અમૃતા/તૃતીય સર્ગ - નિરુત્તર/છ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
<center><big><big>છ</big></big></center>
<center><big><big>છ</big></big></center>



Latest revision as of 12:10, 27 August 2023



કશાયનો એ વિરોધ કરતો નથી. તેથી એને શું ગમશે, શું નહીં ગમે તેની અમૃતા કાળજી લે છે. અમૃતાની કાળજી તરફ એ બેધ્યાન છે, ઉદાસીન છે. એના ગમાઅણગમા શમી ગયા છે. પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ, સત્ય-મિથ્યા, અસ્તિત્વ-અનસ્તિત્વ કશાયનું વિશેષત્વ એ અનુભવતો નથી કારણ કે એ એમ કરવા માગતો નથી. ભેદરેખાઓનો એ લોપ ઇચ્છે છે.

મુખ લૂછતી લૂછતી અમૃતા ઉદયન પાસે ગઈ. એની આંખો બંધ હતી. અમૃતાને લાગ્યું કે એ કંઈક વિચારી રહ્યો છે. કેટલાક દિવસથી હજામત કરી શકાઈ નથી. દાઢી ફણગાઈ ઊઠી છે. પરંતુ વિષાદ ફણગાઈ ઊઠયો છે એમ કહી નહીં શકાય. એના ચિત્તમાં વિષાદને ઝીલી શકે એવું કોઈ કેન્દ્ર સક્રિય નથી. પોતાને નહીંવત્ માનીને જે કંઈ છે તેની શરણાગતિ એણે સ્વીકારી લીધી છે.

અમૃતા આવીને ગઈ તે પછી એને પોતાના સંવેદનની ચકાસણી કરવાનું મન થયું. નિષ્ક્રિયતાનું સાતત્ય ઉવેખીને કશીક ક્રિયાત્મકતા અનુભવવાની ઘણા દિવસ પછી આજે લાલસા જાગી. લોપી દીધેલી ભેદરેખા જાગી અને એણે ડાબા હાથના કાંડા પરથી એક વાળ પકડીને ખેંચ્યો. એ મૂળ સાથે બહાર નીકળી આવ્યો. બીજો વાળ ખેંચ્યો.

અમૃતા આવી.

‘આ શું કરે છે?’

‘મને થયું કે આમ સદંતર નિષ્ક્રિય થઈને સમયમાં ભળી જાઉં એ વસ્તુ મારા ઉપદ્રવી સ્વભાવને અનુરૂપ નથી. મારે કંઈક કરવું જોઈએ. સાહજિકતાનું ઉલ્લંઘન કરવું જોઈએ. કાયમી થઈ ગયેલા દર્દથી ટેવાઈ ગયો છું. બાલ ખેંચવાથી જુદા જ પ્રકારનું દર્દ અનુભવું છું. મારાં બે મુખ્ય દર્દથી આ ઘણું નાનું તેથી નગણ્ય છતાં ભિન્ન પ્રકારનું છે. અજાણ્યું છે. તેથી હું એનો અનુભવ કરી શકું છું. અજાણ્યાને મળવાથી આનંદ થાય છે.’

‘મારી એક વાત માનીશ?’

‘તારું શું નથી માન્યું? કહે.’

‘મારાથી એક પણ વધુ દિવસ હવે અહીં રહી શકાય તેમ નથી. તને આ સ્થિતિમાં જોઈ રહેવાની મારામાં સહનશક્તિ નથી. ચાલ, આપણે મુંબઈ જઈએ.’

‘મુંબઈ બહુ દૂર છે. અમૃતા, આપણો દેશ એવડો મોટો છે કે આપણને દૂરનું પણ દૂર નથી લાગતું, નજીક લાગે છે. પણ એક સંવેદનશૂન્ય માણસને તો દૂર હોય તે દૂર જ લાગે, નજીક હોય તે જ નજીક લાગે છે. સંવેદન ન હોય તો પછી એ શેની મદદથી દીર્ધ અવકાશને સભર કરીને બે બિન્દુઓને સાંધી શકે?’

‘ઉદયન!!’

‘તારે મને જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જા. મુંબઈ આવવામાં વાંધો નથી. વતનનો મોહ પણ શા માટે? માટી બધે સરખી છે. આગ સર્વત્ર વ્યાપેલી છે. તારામાં શક્તિ હોય તો મને મુંબઈ સુધી પહોંચાડ. પણ પછી ત્રિશંકુની જેમ વચ્ચે જ…’

ઉદયનના હોઠ પર વ્યક્ત થવા મથતું સ્મિત નિષ્ફળ ગયું.

‘કેમ આમ જડવત્ ઊભી છે ? જો, મારી ચામડી પર કેવા ભિન્ન ભિન્ન આકાર અને રંગ ઊપસવા લાગ્યા છે ? તારા વિધાતાની સૃષ્ટિ સાચે જ અદ્ભુત છે, અમૃતા!’

અમૃતા ઊભી રહી ન શકી. બે હાથે મોં દાબીને ખાટલાની ઈસ પર ઢળી પડી. ઉદયને શક્તિ એકઠી કરીને પગ ખેંચી લીધા. ડૂસકાં લીધા વિના રડતાં ટેવાઈ ગઈ હતી. પરંતુ આજે એ આઘાત પર કાબૂ રાખી શકી નહીં. ડૂસકાં સાંભળીને જાગી આવતો આ અવાવરા ઘરનો સૂનકાર એને ભયાવહ લાગતો, પણ આજે એ બધું જ ભૂલી ગઈ. ભલે ને શાપિત સૃષ્ટિનો સકળ ભેંકાર આવીને એને વીંટળાઈ વળે, એને ભાન રહ્યું નહીં.

‘બસ? આ જ તારો અંતિમ ઉપાય છે? ચાલ, માની જાઉં છું.’

‘સાચે જ?’

‘હા, તારી ઇચ્છા છે તો થોડી વધુ દવા ખાઈશ, જા. પહેલાં પણ તું જેમને બે વાર બોલાવી લાવી છે એ ડૉકટરને બોલાવી લાવ. એમને પોતાના વિષયનું થોડું પણ જ્ઞાન હશે તો હું માનું છું કે મને અહીંથી લઈ જવાની એમને જરૂર નહીં લાગે.’

