શ્રેષ્ઠ અનિરુદ્ધ/૧૧. ખોવાયેલો ભગવાન: Difference between revisions
(Created page with "{{SetTitle}} <center><big><big>'''૧૧. ખોવાયેલો ભગવાન'''</big></big></center> {{Poem2Open}} બીલીમોરામાં કોલેજ-કૅન્ટીનમાં ઉનાળાની એક સવારે થોડા મિત્રો સાથે વાત કરતો હું બેઠો હતો ત્યાં ટેબલની નીચે કંઈક સળવળાટ થયો ને મારો બૂટ કો...") |
(No difference)
|
Revision as of 02:45, 10 October 2023
બીલીમોરામાં કોલેજ-કૅન્ટીનમાં ઉનાળાની એક સવારે થોડા મિત્રો સાથે વાત કરતો હું બેઠો હતો ત્યાં ટેબલની નીચે કંઈક સળવળાટ થયો ને મારો બૂટ કોઈ હલાવતું હોય એવું લાગ્યું. વાંકો વળીને જોઉં તો નવ-દસ વર્ષનો એક છોકરો હાથમાં બૂટપોલિશનો બ્રશ લઈને બૂટ સાફ કરતો હતો!
‘શું કરે છે?’
‘શાયેબ, બુરાશ મારતો છું.’
‘તને કોણે કહ્યું બુરાશ મારવાનું?’
જાણે કંઈક ગુનો થઈ ગયો હોય એવો ભાવ એના મોં પર આવી ગયો ને એ કંઈ પણ બોલ્યા વિના ટેબલ નીચેથી નીકળીને ઊભો રહ્યો. હસી પડતું મોં પરાણે ગંભીર રાખવા એ પ્રયત્ન કરતો હતો એ હું જોઈ શક્યો. એના ચહેરાની નિર્દોર્ષતા ગમી જાય એવી હતી.
‘ચા પીશે?’
‘પિવડાવવી હોય તો પીવા.’
‘તારું નામ?’
‘ભગલો.’
‘ક્યાં રહે છે?’
‘બંદરે.’
ચા પીધા પછી ફરીવાર ‘બુરાશ’ મારીને એ ‘જાઉં, શાયેબ’ કહેતો દોડ્યો. સિસોટી વગાડતો છૂટ્યો હતો, કૂતરું વછૂટે એમ. ખભે બૂટપોલિશના ડાઘાવાળી મેલી થેલી. એમાં થોડી ડબ્બીઓ ને ‘બુરાશ.’ થોડે દૂર બસ ઊભી રહેલી એમાં કંડક્ટર સાથે કંઈક વાત કરીને એ ચડી ગયો.
બપોરે કોલેજથી ઘેર જવા હું નીકળ્યો ત્યારે રસ્તા પર ચીખલી તરફથી આવતી બસમાં એ પાછો ફર્યો હતો અને ચાલુ બસમાંથી ‘આવજો શાયેબ’ની હસતો હસતો બૂમ મારતો હતો!
પછી થોડા દિવસ સુધી એ દેખાયો નહીં. એક વેળા મારી ચૅમ્બરમાં હું લખતો બેઠો હતો ને એ આવ્યો:
‘સલામ, શાયેબ.’
‘ક્યાં હતો તું?’
‘મુંબઈ ગયેલો ઉતો.’
‘કેમ?’
‘કમાવા.’
‘કેટલું કમાયો?’
‘પંદર રૂપિયા.’
‘ક્યાં ખર્ચ્યા?’
‘માને આઇપા.’
એને નવી મા હતી. બાપ ત્રીજી વાર પરણેલો. ભગુ બીજીનો. ભગુને એની નવી મા સવાર થતાં જ ઘરની બહાર ધકેલે. રાતે પાછો આવે ત્યારે રોજ એણે એક રૂપિયો લઈને આવવાનું. ન લાવે તો માર પડે. ઘરે ખાવાનું નહિ. ટ્રેનોમાં ફેરિયાઓનાં પગરખાં ને હોટેલોમાં માલિક-ગુમાસ્તાઓનાં બૂટ-ચંપલો પોલિશ કરીને પેટનો ખાડો પુરાય એટલું મેળવી લે. કોક’વાર આખો દિવસ ભૂખ્યા રહેવું પડે. આ બધી વાતો સાવ સ્વાભાવિક હોય એવી રીતે એણે મને કરેલી. એનો બાપ એક ટોકીઝ પાસે ભીંતના છાંયડે બેસીને લોકોનાં બૂટ-ચંપલની સિલાઈ કરે.
