સુરેશ જોશી/૭. અનુવાદ – સંપાદન: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{center|<big>'''૭. અનુવાદ – સંપાદન'''</big>}} {{Poem2Open}} સુરેશ જોષીએ આમ, નવી રચનાના નમૂનાઓ અને પોતાની કાર્યશાળાની નજીક જઈ કરેલી વિવેચનની પ્રતિક્રિયાઓ દ્વારા જેમ આધુનિકતાને પ્રતિષ્ઠ કરી છે, તેમ અનુ...") |
(No difference)
|
Revision as of 02:58, 24 August 2023
૭. અનુવાદ – સંપાદન
સુરેશ જોષીએ આમ, નવી રચનાના નમૂનાઓ અને પોતાની કાર્યશાળાની નજીક જઈ કરેલી વિવેચનની પ્રતિક્રિયાઓ દ્વારા જેમ આધુનિકતાને પ્રતિષ્ઠ કરી છે, તેમ અનુવાદ, સંપાદન અને સામયિક પ્રકાશનોની પ્રવૃત્તિ દ્વારા એમણે આધુનિકતાને દૃઢ કરી છે; સાથે સાથે પોતાની વિભાવનાઓને સમર્થિત કરી છે. ઉત્તમ સાહિત્યના નમૂનાઓ અને એના આસ્વાદો દ્વારા સાહિત્યને ચોક્કસ દિશામાં લઈ જવાની નેમ એમણે કરેલા અનુવાદો પાછળ જોઈ શકાય છે. એમને લાગેલું કે નવા પ્રયોગો પરત્વે સહાનુભૂતિપૂર્વક જોવામાં આવતું નથી અને નરી પ્રયોગખોરી કે શૈલીનાં નખરાં કહીને એને ઉવેખવામાં આવે છે. આથી જુદી જુદી રચનારીતિની કૃતિઓના અનુવાદોને એમણે હાથ ધર્યા છે. અનુવાદ કરવામાં એમનો આદર્શ સદા એ રહ્યો છે કે મૂળ લેખકની સર્જનપ્રક્રિયાના અંતરંગમાં પ્રવેશીને એમાં સહભાગી થવું જોઈએ; અને એમ કરવામાં જે લાભ થાય છે તે એ છે કે એ નિમિત્તે આપણી ભાષા સાથે નવેસરથી કામ પાડવું પડે છે. એમને ખાતરી છે કે જુદી જુદી શૈલીઓનો અને રચનારીતિઓનો પ્રત્યક્ષ પરિચય વાચકને એક વિશાળ પરિપ્રેક્ષ્ય આપે છે. અનુવાદમાં પણ એમનું લક્ષ્ય વિષય, વક્તવ્ય કે મૂલ્ય-સત્ય નથી, પણ સર્જકે આવિષ્કૃત કરેલું એનું અદ્વિતીય રૂપ છે. કારણ સુરેશ જોષી માને છે કે વિષય, વક્તવ્ય કે મૂલ્યસત્ય વાસી થઈ શકે છે, સર્જકે સિદ્ધ કરેલું અદ્વિતીય રૂપ નહીં. અલબત્ત આ બધાના પાયામાં એમની એક સતત રહેલી દૃઢપ્રતીતિ છે કે સાહિત્ય માહિતી માટે નથી, સાહિત્ય રસસંવેદન માટે છે. સાહિત્ય પરત્વેના આ આદર્શ સાથે સુરેશ જોષી અનુવાદમાં પ્રવેશ્યા છે.
‘પરકીયા’ (૧૯૭૫)માં બોદલેર, પાસ્તરનાક, ઉંગારેત્તિ, પાબ્લો નેરુધા વગેરે વિશ્વસાહિત્યના મહત્ત્વના કવિઓની રચનાના અનુવાદ છે. ઉપરાંત મરાઠી - બંગાળી કવિઓની રચનાના પણ અનુવાદ છે. બુદ્ધદેવના ચતુરક્ષરી (વનવેલી)માં થયેલા અનુવાદ પાછળ બુદ્ધદેવ બસુએ પયારમાં કરેલા બંગાળી અનુવાદોનો આધાર હોવાની સંભાવના છે. ક્યાંક ક્યાંક પદાવલી બંગાળી પદાવલીને પ્રતિધ્વનિત કરતી હોવાનો આભાસ રચે છે. બોરિસ પાસ્તરનાકની રચનાઓને પરંપરિત હરિગીતમાં ઢાળી છે, પણ ઘણી જગ્યાએ લય ખોડંગાય છે. ક્યારેક તો પ્રયોગ પણ આશ્ચર્યમાં મૂકે છે :
રસ્તા બધા ઢંકાયેલા છે બરફથી
છાપરાંઓની ઉપર પણ બરફ જામ્યો છે થોકથોક
લંબાવવાને પગ જરા હું નીકળું છું બહાર
જોઉં તને ઊભી અઢેલી દ્વાર.