‘તારે હવે બોલવાનું નથી.’

‘તારા જેવી અનુભવરહિત કન્યાને સંબોધીને બોલવું પણ બેકાર છે. તેં કદી કોઈ મરતા માણસને જોયો છે?’

‘મને માત્ર જીવનનો જ અનુભવ છે.’

‘એ પૂરતું નથી અમૃતા, જરા ધ્યાનથી જો, You are facing my death.’

‘I knew it since long and my faith will turn it into life.’

‘Being your friend, I must give you advance consolatation.’

‘તમારો તાર છે.’ પોસ્ટમૅનનો અવાજ.

અમૃતા તાર લઈ આવી.

‘સુંદર સમાચાર. જાપાન જવાનું છે. પોતાના ખર્ચે એ બોલાવે છે. પ્રવાસની વ્યવસ્થા માટે મથી રહ્યો છું. ઉદયન પ્રસન્ન હશે. અનિકેતનાં પ્રણામ.’

એણે ઉદયનને તાર સંભળાવ્યો અને નીચે જોયા વિના ઉત્સાહથી ચાલી.

‘જોજે, તારો પગ સાચવ. પેલી કાચની કણી પડી છે. ઉપાડીને ફેંકી દે. હવે મારે એના તરફ જોઈ રહેવું નથી.’

‘અમૃતાને કાચની એકાદ કણી વાગે તેની ચિંતા ન થઈ. એણે ઉંબરા પર ખાલી પડી રહેલું પીંજરું પણ એમ જ રહેવા દીધું. હતી તેવા જ વેશે જીપ માટે કહી આવી. અને ડૉકટરને બોલાવી લાવી. ડૉકટરે તપાસ કરી. દરદીને જલદી કોઈ સારી હૉસ્પિટલમાં ખસેડવામાં એમણે સાથ પુરાવ્યો. એ પણ અમદાવાદ આવવા તૈયાર થયા.

ઘર ખાલી કરતાં વાર ન થઈ.

ઉદયને જીપમાં બેઠા પછી એક વાર ઘરનાં નેવાં ભણી જોઈ લીધું. મોભ લગી પહોંચાડી શકે એટલી નજરને ઊંચકી શક્યો નહીં.

જીપ ઊપડી. એ બેઠો રહી શકશે નહીં. અમૃતાએ જોયું. એણે ગામની ભાગોળે જીપ ઊભી રખાવી. બેડિંગ ખોલીને, ઓશીકું મૂકી આપ્યું અને એને ચાદર ઓઢાડી.

‘હવે આંખો પાછળ તરફ રહેશે, બરોબર છે. તું સુજ્ઞ છે.’ ડ્રાઈવર સાચવીને જીપ ચલાવતો હતો. છતાં અમૃતા સૂચના આપ્યા વિના રહી શકી નહીં.

ઉદયનને યાદ આવ્યું. બાળપણમાં એ કુતૂહલભરી આંખે જોઈ રહેતો : ડાઘુઓ ભાગોળે આવીને નનામીનું મુખ બદલતા.

કશીય મમતા ન રહી જાય.

હું કેટલો ભાગ્યશાળી છું! સગી આંખે મારી નનામીને પસાર થતી જોઈ રહ્યો છું. પણ જેણે જોવું જોઈએ તેની હજી તૈયારી નથી !

ડાબી તરફની સીટ પર અમૃતા બેઠી છે. સૂર્ય એની બાજુ છે. એની છાયા કાચમાંથી આવતા પ્રકાશને કારણે ઉદયન તરફ ઢળેલી છે. પણ છેક સુધી પહોંચી શકતી નથી.

જીપ ધ્રૂજે છે. ડ્રાઈવર પાસેની સીટ પર બેઠેલા ડૉકટર પૂછે છે. ડ્રાઈવર કહે છે કે Vibration થાય છે. ત્રીસેક માઈલથી ઝડપ વધી જાય છે પછી આ ધ્રુજારી બંધ થઈ જાય છે. વળાંક આગળ ગતિ ધીમી કરવી પડે છે તેથી Vibration શરૂ થઈ જાય છે.

ચઢાણ-ઉતરાણ, આંચકા, થડકા અને પેલી ધ્રુજારી વખતે કોઈક વાર તો ઉદયનને જોઈને અમૃતાનું હૃદય જાળમાં સપડાઈને ખેંચાતી માછલીની જેમ અધ્ધર થઈ જાય છે.

ઉદયન પાસેના કાચની બારી બહારની પ્રકૃતિ પર તાપ છવાઈ રહ્યો છે. કોઈ ઘટાદાર વૃક્ષ, કોઈ ડુંગરો, મુખ્ય રસ્તા તરફ વહી આવતી કોઈ કેડી, કોઈ ખેતરને શેઢે ઊભેલા બળદ, તળાવમાં બેઠેલી ભેંશો, સડકની નજીક ચરતું કોઈ ગધેડું, આકાશમાં ઊડી જતું કબૂતરોનું ટોળું… જે કંઈ દેખાય છે, પલકવારમાં પાછળ પડી જાય છે. આખું દૃશ્ય એક ટપકું બનીને એની કીકીમાં ક્ષણ સુધી ટકી રહે છે અને પછી આંખોની અચંચળ સફેદીમાં ફેલાઈ જાય છે. એક આકાશ જ એવું છે જે ટપકું બનીને આંખમાં સમાઈ જતું નથી. એ દૂરનું દૂર રહે છે.

આકાશ આજે નિરભ્ર છે, રિક્ત છે. એની રિક્તતા ઉષ્ણ છે. કોઈક વાર સૂર્યનાં કિરણો કાચમાંથી પસાર થઈને ઉદયનના શરીર પર ઓઢાડેલી ચાદર પર ચમકતું ધાબું પાડે છે, ઉદયનને નથી ગમતું. પણ એ અણગમો વ્યક્ત થતો નથી. તેથી અમૃતા અણજાણ રહી જાય છે. સ્વયંસૂઝથી જ કોઈવાર કિરણની ગરમીને એ પોતાના ખભા પર ઝીલી લે છે. પણ રસ્તાની દિશા વારંવાર વળ ખાતી રહે છે. વળાંક આવે છે તેવી જ જીપમાં ધ્રુજારી આવી જાય છે.

