છિન્નપત્ર/૨૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧| સુરેશ જોષી}} {{Poem2Open}} તો અમલ પરણશે? કોણ છે એ સ્વાતિ? મેં એને જ...")
(No difference)

Revision as of 07:30, 30 June 2021


૨૧

સુરેશ જોષી

તો અમલ પરણશે? કોણ છે એ સ્વાતિ? મેં એને જોઈ છે ખરી? લીલા મને તારી ચિન્તા કરવાનું કહે છે. અમલના આ નિર્ણયથી તને દુ:ખ થયું હશે તે જાણું છું. એ દુ:ખ જોડે તું થોડું એકાન્ત સેવે તે જરૂરી છે. લીલા એ સમજતી નથી. આપણે બધું સહજ રાખવા મથીએ છીએ જેથી ક્યાંય કશું તંગ નહિ બને, પણ સહજ રહેવાના આ પ્રયત્નોનો જ શ્રમ આપણને કેવો થકવી નાખે છે! મને અમલ માટે સદ્ભાવ છે – પરાણે કેળવેલો નહીં, પણ સાચો. તારું એના તરફનું અનુકૂળ વલણ જાણીને મને દુ:ખ થયું હતું, પણ હૃદયની સાચી પ્રાર્થના તો આ જ હતી: અમલના પ્રેમમાં તને બધું જ પ્રાપ્ત થાઓ. પણ સાથે એય હું જાણતો હતો કે અમલ મને તિરસ્કારે એ તને રુચતું નહોતું ને છતાં તું અમલથી સહેજ પણ અળગી થવા ઇચ્છતી નહોતી. ને અરુણ? ઘણી વાર તું અરુણનાં વખાણ કરતાં થાકતી નથી. જો તને એથી સુખ થતું હોય તો મને એનો કશો વાંધો નથી. પણ તું મારા પર રોષે ભરાય છે: ‘તમે તો જાણે કોઈ વાર્તાના પાત્રને તપાસતા હો તેમ બધાંને તપાસો છો; ને એ બધું પૃથક્કકરણ સાચું જ હોય છે? માનવતાને કોરે મૂકીને –’ હું તને બહુ નિષ્ઠુર લાગું છું. આથી જ તો તારી આજ્ઞા પછી હું તને અમલ વિશે નથી પૂછતો, અરુણ વિશે નથી પૂછતો. પણ માલા, તારા પત્રમાંથી આ પંક્તિઓનો શો અર્થ કરવો? ‘મ્લાન ચન્દ્રને તાકી રહેવાનું મને ગમે છે કારણ કે હું પણ વેદનાથી મ્લાન થતી જાઉં છું. બાળપણમાં સંતાકૂકડી રમતાં ત્યારે ‘એન ઘેન દીવા ઘેન તારા મનમાં કોણ?’ એના જવાબમાં તું મારું જ નામ દઈ દેતો, ને કેટલી બધી વાર એ ખોટું પડતું? શું તું મારા સ્પર્શને ઓળખતો નહોતો? પણ કદાચ સ્પર્શને જુદા પાડીને ઓળખવાની એ વય નહોતી. પણ એક પાનખરે પાંદડાં ખરી ગયા પછી વસન્તનું આગમન થતાં આપણા સમ્બન્ધનું નામ પાડીને તેં મારા કાનમાં કહી દીધું. બસ, ત્યારથી આંસુના સાત સાત ખારા સમુદ્રમાં હું મીઠાની પૂતળીની જેમ ઓગળતી જાઉં છું.’

એ સાત સાગર ઉલેચી નાખવાનું મારું ગજું નથી; પણ તને આપણી વચ્ચે સાત સાગરનું અન્તર જ પસંદ હોય તો સાત સાગરની ભરતીના ઉધામા પણ તારે સહન કરવા પડશે. એ સાગરના જુવાળ એની ઉન્મત્તતાથી તને સ્પર્શે ત્યારે એમાં મારી ઉન્મત્તતાનો સ્પર્શ પણ રહ્યો હશે. આંસુનું સરોવર બને, પણ તને સાત સાગરના કોડ છે. એમાં હું વડવાનલ થઈને સળગી ઊઠું તો?