એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/૮. વસ્તુની એકતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:31, 19 October 2023

૮. વસ્તુની એકતા

કેટલાક લોકો માને છે તે મુજબ વસ્તુની એકતા નાયકની એકતામાં અંતનિર્હિત નથી. એનું કારણ એ છે કે એક માનવીના જીવનમાં અગણિત વૈવિધ્યસભર બનાવો બનતા હોય છે જેમને એકતામાં ઢાળી ન શકાય,અને એ રીતે એક માનવીની અનેક ક્રિયાઓ હોય છે જેમાંથી આપણે એક ક્રિયા ઉપજાવી શકીએ નહિ. તેથી એકાદ ‘હેરાક્લેઇડ’, એકાદ ‘થેસેઇડ’ કે એવાં બીજાં કાવ્યોના સર્જકોએ આવી ભૂલ કરી હોવાનું જણાઈ આવે છે. તેઓ એમ માને છે કે હેરાક્લિસ એક માનવી હતો માટે હેરાક્લિસની કથામાં પણ એકતા હોવાની જ. પણ હોમર, જેમ બીજી બધી બાબતોમાં સર્વોપરી ગુણવત્તા પ્રદશિર્ત કરે છે તેમ,અહીં પણ કલા વડે કે નૈસગિર્ક પ્રતિભા વડે સત્યને લીલયા અવતારતો જણાય છે. ‘ઓડિસી’ના રચનાવિધાનમાં એણે ઓડિસિયસનાં બધાં જ સાહસોનો સમાવેશ કર્યો નથી. પાર્નેસસ પણ ઓડિસિયસને થયેલો ઘા અથવા સૈનિકોની જમાવટને કારણે એણે ધારણ કરેલું પાગલપણું જેવા બનાવો – જેમની વચ્ચે અનિવાર્ય કે સંભવિત સંબંધ જ ન હતો – એણે છોડી દીધા છે. પણ આપણે જેને ‘એક’ સમજીએ છીએ તેવા કાર્યની આજુબાજુ એણે ‘ઓડિસી’ની અને તે જ રીતે ‘ઇલિયડ’ની રચના કરી. આથી, જેવી રીતે અન્ય અનુકરણાત્મક કલાઓમાં અનુકાર્ય પદાર્થના એક હોવા પર અનુકરણ પણ એક હોય છે. તેવી રીતે કાર્યનું અનુકરણ કરનાર વસ્તુએ એક અને સમગ્ર ક્રિયાનું અનુકરણ કરવું જોઈએ, અને તેમાં અંશોનું ગ્રથન એની એકતાવાળું હોવું જોઈએ કે જો તેમાંનો એકાદ અંશ પણ આઘોપાછો કરવામાં આવે કે દૂર કરવામાં આવે તો આખું વસ્તુ અસ્તવ્યસ્ત થાય અને તેને હાનિ પહોંચે. આનું કારણ એ છે કે જેની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિ કોઈ સ્પષ્ટ તફાવત દર્શાવતી નથી તે સમગ્રનો કોઈ જીવંત અંશ ન હોઈ શકે.