કિંચિત્/કાવ્યનો આસ્વાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કાવ્યનો આસ્વાદ| સુરેશ જોષી}} {{Poem2Open}} અમેરિકાના કવિ મેક્લિશે...")
(No difference)

Revision as of 10:30, 29 June 2021


કાવ્યનો આસ્વાદ

સુરેશ જોષી

અમેરિકાના કવિ મેક્લિશે એક વાર કહેલું કે કવિતાના સૌથી મોટા શત્રુ તે કવિતાનું શિક્ષણ આપનારા અધ્યાપકો છે. આપણા અભ્યાસકાળને યાદ કરીશું તો આ વિધાનનું સમર્થન કરનારા પ્રસંગોની સ્મૃતિ તાજી થશે. જે કવિતા, વર્ગ બહાર, આનન્દથી વાંચીવંચાવી હોય તે જ જ્યારે વર્ગમાં શિક્ષક ‘ચલાવે’ ત્યારે કેવી શુષ્ક પ્રાણહીન બની જતી? જેઓ સારા શિક્ષકો મેળવવાને ભાગ્યશાળી બન્યા હોય તેમની વાત જુદી, પણ મોટે ભાગે કવિતા શિક્ષકના હાથમાં આવે એટલે પદ્યની અતન્ત્ર અરાજકતામાં શબ્દો સ્વચ્છન્દી બની ગયા હોય એમ માનીને એમના પર વ્યાકરણનું શાસન સ્થાપી, કર્તા કર્મ ક્રિયાપદને શોધી, એ બધાંને યથાસ્થાને ખડાં કરી દઈ ફરીથી કાયદો અને વ્યવસ્થા સ્થાપવામાં આવે. પણ કાયદો અને વ્યવસ્થાના આ સુશાસિત રાજ્યમાંથી કવિતા કઈ ઘડીએ બહારવટું ખેડીને છટકી જતી તેની કશી ખબર પડતી નહિ. આથી આગળ વધીને કેટલીક વાર કેન્દ્રવર્તી વિચારની શોધ ચાલતી, તો કેટલીક વાર હિંમત કરીને કવિતાના ‘રસદર્શન’ સુધી પહોંચી જવાતું. આ ‘રસદર્શન’ પણ શાસ્ત્રીય પદ્ધતિએ કરવામાં આવે. વિભાવ, અનુભાવ, સ્થાયી, સંચારીની ધરપકડ કરીને એમાંથી આખરે રસને ખડો કરી દેવામાં આવે. કોઈ વાર રસ સીધો હાથમાં ન આવે તો પોતાના નામ જેવા નિરુપદ્રવી ‘શાન્ત’ રસને મદદે બોલાવી એવી વિકટ પરિસ્થિતિમાંથી ઊગરી જવાની ગોઠવણ પણ કરી લેવાતી. સાદીસીધી ભાષા કાંઈ કાવ્યમાં ચાલે નહિ, માટે ઝડઝમક જોઈએ; ઉપમાઉત્પ્રેક્ષા રૂપકાદિની ટીપકીઓ ચોંટાડવી જોઈએ. એમાં થોડીક બારીક ઝીણવટ અને કૈશિકી પૃથક્કરણ કરવાની કસરતને પણ અવકાશ રહેતો: આ સમાસોક્તિ છે કે દૃષ્ટાન્ત? આ તદ્ધિત્ગા ઉપમા કહેવાય? અહીં અપહ્નુતિ અને શ્લેષનો સંકર થયો કહેવાશે કે સંસૃષ્ટિ? – આવા નાનામોટા ચુકાદાઓ આપવાની પરિસ્થિતિ પણ ઊભી કરવામાં આવતી. એથી આગળ વધતાં તત્કાલીન સામાજિક પરિસ્થિતિ, કવિની જીવનદૃષ્ટિ, રશિયાનો સામ્યવાદ, ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળ વગેરે પરિબળો – કવિતા જાણે આ બધાંનું બનાવેલું સંભારિયું હોય તેમ એ મસાલાનો પણ વિદ્વત્તાપૂર્ણ અહેવાલ આપવામાં આવતો. એથી પણ આગળ વધીને વધસ્થાને લઈ જવાતા ગુનેગારના છેલ્લા સંદેશની જેમ, કાવ્યના સંદેશની પણ ખબર રાખવામાં આવતી. અનેક પ્રકારના વર્ગીકરણનાં ચોકઠાંઓમાં કવિતાને છિન્નવિચ્છિન્ન કરવામાં આવતી. કવિતાના પરના બળાત્કારના ઘણા નમૂનાઓ આપણા કાવ્યવિવેચન-સાહિત્યમાંથી, શોધનારને જડી રહેશે.

કાવ્યનિવેદન રસિકોને અર્થે હોય છે ને રસિકો કાવ્યનો આસ્વાદ માણવા ઇચ્છે છે. કાવ્યને માણીને જાણી શકાય કે જાણીને માણી શકાય?કાવ્યમાં માણવું અને જાણવું એ પૂર્વાપર અવસ્થાઓ નથી, બંનેની યુગપદ્ સ્થિતિ છે એમ કહેવું જ ઉચિત લેખાશે. આપણે આ માણવાજાણવાની કળા વિશે થોડું વિચારીએ.

