ગુજરાતી કવિતાનો આસ્વાદ/શિશિર: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શિશિર| સુરેશ જોષી}} <poem> ખરખર ખરે પાનખર પર્ણ ઝરમર ઝરે. શિશિરન...") |
(No difference)
|
Revision as of 09:10, 29 June 2021
સુરેશ જોષી
ખરખર ખરે
પાનખર પર્ણ
ઝરમર ઝરે.
શિશિરની શીત લહર જરી વાય,
વૃક્ષની કાય
જીર્ણ અતિ, પત્ર પત્ર થર્થરે!
પીત અતિ શુષ્ક
ખડખડે, રુક્ષ
વૃક્ષથી ખરે,
હવામાં તરે,
ધીમેથી ધરતી પર ઊતરે;
એક પછી એક
ઝરંત અનેક
પત્રનો તંત
વહંત અનંત.
ઊઘડે તરુવર કેરી કાય,
ચીવરે પીત ધરા ઢંકાય;
વૃક્ષ નિજ રૂપ ધરંતું નગ્ન,
પીત ચીવરમાં ધરતી મગ્ન:
બેઉ તપ તપે,
પંખી પંખીની સોડે લપે.
– પ્રજારામ રાવળ (પદ્મા)
આપણી ઇન્દ્રિયોમાં પ્રમાણમાં વિશેષ સજાગ એવી ઇન્દ્રિયો બે: આંખ અને કાન. એમાં આંખને ‘નયન’ કહીને એ બીજી બધી ઇન્દ્રિયોને દોરે છે એમ પણ સૂચવાયું છે. છતાં, કેટલીક વાર દૃષ્ટિ જ્યાં ન પહોંચે ત્યાં કાન પહોંચી શકે છે. જે દૃષ્ટિસીમાની બહાર હોય તે શ્રુતિસીમાની અંદર હોઈ શકે છે. સ્પર્શને તો નિકટતા વગર ન ચાલે. કળાના નિર્માણમાં પણ મુખ્ય તૃપ્તિ આંખ અને કાનની જ થાય છે.
આપણે રસ્તેથી ચાલ્યા જઈએ છીએ અથવા બારી આગળ બેઠા છીએ. ઇન્દ્રિયોનું લક્ષ કોઈ એક વસ્તુ પર કેન્દ્રિત નથી, આપણે શૂન્યમનસ્ક છીએ. ત્યાં એકાએક કશોક અવાજ કાને પડે છે, સૌથી પ્રથમ કાન જાગે છે; માટે કવિ અવાજથી શરૂઆત કરે છે: ‘ખરખર ખરે.’ એ અવાજને શોધવા આંખ દોરવાય છે ને ત્યારે એ અવાજ તો પાનખરનાં ખરતાં પાંદડાંનો હતો તે દેખાય છે. આમ સાંભળવાનો ને દેખવાનો સરવાળો થતાં આખું સંવેદન પૂરો આકાર પામે છે.
પહેલી લીટીમાં ખરતાં પાંદડાંની શુષ્કતાને સૂચવતો રુક્ષ અવાજ ‘ખરખર’ હતો તે ત્રીજી લીટીમાં બદલાઈ ગયો. ક્રિયા પણ બદલાઈ ગઈ. જ્યારે ખરવાનું સતત ચાલુ રહે ત્યારે એ ‘ખરવું’ મટીને ‘ઝરમર’ બની પડે. જ્યાં તૂટક તૂટકતા છે ત્યાં રુક્ષતા છે, જ્યાં ક્રિયાની ધારાવાહિતા છે ત્યાં તો ઝરમરનું સંગીત છે, પણ એ સંગીત આંખની મદદ વિના સિદ્ધ થયું ન હોત. અવાજ તો સંભળાયો એક જ ખરતા પાંદડાનો; પણ જ્યારે આંખ એ તરફ વળી ત્યારે અનેક પાંદડાંઓને વર્ષાની ઝરમરની જેમ ઝરતાં જોયાં. આમ ઇન્દ્રિયો સાથે મળીને એક વસ્તુને અનુભવગોચર બનાવે ત્યારે વસ્તુનું રૂપ જ બદલાઈ જાય.