અહીં સમગ્ર સંદર્ભ ૫૨થી લાગે છે કે ‘પગ છૂટા કરવા'ને બદલે અહીં ‘પગ લંબાવવા’નો પ્રયોગ થયો છે, તે બરાબર નથી. આ બંને પ્રયોગો પર્યાય પ્રયોગો નથી. બંનેના જુદા અર્થ છે.
બંગાળી જૂથની રચનામાં કોણ જાણે કેમ પણ કેટલીક રચનાઓ અત્યંત સામાન્ય લાગે છે. ક્યાંક કઢંગો અનુવાદ પણ જડે છે : જેમ કે
‘માલતી, તારા મને મૂકી જાઉં હું મમ સ્વાક્ષર'
એ જ રીતે ‘નરમ’નો વિવિધ સંદર્ભમાં એમના અનુવાદમાં થતો પ્રયોગ પણ સાભિપ્રાય લાગતો નથી.
- પથ પથે શબ્દ સુણું કોઈકની નરમ સાડીનો
- નરમ ચરણ તલે કેટલીય કુમારીના વક્ષના નિઃશ્વાસ
- સાંત્વનની નિભૃત નરમ કથા.
‘પરકીયા’ ઉપરાંત પણ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં એમના અનુવાદો મળેલા છે. ‘ધીરે વહે છે દોન' ખંડ-૧ (૧૯૬૦) રશિયાના પ્રસિદ્ધ નવલકથાકાર મિખાઈલ શોલોખોવની ‘ક્વાયેટ ફ્લોઝ ધી ડોન'નો અનુવાદ છે, તો ‘ભોંયતળિયાનો આદમી' (૧૯૬૭) એ ફિયોદોર દોસ્તોએવ્સ્કીની મહત્ત્વની રચના ‘નોટ્સ ફ્રોમ ધ અંડર ગ્રાઉન્ડ'નો અનુવાદ છે. ‘શિકારી બન્દૂક અને હજાર સારસો' (૧૯૭૫) એ જાપાની કથાઓનો અનુવાદ છે. ‘નવી શૈલીની નવલિકા’ (૧૯૬૦)નો અનુવાદ અને એની પ્રસ્તાવના બંને મહત્ત્વનાં છે. વળી રે. બી. વેસ્ટકૃત (ધ શોર્ટ સ્ટોરી ઇન અમેરિકા'નો અનુવાદ એમણે ‘અમેરિકી ટૂંકી વાર્તા’ (૧૯૬૭) નામે આપ્યો છે. ‘અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ' (૧૯૬૫) માર્કસ ક્લીન્ફકૃત ‘ધ લિટરેચર ઑવ ધ યુનાઈટેડ સ્ટેટ્સ'નો અનુવાદ છે. એમણે કરેલા રવીન્દ્રનાથ ટાગોરના નિબંધોના અનુવાદો ‘પંચામૃત’ (૧૯૪૯) અને ‘સંચય’ (૧૯૬૩)માં મળે છે. સુરેશ જોષીની સંપાદક તરીકેની કારકિર્દી બે પ્રકારે છે : એમણે પુસ્તકોનાં સંપાદન કરેલાં છે અને પોતાના સંપાદન હેઠળ સાહિત્યિક સામયિકો ચલાવ્યાં છે. મધ્યકાળના સાહિત્યના કરેલા નરહિરકૃત ‘જ્ઞાનગીતા’ (૧૯૮૩), ‘વસ્તાનાં પદો’ (૧૯૮૩) અને ‘જ્ઞાનગંગોદક’નાં સંપાદનોમાં નરહિરકૃત ‘જ્ઞાનગીતા’નું સંપાદન પાદટીપ અને સંદર્ભો સહિત શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક છે. અહીં પાઠભેદોના નિર્દેશો સાથે એમણે ચાર હસ્તપ્રતો પરથી અંતિમ વાચના તૈયાર કરી છે. ‘નવોન્મેષ’ (૧૯૭૧)માં નવી કવિતાના કુંઠિત સાહસને લક્ષમાં રાખી સંપાદન થયું છે. ઉપરાંત ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય’ (૧૯૮૧), ‘આધુનિક કવિતા : ચાર મુદ્દા’ (૧૯૭૫) ‘વિવેચન : ચાર મુદ્દા’ (૧૯૭૫) એમનાં અન્ય સંપાદનો છે. ‘વિદેશિની’ (૧૯૮૫) ભાગ. ૧-૨-૩માં એમણે વિવિધ અનુવાદકો પાસેથી વિશ્વસાહિત્યની પ્રતિનિધિ વાર્તાઓનો