મારી સામે પડેલી ખુરશી વિશે વર્ણનાત્મક વિધાનો કરવામાં આવે તો એ પરત્વે મતૈક્ય, મોટે ભાગે, સિદ્ધ થઈ શકે. એ ‘ખુરશી’ નામના પદાર્થની રચના બહુ સ્પષ્ટ છે: એના ચાર પાયા ને એની પીઠ, એના હાથા, વાનિર્શનો રંગ – આ બધાં વિશે ઝાઝો મતભેદ સમ્ભવે નહિ. પણ ‘કવિતા’ નામના પદાર્થ વિશે આવું મતૈક્ય સમ્ભવે ખરું? ખુરશીની રચનાથી કંઈક વિશિષ્ટ પ્રકારની એની રચના છે. આપણે કદી ન જોયેલા, અપરિચિત, યન્ત્રની અટપટી રચના એના જાણકારે આપેલા નકશાની મદદથી આપણે સમજી લઈએ. એની રચનામાં જો મતભેદ રહે તો તે આપણા અજ્ઞાનને લીધે, એ દૂર થતાં મતભેદને અવકાશ રહે નહિ. આમ ખુરશી કે યન્ત્રની રચના અને કાવ્યની રચના પરત્વે આ ભેદ નોંધવા જેવો છે. કાવ્યની રચના પરત્વે છન્દનું જ્ઞાન, શબ્દાર્થનું જ્ઞાન, કાવ્યના વિષયનું જ્ઞાન હોવા છતાં એ પરત્વે એકવાક્યતા હંમેશાં સમ્ભવતી નથી. એનો અર્થ એ કે કાવ્યની રચનામાં એવું કશુંક છે જે કેવળ છન્દના, શબ્દાર્થના કે વિષયના જ્ઞાનથી આપણી પકડમાં આવતું નથી. આ અગ્રાહ્ય તત્ત્વ તે શું છે ને એનો સ્વભાવ આમ અગ્રાહ્ય અથવા તો દુર્ગ્રાહ્ય રહેવાનો છે કે કેમ તે આપણે તપાસવું જોઈએ.

ઘડીભર આપણે કાવ્યમીમાંસામાં વપરાતી બધી પારિભાષિક સંજ્ઞાઓને ભૂલી જઈએ. એ સંજ્ઞાઓ કાવ્યને વર્ણવવાને આપણે યોજીએ છીએ. એ સંજ્ઞાઓ કાવ્યના વર્ણનમાં બને તેટલી એકવાક્યતા આણવામાં મદદ કરે છે. અમુક કાવ્યમાં અમુક પંક્તિમાં કયો અલંકાર છે એ વિશે કે અમુક કાવ્યનો છન્દ કયો છે એ વિશે મતભેદ સમ્ભવે નહિ. પણ એ અલંકાર કે એ છન્દ કાવ્યના કાવ્યત્વમાં શો ભાગ ભજવે છે, કાવ્યનું કાવ્યત્વ શેમાં રહેલું છે એ પરત્વે મતભેદ રહેવાનો. કાવ્ય જેમ વધારે સમૃદ્ધ, સત્ત્વવાળું તેમ આવા મતભેદને અવકાશ ઝાઝો રહે એમ પણ બને. બાહ્ય દૃષ્ટિએ સરળ રચનાવાળું લાગતું કાવ્ય, એના સંવિધાનને તપાસીએ ત્યારે, એ દેખીતી સરળતા પાછળ સંકુલ સમૃદ્ધિ છુપાવી બેઠેલું દેખાય છે. આ સમૃદ્ધિ કવિએ વાપરેલા અલંકાર કે છન્દનું નામ દઈ દેવાથી આપણા હાથમાં આવતી નથી. કવિએ આ પ્રતીક યોજ્યું છે એમ કહેવાથી પણ કશો ફેર પડતો નથી. આવી સંજ્ઞાઓનો ઉપયોગ કાવ્યના આસ્વાદને માટેના સાચા પ્રયત્નમાંથી આપણને ઉગારી લે છે. પણ આવી કોઈ સંજ્ઞાઓને વચમાં લાવ્યા વિના, કાવ્યમાં શું બને છે, કવિકર્મનો શો વિશેષ છે, તે જાણવું કાવ્યના આસ્વાદ માટે જરૂરી છે. કાવ્ય આપણી પકડમાં આવે તે માટે એને સંકોચવું, હ્રસ્વ કરવું એના કરતાં કાવ્યની સાથે આપણે વિસ્તરીએ તે વધારે ઇષ્ટ છે. શાસ્ત્રીયતા કે એકવાક્યતાને નામે કાવ્યના આસ્વાદને જતો કરીને આપણને અભિમત લાગણીઓ કે ભાવનાઓ જોડે તાળો મેળવવાનો, અમુક નિયમો કાવ્યમાં પળાયા છે કે તૂટ્યા છે તેની તપાસ કરવાનો કે કાવ્યને પહેલો બીજો નંબર આપવાનો વ્યવસાય આપણા અહંને પોષક ભલે હોય, કાવ્યાસ્વાદને માટે તો અપ્રસ્તુત જ છે એ હકીકતનો સ્વીકાર થવો જોઈએ.

