છિન્નપત્ર/૧૯: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯| સુરેશ જોષી}} {{Poem2Open}} થોડુંક ગાઢ અરણ્ય, થોડી હિંસકતા કદાચ દ...") |
(No difference)
|
Revision as of 07:26, 30 June 2021
સુરેશ જોષી
થોડુંક ગાઢ અરણ્ય, થોડી હિંસકતા કદાચ દરેક સ્ત્રી ઝંખે છે. વૈદર્ભીની જેમ દરેક નારી પુરુષની પ્રબળ વાસનાના ગાઢ અરણ્યમાં એકાદ વાર તો ભૂલી પડવા ઇચ્છે છે. કર્કોટકના જેવી એ વાસના એને ગળી જાય એવી ક્ષણ પણ આવી જાય છે; મોહનિદ્રામાં એનું અર્ધું વસ્ત્ર પણ હરાઈ જાય છે. પણ માલા, એકાન્તનું પણ અરણ્ય હોય છે, કદાચ વાસનાથી વધુ ગાઢું; શૂન્યને દાંત હોય છે, કદાચ વધુ ઝેરી. કોઈક વાર ‘હં’ જેવા નાના ઉદ્ગાર માત્રથી એમાંથી ઊગરી જવાય છે.
જુહુને કાંઠે ધૂંધળી સાંજના ઝાંખા અન્ધકારમાં તું તારી આકૃતિની વિશિષ્ટતાનો લગભગ લોપ કરીને ચાલતી હતી. એકાએક વધુ ભીની રેતીમાં પગ ઊંડે ઊતરી જવાથી તેં મારા હાથનો આધાર લીધો હતો, પછી થોડી વાર સુધી તું મારો હાથ પકડીને જ ચાલી હતી. તું કશુંક બોલ્યે જતી હતી. એ શબ્દોને હું ઝીલવા જેટલો પણ સભાન થવા ઇચ્છતો જ નહોતો; ને છતાં હું જાણતો હતો કે એ સાંજનું ધૂંધળાપણું, સમુદ્રનું ગર્જન,નારિયેળીનો પર્ણમર્મર – આ બધાંની આડશે તું જે કહી રહી હતી તે સાવ પ્રાસંગિક તો નહોતું જ, એ છતાં એને લોભથી મારે સાંભળવું નહોતું. કદાચ તેં બીજી ક્ષણે કશુંક પૂછ્યું હોત તો એનો જવાબ હું આપી શક્યો ન હોત. એ રીતે પકડાઈ જવાનું પણ મને ગમ્યું હોત. પણ તું કદાચ તારી જોડે જ વાત કરી રહી હતી. હું તો કેવળ નિમિત્તરૂપ હતો. પણ લીલા કહે છે કે આ જ મારી ભૂલ છે. ખરે પ્રસંગે જ અનુપસ્થિત રહેવાનો મારો સ્વભાવ જ આ બધાં માટે જવાબદાર છે. માટે જ તો આજે આપણા પ્રેમને સાથે છાપરું નથી, બંધ બારણાં પાછળનું વિશ્રમ્ભપૂર્વકનું એકાન્ત નથી, એનો અન્ધકાર પણ એનો પોતાનો નથી. હું ચિડાઈને કહું છું; ‘નથી, નથી, નથી. વારુ, પછી શું?’ એ હસીને કહે છે: ‘નથી પછી તો આવે પૂર્ણવિરામ, એટલે કે શૂન્ય!’ હું કહું છું: ‘પૂર્ણવિરામ જ શા માટે? પ્રશ્નાર્થ પણ આવે.’ એ હસીને કહે છે: ‘વ્યાકરણનું જ્ઞાન હંમેશાં પ્રેમને ઉપકારક નીવડતું નથી.’ હું સ્વસ્થ હોવાનો ડોળ કરવાને કારણે જ કંઈક બરડ ને કર્કશ અવાજે કહું છું: ‘આ પ્રેમ તે શી બલા છે? એકની પાછળ બીજાને ખેંચ્યા કરવાની (ને મહત્ત્વાકાંક્ષા તો જન્મોજન્મ સુધી ખેંચવાની!) ને ખેંચાખેંચીનું સામાજિક પ્રદર્શન કરવાની દાનત છતાં બહારથી એને અત્યન્ત ગુપ્ત રાખવાની બાલિશ રમત કે બીજું કાંઈ?’ આ સાંભળીને લીલા જાણે પ્રાણીબાગના કોઈ વિલક્ષણ પ્રાણીને જોતી હોય તેમ મારી સામે જોઈ રહે છે. કદાચ એના મુખ પર આછી વેદનાનો ભાવ છે. એ મને જાણે ઢંઢોળીને જગાડતી હોય તેમ મારા બંને ખભા હલાવી મૂકે છે. જોઉં છું તો એની આંખનાં અણિયાળાં ભીનાં છે. મને જાણે આટલાથી સન્તોષ ન થયો હોય તેમ હું આગળ ચલાવું છું: ‘પ્રેમની પાછળ જ પીછો પકડીને દોડતી હોય છે ઈર્ષ્યા, ને જોતજોતાંમાં ઈર્ષ્યાના આંધળા કૂવામાં પટકીને પ્રેમ મરવા પડે છે.’