ઉદયન અમૃતા સામે જુએ છે. પોતાનું સ્થાન છોડીને એ ઉદયનની સીટ પાસે પડેલા વ્હીલ પર બેસી જાય છે. હમણાં તડકાનું ધાબું પડતું હતું તે ગમતું ન હતું. હવે એ તડકાને રોકતી અમૃતાની છાયા પડે છે. એ પણ એને પસંદ નથી. તડકો કે છાયા કશુંય એનાથી સહન થતું નથી.

જીપમાંથી નીચે ઊતરીને તલાવડીને તીરે વડની છાયામાં બેસવાનું મન થાય છે. એમ કરી શકાય તેમ નથી. એટલું જ નહીં એમ કરવાની ઇચ્છા પણ પ્રગટ કરી શકાય તેમ નથી. અમૃતા માની બેસશે કે હું એની સામે વિધ્ન ઊભાં કરી રહ્યો છું.

દહેગામ પહોંચતાં અમૃતાને લાગ્યું કે હવે તો છેક પહોંચી જવાયું. એણે ડ્રાઈવરને થોડીક સૂચનાઓ આપી. ડૉકટરે હૉસ્પિટલમાં જગા મેળવી આપવામાં મદદ કરી.

ત્રીજા મજલે નવા સ્પેશિયલ રૂમમાં ઉદયનને પહોંચાડવામાં આવ્યો. પોતાનું શરીર બીજા ઉપાડી લે તે એને અજીબ લાગ્યું.

સારવાર શરૂ થઈ. કપડાં બદલાવવામાં આવ્યાં. નર્સે કપડાં ધોબીને ન સોંપતાં ડૉકટરને જોવા માટે રાખી મૂક્યાં.

ઉદયને પાણી માગ્યું, અમૃતાએ લાવી આપ્યું.

‘જીપમાં બહુ મુશ્કેલી પડી, હવે તો આરામ થયો હશે.’

‘થાકનો અનુભવ થઈ શકતો હોય તો પછી આરામનો પણ અનુભવ થાય ને!’

આગળ બોલવાનું સૂઝ્યું નહીં. સમય થતાં ડૉકટરો આવ્યા. તપાસ ચાલી ગયા પછી ઉદયનને કહીને એ ટેલિફોન માટે ગઈ. જોધપુર અને મુંબઈના અર્જન્ટ ફોન માટે એ નંબર આપી આવી. મોટાભાઈ વિમાનમાર્ગે આવી જાય. પૈસા લેતા આવે અથવા અહીં એમના વેપારી મિત્ર પાસેથી લઈ આપે, અનિકેત જાપાન જવાનું કહે છે. ફોરેન એકસચેઈન્જનું શું? કે એ બધી વ્યવસ્થા કરવામાં એ પડ્ય હશે? કદાચ ઍરનું રિઝર્વેશન મેળવવા પણ પ્રયત્ન કરી રહ્યો હોય. એને પણ ટ્રન્ક કોલ કરી લઉં. એ અમને લેવા ભિલોડા જશે તો બહુ સમય બગડશે.

અમૃતા આવી ત્યારે ઉદયન એની પ્રતીક્ષા કરતો હતો. પાંચેક મિનિટ માટે એ દૂર ગઈ હતી. ઉદયનને અમૃતાની અનુપરિસ્થિતિનું ભાન થયું અને એને લાગ્યું કે પોતે સંવેદનશૂન્ય નથી થઈ ગયો. એણે જોયું કે વારંવાર લૂછવાથી એના નાકની સોનચંપક ત્વચા ગુલાબી બની ગઈ છે. આ સંપન્ન પરિવારની કન્યા, વિચારે અને સંવેદને પણ સંપન્ન કન્યા એવી મારા જેવા એક ખાનાબદોશ માટે બરબાદ થવા તૈયાર થઈ! મારી કૃતક ઉપેક્ષાથી એ હતપ્રભ ન થઈ અને છેવટે એ ક્ષણે એણે મને લાવી મૂક્યો કે મને એની અનુપસ્થિતિ વરતાઈ. મેં એની પ્રતીક્ષા કરી. અને પ્રતીક્ષા કરવી એટલે જીવનની કામના કરવી. મને આનંદ થાય છે કે હું એને બચાવી શક્યો છું કારણ કે એના પ્રેમની મને પ્રતીતિ થઈ છે. અમૃતા!!

એણે હાથ ઊંચો કર્યો. અમૃતા એની નિકટ વહી આવી.

‘હું તને નવાજું છું અમૃતા અભિનંદન. તારો વિજય થયો.’

‘હું શું જોઉં છું? ઉદયનની આંખમાં આંસુ?’

‘સાચે જ? તો તો અભિનંદન મને મળવાં જોઈએ.’

‘મળશે, જરૂર મળશે. તું થોડાક દિવસમાં સાજો થઈને એક પ્રસંગે અનેકનાં અભિનંદનનો અધિકારી થઈશ.’

‘એ તો ઠીક છે. અનિકેતને આવતાં કેટલો સમય થશે?’

‘ટ્રંક કોલ માટે હું નંબર આપી આવી છું.’

‘નંબર જોડાય તો એને કહેજે કે જલદી આવે. હું એની પ્રતીક્ષા કરું છું.’

‘જલદી આવશે. જાપાન જવા માટેનું બુકિંગ મેળવવવામાં રોકાયો લાગે છે.’

‘તો એને કહી દેજે કે જાપાન તો મેં જોઈ લીધું છે. આજે જ મારા સ્મરણમાં ત્યાંનાં સઘળાં ચિત્રો તાજાં થયાં છે. હવે ત્યાં જવાની જરૂર નથી.’

‘તારા ઉપચારના બહાને અમને જાપાન જોવાનું મળશે. ત્યાંના લોકોનો પરિચય એ બાબતમાં મળે છે કે એમણે લખ્યું — અમારા ખર્ચે મોકલો.’

‘મને લાગે છે તેં હમણાં ડૉકટરની વાતો સાંભળી નથી.’