આપણે જે ભાષા વાપરીએ છીએ તે જ ભાષા કવિ વાપરે છે. કવિ આપણામાંનો જ એક હોઈ એનાં સુખદુ:ખ, રાગવિરાગ આપણા જેવાં જ હોય છે; ને તેમ છતાં જ્યારે કાવ્ય વાંચીએ છીએ ત્યારે એ ભાષા પાસેથી કવિ જુદા જ પ્રકારનું કામ લેતો હોય એમ લાગે છે. આપણને પરિચિત લાગણીઓનાં રૂપ કવિતામાં બદલાઈ ગયેલાં લાગે છે. આ શી રીતે બને છે તે જોઈએ તો કવિ શો કીમિયો કરે છે તે કદાચ સમજી શકાય.

આપણો મોટા ભાગનો વ્યવહાર ગદ્ય ચલાવી આપે છે માટે ગદ્યનો આપણા પર દોર ચાલે છે. આથી જે પદ્યમાં હોય તેને ગદ્યના અન્વયના ચોકઠામાં મૂકી દેવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ ગદ્ય જે વ્યવહાર ચલાવી આપે છે તેનો અન્વય અને આપણા ભાવજગતના વ્યવહારનો, પદ્યમાં પ્રકટ થતો, અન્વય – આ બેમાં ભેદ રહેલો છે. આપણે એક કાવ્યપંક્તિ લઈએ:

બેઠી ખાટે, ફરી વળી બધે, મેડીએ ઓરડામાં;

બ.ક.ઠાકોરના ‘જૂનું પિયરઘર’ નામના કાવ્યમાંની આ પહેલી પંક્તિ છે. છન્દને જાણનાર કોઈ પણ, વિના મુશ્કેલીએ, કહી શકશે કે આ પંક્તિ મન્દાક્રાન્તા છન્દમાં લખાયેલી છે. એમાં વાપરેલા શબ્દો આપણે સામાન્ય વ્યવહારમાં વાપરીએ તેવા જ, પ્રથમ દૃષ્ટિએ, લાગે છે. એનો ગદ્યાન્વય કરવો મુશ્કેલ નથી. (તે) ખાટે બેઠી, મેડીએ ઓરડામાં – બધે ફરી વળી. પણ આટલાથી આપણને કાંઈ સન્તોષ થતો નથી. તરત જ આપણને લાગે છે કે કશુંક આપણી પકડની બહાર રહી ગયું. પંક્તિ તરફ ફરી એક નજર નાખીએ:

બેઠી ખાટે, ફરી વળી બધે…

એક વાત નજરે ચઢે છે: કવિ શરૂઆત કરે છે ‘બેઠી ખાટે’ કહીને, ને તરત જ એને ઉઠાડીને બધે ફેરવે છે. અહીં એક પ્રકારની વ્યાકુળતા, અસ્વસ્થતાની મુદ્રા સાકાર થઈ ઊઠે છે. કાવ્યનો સન્દર્ભ આવો છે: પરણ્યા પછીથી પતિ સાથેનો પ્રથમ દીર્ઘ સહવાસ માણીને, પ્રથમ પ્રસૂતિ નિમિત્તે, કાવ્યની નાયિકા ફરી પિયર આવી છે. આ પિયરઘર હવે ‘જૂનું’ લાગે છે, કારણ કે હમણાં જ એ જીવનના એક સાવ નવા અનુભવને માણીને આવી છે. એ અનુભવની નિત્યનવીનતાને આ ‘જૂનું’ શબ્દ વાપરીને કવિએ ઊપસાવી છે. સાસરે તો એ ખાટ પર સાધારણ રીતે ન બેસે, પણ પિયરમાં તો એવો આરામ ભોગવવાનો એનો અધિકાર; માટે કાવ્યની શરૂઆત આ અધિકારના ભોગવટાથી થઈ. પણ ખાટ પર બેસતાંની સાથે જ પોતે એકલી છે એનું તીવ્ર ભાન થયું; જે જીવનની નાનીમોટી બધી જ ક્રિયામાં પોતાની સાથે અવિચ્છિન્નપણે એક થઈ ગયો છે તેની અનુપસ્થિતિનું શૂળ એને વીંધી ગયું ને એ બેઠી ન બેઠી ત્યાં તરત જ ઊભી થઈ ગઈ, માત્ર ઊભી જ ન થઈ, બધે ફરી વળી. પ્રિયતમની સતત ઉપસ્થિતિથી ટેવાયેલી એ એની આવી અનુપસ્થિતિ એ ભ્રાન્તિ જ હશે એમ માનીને, અધીરી બનીને, એ ક્યાંક આટલામાં જ હશે એમ ધારી એને શોધવા મેડીએ ઓરડામાં બધે ફરી વળે છે. આ વ્યાકુળતાનો દ્રુત લય કવિ, મન્દાક્રાન્તાના સાર્થક ઉપયોગથી, પ્રકટ કરે છે. મન્દાક્રાન્તાના પ્રથમ ચાર ગુરુ ખાટ પર નિશ્ચિન્તતાથી બેસતી નાયિકાની આસાયેશની, આરામની લાગણી પ્રકટ કરે છે; પણ તરત જ, પેલી અનુપસ્થિતિનું ઉગ્ર ભાન થતાં, એ ઊભી થઈ જાય છે ને બધે ફરી વળે છે. આ ત્વરિતતા, આ બાવરી ગતિ, મન્દાક્રાન્તામાં પહેલા ચાર ગુરુ પછી એક સાથે આવતા પાંચ લઘુની મદદથી, કવિએ પ્રકટ કરી છે. આમ ભાવજગતનો આવો ક્રમિક વિલમ્બિત અને દ્રુત લય અને એની મદદથી નાયિકાની મૂર્ત થતી છબિ પેલા ગદ્યાન્વયમાં આપણને મળતી નથી. આથી આગળ વધીને આપણે એમ પણ કહીએ કે પ્રથમ પ્રસૂતિ માટે પિયર જતી નાયિકાનો મનોભાવ એને કાવ્યનો વિષય લેખીએ તો વિષય લેખે એમાં કશું નાવીન્ય નથી. પણ એ નિમિત્તે ભાષા, છન્દ અને ભાવસન્દર્ભનું કવિએ જે સંવિધાન કર્યું છે એમાં કવિકર્મનો વિશેષ પ્રગટ થાય છે.