કાન અને આંખ પછી વારો આવ્યો સ્પર્શનો – શિશિરની શીત લહરીનો સ્પર્શ થયો. કવિએ ‘લહર’ શબ્દ વાપરીને વળી ‘જરી’ શબ્દ ઉમેર્યો છે. આમ તો ‘લહર’માં જ લઘુતા, નાજુકતાનું સૂચન છે પણ ‘જરી’ ઉમેરીને એની માત્રા કેમ વધારી હશે? એની પછીની પંક્તિ વાંચો:
વૃક્ષની કાય
જીર્ણ અતિ, પત્ર પત્ર થર્થરે!
આટલી જરી સરખી લહરે વૃક્ષની જીર્ણતાને પ્રકટ કરી, પાંદડે પાંદડું થરથરી ઊઠ્યું! ફરી આ પંક્તિ વાંચી જુઓ: ‘પત્ર પત્ર થર્થરે.’ તરત જ ખરતાં પાંદડાંના ખરવાના અવાજ સાથે શીતના કમ્પનો પણ ભેગો અનુભવ થશે. પહેલાં કાન અને આંખે ભેગાં થઈને એક અનુભવ કરાવ્યો.
જીર્ણતા તરફ આપણું ધ્યાન વાળતાં કવિ હવે ત્રણે ઇન્દ્રિયોને ભેગી રાખીને આખા અનુભવને નવી સમગ્રતા અર્પે છે. અહીં પણ આપણે શરૂઆત કરીએ છીએ – જીર્ણતાસૂચક પીળા રંગથી, રુક્ષ અને કર્કશ ખડખડાટથી. પણ ખરવાની ક્રિયા વળી અન્તમાં ‘તરવા’માં બદલાઈ જાય છે.
વૃક્ષ પરથી અલગ થતાં વૃક્ષની સ-રસ સજીવતાથી અલગ થવાના આંચકામાં રહેલી કર્કશતા ખરવાની ક્રિયાના પૂર્વાર્ધમાં તો રહી જ છે પણ વૃક્ષનો ખોળો છોડીને પાંદડું હવાને ખોળે બેસે છે કે તરત તરવા માંડે છે. આપણી આંખો સમક્ષ હવામાં સેલારા મારતું પાંદડું તરત ખડું થાય છે. અને અન્તે, પૃથ્વી ઉપર એ ઊતરે છે ‘(તરે’માં કેવળ ‘ઊ’ ઉમેરીને તરવાની અને ઊતરવાની ક્રિયા વચ્ચેનું સંક્રમણ કવિએ કેવી ખૂબીથી બતાવી દીધું છે!) ત્યારે એનામાં હળવાશ છે, મરણમાં રહેલી જડતાનો ભાર નથી.
આટલે આવ્યા પછી કવિ ફરી આપણું ધ્યાન ખરતાં પાંદડાંની ધારાવાહિતા તરફ ખેંચે છે. જો વિચ્છિન્ન કરીને એકને જ ખરતું જોઈએ તો કદાચ આપણે વ્યાકુળ થઈ જઈએ. પણ ક્રિયામાં રહેલી ધારાવાહિતા આપણા મનને એમાં તરતું કરી દે છે; ને પાણીમાં તરતા હોઈએ ત્યારે પાણી આપતા શરીરનો થોડો ભાર પોતે ઉપાડી લે છે તેમ ખરવાની ક્રિયાનું આ સાતત્ય જ વિચ્છેદના વિશ્લિષ્ટ ને એકાંગી અનુભવમાં રહેલી વ્યાકુળતાનો બોજ ઉપાડી લે છે; અને આપણું ધ્યાન અનન્ત વહન તરફ જ વળે છે. અહીં પણ આ વહનની અનન્તતા સૂચવવા અનુનાસિકના રણકારની – એક રણકારમાંથી પ્રતિધ્વનિત થતા બીજા રણકારની પરમ્પરા કેવી સરસ ગોઠવી છે!