ગામમાં કોલેજ થઈ એટલે ભગુનું નસીબ ખૂલ્યું. કોલેજનાં છોકરા-છોકરીઓ પાસે રિસેસમાં એ પહોંચી જાય. કો’કવાર બસ-સ્ટૅન્ડ પર પણ પકડે. પાંચ-દસ પૈસા કરતાં કરતાં એનો રૂપિયો તૈયાર થઈ જાય ને વાપરવા જોગ થોડું પરચૂરણ પણ મળી રહે.
એક વેળા હું કંઈક લખવા બેઠેલો ને કોલેજમાં જ થોડું મોડું થઈ ગયું. મને થયું કે હવે તો બસ ઊપડી ગઈ હશે. બીજું કોઈ વાહન ત્યાં મળે નહીં એટલે ચાલી નાખવાનું રહે. પણ બહાર નીકળીને જોઉં તો બસ ઊભી રહેલી ને ભગુ મને હાથ હલાવીને બોલાવે. બસમાં બેઠો ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે, ‘શાયેબ નથી આયા, બસ લેટ કરો’નું બુમરાણ ભગુએ મચાવેલું! ડ્રાઇવર એક પારસીબાવા. અવ્વલકુંવારા. કોલેજની છોકરીઓ તરફ તાકી રહે. બસ દસેક મિનિટ મોડી ઊપડે તો સારું એવું એ ય મનથી ઇચ્છે! પણ ભોળિયો જીવ. ‘બઢાં બેહી ગિયાં, ડીકરા.’ એમ પૂછે પછી હંકારે. ભગુ બાવાની બાજુમાં ગોઠવાઈ જાય. ‘જોવા સરખી જોડી’ એ પ્રેમાનંદની પંક્તિ મને યાદ આવે. બસ ચાલે એટલે ભગુને થતો પ્રાકૃત આનંદ એના ખૂલી ગયેલા મોં પર દેખાય. આગળનો દાંત તૂટી ગયેલો, બાકીના પીળા. શરીરે મેલના થર. બસ રેલવે સ્ટેશને પહોંચે ત્યારે ‘આવજો શાયેબ’ કહીને સિસોટી વગાડતો એ ઊભેલી કોઈ પણ ટ્રેનમાં ચડી જાય. સુરત-વલસાડ વચ્ચે ટ્રેનોમાં ઘરાકી માટેનો એનો ‘એરિયો.’ ઘરમાં ખેંચ પડે ત્યારે નવી મા ભગુને મુંબઈ ‘કમાવા’ મોકલે.
દર શનિવારે બપોરે હું બીલીમોરાથી નવસારી એમ.એ.નો વર્ગ લેવા જાઉં. ભગુ સ્ટેશને મારી રાહ જુએ. ગાડી ઊપડે એટલે ‘ફસ્ટ કિલાસ’માં ચડી આવે. ટિકિટ ચૅકરના બૂટને ‘બુરાશ’ મારે. ચાલુ ટ્રેને જ બીજા ડબ્બામાં પહોંચે. હું સમજાવું પણ ન માને. ક્યારેક ચાલુ ટ્રેને બહાર સળિયો પકડીને લટકતો ઊભો હોય. પછી મેં એની સાથે કડક હાથે કામ લેવા માંડ્યું. કહ્યું કે હવે તને ટ્રેનમાં લટકતો જોઈશ, નાહ્યા વિનાનો આવીશ, દાંત ચોખ્ખા નહિ રાખે તો કોલેજના કંપાઉન્ડમાં પગ નહિ મૂકવા દઉં.