કવિ આમ ભાષા, છન્દ આદિ સામગ્રીની મદદથી જે વિશિષ્ટ પ્રકારનું સંવિધાન કરે છે તે કાવ્યને કાવ્યત્વ અર્પે છે. કાવ્યને માટે આવું વિશિષ્ટ સંવિધાન અનિવાર્ય છે. આપણને જે લાગણી થાય છે તેનું યથાતથ સંક્રમણ કરવું અશક્ય છે. કોઈને એકલતાનો અનુભવ થતો હોય તો તે વર્ણવવાને ‘મને એકલું એકલું લાગે છે’ એમ જો એ કહે તો એથી કહેનાર કે સાંભળનાર આગળ આ એકલતા મૂર્ત થઈ ઊઠતી નથી; એ ભાવને આકાર મળતો નથી. આપણું સંવેદન ઇન્દ્રિયગ્રાહ્ય હોય છે. માટે એની મૂર્તતા માટે એ બધી ઇન્દ્રિયોના પરિમાણનો વિષય બની રહે તો જ એ સાચા અર્થમાં વાસ્તવિક બને. આ એકલતાના અનુભવની તીવ્રતા જ મને મારી તત્કાલીન ચિત્તસ્થિતિની સંકીર્ણતામાંથી બહાર કાઢીને આ એકલતાના સ્વરૂપને સ્ફુટ કરવામાં ઉપકારક નીવડે એવી સ્મૃતિમાં સચવાયેલી વેરવિખેર સંવેદનાઓ, અધ્યાસ – આ બધાંને પોતા તરફ ચુમ્બકીય બળથી આકર્ષીને એનો એક ભાવપુદ્ગલ રચી આપે છે. અપૂજ શિવમન્દિરમાંના ગભારામાંનો, દીપથી અજવાળાયા વિનાનો એકાકી સૂનો અન્ધકાર, સાંજવેળાની નિસ્તબ્ધતામાં મન્દિરની આરતીનો પ્રસરી જઈને લોપ થતો ઘણ્ટારવ, જીર્ણ અવાવરુ વાવને તળિયે શેવાળ બાઝેલા પાણી પર કોઈક છિદ્રમાંથી આવી ચઢેલું અટૂલું સૂર્યકિરણ – આવી ધ્વનિની, દૃશ્યની વિક્ષિપ્ત ઘટનાઓ એકાએક એકસૂત્રે ગુંથાઈ જઈને મારી એકલતાની અનુભૂતિને સાકાર કરી આપે છે. આ રીતે સાકાર થયેલી અનુભૂતિને ભાષામાં પ્રકટ કરતી વેળાએ ઘુમ્મટના પોલાણમાં ઘૂમરાતા અવાજના ગુણવાળા ગોરંભાતા વર્ણોની યોજના કરીને એ એકલતાને વધુ મૂર્ત કરી શકાય. આ રીતે મૂર્ત થયેલી એકલતા પછીથી મારી અમુક સમયની ભાવાવસ્થા મટી જઈને, આ પ્રક્રિયાઓમાંથી પસાર થવાને કારણે, વ્યક્તિનિરપેક્ષ સ્થળકાળનિરપેક્ષ સદાને માટે આસ્વાદ્ય એવી કળાકૃતિ બની રહે છે. કેટલીક વાર આપણે આપણા ચિત્તમાં સંચિત થયેલી ધ્વનિની મુદ્રાઓ, સ્પર્શની સ્મૃતિ વગેરે વિશે પૂરતા સજાગ કે ક્રિયાશીલ નથી હોતા ત્યારે આ બાબતમાં પટુકરણ કવિ પોતાની ભાવની મૂર્તતાને સિદ્ધ કરવાને આવી સામગ્રીનો સફળ વિનિયોગ કરે તે આપણી નજરે ચઢતું નથી. ટેનિસનની આ પ્રખ્યાત પંકિત આપણે લઈએ: Between the loud stream and the trembling stars. અહીં નીચેનું ઝરણું અને ઉપરના આકાશના ટમકતા તારાઓ – બે વચ્ચેની વિશાળતાના ઉપર સેતુ રચવો હોય તેમ, l, s, t, n, m – આ વર્ણોની યોજના કવિએ કરી છે એ કદાચ પ્રથમ દૃષ્ટિએ આપણે ન જોઈ શકીએ; પણ બીજી વાર આ લીટીનો પાઠ કરતાં એ તરત આપણું ધ્યાન ખેંચશે.