‘શી?’

‘લ્યુકેમિયા; અને વધુમાં કિડનીનું કામકાજ બંધ!’

અમૃતાના માન્યામાં ન આવ્યું. એ મુખ્ય ડૉકટરની કેબિન તરફ દોડી ગઈ. ડૉકટરે એની સાથે સમભાવપૂર્વક વાતો કરી. એમણે કહ્યું કે કિડની કામ કરતી શરૂ થઈ જાય તો જાપાન લઈ જવાથી બીજી વિકૃતિઓનો ઇલાજ કદાચ થઈ શકે. અમૃતાએ ફરી તપાસ કરવા કહ્યું. ડૉકટરો વિરોધ કર્યા વિના ઊભા થયા. એકસરેનું મશીન પણ મંગાવ્યું. અડધો કલાક સુધી તપાસ ચાલી.

અમૃતાને થયું કે ઉદયનની દાઢી વધી ગઈ છે હજામત થાય તો એનો ચહેરો ફ્રેશ લાગે. ગમગીની ભૂંસાઈ જાય.

ડૉકટરે ઈન્જેકશન લખી આપ્યાં. આ પહેલાંનાં ઈન્જેકશન હૉસ્પિટલમાંથી આપવામાં આવ્યાં હતાં તે પણ મંગાવ્યાં. પર્સ લઈને અમૃતા બજારમાં જવા તૈયાર થઈ. ત્યાં ભિલોડાના ડૉકટર આવ્યા. પાછાં વળતાં પહેલાં ઉદયનના સમાચાર જાણતા જવાની ઇચ્છા થઈ હતી. એમણે અમૃતાને સાથ આપ્યો. સેલાઈન સેટ ગોઠવવામાં આવ્યો. એમાં ઈન્જેકશન નાંખવામાં આવ્યાં. ઉદયનને શુભેચ્છા આપીને એમણે અમૃતાની રજા લીધી.

રાતના દસ વાગ્યે એણે જાણ્યું કે જોધપુરમાં ફોન ઉપાડનાર કોઈ નથી. મુંબઈનો ફોન વહેલો જોડાઈ ગયો હતો. મોટાભાઈ ઘેર આવે કે તુરત એમને અમદાવાદ મોકલવામાં આવશે એવો ભાભીએ દિલાસો આપ્યો હતો.

ડૉકટર છેલ્લી વિઝિટે આવ્યા ત્યારે અમૃતા એમને પહેલાં પૂછયા હતા તે જ પ્રશ્નો પૂછી બેઠી. ડૉકટર આડ વાત કરતા હોય તેમ બોલ્યા — કોઈ વાર કિડની જાતે જ ચાલુ થઈ જાય છે. ઈશ્વર એમને બચાવી લે એવી મારી પ્રર્થના છે.

અમૃતાએ ઈન્જેકશન માટે પૂછયું. શહેરમાંથી એમના મિત્ર ડૉકટરોને બોલાવીને પૂછવાનું હોય તો ફી ગમે તેટલી આપી શકાશે એ પણ એણે કહ્યું.

ડૉકટરે લોહીની તપાસનો રિપોર્ટ વાંચ્યો. એ અંગે કશું બોલ્યા નહીં. એમણે ઉદયનને બીજી વાર એક પ્રશ્ન પૂછયો.

‘છેલ્લી વાર ક્યારે પેશાબ થયેલો?’

‘સવારે એ માટે હું બેઠો હતો.’

‘કેટલો પેશાબ થયો હશે?’

‘થયો હતો કે નહીં એ મને યાદ નથી. ઘણા દિવસથી એ આખું ખાતું અનિયમિત થઈ ગયું છે તેથી હું એના તરફ બેધ્યાન થઈ ગયો છું.’

ડૉકટર આ દરદી સામે જોઈ જ રહ્યા. એમણે કેસ-રિપોર્ટમાં લખેલી જન્મતારીખ જોઈ.

‘હું તમારા માટે ઈશ્વરને પ્રર્થના કરું છું.’

‘પણ મારે ઈશ્વર છે કે નહીં તેની મને ખબર નથી. છતાં સંભવ છે પ્રર્થનાના પ્રભાવથી ઈશ્વરનો જન્મ થાય. આભાર ડૉકટર, તમારા પ્રેમ માટે આભાર. સવારે આપણે જરૂર મળીશું.’

નર્સ પાસે ડૉકટરે બ્લડપ્રેશર માપવાનું યંત્ર માગ્યું.

નોંધ કરી. અમૃતાને બીજાં ઈન્જેકશન લખી આપ્યાં. ગયા. બે મિનિટમાં પાછા આવ્યા. એમને ખ્યાલ આવ્યો કે આ યુવતી એકલી છે. અત્યારે ખુલ્લી રહેતી દવાની દુકાન દૂર છે. એમણે અમૃતાને કહ્યું કે હું માણસને મોકલું છું. એ લઈ આવશે. તમે અહીં જ રોકાઓ. હું રાત્રે બે વાગ્યે આવી જઈશ.

ડૉકટર ગયા.

અમૃતા ઊભી છે. એનું મુખ નમી ગયું છે. સેલાઈન સેટની ટયુબમાંથી ઔષધ ટપકી રહ્યું છે.

ઉદયને સંકેતથી ખુરશી બતાવી.

અમૃતા બેઠી. પચ્ચીસ વર્ષનો થાક એકસામટો એની ચેતનાને આવરી રહ્યો.

‘અમૃતા!’

ઉદયનના સ્ફીત અવાજમાં પણ એને પોતાનો થાક વરતાયો. એ ઊભી થઈને એની પાસે ગઈ.

‘તારી પાસે કાગળ હશે.’

‘ડાયરી છે.’

‘લાવ.’

અમૃતાએ ડાયરી શોધી કાઢી.

‘હું શું કરું? તારા હાથમાં જ રાખ. પેલી ખુરશીને મારી નજીક ખેંચી લાવીને બેસ. હવે તારે મારી સાવ નજીક રહેવું પડશે કારણ કે તું સાંભળી શકે એટલા જ અવાજથી હું બોલી શકીશ. બે વાક્ય બોલતાં મને શ્વાસ ચડી આવે છે. એ અંગે કશું લખતી નહીં. ઉચ્ચારણ અસ્પષ્ટ રહી જાય તોપણ મને વિશ્વાસ છે કે તું એને શુદ્ધરૂપે લખી શકીશ. તારી સમજમાં મને શ્રદ્ધા છે. તો ચાલ, લખ.’