એક વેળા સાંજે હું બંદર પર ફરવા નીકળેલો. સૂરજ આથમવાની તૈયારી. ભગુ નદીના કાંઠે બેસીને શરીર ધૂએ. મને એની તકલીફ સમજાઈ. ગામમાં નળ ત્યારે નહોતા. કૂવેથી ખેંચીને એને કોણ પાણી આપે? એની નવી મા એને ઘરે નાહવાનું પાણી નહિ આપતી હોય. નદીમાં નહાય તો ચડ્ડી પલળે ને બદલવા માટે બીજી ચડ્ડી હોય નહીં; એટલે થીગડિયું ને ફાટેલું ખમીસ કાઢીને શરીરે પાણી ચોપડીને મેલ ઉતારે. મેં ચડ્ડી-ખમીસ એને લાવી આપ્યાં; પણ બીજા દિવસે એના મૂળ લેબાસમાં જ દેખાયો. કહે કે નવી માએ નાના ભાઈ માટે રાખી લીધાં છે! મને થયું કે એના બાપને વાત કરું. ભગુ ગભરાઈ ગયો. કહે કે કહેશો તો મને મારશે. મેં કહ્યું કે તું ઘેર જાય છે જ શા માટે? કહે કે બે દિવસ નહોતો ગયો ને રસ્તે બાપ જોઈ ગયો તે મારીને અધમૂઓ કર્યો. રાત્રે એણે બાપને સિલાઈનાં કામમાં મદદ કરાવાની.
ભગુ ‘પ્રોબ્લેમ ચાઈલ્ડ’ નહોતો. સ્વભાવે સરળ. એની કપરી પરિસ્થિતિ એને મન તો સ્વાભાવિક જ હતી. એથી મને એક તરફથી નિરાંત લાગતી ને બીજી તરફથી દુ:ખ થતું. ચોરી કરવાનું કે ખિસ્સાં કાતરવાનું એ શીખ્યો નહોતો; પણ એક વાર મેં એને મારામારી કરતો જોયો. બીલીમોરાના એસ.ટી. સ્ટૅન્ડે એની ઉંમરના ત્રણ-ચાર બૂટપોલિશવાળા છોકરાઓ ઝનૂનપૂર્વક લડે. ભગુ જીવ પર આવીને ડબ્બીઓ અને બ્રશ ભરેલી થેલી વીંઝે. હું પહોંચ્યો. ફરિયાદના અવાજમાં ભગુ કહે કે પેલો રવલો કહે છે કે સવતંતર પક્ષ જીતશે. તમે જ ક્યો શાયેબ, એ માર ના ખાય?
‘સ્વતંત્ર પક્ષ શું છે?’ મેં પૂછ્યું. એ મોં વકાસીને મારી સામે જોઈ રહ્યો. આ બનાવને થોડા દિવસ વીત્યા હશે ને મેં એને એક સરઘસમાં ‘સ્વતંત્ર પક્ષ ઝિંદાબાદ’ના નારા લગાવતો જોયેલો! એક સાંજે ચીખલીના બસ-સ્ટૅન્ડ પાસે હું ઊભો રહેલો. કોઈ નવું પિક્ચર પડ્યું હશે એની જાહેરાતનાં પાટિયાં ઊંચકીને ઢોલક સાથે સિનેમાનું ગીત ગાતા પાંચેક છોકરાઓ ત્યાંથી પસાર થયા. એમાં ભગુ! ગળાની નસો ખેંચાઈ આવે એટલો અવાજ ખેંચીને એ ગાતો હતો: ‘મેરી નાજુક કલઈયાં મરોડ ગયો રે…’ હાથમાં પાટિયું ઊંચકેલું. મને જોઈને દોડતો આવ્યો: ‘ટુરિંગમાં આજ પિચ્ચર જોવા મલહે.’ પાછો ટોળીમાં ભળી ગયો. બરાબર છોકરી જેવો તીણો રાગ કાઢીને ગાય.