આમ કવિકર્મનો વિશેષ એ છે કે જે આપણી ભાષાની પકડની બહારની વસ્તુ છે તેને એ સંવેદ્ય ને આસ્વાદ્ય બનાવી આપે છે; એમાંથી એની તાત્કાલિકતાને ગાળી નાખે છે; એને માટે જે આકાર ઘડે છે તેમાં, આકારની દૃઢ સીમામાં રહીને, એના આકલનની અનેકવિધ શક્યતાઓનો અવકાશ રાખે છે. આપણે જેને કાર્યકારણની આનુપૂર્વીમાં ગોઠવીને અવગત કરીએ છીએ તેટલી જ આપણી વાસ્તવિકતા નથી. પ્રત્યેક પળે એકબીજા જોડે અનેક પ્રકારના સમ્બન્ધમાં આવી રૂપાન્તરિત થયા કરતી એ તો એક ભારે સંકુલ અવસ્થા છે. ભાષામાં વાક્યબન્ધનો અન્વય તો આનુપૂર્વીને વશ વરતે છે. એવી ભાષાને જ માધ્યમ તરીકે સ્વીકારીને પેલી સંકુલ અવસ્થાનું નિરૂપણ કરવાનું કવિ માથે લે છે. આવો ચમત્કાર એ શી રીતે સિદ્ધ કરે છે તે જોવું ભારે રસભર્યું થઈ પડે છે. કાવ્યના આસ્વાદની સાચી સામગ્રી એ છે. આને માટે એ શબ્દોના ધ્વનિને ખપમાં લે છે, ઇન્દ્રિયોનાં પરિમાણને બદલે છે – જે શ્રવણગોચર હોય તેને સ્પર્શક્ષમ કે દૃષ્ટિગોચર બનાવે છે; પ્રથમ નજરે આ સંવિધાન ન દેખાય એમ બને, પણ એક વાર એવા સંવિધાનનો અણસારો મળે કે તરત કાવ્યમાં ઘટક અંશો તરીકે યોજાયેલાં અંગોની વચ્ચેનું પારસ્પરિક આદાનપ્રદાન, વૃદ્ધિપૂર્તિ જોવાનું રસપ્રદ બની રહે. કાવ્યમાં આ બધાંની ક્રમબદ્ધ ગોઠવણી છે એમ નહીં, પણ કવિએ યોજેલા સન્દર્ભની વિશિષ્ટ આબોહવામાં એક નવા જ પ્રકારની સજીવતા પ્રાપ્ત કરીને આપણા રસાસ્વાદની પ્રત્યેક પળે એ અંગો કાવ્યને વધુ ને વધુ ઉપકારક બનતાં રહે છે. આ સન્દર્ભ ને એની વિશિષ્ટ આબોહવા કવિ શી રીતે સરજે છે? આપણે આ સમજવા માટે એક દૃષ્ટાન્ત લઈએ: હું 8’ટ12’ની સાંકડી ઓરડીમાં બેઠો છું. ઓરડીમાંનો અસબાબ મારા તરફ ધસી આવીને રૂંધામણ ઊભી કરે છે. ત્યાં મારી નજર દીવાલ પરના એક ચિત્ર પર પડે છે. એ ચિત્રમાં નાના શા ફલક પર આછીપાતળી, બાળકના અસ્થિર હાથે દોરાઈ હોય એવી, રેખાઓના ગૂંછળા છે. એક રીતે જોઉં છું તો માત્ર આટલું જ દેખાય છે. એક કાગળના ટુકડા પર થોડીક, અમુક રીતે દોરેલી, લીટીઓ. પણ તરત જ મને એમાં બીજું કશુંક દેખાય છે ને એ વધારે સાચું લાગે છે. એ ચિત્રમાં, લાંબા વખતથી ઉપેક્ષિત થઈને પડી રહેલો, બાગ મને દેખાય છે. એમાંની અતન્ત્ર અરાજકતાનો વિસ્તાર જોઈને હું મારી 8’ટ12’ની ઓરડીમાં સ્થળના નવા જ પરિમાણનો પ્રત્યક્ષ અનુભવ કરું છું. આમ મારી સાંકડી ઓરડીમાં સંકુચિત સ્થળના પરિમાણની ભૂમિ પર જ આ ઉપેક્ષિત ઉદ્યાનની વિસ્તૃત અરાજકતાની નવી વાસ્તવિકતાનું નિર્માણ થયું. આટલેથી વાત અટકતી નથી. એને જોતાં મને મારા હૃદયની ઉપેક્ષિત અતન્ત્રતાનો નવે રૂપે સાક્ષાત્કાર થયો, ને એ સ્થિતિમાંથી પસાર થયા પછી હું કેવળ ઉપેક્ષિત અરાજકતાના એ મૂર્ત રૂપને જ માણી રહ્યો. આમાં જેમ ‘આભાસી વિસ્તૃતિ’ની રચના થઈ તેમ કાવ્યમાં પણ શબ્દની મદદથી આવી ‘આભાસી’ (પૈોિચન) વિસ્તૃતિ કે આભાસી સંકોચ, આભાસી ઘનતા કે લઘુતા, આભાસી મસૃણતા કે પેશલતા ઊભી કરી શકાય. એ અમુક શબ્દોથી થતી નથી, અલંકારથી થતી નથી, પ્રતીકથી થતી નથી, પણ આ બધાંના વિશિષ્ટ સંવિધાનથી રચાયેલા સન્દર્ભમાં એ નીપજી આવે છે. સંગીતમાં સમયના પ્રવાહનો સાક્ષાત્કાર થાય છે; ચિત્ર અને સ્થાપત્ય કે શિલ્પમાં સ્થળના પરિમાણનું પુનવિર્ધાન દેખાય છે. કવિતામાં કવિ એકી સાથે આ બંનેને સિદ્ધ કરે છે. કાવ્યની એક પંક્તિમાં એવો ઘોષ હોય કે એ પૂરી થયા પછી ક્યાં સુધી એની ચારે બાજુ નિસ્તબ્ધ શૂન્યતાનો પ્રસાર જ વર્તાયા કરે; તો વળી કેટલીક વાર એવા શબ્દોની યોજના કરી હોય કે એમની પારસ્પરિક સન્નિધિ એમની વચ્ચેનું બધું જ કચડી નાંખતી લાગે; કેટલીક વાર શબ્દો રૂપોને એટલી ત્વરિતતાથી ઝબકાવે કે ક્ષણે ક્ષણે એકબીજામાં ભળીને રૂપાન્તર પામતાં એ રૂપોના નિવિર્શેષ સાતત્યનું જ આપણને ભાન રહે. આ તો અભિવ્યક્તિની થોડીક શક્યતાઓ થઈ; એ શક્યતાઓ તો અનન્તવિધ છે. રૂપક અલંકારની કે ઉત્પે્રક્ષા અલંકારની વ્યાખ્યા તો આપણે જાણીએ છીએ. પણ ઉપમાનના ગુણોનું ઉપમેયના પર આરોપણ કરવાની કે પ્રકૃતિની સમ તરીકેની સમ્ભાવના કરવાની શક્યતાઓ અનેકવિધ છે. ‘અહીં ચન્દ્રના ગુણનું આરોપણ મુખના પર થયું છે.’ એટલું કહેવું રસાસ્વાદને માટે પૂરતું નથી; એ આરોપણમાં રહેલા કવિકર્મનું વૈશિષ્ટ્ય, ને એને પરિણામે કાવ્યના કાવ્યત્વને થતો લાભ – આ પણ આપણે જાણવું જોઈએ.