‘પણ… તારે આરામ કરવાનો છે.’

‘પછી આરામ કરીશ. અને જે લખાવું છું તે પણ આરામ માટે જ છે.’

‘શું લખાવવું છે?’

‘વસિયતનામું.’

અજ્ઞાત ભવિષ્યનો ભાર એના માથે તોળાઈ રહ્યો. એ કેવળ ભાર ન હતો. એમાં ભવિષ્યહીનતાનું ભાન પણ હતું.

એણે શૂન્ય દૃષ્ટિએ પેન ખોલી. લખવાનું શરૂ કર્યું —

‘હું એકરાર કરું છું કે હું મારા સમયને જીવ્યો છું. એ બાબતે મને કશો અસંતોષ નથી. કારણ કે હું અસંતોષને જીવ્યો છું. હું મારા યુગથી કદી વિખૂટો પડ્યો નથી. એણે મને સંપૂર્ણ સાથ આપ્યો છે.’

ક્ષણ વાર આરામ કરીને એ આગળ બોલ્યો—

‘પ્રત્યક્ષ વિશ્વમાં માનનારો હતો. પરંતુ હું આંખો બંધ કરતાં શીખ્યો તે પછી મેં અનેક વિશ્વ જોયાં. મારા દશ્યમાન વિશ્વનો વિસ્તાર થયો. જે પ્રસંગોને હું અન્યાયકર્તા માનતો હતો તે મારા સ્મરણપટ પર કાળાં ટપકાં બનીને અંકિત થઈ ગયા હતા. એક અન્ય હયાતીની સંનિધિમાં એ કાળાં ટપકાં ઓગળી ગયાં છે… જે પ્રત્યક્ષ જગતને હું સમક્ષ રાખીને ચાલતો હતો તે બે વાર બદલાયું. એટલે કે પ્રત્યક્ષ જગતનો મારો વિભાવ બે વાર બદલાયો છે. જે બદલાય છે તે જગત નહીં પણ મારો વિભાવ હોય તો જગતે મને અન્યાય કર્યો છે એ પણ હકીકત નહીં, મારો વિભાવ છે. આખરે મારા મિત્રની વાત સાચી નીકળી. જેની વાત સાચી નીકળી તે મારો મિત્ર છે એ બાબત મારા માટે ઓછી મગરૂરીની નથી. એણે કહ્યું હતું કે સાચું વિશ્વ તો મારી અંદર વસે છે. જે બહાર દેખાય છે તે તો વાસ્તવમાં પેલા અંર્તનિહિતનું મૂર્ત કલ્પન છે. આજે હું પ્રત્યક્ષ થનારનો નહીં પણ દૃષ્ટિનો ભરોસો કરું છું.’

નર્સ આવી. એણે સેલાઈન સેટ તરફ નજર કરી. ઉદયનના માથે હાથ મૂક્યો અને ચાલી ગઈ.

‘યંત્રો સામે ઘણા બળાપા કાઢતો રહ્યો છું. આજે હું જોઉં છું કે યંત્રો મારો ઉપચાર કરી રહ્યાં છે. મારી સામે જે લટકે છે તે પણ મને બચાવવા માટે છે. યંત્રો નિર્દોષ છે. એમણે પોતાની આગવી કોઈ સંસ્કૃતિ રચી નથી. જે કંઈ રચાયું છે તે મારું — માણસનું કામ છે. જો હું પોતાને સાચવી શકું તો યંત્રો કે એમના નામે આરોપાયેલી સંસ્કૃતિ મને શું કરી શકવાની હતી?

હું માનતો હતો કે ઈશ્વર નથી. કોણ જાણે કેમ આ ઈશ્વર હમણાં હમણાં મને વારંવાર યાદ આવે છે. હું એને નકારતો રહ્યો તેમ એ મારી વધુ ને વધુ નિકટ આવતો ગયો. છેવટે અમૃતાની ઓઠે આવ્યો. આજે ઈશ્વર અંગેની મારી સમગ્ર માન્યતાઓને હું જૂની જાહેર કરું છું, એમના વિશે હું સાશંક છું. ઈશ્વરના અસ્તિત્વ વિશે મારા અગ્રજો સાશંક થયા હતા. એમણે કહી પણ દીધું કે ઇશ્વર નથી. મને એમનો વારસો મળ્યો. મને લાગે છે કે ઇશ્વર નથી એવી ધારણા પરત્વે સાશંક થવાનો સમય હવે આવી ગયો છે.

પરમાણુની પ્રક્રિયાને સમજવા જતાં મને પ્રશ્ન થયો. આ ગતિ કોની? આ સચેતનતાનું રહસ્ય શું? આ એક ભૌતિક ઘટના છે એવો ઉત્તર મેળવવા હું ગયો. પણ તેથી સંતોષ ન થયો. બુદ્ધિ અને તર્ક મને સંતોષી ન શક્યાં. પોતાની ઈન્દ્રિયોથી અનુભવી ન શકાય એવું પણ અહીં ઘણું હશે, હશે જ. એ ન ભોગવેલી સંપત્તિનો વારસો આપ સહુ માટે હું ખુલ્લો મૂકતો જાઉં છું.’

