુ મહિમા કરીએ છીએ તે છંદ રૂપક અલંકારનું મહત્ત્વ કેટલું – તે પ્રશ્ન પણ રહે. વિશ્વ સમસ્ત અવ્યવસ્થા (કેઑસ)માંથી વ્યવસ્થા-સંવાદિતા (કોસ્મોસ-ઑર્ડર) તરફ જઈ રહ્યું છે. આવર્તકોષ્ટકનાં બાણું તત્ત્વો શું કે બારાખડીના મૂળાક્ષરો હોય, જીવન અને કવિતા ઑર્ડરમાંથી જન્મ્યાં છે અને તે સંકુલ સંવાદિતા તરફ જવાનાં જ. ભવિષ્યમાં કોઈ તેના પર ફરી તહોમતનામું મૂકશે ત્યારે ફરી કોઈ શૈલી જેવા બચાવનામું લઈને નીકળશે અને કવિઓને વિશ્વના વણપ્રીછેલા સ્મૃતિકારો તરીકે નવાજશે અને તેથી જ આજના સ્પેઇસએઇજ, સાયબર એઇજમાંય કવિતા લખાય છે તેનું મને આશ્ચર્ય નથી. કોઈ શિશુ પાસે આપણે નિષ્પ્રયોજન જઈએ છીએ તેમ જ કવિતા પાસે જઈએ છીએ છતાં તે, શિશુની જેમ તે નિર્વ્યાજ આનંદ સાથે સાથે અનાયાસ આપણને સમજણ પણ આપે છે. તે જ શું કવિતા માટે મોટી વાત નથી ? હવે, મારી પોતાની કવિતા વિશે. પોતાની વાત કહેવામાં અત્યુક્તિ દોષ આવે, નહીં તો અલ્પોક્તિ દોષ. અને બીજું, મારે ‘મારી કવિતા' વિશે કહેવાનું છે. આ મનોસ્થિતિમાં બાળસાહિત્યકાર તરીકે ખ્યાતિ પામેલ પણ ગણિતજ્ઞ, ચિંતક એવા લુઇસ કેરોલ (Lewis caroll)નું એક વિધાન યાદ આવે છે. ‘અસંખ્ય નાના નાના પગોની લયાન્વિત તરંગિત ગતિથી ચાલતા સહસ્રપાદ (સેંટીપેડ)ને કોઈએ પૂછ્યું કે આટલા બધા પગોને કયા ક્રમમાં ચલાવી તું ચાલે છે ? અને વિમાસણમાં પડી એ સહસ્રપાદ ચાલવાનું ભૂલી ગયેલો.' પણ એ તો સેંટીપેડ. માણસ તો કુળ અને મૂળ સુધી પહોંચવાનો જ. મારા પૂર્વજોમાં કોઈ કવિ નથી એમ કહું ત્યારે હું માત્ર મારા આનુવંશિક વારસા - જિનેટિક ઇન્હેરિટન્સ – ના ઉપલક્ષમાં વાત કરી રહ્યો છું તેમ કહેવાય. જયારે માણસ તો - એક્સ્ટ્રા જિનેટિક ઇન્હેરિટન્સ – આનુવંશિક વારસાની બહાર સમાજ, સંસ્કૃતિ, ભાષા, કલા દ્વારા ય લક્ષણો મેળવે છે. એ અર્થમાં હું નરસિંહ, વિટ્મેન, રવીન્દ્રનાથ, જીવનાનંદ દાસ, બાશો, બોદલેર, કાન્ત, બ. ક. ઠા.થી માંડી ઉમાશંકર લા. ઠા.નો વારસ છું. હું ચાઇલ્ડ પ્રોજડી નથી. કવિતાલેખન શરૂ થયું એમ.એસસી.ના ગાળામાં. પહેલાં સમ ખાવા પૂરતીય કોઈ કવિતા ન હતી લખી. -સાતમા પાતાળે એવી કોઈ ઇચ્છાય ન હતી. આવી, પ્રમાણમાં મોટી ઉંમરે કવિતા લખવાનો ફાયદો એ થયો કે લાગણીના રગડા રાગડા જેવી પોચટ રચનાથી હું મારી જાતને બચાવી શક્યો. ઘરમાં પિતાજી-મોટાભાઈની લાઇબ્રેરી સારી. તેથી ઘરમાં વાંચવાનું ચાલતું. અચાનક જ પીએચ. ડી. દરમિયાન રવીન્દ્રનાથ, જીવનાનંદ દાસ, વિટ્મેન, બોદલેર, રિલ્કે, એલિયટ જેવાની કવિતાઓના અનુવાદો વાંચ્યા. ક્યારેક મૂળ કવિતા સુધી ય ગયો. છતાં કવિતાના અભ્યાસી