એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/૨૨. ઇબારત અને શૈલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:58, 19 October 2023

‘કાવ્યશાસ્ત્ર’ : એક ભૂમિકા
૨૨. ઇબારત અને શૈલી

ક્ષુદ્ર બન્યા વિના પ્રાસાદિક હોવું તે શૈલીની પૂર્ણતા છે. જેમાં માત્ર રૂઢ અને વાચ્યાર્થક શબ્દો જ પ્રયોજવામાં આવે તે સ્પષ્ટતમ શૈલી છે, પણ તે સાથે જ તે ક્ષુદ્ર છે : ક્લિઓફોન અને સ્થેનેલસની કવિતા જુઓ. આથી ઊલટું, જે ઇબારત અસામાન્ય શબ્દો ઉપયોગમાં લે છે તે ઉદાત્ત અને સામાન્યતાથી ઊંચી કક્ષાની છે. અસામાન્ય એટલે અરૂઢ (કે વિરલ) શબ્દો, રૂપાત્મક, અને વિસ્તારિત. ટૂંકમાં, એવા શબ્દો જે સામાન્ય વાક્પ્રયોગથી ભિન્ન હોય. પણ માત્ર આવા જ શબ્દોથી રચાયેલી શૈલી કાં તો પ્રહેલિકા બની રહે, કાં તો શબ્દજાળ. જો તેમાં રૂપકો હોય તો પ્રહેલિકા બને. જો અરૂઢ (કે વિરલ) શબ્દોની જ રચના હોય તો શબ્દજાળ. અશક્ય સંયોજનોના ઓઠા નીચે સાચી હકીકતો વ્યક્ત કરવી તે પ્રહેલિકાનું પ્રયોજન છે. સામાન્ય શબ્દોની કોઈ પણ રચનાયુક્તિથી આ થઈ શકે નહિ પણ રૂપકના ઉપયોગથી થઈ શકે. આ પ્રહેલિકા કહેવાય: “મેં એક માણસને જોયો જેણે બીજા માણસ પર અગ્નિની મદદથી કાંસુ ચીપકાવ્યું,” અને આ પ્રકારની અન્ય રચનાઓ. અરૂઢ (કે વિરલ) શબ્દોથી રચાયેલી ઇબારત તે શબ્દજાળ. અરૂઢ (કે વિરલ) શબ્દોથી રચાયેલી ઇબારત તે શબ્દજાળ. આવાં તત્ત્વોનો થોડોક અંતર્ભાવ શૈલીમાં જરૂરી છે;કારણ કે અરૂઢ (કે વિરલ) શબ્દ, રૂપાત્મક, આલંકારિક અને ઉપર દર્શાવેલા બીજા શબ્દપ્રકારો શૈલીને સામાન્યતામાંથી અને ક્ષુદ્રતામાંથી ઊંચે ઉઠાવશે, જ્યારે વાચ્યાર્થક શબ્દોનો પ્રયોગ એને પ્રાસાદિક બનાવશે. પણ સામાન્યતાથી દૂર એવી ઇબારતની પ્રાસાદિકતા સિદ્ધ કરવામાં શબ્દોની વિસ્તારિતતા, સંકુચિતતા અને પરિવતિર્તતા જેટલો ફાળો આપી શકશે તેટલો ફાળો અન્ય કોઈ નહિ આપી શકે. એનું કારણ એ છે કે અપવાદરૂપ પ્રસંગોએ સામાન્ય વાક્પ્રયોગથી દૂર જવામાં ભાષા વિશેષતા સિદ્ધ કરે છે; જ્યારે, તેની સાથોસાથ,વાક્વ્યવહાર સાથેની આંશિક એકરૂપતા એને પ્રાસાદિકતા અર્પે છે. એટલે જે વિવેચકો ભાષા વિશેની આવી નિરંકુશતાને નિંદે છે અને લેખકનો ઉપહાસ કરે છે તેઓ ભૂલ કરે છે. આથી વડીલ એવા યુક્લીઇડસે1કહેલું કે જો તમે અક્ષરોને ઇચ્છાનુસાર વિસ્તારી શકો તો કવિ બનવું સહેલું હશે. પોતાની ઇબારતના રૂપમાં જ એણે આવા પ્રયોગની વિડંબના કરેલી છે. જેમ કે,આ પંક્તિમાં –

Epichares eidon Marathonade badizonta, [મેરેથોન તરફ ચાલતા જતા એપિકેરિસને મેં જોયો.]

અથવા

Ouk an g’ eramenos ton ekeinou elleboron.2

   યુકલીડ. – જુઓ બાયવોટર અને કૂપર.
   પાઠ અશુદ્ધ. જુઓ કૂપર. આ પંક્તિઓને યુક્લિડે પદ્યરૂપમાં વાંચેલી અને વિડંબના કરેલી.