એક બપોરે કોલેજમાંથી રસ્તા પર આવીને બસની રાહ જોતો હું ઊભો રહેલો. વિદ્યાર્થીઓને છૂટવાની દસ-પંદર મિનિટની વાર હતી. ભગુ બાજુની એક વાડીમાંથી ફૂટી નીકળ્યો. ‘બુરાશ મારવા ગયો હતો?’ના ઉત્તરમાં એણે ચડ્ડીના ખિસ્સામાંથી બે ચીકુ કાઢીને બતાવ્યાં. એક પારસી કુટુંબની વાડીમાં ખોદકામ કરવા પણ એ જાય. ચીકુ એની ચડ્ડીમાં સેરવીને એ મૂંગો મૂંગો ઊભો રહ્યો. મારી સામે જુએ પણ બોલી ન શકે. મેં પૂછ્યું: ‘પૈસા જોઈએ છે?’ ઉત્તરમાં એણે ડોકું હલાવી ‘ના’ કહી. પછી હિંમત એકઠી કરીને એણે પૂછ્યું: ‘શાયેબ, તમારે બેનને ચિઠ્ઠી મોકલવી હોય તો કહેજો.’ હું ચોંક્યો. ‘કયાં બહેન?’
‘કોંક તો ઓહે ને?’
હું ખડખડાટ હસી પડ્યો, ‘તું કેટલાની ચિઠ્ઠીઓ પહોંચાડે છે?’
‘બઉ બઢાની.’
‘તોય…’
‘કોલેજિયા તો બઉ પૈહા આલે.’
બસ આવી એટલે અમારી વાત ત્યાં અટકી.
એક વહેલી સવારે હું વાંચતો હતો ને બહારથી અવાજ આવ્યો:
‘શાય…બ…’ મેં બારણું ખોલ્યું. ભગુ બૂટને ‘બુરાશ’ મારવા બેસી ગયો. પછી સ્લેટપેન લઈને એકડો ઘૂંટે. થોડા દિવસમાં તો વાંચતાં શીખી ગયો. પછી મેં બીલીમોરા છોડ્યું. પાંચેક વર્ષ પછી એક સાંજે સુરત સ્ટેશને એનો ભેટો થઈ ગયો.
‘અહીં ક્યાંથી?’
‘હવે હુરેટ રઉ.’
‘મા-બાપ અહીં રહેવા આવ્યાં?’
‘ના. છૂટો થઈ ગિયો.’
‘બાપ મારતો નથી?’
‘એક વાર આવલો. મેં એવી તો ફેંટ મારી કે પછી ની દેખાયો.’
ભગુ મોટો થઈ ગયો હતો. પગમાં ટાયરનાં ચંપલને બદલે ચામડાનાં હતાં. ખભે થેલી નહોતી. બાજુમાં એક છોકરી ઊભેલી. દસબાર વર્ષની હશે. કોઈકે એનું શરીર બાળપણમાં જ વિકસાવી મૂકેલું. મોં પર શીળીનાં ચાઠાં. વાન શ્યામ.
‘આ કોણ?’
‘શાડી કીઢી.’
‘ક્યારે?’
‘પાંચ દી થિયા.’
‘ક્યાં રહો છો બન્ને જણાં?’
‘આના બાપને ઝૂંપડે.’
‘માણસ સારો હશે.’
‘મઈને ચાલી રૂપિયા આપટો છું.’
‘ધંધો?’
‘અંઈ ટેશનની શાંભે જ જગા મલી. દુકાન શારી ચાલટી છે.’ વાતમાંથી મને સમજાયું કે દુકાન એટલે ફૂટપાથ પર મૂકેલી બૂટપોલિશની પેટી!
‘ક્યાં જશો?’
‘નહારી. આશાપુરીની બાઢા રાખેલી.’
એ વાતને વર્ષેક થયું હશે. હું સુરત સ્ટેશને ઊતરીને એક વાર ભગુની ‘દુકાન’ જોવા ગયો. બે-ત્રણ બૂટપોલિશવાળાઓને પૂછ્યું તો કહે કે ભગલો હવે અહીં નથી રહેતો. એની વહુ કો’ક ટ્રક-ડ્રાઇવર સાથે ભાગી ગઈ અને એ નસીબ અજમાવવા મુંબઈ ગયો છે. મુંબઈ જાઉં ત્યારે વિચાર આવે કે ભગલો ભગવાનદાસ બનીને મને ક્યાંક દેખાશે; પણ એ દેખાયો જ નથી. મહાનગરમાં ભગવાન ક્યાંક ખોવાઈ ગયો છે એવું કહું છું ત્યારે મિત્રો બીજો ભગવાન સમજે છે!