જેવું વ્યવસ્થિત (એકેડેમિક) વાચન તો ક્યારેય ન થયું. શરૂઆતના તબક્કામાં નાની-કાચી રચનાઓ લખાઈ પછી કોણ જાણે ક્યાંથી દીર્ઘ કવિતા હાથમાં આવી. અંતઃપ્રેરણાથી કુબ્લાઈખાન લખાઈ અને અધૂરી રહી તેમ ક્યારેય લખાયું નહીં. લખાતી કવિતાનું બીજ બંધાય પછી તેના કાચા મુસદ્દા જેવો ગડી કરેલો કાગળ ખિસ્સામાં જ હોય. ગમે ત્યાં ને ગમે ત્યારે તે કવિતા સાથે ચિત્તનું અનુસંધાન થઈ જાય ને બે-ચાર લીટી ઉમેરાય. કવિતા લાંબી થાય ત્યારે બીજા કાગળમાં ફૅર કરી ફરી ગડી કરીને ખિસ્સામાં. એમ એક-બે મહિને રચના પૂરી થાય. ક્યારેક એવુંય બને કે આરંભમાં સ્ફુરેલી-લખેલી પંક્તિઓ વચ્ચે સ્થાન લઈ લે. પણ ક્યારેક અંતની ચાર પંક્તિની રાહ જોતી કવિતા વરસો સુધી એમ જ પડી રહે. આમ ડ્રાફ્ટ ચાલ્યા કરે. પૂરી થયે રાજકોટમાં અનામિક, બળવંત જાની, ઉષાબહેન જેવાં મિત્રોને વંચાવું ને અમદાવાદ આવ્યા પછી લા. ઠા., ઉમાશંકર, ભોળાભાઈ, નલિન રાવળ, ચંદ્રકાન્ત શેઠ જેવા વિદગ્ધ કવિઓને અધખુલેલી આંખવાળી નવજાત કવિતાને દેખાડવાનો રોમાંચ જ ન્યારો. સુરેશ જોષીથી ડર લાગે. હું કવિતા ન દેખાડું વંચાવું તેથી મીઠો ઠપકોય મળે. આમ કવિતા પોષાતી રહી. ૧૯૭૮માં લખાયા પછી પહેલી વાર કવિતા વંચાવી ભોળાભાઈને. સંકોચનો પાર નહીં. 'ના મોરે ગુન ઢંગ, ના કોઈ ગહેના' જેવો ભાવ. ભોળાભાઈને ગમી અને ફોરવર્ડ કરી ભગતસાહેબ ભણી. ભગતસાહેબને પ્રત્યક્ષ જાણતો હોત તો આપવાની હિંમત જ ન કરત. તેમને ગમી ને સાહિત્યના સાતમા અંકમાં બે કવિતાનાં અઢાર પાનાં ફાળવી આપ્યાં. તે પછી કવિતા મોકલવાની હામ-હિંમત વધ્યાં ને ‘પરબ’, ‘કવિલોક’, ‘નવનીત’, ‘વિશ્વમાનવ'માં મોકલી અને છપાઈ. દીર્ઘ કવિતા જ પહેલાં કેમ હાથ લાગી ? તેના કારણમાં ઊતરતાં એવું લાગે છે કે સાહિત્ય સિવાયની અન્ય વિદ્યાકલાઓનો રસ અને અનેક વિદ્યાશાખાઓ, વિજ્ઞાનશાખાઓને સાંકળતો ઇકૉલૉજીનો મારો અભ્યાસ તેને પોષક નીવડ્યો હશે. એક વસ્તુ સમસ્યાને અનેક કોણથી જોવાનો, તેની સંકુલતા, આંતર સંબંધને તપાસવાનો અભ્યાસ મારી સંદર્ભખચિત્ કવિતા - ઍલ્યુઝીવ પોએટ્રી - ના મૂળમાં હશે. ક્યારેક તેનાથી શિથિલતા આવી છે પણ સંકુલતાના સંદર્ભમાં જોઉં છું ત્યારે એ શિથિલતા થોડી ક્ષમ્ય લાગે છે. બીજી એક વાત મારા છંદના અજ્ઞાનની. ભલભલા કવિઓએ છંદ છોડ્યા, અછાંદસ, છંદમુક્ત કવિતાની પરિપાટી સ્થિર થઈ એ સમયખંડમાં મારું લેખન શરૂ થયું. છંદો આસપાસની હવામાં કે શ્વાસમાં ન હતા કે ન હતા મારા આંતરિક લયમાં. તેથી જે લખાયું તે છંદમુક્ત. છંદોવિધાનની કલા જેવી તેવી નથી, એવો આદર હોવા છતાં છંદમાં ન લખી શક્યો. સુરેશભાઈએ કાલિદાસના મેઘદૂતમાં ‘વિંધ્યપાદે વિર્શિણામ્'માં ખડકો વચ્ચે શીર્ણ-વિશીર્ણ થઈ જતી નર્મદા કે વનલતાસેનના ‘ચુલ તાર કબેકાર અંધકાર વિદિશાર નિશા’માં રવાનુકારી પ્રલંબ અનુરણનમાં પવનમાં ફરફરતો રૂપસીનો કેશરાશિ કે નલિન રાવળ જેવાએ કાન્તની ‘મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં'માં આકાશોન્મુખ વર્ટિકાલિટીની કે ‘સાગર અને શશી’માં ‘પિતા !'ના યતિ પાસે દોલાયમાન થતા સમુદ્ર જળરાશિને નાટ્યાત્મક રીતે સ્થંભિત થતો બતાવીને કે મંગળવારીય વ્યાખ્યાનમાં ભગતસાહેબે બ. ક. ઠા., પ્રહલાદ પારેખ, હરિશ્ચંદ્ર ભટ્ટની અનેક કવિતાના છંદના ઉઘાડ ઊંડાણ ઊંડળમાં કવિતામાં છંદની સાર્થકતાનાં દર્શન કરાવ્યાં છે. પણ ભાવક તરીકેની મારી એ રુચિ સર્જક તરીકે એ દિશામાં ન પાંગરી તે વાતને કેટલાક વિવેચકોએ માફ કરી નથી. પેઢીએ પેઢીએ કવિતા પડખું બદલતી હોય ત્યારે આવું થાય તે સ્વાભાવિક. છંદો છોડવાના જ હોય ને છોડવા જ હોય ત્યારે તેને ઝાલવાના ઉદ્યમ કરતાં ‘દુલ્હા દુલ્હન મિલિ ગયે, ફીકી પડી બારાત' જેમ ભાવક-કવિના સીધા સંબંધ પર વધુ વિશ્વાસ રાખવો બહેતર. રુચિ ઔદાર્ય - કૅથોલિસિટી ઑફ ધ ટેસ્ટ - દાખવી જો અત્યારની પેઢી આગલી અનેક પેઢીઓની કવિતા માણતી હોય તો આગલી પેઢી અત્યારની કવિતાને કેમ ગૃહિતોથી જુએ છે, તેવો પ્રશ્ન પણ થાય. કવિતાલેખનની શરૂઆત નાની કવિતાથી કરી. દીર્ઘ કવિતાઓના સર્જનદશકા પછી ફરી લઘુ રચનાઓ તરફ વળ્યો. એ લઘુ રચનાઓમાંય ‘સંદર્ભો’એ પીછો ન છોડ્યો. એક નાની અમથી આઠ લીટીની કવિતામાંય એક બે સંદર્ભો ટપકી જ પડે. હવે તો એ સંદર્ભો (એલ્યૂઝન)થી પણ છૂટવાની ઇચ્છા છે. જ્યાં શરસંધાન સીધું જ હોય. સંદર્ભો વગર પણ જાપાનીઝ હાઈકુ કવિતાની જેમ અનેક સંદર્ભો પ્રગટતા હોય, છુપાયાં હોય તેવી કવિતા તરફ નજર છે. હાલ તો જૂજ કવિતાઓ જ લખાય છે. મારી કવિતા પણ કોઈ બીજાયે લખી હોય તેવા અંતરે બેઠો છું. બેળે બેળે કવિતા લખાતી નથી તેથી સફેદ કાગળનો સામનો કરતો રહું છું. વડીલ મિત્ર જેવા વરિષ્ઠ કોંકણી કવિ મનોહરાવ સરદેસાઈની જેમ કહું છું.
મારા મનમાં ધમાચકડી મચાવતાં
નાનાં નાનાં કાળાં મારાં બાળકો-શબ્દો
જાવ
સફેદ કાગળના આંગણાંમાં રમો.
‘નાની મારી આંખ એ જોતી કાંક કાંક'થી આરંભાયેલું વિસ્મય શમ્યું નથી. પાંચ ઇન્દ્રિયોના દ્વારથી પ્રવેશતું જગત લાગણી અને બુદ્ધિનો પુટ પામી કેવા અવનવા આકારો – આશ્ચર્યો સર્જે છે તે જોવાની ઇચ્છા છે. ઇચ્છું છું કે ફલ્ગુના આંતરપ્રવાહે વહેતી અંદરની કવિતા ફરી પ્રગટ થાય અને વર્ધમાન કવિ રવીન્દ્રનાથ કે ઉમાશંકરની જેમ છેક સુધી લખ્યા કરું
- યજ્ઞેશ દવે