આવી નિરંકુશતાનો નિવિર્વેક ઉપયોગ કરવો તે નિ:શંક વિદ્રૂપતા છે. કાવ્યઇબારતના કોઈ પણ પ્રકારમાં મઠારવાની ક્રિયા તો થવી જ જોઈએ. રૂપકો, અરૂઢ (કે વિરલ) શબ્દો કે ભાષાનાં એવાં બીજાં રૂપો પણ, જો તેમનો ઉપયોગ ઔચિત્ય વિના અને હાસ્યાસ્પદ બનવાના ઉઘાડા હેતુથી જ થાય તો, એનું પરિણામ પણ આવું જ લઈ આવે. વિસ્તૃતીકરણના ઔચિત્યપૂર્વકના ઉપયોગથી કેવો મોટો તફાવત પડે છે તે મહાકાવ્યના પદ્યમાં શબ્દોના સામાન્ય રૂપોના અંતર્ભાવથી જોવા મળશે. આ રીતે,જો આપણે અરૂઢ (કે વિરલ) શબ્દ, રૂપક કે અભિવ્યક્તિનો આવો કોઈ પણ પ્રકાર લઈએ અને એને બદલે રૂઢ કે વાચ્યાર્થક સંજ્ઞા પ્રયોજી જોઈએ તો આપણા નિરીક્ષણમાં રહેલું સત્ય છતું થશે. ઉદાહરણ તરીકે, એસ્કાઈલસ અને યુરિપિડિસ બંનેએ એક જ લઘુ-ગુરુ-દ્વિમાત્રિક પંક્તિ રચી. આ યુરુપિડિસ માત્ર એક જ શબ્દ બદલીને, સામાન્યને સ્થાને વિરલતર શબ્દનો પ્રયોગ કરીને, એક પદ્યરચનાને સુંદર અને બીજીને સામાન્ય બનાવી મૂકે છે. એના ‘ફાઈલોક્ટેટિસ’માં એસ્કાઈલસ કહે છે –

Phagedaina <d’> hemou sarkasesthiei podos

[ગૂમડું ખાઈ રહ્યું છે મારાં ચરણોનું માંસ] યુરિપિડિસ ‘esthiei (ખાઈ રહ્યું છે)ની જગાએ thoinatai (મિજબાની માણતું)નો પ્રયોગ કરે છે. એ જ રીતે આ પંક્તિમાં –

nun de m’eon o’ligos te kai outidanos kai aeikes,

(તો, હવે વામન, મૂલ્યવિહીન માનવ, કમનસીબ.) અને હવે સામાન્ય શબ્દોનો પ્રયોગ કરીને એને કોઈ ઉચ્ચારતું હોય તે કલ્પી જુઓ –

nun de m’eon mikros te kai ‘asehenikos kai ‘deides,

(જુઓ, હવે ઠીંગુજી,નિર્બળ અને કમનસીબ.) અથવા તો આ પંક્તિ –

diphron ‘aeikelion kaththeis ‘oligen te tripezan,

(એને માટે મૂકવામાં આવ્યાં હોય ગમગીન પાટલી અને દુર્બળ મેજ.)

અને તે આ પ્રમાણે વાંચવામાં આવે –

diphron mochtheron katatheis mikran te trapezan,

[અને તેને માટે લાવવામાં આવ્યાં એક હલકી પાટલી અને નાનકડું મેજ]

સામાન્ય વાગ્વ્યવહારમાં કોઈ ન પ્રયોજે એવા શબ્દગુચ્છોનો ઉપયોગ કરવા માટે કરુણિકાકારોની એરિફ્રેડિસે હાંસી ઉડાવી છે. ઉદાહરણરૂપે, ‘apo domaton (ઘરથી દૂર)ની જગાએ domaton ‘apo (દૂર ઘરથી) Peri ‘Achilleos (એકિલિસની ચારે તરફ)ને બદલે ‘Achilleos peri (ચારે તરફ એકિલિસની), sethen (તારો), ‘ego de’ autenની જગાએ ‘ego de nin વગેરે. આવા શબ્દગુચ્છો ખાસ કરીને પ્રચલિત ઉક્તિઓના ભાગરૂપ ન હોવાને લીધે શૈલીને વિશેષતા અર્પે છે, આ તથ્ય તેની નજરમાં ન આવ્યું.

અભિવ્યક્તિની આ વિભિન્ન રીતોમાં અને તે જ પ્રમાણે સામાસિક તેમજ અરૂઢ (કે વિરલ) શબ્દો વગેરેમાં ઔચિત્યની જાળવણી એ મોટી વસ્તુ છે. પણ સૌથી વધુ મહત્ત્વની વસ્તુ તો છે રૂપક પરનો કાબૂ. આ એવો ગુણ છે જેનું ઉપાર્જન અન્યની મદદથી ન થઈ શકે. પ્રતિભાનું તે લક્ષણ છે. કારણ કે ઉત્કૃષ્ટ રૂપકોના નિર્માણમાં સાધર્મ્ય શોધનારી દૃષ્ટિ અભિપ્રેત હોય છે.

વિભિન્ન પ્રકારોના શબ્દો પૈકી સામાસિક શબ્દો રૌદ્રકાવ્યમાં, વિરલ શબ્દો વીરકવિતામાં અને રૂપકો લઘુ-ગુરુ-દ્વિમાત્રિક રચનાઓમાં સૌથી વધુ ઉપયુક્ત રીતે પ્રયોજાય છે. વીરકવિતામાં ખરેખર તો આ બધા જ પ્રકારો ઉપયોગી નીવડે છે. પણ લઘુ-ગુરુ-દ્વિમાત્રિક પદ્યમાં, તે મહદંશે બોલચાલની ભાષાને રજૂ કરતું હોવાથી, તેવા શબ્દોનો ઉપયોગ સૌથી વધુ ઉચિત હોય છે જે શબ્દો ગદ્યમાં પણ પ્રયોજાતા હોય. આ શબ્દો છે રૂઢ અથવા ઉપયુક્ત, રૂપકાત્મક અને આલંકારિક.

કરુણિકા વિશે અને ક્રિયા દ્વારા થતા અનુકરણ વિશે આટલું પૂરતું ગણાશે.