ઝરંત અનેક
પત્રનો તંત
વહંત અનંત…
આ કક્ષા સુધી લાવ્યા પછી કવિ આ અનુભવનું રહસ્ય પ્રકટ કરે છે; અને અહીં એક પ્રાકૃતિક ઘટના વિસ્તરીને સૃષ્ટિક્રમમાં પ્રવર્તતા ઋતને પ્રકટ કરવામાં લેખે લાગે છે. વૃક્ષે વસ્ત્રનો ત્યાગ કરીને નિરાવરણતાને સ્વીકારી, તો વૃક્ષે ઉતારેલા એ વસ્ત્રને જ ધરાએ ધારણ કરી લીધું. અહીં પાંદડાંઓનો પીળો રંગ બૌદ્ધ શ્રમણોનાં પીળાં ‘ચીવર’ની યાદ આપે છે. પીળા રંગની સાથેના આ અધ્યાસને કવિ ઉપયોગમાં લઈ લે છે અને આમ તપશ્ચર્યાનો ભાવ કૃત્રિમ રીતે આરોપિત થયો હોય એમ લાગતું નથી. વૃક્ષ નિરાવરણ બનીને તપ કરે છે. ધરતીને પીત ચીવર ધારણ કરાવીને શિશિરમાં અનુભવાતી એક પ્રકારની મગ્નતાનો પણ કવિ અહીં ઉલ્લેખ કરે છે. વસન્તની સમૃદ્ધિના અધિકારી બનવાને માટેનું આ તપ છે તે કવિએ પ્રકટ કર્યું નથી તે સર્વથા ઉચિત જ છે.
કાવ્યની છેલ્લી પંક્તિમાં કવિએ અણધારી ઉપમા પ્રયોજી દીધી છે. વૃક્ષ અને ધરતી તપ તપે છે. એ તપ જ બંનેને નિકટ લાવે છે. શિશિરની શીતનો કમ્પ જ આપણા એકાકીપણાનું ભાન કરાવીને કોઈની સોડની હૂંફ શોધવા પ્રેરે છે. આ નિકટતાનું સુન્દર પ્રતીક તે પંખીની સોડમાં હૂંફ પામવા લપાતું પંખી. આ પ્રતીકની યોજનાથી નિકટતાની અનુભૂતિ સુરેખ આકાર ધારણ કરી રહી છે. ખરતું પાદડું વિચ્છેદને પ્રકટ કરે છે. આમ કાવ્ય વિચ્છેદની વાતથી શરૂ કર્યું પણ અન્તમાં તપમાં જ અનુભવાતી અભિન્નતા સુધી આપણને કવિ લઈ આવ્યા. આમ ખરતાં પાંદડાંની સાથે ખરતાં ખરતાં આપણે પણ પીત ચીવર બનીને કોઈનું આચ્છાદન બની ગયા. આપણે પણ વિચ્છેદથી નિકટતા સુધીની યાત્રા પૂરી કરી.
કાવ્યમાં ખરતા પાંદડાના લયને પણ કવિ પકડી શક્યા છે. એ હવામાં જે રીતે સેલારા લેતું, તરતંુ તરતંુ નીચે ઊતરે છે તે ગતિના લયને અનુરૂપ કાવ્યમાં એમણે લય યોજ્યો છે. એ માટે આખું કાવ્ય ફરી એક વાર સાંભળો.
ઇન્દ્રિયસન્તર્પકતાની દૃષ્ટિએ પ્રજારામ કવિ કાન્તની પરમ્પરાના કવિ છે. {{Poem2Close}