કવિને કોઈ નિમિત્તે કશીક સંવેદના થઈ (એ ઉત્કટ, અસાધારણ, ચમત્કારિક જ હોવી જોઈએ એવું પણ નથી ), એને પરિણામે વ્યવહારમાં એ અમુક કાર્ય કરવા પ્રવૃત્ત થયો; એ કાર્યમાં પ્રવૃત્ત હતો તે દરમિયાન કે એ કાર્ય પૂરું થયા પછી, નિરપેક્ષભાવે તાટસ્થ્યથી, એ સંવેદનના પર એ નજર નાંખે ત્યારે, વ્યક્તિગત પ્રયોજનથી નિરપેક્ષ રહીને સાધેલા આ પ્રકારના abstractionથી, એ સંવેદનનું નવું જ રૂપ એ જોવા પામે છે. એ સંવેદન રસાનુભૂતિનાં પ્રાથમિક બીજાણુ aesthetic monad રૂપે ક્રિયાશીલ બને છે. ચેતનામાં એનો સ્ફોટ થતાં એક વિશિષ્ટ પ્રકારની શક્તિ મુક્ત થાય છે. એને પરિણામે એ બીજાણુનું પંચીકરણ જ નહિ પણ સહસ્રીકરણ થાય છે, એ આ પ્રકારના કે એથી વિરુદ્ધ પ્રકારના પૂરક સમર્પક વિરોધી સંઘર્ષાત્મક – એવાં બીજાં, ચિત્તમાં સ્મૃતિના ધૂંધળા પ્રદેશમાં વિક્ષિપ્ત નિરવયવી રૂપે પડેલાં, કેટલાંય સંવેદનોના મંડળને પોતા તરફ આકર્ષે છે. આ પરિવેશમાં એ મૂળ સંવેદનનું એક નવું જ રૂપ પ્રકટ થાય છે. આ રૂપમાં વ્યાપ્તિ છે, સઘનતા પણ છે; સાદૃશ્ય છે, વિરોધ પણ છે, સંવાદ છે, સંઘર્ષ પણ છે. આ બધાંનો એકી સાથે સાક્ષાત્કાર થાય એ પ્રકારની શક્તિ ભાષામાં એણે ઉપજાવવી પડે છે. કવિ ભાષામાં આ શક્તિ શી રીતે ઉપજાવે છે તે જોવું એ કાવ્યના રસાસ્વાદનું જ એક અંગ છે. કેટલીક વાર એ આ બધી વિરોધી લાગતી વિક્ષિપ્તતાના પ્રસારને ઘનીભૂત કરીને એક સંગીન મૂર્ત કલ્પન ઉપજાવે, ને કાવ્યમાં એનું સંવિધાન એવી રીતે કરે કે કાવ્યની શિરાએ શિરાએ એનું અભિસરણ થતું રહે, તો કેટલીક વાર એ આખા કાવ્યને એક બૃહત્ વ્યાપ્તિમાં અવગાહન કરવાને માટેના બિન્દુ તરીકે યોજે. એવી સ્થિતિમાં કાવ્યનું સમસ્ત દ્વારની જેમ ઊઘડી જઈને પેલી વ્યાપ્તિનો પ્રવેશ કરાવે. આ વ્યાપ્તિનો અનુભવ આપણને આદિ માનવની અર્ધચેતનાવસ્થામાં ઉપજાવેલી આકારોની સૃષ્ટિમાં લઈ જાય અને એ રીતે એક વ્યાપક ભૂમિકા પર આપણી ચેતનાનું અનુસન્ધાન સાધી આપે. આપણે આ બધાંને જ ‘ઇમેજ’ ‘સિમ્બોલ ‘અને ‘મીથ’ને નામે ઓળખાવીએ છીએ. વિસ્તાર છતાં સઘનતા, વ્યાપ્તિ છતાં ઊંડાણ, મૂર્તતા છતાં નમનીયતા (plasticity, mobility)-નો અનુભવ કળામાં જ સિદ્ધ થાય. આ રીતે કળા આપણા અનુભવને જે નવું પરિણામ બક્ષે છે તેના વિના એ અનુભવની ‘વાસ્તવિકતા’ પૂરેપૂરી પ્રકટ ન થાય.