ઉદયન ખમચાયો. અમૃતાએ એની સામે જોયું. હજી પૂરું નથી થયું એ સૂચવવા સ્મિત પ્રગટ કરવા મથ્યો. અમૃતાને એ દેખાયું નથી તે જોઈને આગળ બોલ્યો—

‘પ્રેમ નથી એવું મેં કહ્યું હતું જ્યારે મને લાગ્યું કે અમૃતા નથી, એનું નિજત્વવાળું કોઈ અસ્તિત્વ નથી, તેથી એ સંખ્યાતીત માણસોની જેમ અનસ્તિત્વ ભોગવે છે. એવું માનવામાં હું મારા પોતાના અસ્તિત્વથી જ દૂર હતો. જાગૃતિમાં ન હતો, ભ્રમવશ હતો. હું જેને ‘’પ્રેમ’’ કહેતો હતો તે પ્રેમ ન હતો, પ્રેમનો ભ્રમ હતો. પ્રેમના ભ્રમમાં પણ પ્રેમનો આંશિક સ્વીકાર છે. કદાચ પ્રેમનો સમગ્રતયા સ્વીકાર કરવો દોહ્યાલો છે. એ તો કોઈક અનિકેત કે કોઈ અમૃતાથી જ થઈ શકે. મારા જેવાને તિવાચક બની ગયેલા માણસનું એ કામ નહીં. પરંતુ જેમ સફળતાનો અનુભવ હોય છે તેમ નિષ્ફળતાનો પણ અનુભવ હોય છે. કદાચ એ વધુ નિબિડ હોય છે. એ આધારે કહી શકું છું પ્રેમના અભાવ કરતાં પ્રેમનો ભ્રમ સારો. કારણ કે ભ્રમ એ નકાર નથી. ભ્રમ હતો. તેથી જ તો હું પ્રેમ સુધી પહોંચ્યો.’

અમૃતાના હૃદયમાં શેષ અભિલાષા જાગી — ઉષા બનીને એની આંખોમાં ઊગી આવું અને એના ચિત્તને અરુણ આલોકથી ભરી દઉં. એનાં અંગોના અણુ અણુને અભિનવ તેજથી છલકાવી દઉં… મારું સ્વાસ્થ્ય એને આપી શકી હોત તો… કદાચ સાધના ઓછી પડી…

‘આજે મને કશાયની સામે ઇતરાજી નથી. પરંતુ આભાર તો હું બે વ્યક્તિઓનો જ માનીશ. એક અનિકેતનો જેણે મને સમજવા પ્રયત્ન કર્યો. હું એને મિત્ર કહીશ. બીજો આભાર અમૃતાનો, જેને કારણે હું પોતાને સમજવા મથ્યો, જેણે મારી સકળ ઇતરાજીઓને પોતાની અતુલ સહનશીલતા દ્વારા વિલીન કરી. ઉપેક્ષા દૂર કરીને એણે મારામાં અપેક્ષા જન્માવી. એની ઉપસ્થિતિમાં મને અનનુભૂત જાગૃતિ પ્રાપ્ત થઈ. અને તેથી જ મરણના શરણે જઈને જિન્દગી સામેનો છેલ્લો વિદ્રોહ કરી લેવાની કામના શમી ગઈ. મારે આ બધું કહેવું પડે છે તે એક વિવશતા છે. સમય મળ્યો હોત તો જીવી બતાવત. પરંતુ હવે જીવી બતાવવાનો અસંતોષ પણ શા માટે? અમૃતાના સમુદાર સાન્નિધ્યમાં હું એક સંપૂર્ણ જિન્દગી જીવ્યો છું. હું એને શું કહું? મિત્ર? ના. કારણ કે મને અભિપ્રેત છે તે અર્થની સંપૂર્ણતા એ શબ્દમાં વ્યક્ત નહીં થાય. હું એને અમૃતા કહીશ… અમૃતા!

‘મૃત્યુ પછી કોઈ પણ રીતે ટકી રહેવામાં મને રસ નથી. રસ હોય તો એ ઉચિત પણ નથી. મૃત્યુ સાથે મારું દાયિત્વ પૂરું થાય છે. તેમ છતાં મારું આ શરીર, જેને ત્યારે સહુ શબ કહેશે તે તબીબી વિદ્યાના વિદ્યાર્થીઓને ખપ લાગે તેમ હોય તો ભલે તેમ થાય. અગ્નિદાહ દ્વારા પંચભૂતોમાં ભળી જઈને મહાશૂન્યમાં એકરૂપ થઈ જવું મારા માટે આવશ્યક નથી. વળી, મૃત શરીરના કેટલાક અવયવો પ્રદર્શનમાં મુકાશે તો તે સામે પણ મને વાંધો નથી. તે સમયે રોગગ્રસ્ત માણસ પર દયા ખાતા દર્શકોને જોઈને અકળાવા માટે હું નહીં હોઉં. આજ પહેલાં મારી અકળામણ ક્ષીણ થઈ ગઈ છે.

‘મેં જે કંઈ લખ્યું છે તે પ્રગટ થતાં સર્વ જનોનું થઈ ગયું છે. તેથી મારા કોઈ લખાણને રદ કરી શકવા હવે હું અસમર્થ છું. અને એને રદ કરવાનો મોહ પણ શા માટે? પરંતુ હા, એ લખાણોને એકઠાં કરીને, એમને સજાવી મારું સ્મારક બનાવવાનો પ્રયત્ન ન થાય તે જોવું. ર્કીતિ દ્વારા અમર થઈને કોઈના સ્મરણનો બોજો બનાવા હું ઇચ્છતો નથી. એ અંગે વધુ સ્પષ્ટ થાઉં—

રેડિયો-એકિટવનો ભોગ બનીને હું બીજા વિશ્વયુદ્ધના અંતને જીવ્યો છું. હીરોશીમા જેનું ભોગ બન્યું તે તો કદાચ યુદ્ધ પણ ન હતું, કપટ હતું. ત્યાંના લક્ષાતીત માણસો આજે પણ એ કપટનું પરિણામ ભોગવે છે. રુગ્ણ થયા પછી હું એ અણજાણ અને અણદીઠ બાંધવો સાથે એકાત્મતા અનુભવી શક્યો છું. એટલા બધા માણસો સાથે હું આત્મીયતા અનુભવી શક્યો તેથી મને જીવનની સમગ્રતા પ્રાપ્ત થઈ છે.

‘જે લોકો માનવજાતિના ઇતિહાસમાં હારેલા ઓળખાય છે, જેમના વિનાશની વાતો જોવા મળે છે, તેમના સુધી પણ હું હીરોશીમાના અનુભવ પછી વિસ્તર્યો છું. આજે પણ આ પરમાણુ-વિસ્ફોટના પ્રયોગો ચાલી રહ્યા છે. એ દાયિત્વહીન વિસ્ફોટને પરિણામે ઊંચા આકાશમાં રચાતાં સ્થિર અશ્લીલ વાદળોને જોઈને કવિતા લખીને તિરસ્કાર વ્યક્ત કરતા, રૂઢિચુસ્તો દ્વારા અસામાજિક અને બેવકૂફ કહેવાતા એ કવિઓને મેં પુરસ્કાર્યા છે. હું એમના આક્રોશને જાણું છું. પરંતુ બીમાર પડ્યા પછી મેં યુદ્ધખોર કહેવાતા કોઈ પર કડવા અને તીખા વ્યંગ કર્યા નથી. હું કોઈને નિબિડભાવે તિરસ્કારી શક્યો નથી. મેં જોયું કે સમય અનંત છે. અને સમય એ જ ભવિષ્ય છે. ચિરંતન સમયના સંદર્ભમાં જેમને ઘણી મોટી માની હતી તે ઘટનાઓ સાવ નાની વરતાઈ છે. માણસ ભવિષ્યમાં માનતો થાય તો ભવિષ્ય એટલું બધું મોટું છે કે બીજું કંઈ એને સંતાપી ન શકે. હું જેમને તિરસ્કારતો હતો તેમનામાં અને મારામાં ઘણું મળતાપણું હતું. એ પણ માણસો જ હતા. માણસ માણસ સાથેનો સંબંધ ઉદ્વેગરહિત થઈને સમજવો જ રહ્યો. એમ કરી શકનાર એકલો નહીં રહે. જે માણસ પોતાને એકલો માને છે તેના ભીતરમાં પણ ઓછામાં ઓછું એક વિશ્વ તો વસે છે જે.’

રાતના પોણા બે વાગ્યા છે. અમૃતાએ ડાયરી બંધ કરી. ઠેકાણે મૂકી. એણે હિંમત એકઠી કરીને ઉદયનને કહેવા વિચાર્યું કે તારું આ ‘સરવૈયું’ તારી આત્મકથાની ભૂમિકારૂપે મૂકી શકાશે. તારે તો બહુ લાંબું આયુષ્ય ભોગવવાનું છે, તું જે જીવ્યો છે એ તો એની ભૂમિકા જેવું કહેવાય.

ઉદયનને કહેવા એના હોઠ ખૂલે છે ત્યાં એનો રહ્યો સહ્યો ભ્રમ પણ તૂટી ગયો. ઝડપથી ચાલતા શ્વાસને કારણે એનું મોં ખૂલી ગયું હતું. એ હાંફતો હતો. પાંચેક મિનિટના પ્રયત્ન પછી બળ એકઠું કરીને એ બોલ્યો—

‘મને લાગે છે કે આ બધું મેં તારા માટે અને અનિકેત માટે લખાવ્યું છે. આપણે અનેક બાબતોની ચર્ચા કરતાં રહ્યાં છીએ. અને મોટે ભાગે ચર્ચાને અધૂરી મૂકીને ઊઠી ગયાં છીએ. મને થયું કે આજે હું મારી તમામ અધૂરી ચર્ચાઓને સમેટી લઉં. આમ કરવાનું એક બીજું પણ કારણ છે. બાળપણથી માંડીને ગઈ કાલ સુધીનાં અનેક સ્મરણો હલ્લો લઈને આવી રહ્યાં હતાં. અને સતાવવા લાગી જતાં હતાં. તને લખાવવામાં ધ્યાન પરોવીને મેં એમની સામે કિલ્લેબંધી કરી છે. અને છતાંય કેટલાંક તો કાંગરા ઓળંગીને વચ્ચે આવી પડ્યાં છે. મારો વિચારપ્રવાહ વિક્ષુબ્ધ થઈ ઊઠયો હશે. તે ઉપરાંત કાગળ પર ઠેર ઠેર તારાં આંસુથી ભીંજાઈને મારા શબ્દો અને તારા અક્ષર ફેલાઈ ગયા હશે. અનિકેતને વાંચવામાં મુશ્કેલી પડે તો મારા વતી તું એ શબ્દને ઓળખી બતાવજે. બનતાં સુધી તો એ આવે ત્યાં સુધી હું હોઈશ..પણ પેલો પ્રશ્ન, તારો પ્રશ્ન…’

ડૉકટર આવ્યા. એમણે ઉદયનના માથે હાથ મૂક્યો. સેલાઈન સેટની સોય મૂકવામાં આવી હતી ત્યાં લાલ ઘેરા ડાઘ પડી ગયા હતા. એમણે નર્સને સોય પગમાં મૂકવાની સલાહ આપી. લોહીનું દબાણ માપ્યું. નાડીનો ધબકાર માપ્યો. એ અંગે કશું બોલ્યા વિના, કદાચ કશુંય વિચાર્યા વિના જ એ ચાલ્યા ગયા.

ઉદયનના શ્વાસ ટૂંકા અને ટૂંકા થતા જાય છે. બબ્બે મિનિટે ચહેરો સ્થિતિ બદલે છે.

અનિકેતને કહેજે કે…

અવાજ આગળ નીકળ્યો નહીં. અવાજ અવાજ ન રહેતાં શ્વાસ બની ગયો હતો. શ્વાસ અને ઉચ્છ્વાસ વચ્ચે કોઈ યતિ ન હતો. વેગથી ચાલતા ચક્રના આરા જેમ જુદા દેખાતા નથી, જેમ પંખાના પંજા ગતિ મળતાં જુદા દેખાતા નથી, તેવું જ એના શ્વાસોચ્છ્વાસ વિશે.

ઉદયન જાણી ગયો કે પોતાને હવે સ્વર નથી. છતાં આખું ભીતર એક વાક્ય કહેવા ઊમટી રહ્યું છે, એક વાક્ય, બસ એક વાક્ય…

અનિકેત અહીં હોત તો એને સંકેતથી સમજાવી શકત. અને એક સંકેત ત્રીજા માણસ સુધી તો કેવી રીતે પહોંચી શકે, જે હાજર નથી તેને કંઈ પહોંચાડવું હોય તો ભાષા જોઈએ.