અનુવાદ કરાવી એનું સંપાદન કર્યું છે. ‘જાનન્તિ મે કિમપિ’ (૧૯૮૪)માં વિવેચનક્ષેત્રે નવી વિચારસરણીઓના પ્રભાવ અંગેના છ લેખોનું સંપાદન છે. ગુજરાતી સાહિત્યને પાશ્ચાત્યચેતનાના સઘન સંપર્કમાં મૂકવા, તત્કાલીન સાહિત્યપ્રવાહોથી એને પરિચિત કરવા તેમજ ગુજરાતી નવી સર્જકચેતનાને માર્ગ આપવા માટે એમણે ઘણાં સામયિકો શરૂ કરી, બંધ કર્યાં અને ફરી નવે નામે અવતાર્યાં છે. સુરેશ જોષી માટે સામયિકનું સંપાદન એમના વિચારવિશ્વ, ભાવવિશ્વ અને વિવેચનવિશ્વની અભિવ્યક્તિ માટે અનિવાર્ય હતું. ‘ફાલ્ગુની’થી શરૂઆત કર્યા પછી ૧૯૪૭થી ૧૯૪૯ પર્યંત એમણે મોહનભાઈ શં. પટેલના સહયોગમાં ‘વાણી’ ચલાવ્યું. આ પછી ‘મનીષા’ (૧૯૫૪-૧૯૫૮) ચલાવ્યું. ‘ક્ષિતિજ’ એમના સંપાદન હેઠળનું સૌથી તેજસ્વી સાહિત્યિક સામયિક ઠર્યું. ૧૯૫૯થી ૧૯૬૬ સુધી સાહિત્ય અને અન્ય કલાઓથી ગુજરાતી પ્રજાને અભિજ્ઞ કરતું રહ્યું. આ ઉપરાંત ‘સંપુટ’ (૧૯૬૯ અંક ૧-૨) ‘ઊહાપોહ’ (૧૯૬૯- ૧૯૭૪) અને ‘સાયુજ્ય’ (૧૯૮૩-૮૫)નું પણ સંપાદન કર્યું. છેલ્લે છેલ્લે ગણેશ દેવીની સાથે રહી ૧૯૮૪-૮૬ દરમ્યાન ‘સેતુ’ ત્રૈમાસિકના ચાર અંક અંગ્રેજીમાં અને બે અંક ગુજરાતીમાં આપ્યા. એમણે ૧૯૭૭-૧૯૮૬ સુધી ચલાવેલું ‘એતદ્’ આજદિન પર્યંત અન્યના સંપાદન હેઠળ ચાલુ છે. ઉપસંહાર : સુરેશ જોષીનું આમ સમગ્ર લેખનવિશ્વ જોતાં આજે લાગે છે કે ગાંધીયુગ અને અનુગાંધીયુગ સુધીની અંગ્રેજી પ્રભાવિત અર્વાચીનચેતના યુરોપીય સાહિત્યના સમાગમમાં અવારનવાર આવેલી ખરી, પણ એ પરત્વેની તીવ્ર પ્રતિક્રિયા જન્મેલી નહિ. સુરેશ જોષીના લેખનવિશ્વે યુગવર્તી ઉન્મેષોથી પહેલી વાર ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદી ચેતનાનું સાચા અર્થમાં અવતરણ કર્યું છે. રવીન્દ્રશૈલીને અનુસરતા હોવા છતાં યુરોપીય સાહિત્યના પુટથી સંવેદનશીલ ગદ્યનો સર્જનાત્મક વિનિયોગ બતાવતા એમના લલિતનિબંધો; ઘટનાની અને નરી તાર્કિકતાની સ્થૂળતાને ઓગાળી નાખતી અને કપોલકલ્પનાને ખપે લગાડતી ભાષાપ્રક્રિયા પરત્વે સભાન એમની ટૂંકી વાર્તાઓ; કથાનકના નહીંવત્ સ્તરે ભાષાની અને સંવેદનોની તરેહમાં રસ દર્શાવતી એમની નવલકથાઓ; યુરોપીય કવિતાઓના અનુવાદ દ્વારા લવચિક ગદ્યમાંથી અછાંદસની દિશા ખોલતી એમની કવિતાઓ અને એમના સર્વ રૂપરચનાલક્ષી સર્જનવ્યાપારોને અનુમોદતું આધુનિક પદ્ધતિઓથી વાકેફ એમનું તત્ત્વસ્પર્શી વિવેચન – આ સર્વ યુગપ્રવર્તક લક્ષણોથી એમણે શુદ્ધ સાહિત્યનો અશક્ય પદાર્થ તાગવા પ્રયત્ન કર્યો છે અને ઉત્તમ સાહિત્યિક મૂલ્યોની ખેવના અને એની સભાનતા ઊભી કરવામાં પુરુષાર્થ રેડ્યો છે.
(સમાપ્ત)