આપણી સંવેદનાની કાચી ધાતુનું આ રીતે થતું રૂપાન્તર આપણને એક અપૂર્વ, અનનુભૂત વસ્તુની લ્હાણ કરે છે. કાવ્યવિવેચનમાં ‘કવિ આ કાવ્યમાં શું કહેવા માગે છે?’ ‘આ કાવ્યનો વિષય શો છે?’ જેવા પ્રશ્નો, આ કારણે, કવિને કે કાવ્યને ન્યાય કરતા નથી. કવિ કશું કહેવા માગતો નથી, એ કશુંક કરવા માગે છે, ને એનું એ કાર્ય તે ભાષાનું પુનવિર્ધાન, ભાષાનો અપૂર્વ વિનિયોગ. આપણે જેને કાવ્યનો વિષય કહીને ઓળખાવીએ છીએ એ તો નજીવું નિમિત્ત છે, કાવ્યનું જીવાતુભૂત તત્ત્વ એ નથી. પણ પરીક્ષામાં વિદ્યાર્થીનું જ્ઞાન માપી શકાય એ માટે કાવ્યને પણ આપણે એ માપના ચોકઠામાં ગોઠવવાનો જુલમ કરીને પૂછીએ છીએ: ‘ફલાણા કાવ્યનો સાર આપો’, ‘અમુક કવિની અમુક કવિતાની વિચારધારા સ્પષ્ટ કરો’, ‘અમુકની કવિતા તત્કાલીન સામાજિક પરિસ્થિતિને કેવી રીતે પ્રતિબિમ્બિત કરે છે તે સ્ફુટ કરો.’ આવા પ્રશ્નો પ્રશ્ન પૂછનારની કાવ્યસૂઝની મર્યાદાના જ દ્યોતક બની રહે છે, ને મેક્લિશે કવિતાના શિક્ષકો સામે કરેલી ફરિયાદને સાચી પાડે છે. વિદ્યાર્થીને છન્દનું જ્ઞાન છે કે નહિ તે જાણવા માટે એમ પૂછવામાં આવે છે: ‘નીચેની પંક્તિઓમાંના છન્દો ઓળખાવો.’ પણ એ પંક્તિમાં પ્રયોજાયેલા છન્દની કાવ્ય પરત્વે ઉપકારકતા કે સમર્પકતા વિશે આપણે પૂછતા નથી. આવી જ રીતે અલંકારોને પણ ‘ઓળખાવવાનું’ જ પૂછવામાં આવે છે.

આવી જ મુશ્કેલી કાવ્યના ‘અર્થ’ની છે. મૂઠીમાં સમાય એવો અર્થ કાવ્યમાંથી તારવીને ભાવક સુધી પહોંચાડી શકાય એવી અપેક્ષા હજુ કવિ પાસે રાખવામાં આવે છે. કાવ્યનો ‘અર્થ’ તો કાવ્ય સમસ્ત જ છે; એ એના અમુક અંશમાં નથી, પણ કાવ્યમાં સર્વત્ર છે. કાવ્યમાં formથી contentનું પૂરેપૂરું નિગરણ થાય છે ને કવિએ રચેલું એ અપૂર્વ રૂપ, કવિનું એ અનોખું સંવિધાન, કાવ્યનો સાચો ‘અર્થ’ છે. એ અર્થ સમૃદ્ધ છે, માટે એમાં એકવાક્યતા ન સમ્ભવે. પણ આ એકવાક્યતાનો અભાવ તે સન્દિગ્ધતાને કારણે નથી, પણ અપરિમેયતાને કારણે છે.

તો કાવ્યોની ઉચ્ચાવચતાનાં ધોરણો શી રીતે નક્કી કરવાં? દરેક સાચું કાવ્ય, પોતાની આગવી રીતે, અદ્વિતીય હોય છે. એને નંબર આપવા માટે બીજી કૃતિ સાથે સરખાવવાની વૃત્તિ થાય છે, પણ કાવ્યાસ્વાદ માટે એ જરૂરી નથી. છતાં કેટલાંક કાવ્યના ઉદાત્ત વિષય કે વ્યાપક ફલકને આવા ધોરણ તરીકે ગણાવે છે. આવાં quantitative ધોરણ અનિવાર્ય નથી. સાચો કવિ એક પંક્તિમાં આપણી અનુભૂતિના પરિમાણને વિસ્તારી દે છે. ઓછામાં ઓછી સામગ્રીના ઉપયોગથી જે કવિ વધુ સિદ્ધ કરે છે, તે ઉચ્ચ કવિ; પોતાની અભિવ્યક્તિના માધ્યમની શક્યતાઓને જે કવિ વધુ પ્રમાણમાં સિદ્ધ કરે છે, તે ઉચ્ચ કવિ; જેને આકાર આપવો અશક્યવત્ છે, તેને સુરેખ આકાર આપવાનું આહ્વાન જે ઝીલે છે, તે ઉચ્ચ કવિ. એવા કવિની બે પંક્તિ પણ મહાકાવ્ય છે, કારણ કે એમાં ભાવજગતના નવા ખણ્ડની શોધનું સાહસ છે. વિશાળ કથાપટ, એનું સંકુલ સંકલન, એની શાખાપ્રશાખા – આ બધી જટાજાળનો શંભુમેળો તે દીર્ઘકાવ્ય બને, અનિવાર્યતયા મહાકાવ્ય ન બને.