નર્સ આવી. લોહીનું દબાણ માપી ગઈ… પેલો પ્રશ્ન…

અનિકેતને કહેજે કે… શું?… અમૃતા એ વાક્યના ઉત્તરાર્ધમાં શબ્દો ગોઠવવા લાગી. પણ શબ્દોના આંકડા મળતા ન હતા.

દૂરના દાદર પર ઝડપથી ચડતાં પગલાંનો અવાજ સંભળાયો. અનિકેત હશે? ઝડપ તો બરોબર પણ આ અવાજ… છતાં એણે બારણા બહાર જઈને જોયું.

છાપાંવાળો.

‘છાપું જોતા જોતા ડૉકટર આવ્યા. એમાં ઉદયનના સમાચાર છપાયા હતા. જાણીતા વાર્તાકાર, વિદ્વાન અને પત્રકાર… બીમારીના સમાચાર. ઈશ્વર એમને દીર્ધાયુષ્ય બક્ષે…

ડૉકટરે છાપું અમૃતાને આપ્યું અને બ્લડ-પ્રેશર માપ્યું. એમણે નોંધમાં જોયું. પહેલી નોંધમાં લખેલો આંકડો ઉત્તરોત્તર ઘટી રહ્યો હતો. પણ આ કક્ષાએ આંકડો ઘટી જાય અને દર્દી જીવે એ તબીબીવિદ્યાના નિયમોથી સાવ ઊલટું હતું. પ્રત્યક્ષ જોવા ન મળ્યું હોત તો આ દૃષ્ટાંત એમના માન્યામાં ન આવત. સાઠ, પંચાવન, ચાલીસ… આ શું?

શરીર ખૂબ ઠંડું પડી ગયું છે. લોહીમાંથી ઝેરને જુદું પાડવાની ક્રિયા હવે ચાલુ ન થઈ શકે. ડૉક્ટર પાછા વળ્યા. બે વૃદ્ધ સાહિત્યકારો સામા મળ્યા. ડૉકટરે એમને ગુડર્મોનિગ પાઠવી. એમની સાથે ડૉકટર પાછા આવ્યા. ઉદયને એમને પ્રણામ કરવાનો પ્રયત્ન કર્યો.

બંને વૃદ્ધો ભગ્ન ગતિએ પાછા વળ્યા અને બારણા બહાર જઈને ઊભા રહ્યા. એમના હાથમાં લટકતી નેતરની સોટીઓ સ્થિર હતી… પેલો… પ્રશ્ન…

દાદર પર દઢ પગલાંનો નક્કર અવાજ…

એ ભિલોડા પહોંચ્યો ત્યારે પ્રભાત થઈ ગયું હતું. ઉદયનનું ઘર શોધતાં વાર થઈ ન હતી. ખડકી ખુલ્લી હતી. બધાં બારણાં ખુલ્લાં હતાં. એ દાદર પર ચડી ગયો હતો. ઉંબરા પર ઊંધા પડેલા પીંજરામાં એક ઉંદર દોડાદોડ કરી રહ્યો હતો… અનિકેત પાછો વળી ગયો હતો. ગામની ફરતે વિશ્રાન્ત ડુંગરાઓ પર છવાયેલો પ્રસન્ન ઉજાસ એને દેખાયો ન હતો. એને જાણવા મળ્યું. ‘ગઈ કાલે અમદાવાદ ગયાં.’ ગતિનો આંક બતાવતું મીટર તૂટી જશે તો? એને એવી કોઈ ચિંતા થઈ શકે તેમ ન હતી. ઢોળાવ અને ચઢાણ આવતાં પણ ગતિ ઓછી થતી ન હતી. મોજાની ધાર પર ઊછળતી નાવની જેમ જીપ ચઢાણ ઓળંગી જતી હતી. વળાંક આગળ સડકની સીમાને વ્હીલ ભૂસી નાંખતાં હતાં. આજુબાજુની રમણીય સૃષ્ટિ એને દેખાતી ન હતી. જીપના કાચમાં પણ એનું પ્રતિબિંબ ઝિલાઈ શકે તેમ ન હતું. અનિકેતને માત્ર પોતાની દિશા દેખાતી હતી.

નવા ડૉકટર ડયુટી પર આવ્યા. નાડી પકડાતી ન હતી. લોહીનું દબાણ ત્રીસ હતું. અમૃતા બારી પાસે ગઈ અને એણે ભીની થવા લાગેલી આંખોને લૂછી નાંખી. અને ઉદયનના ડાબા પડખે જઈને ઊભી રહી. ડૉકટરે લોહીનું દબાણ ફરી માપ્યું, નવું મશીન મંગાવ્યું. માપ્યું. અઠ્ઠાવીસ… એમણે આશ્ચર્યથી નર્સ સામે જોયું. હેડકી… પહેલી… પાંચમી… સાતમી… પેલો પ્રશ્ન…

દાદર પર દૃઢ પગલાંનો નકકર અવાજ સંભળાયો હતો તે દ્વાર સુધી આવ્યો. ડૉકટર સ્તબ્ધ થઈ ગયા. આ કોણ આમ ભાન વિના પાગલની જેમ ધસી આવ્યો?

ઉદયનના હાંફતા છતાં ર્નિવિકાર ચહેરા પર એકાએક ગજબની ચમક ધસી આવી. એનું મસ્તક ઊંચું થયું અને હાથ ઊંચકાયા અને… અને… અનિકેત ભોંઠો પડીને એક ડગલું પાછો પડી ગયો.

સેલાઈન સેટની ટયુબના પારદર્શી ભાગમાં ટપકતું ઔષધ અટકી ગયું.

આ પ્રમાણે તે દિવસ સવારના સાડા આઠ વાગ્યે અમૃતા, અનિકેત અને કેટલાક અણજાણ ચહેરાઓની નિષ્ક્રિય ઉપસ્થિતિ વચ્ચે ઉદયન મૃત્યુ પામ્યો.

એ પછી તો—

ત્રણ ફૂટ પહોળા ખાટલાની બે બાજુએ સામસામે પરંતુ દૃષ્ટિશૂન્ય હોય તેમ અનિકેત અને અમૃતા ઊભાં હતાં. એમની વચ્ચે જે અવકાશ હતો તેની વચ્ચે એક જિન્દગી શબ બનીને પડી હતી.