આપણો કાવ્યવિવેચક કાવ્ય પાસે કાવ્ય મેળવવા જાય છે કે પછી કાવ્ય વિશેની પોતાની નિશ્ચિત દૃઢ ધારણાની માપપટ્ટીથી એનું માપ કાઢવા જાય છે તે જાણી લેવું જોઈએ. આજકાલ વિવેચનના ઓજારના પર ભાર મૂકવામાં આવે છે, ‘તમારાં ઓજાર બતાવો’ એવો આદેશ થાય છે. પણ વિવેચકનું સૌથી સમર્થ ઓજાર તે અનેક કળાકૃતિના પરિશીલનથી પરિષ્કૃત મુકુરીભૂત રુચિ. એના વિના બીજા બધા જ નિયમોનું જ્ઞાન મિથ્યા બની રહે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે વિવેચકના વિવેચનને પણ કાવ્યના રસાસ્વાદની અપેક્ષા છે. એમ કરવાને બદલે કવિતામાંથી એ મૂલ્યબોધનું વ્યાકરણ શોધી લાવે, આગલી પરમ્પરાના અવશેષોનો ભારો બાંધી લાવે, કવિના જીવન જોડે કવિતાનો સમ્બન્ધ જોડી આપે, કવિતાને તત્કાલીન સામાજિક પરિબળોના સન્દર્ભમાં ગોઠવી આપીને કવિને પ્રગતિશીલ કે પ્રતિક્રિયાવાદી ઠરાવે તો એવા વિવેચકની વિદ્વત્તા, ચતુરાઈ, ધૂર્તતા અચરજ પમાડે; પણ આપણે રસાસ્વાદથી તો દૂરના દૂર જ રહીએ!

કેટલાક કહેશે; ‘કેવળ રસાસ્વાદ? તો તો પછી રસાસ્વાદને નામે તમને સ્વચ્છન્દી બનતાં કોણ અટકાવશે? કવિના મનમાં સ્વપ્નેય નહિ હોય એવું તમે શોધી કાઢો ને તર્કપટુતાથી એને સ્થાપી આપો – એવી અપ્રામાણિકતામાંથી બચી શી રીતે શકાય? કાવ્યને નિમિત્ત બનાવીને રસાસ્વાદને નામે યદૃચ્છાવિહાર કરતાં કોણ અટકાવશે?’ હા, આવા પ્રશ્નો ઉદ્ભવશે. આ ભયસ્થાનોની નોંધ લેવી જ જોઈએ. આનો એક જ જવાબ આપી શકાય: કાવ્ય પોતે જ આવા યદૃચ્છાવિહારને રોકશે, કારણ કે કાવ્ય એ અતન્ત્ર અરાજકતા નથી, એમાં તો એવી અરાજકતામાંથી આસ્વાદક્ષમ રૂપ ઉપજાવવામાં આવ્યું હોય છે. ને કાવ્યનું આ વિધાયક બળ, ઋત જ એને વિશેના સ્વેચ્છાચારને ખોટો ઠરાવશે. કાવ્યને જ કાવ્યવિવેચનનું નિયામક તત્ત્વ બનવા દઈએ તે ઠીક.

આમ જો આપણા વિવેચનની ને કાવ્યની દૃષ્ટોદૃષ્ટ થશે તો એ મંગળ પ્ર્રસંગ બન્નેને માટે એકસરખો ઉપકારક થઈ પડશે. આપણી કવિતાની ઇબારતને, અભિવ્યક્તિના સામર્થ્યને એણે કેવે રૂપે અને કેટલે અંશે સિદ્ધ કર્યું છે એ દૃષ્ટિએ તપાસવાનો પ્રયત્ન થવો ઘટે છે. એ જ રીતે અલંકારયોજનાની પ્રક્રિયાને પણ તપાસવી ઘટે છે. સાથે સાથે ચલણી ઇબારતને રગશિયે ચીલે ચાલતો કવિ અક્ષુણ્ણ માર્ગે અભિવ્યક્તિના નવા સાહસની દિશામાં પદાર્પણ કરે એવું વાતાવરણ પણ રચાશે, આપણું કાવ્યશિક્ષણ પણ સુધરશે, કવિતાના રસાસ્વાદ આડેના અન્તરાયો દૂર થતાં ભાવક અને સર્જક વચ્ચેના સક્રિય પ્રાણમય વિનિમયની શક્યતા ઊભી થશે ને આખી પ્રજાની સંવેદનાને સૂક્ષ્મતા, ઊંડાણ અને વ્યાપકતા લાધશે.